આ મંદિરના દર્શનાર્થે આવેલા વ્યક્તિની દરેક મનોકામના થાય છે પૂરી…. નવદંપત્તિ ખાસ કરે છે દર્શન

મનાલીમાં આવેલું છે માતા હિડિંબાનું મંદિર. મનાલી ફરવા જતા પ્રવાસીઓ એકવાર તો માતાના ચરણોમાં માથું નમાવે જ છે. આ મંદિર દેવદારના જંગલ વચ્ચે આવેલું છે, જેનું નિર્માણ 1553માં કુલ્લૂના રાજાએ કરાવ્યું હતું. આ મંદિરમાં માતા હિડિંબાની ચરણપાદુકાની પૂજા થાય છે. વર્ષો પહેલા આ મંદિરમાં પશુ બલીની પ્રથા હતા પરંતુ હવે આ પ્રથા બંધ કરવામાં આવી છે. જો કે આ મંદિરની દિવાલો પર અનેક પશુના શિંગડા લગાડેલા જોવા મળે છે.

પગોડા શૈલીના આ મંદિરની ખાસિયત છે તે લાકડાથી બનેલું છે અને તેની ચાર છત છે. ચારમાંથી ત્રણ છત દેવદારની લાકડામાંથી બનાવામાં આવી છે જ્યારે ચોથી છત તાંબા તેમજ પિત્તળમાંથી બનેલી છે. મંદિરની ચાર છત ચડતાક્રમમાં બનાવામાં આવી છે અને મંદિરની દિવાલ પથ્થરની બનેલી છે. મંદિરના પ્રવેશ દ્વાર પર સુંદર નકસીકામ કરવામાં આવ્યું છે. મંદિરમાં અંદર એક શિલા છે જેને દેવીનો વિગ્રહ માની પૂજવામાં આવે છે. દર વર્ષે જેઠ માસમાં અહીં મોટો મેળો ભરાય છે.

હિડિંબા એક રાક્ષસી હતી જેના ભાઈ હિડંબનું રાજ મનાલી અને તેની આસપાસના વિસ્તારમાં હતું. હિડિંબાએ પાંડવોમાંથી સૌથી વધારે શક્તિશાળી એવા ભીમ સાથે લગ્ન કર્યા હતા. હિડિંબાએ પ્રણ લીધું હતું કે જે તેના ભાઈને યુદ્ધમાં હરાવશે તેની સાથે તે લગ્ન કરશે. જ્યારે પાંડવો અજ્ઞાતવાસમાં હતા ત્યારે તેઓ મનાલીના આ જંગલમાં પહોંચ્યા અને તે સમયે ભીમ અને હિડિંબ વચ્ચે યુદ્ધ થયું જેમાં ભીમનો વિજય થયો. હિડિંબાએ ભીમ સાથે લગ્ન કર્યા અને લગ્ન થતાં જ હિડિંબા રાક્ષસીમાંથી માનવ અવતારમાં આવી ગઈ.

વર્ષો પછી એક કુંભારને ત્યાં કામ કરતાં વિહંગમ નામના વ્યક્તિને હિડિંબાએ સ્વપ્નમાં આવી અને કુલ્લૂનો રાજા બનવાના આશીર્વાદ આપ્યા. આ આશીર્વાદના પરીણામે વિહંગમદાસએ અહીંના અત્યાચારી રાજાનો અંત કર્યો અને રાજગાદી સંભાળી ત્યારબાદ તેણે અહીં હિડિંબાના મંદિરનું નિર્માણ કરાવ્યું. માન્યતા છે કે આ મંદિરમાં આવનાર દરેક શખ્સની ઈચ્છા પૂરી થાય છે. મનાલી ફરવા આવેલા યુગલ પણ અહીં દર્શન કરવા ખાસ આવે છે.

લેખન.સંકલન : યશ મોદી