ચમત્કારી છે આ જૈન તીર્થસ્થળ, દેશ-વિદેશથી લોકો આવે છે દર્શનાર્થે

ભારતમાં અનેક તીર્થસ્થળ છે. આ દરેક તીર્થસ્થળનું અનેરું મહત્વ છે. તેમાંથી કેટલાક તીર્થસ્થળ એવા છે કે જ્યાં અનેક ચમત્કાર જોવા મળે છે. આજે આવા જ એક ચમત્કારી તીર્થસ્થળ વિશે તમને જાણકારી મળશે. આ તીર્થસ્થાન એક પર્વત પર છે જ્યાં કેસર અને ચંદનનો વરસાદ થાય છે. આ વરસાદના દ્રશ્ય જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે. આ તીર્થસ્થળ છે મુક્તાગિરી.

મુક્તાગિરી શહેર તેની સુંદરતા, રમણીયતા અને ધાર્મિક પ્રભાવના કારણે પ્રખ્યાત છે. તેમાં પણ અહીં થતા કેસર અને ચંદનના વરસાદની ચર્ચાઓ વિદેશમાં પણ છે. અહીં દિગંબર જૈન સંપ્રદાયના 52 મંદિર છે. અહીં ભગવાન પાશર્વનાથજીનું મંદિર પણ સ્થાપિત છે. આ મંદિર મધ્યપ્રદેશના બૈતુલ જિલ્લામાં આવેલું છે.

આ મંદિરમાં સ્થાપિત ભગવાન પાર્શ્વનાથની સપ્તફણિક પ્રતિમા શિલ્પકલાનો બેજોડ નમૂનો છે. અહીં આવેલું માનસ્તંભ મનને શાંતિ અને સુખ પ્રદાન કરે છે. જે પ્રવાસી અહીં આવે છે તે માનસિક શાંતિ અનુભવે છે. આ મંદિરની મુલાકાતે દેશ-વિદેશમાં વસતાં જૈન ધર્મના જ નહીં અન્ય ધર્મના લોકો પણ મોટી સંખ્યામાં આવે છે. આ મંદિર સાથે એક પૌરાણિક કથા જોડાયેલી છે જે આ મુજબ છે.

1000 વર્ષ પહેલા મુનિરાજ ધ્યાનમાં બેઠા હતા અને એક દેડકો પર્વતની ટોચ પરથી જમીન પર પટકાયો. દેડકાના કાનમાં મુનિરાજએ મંત્રોચ્ચાર કર્યા અને તે મૃત્યોપરાંત સ્વર્ગમાં ગયો. આ ઘટના જે દિવસે બની તે દિવસે અહીં કેસર અને ચંદનની વર્ષા થઈ હતી. લોકમાન્યતા છે કે આ દિવસથી દર વર્ષે અષ્ટમી અને ચૌદસની તિથિ પર અહીં ચંદન અને કેસર વરસે છે. આ પર્વતને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. આ પર્વત પર 52 અને પર્વતની તળેટીમાં 2 મંદિર આવેલા છે. અહીંના મોટાભાગના મંદિર 16મી સદીના છે. દર્શનાર્થીઓ દર્શન કરવા માટે 250 દાદર ચઢવા પડે છે.

લેખન.સંકલન : યશ મોદી