ફરાળી શિંગ બટેટાની પેટીશ – હવે જયારે પણ ઉપવાસની કોઈપણ વાનગી બનાવવાનું વિચારો તો આ વાનગી જરૂર બનાવજો..

ફરાળી શિંગ બટેટાની પેટીશ :

વ્રતના ઉપવાસ માટે ફરાળમાં લેવામાં આવતી બટેટાની વાનગીઓમાં પેટીશ બધાની હોટ ફેવરીટ છે. નાના બાળકોથી માંડીને મોટા સુધીના બધાને ખૂબજ ભાવે છે. પેટીશ રેસ્ટોરંટમાં તેમજ ધર્મિક ઉત્સવોના સમયે સ્ટ્રીટ ફુડ તરીકે પણ મળતી હોય છે. તો ઘરે ગૃહિણીઓ પણ બનાવતા હોય છે. બધા પોત પોતાના ટેસ્ટ મુજબ જુદી જુદી ફરાળી સામગ્રીનો ઉપયોગ કરીને પેટીશ બનાવતા હોય છે. ફરાળી પેટીશમાં સ્ટફીંગ કરવા માટે ડ્રાય ફ્રુટ, ફ્રેશ કે ડ્રાય કોપરાનું ખમણ વગેરેમાં સ્પાઇસ ઉમેરી મિક્ષ કરી વપરાતા હોય છે.

આજે હું અહીં ફરાળી શિંગ બટેટાની પેટીશની રેસિપિ આપી રહી છું. તેમાં સ્ટ્ફિંગ માટે શિંગદાણાને ડ્રાય રોસ્ટ કરી ફોતરા કાઢીને ગ્રાઇંડ કર્યા છે. તેમાં જરુરી સ્પાઇસ ઉમેરી સ્ટફીંગ ટેસ્ટી બનાવ્યું છે. પેટીશના અપર લેયર માટે બાફેલા બટેટાનો ઉપયોગ કર્યો છે.

તો ફરાળી શિંગ બટેટાની પેટીશ બનાવવા માટે આખી રેસિપિ જરુરથી સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીને વ્રતના ઉપવાસ માટે ચોક્કસથી બનાવજો. બધાને ખૂબજ ભાવશે.

ફરાળી શિંગ બટેટાની પેટીશ બનાવવા માટેની સામગ્રી :

 • 7-8 મિડિયમ સાઇઝના બટેટા
 • 3 ટેબલ સ્પુન રાજગરાનો લોટ
 • સ્વાદ મુજબ મીઠું
 • 1 ટી સ્પુન લેમન જ્યુસ
 • 1 ટી સ્પુન પેપ્રીકા (ચિલિ ફ્લેક્સ)
 • ઓઇલ – ડીપ ફ્રાય કરવા માટે

પેટીશના સ્ટફીંગ માટે :

 • 1 કપ ડ્રાય રોસ્ટ કરેલી શિંગના ફોતરા કાઢી અધકચરા ગ્રાઇંડ કરેલ
 • 3 ટેબલ સ્પુન બાફેલા શક્કરીયાનો માવો
 • 1 બાફેલું બટેટું મેશ કરેલું
 • 1 ½ ટેબલ સ્પુન આદુ મરચાની પેસ્ટ
 • 1 ટેબલ સ્પુન બારીક સમારેલી કોથમરી
 • 7-8 મીઠા લીમડાના પાન બારીક કાપેલા
 • ½ ટી સ્પુન લાલ મારચું પાવડર
 • ½ ટી સ્પુન આખુ જીરું
 • ½ ટી સ્પુન આમચુર પાવડર
 • 1 ટી સ્પુન ગરમ મસાલો
 • 1 ટી સ્પુન સુગર
 • સ્વાદ મુજબ મીઠું
 • 8-10 કીશમીશ અર્ધી-અર્ધી કાપેલી
 • 1 ટેબલ સ્પુન અધકચરા કરેલા કાજુ

સ્ટફીંગ બનાવવા માટેની રીત:

એક મિક્ષિંગ બાઉલ લઇ તેમાં 1 કપ ડ્રાય રોસ્ટ કરેલી શિંગના ફોતરા કાઢી ગ્રાઇંડ કરેલ અધકચરો પાવડર, 3 ટેબલ સ્પુન બાફેલા શક્કરીયાનો માવો, 1 બાફેલું બટેટું મેશ કરેલું, 1 ½ ટેબલ સ્પુન આદુ મરચાની પેસ્ટ, 1 ટેબલ સ્પુન બારીક સમારેલી કોથમરી, 7-8 મીઠા લીમડાના પાન બારીક કાપેલા, ½ ટી સ્પુન લાલ મરચું પાવડર, ½ ટી સ્પુન આખુ જીરું, ½ ટી સ્પુન આમચુર પાવડર, 1 ટી સ્પુન ગરમ મસાલો, 1 ટી સ્પુન સુગર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી બધું સરસથી મિક્ષ કરી લ્યો.

હવે તેમાં 8-10 કીશમીશ અર્ધી-અર્ધી કાપેલી અને 1 ટેબલ સ્પુન અધકચરા કરેલા કાજુ પણ મિક્ષ કરી દ્યો.

આ સ્ટફીંગના મિશ્રણમાંથી નાના નાના 16- થી 17 બોલ્સ બનાવો.

બોલ્સ બનાવીને એક બાજુ રાખી દ્યો.

બટેટાનું આઉટર લેયર બનાવવાની રીત :

હવે બાફેલા બટેટાની છાલ કાઢીને સ્મેશરથી મેશ કરી લ્યો જેથી તેમાં જરા પણ લમ્સ ના રહે.

બટેટાનો માવો મિક્ષીંગ બાઉલમાં લઇને તેમાં 3 ટેબલ સ્પુન રાજગરાનો લોટ, સ્વાદ મુજબ મીઠું, 1 ટી સ્પુન લેમન જ્યુસ અને ½ ટી સ્પુન પેપ્રીકા( ચિલિ ફ્લેક્સ) ઉમેરીને મિક્ષ કરી લ્યો.

10 મિનિટ રેસ્ટ આપો. જેથી બટેટા અને રાજગરાનો લોટ બરાબર સેટ થઇ જશે, જેથી પેટીશ ફ્રાય કરતી વખતે ખૂલી જશે નહિ.

હવે પેટીશ બનાવવા માટે સૌ પ્રથમ બન્ને હથેળીઓ ઓઇલથી ગ્રીસ કરી લ્યો.

ત્યારબાદ બનાવેલા બટેટા-રાજગરાના મિશ્રણમાંથી થોડું લુવા જેટલું મિશ્રણ લઇને તેની ગોળ પાતળી, નાની થેપલી બનાવો.

હવે તે થેપલીમાં વચ્ચે સ્ટફીંગનો બનાવેલો એક બોલ મૂકી દ્યો.

ફરતેથી થેપલીની કિનાર પ્રેસ કરીને સ્ટફીંગના બોલને તેમાં સ્ટફ કરીને પેટીશ બનાવી લ્યો.

ઓઇલથી ગ્રીસ કરેલી હથેળીમાં જ રાખીને પેટીશને જરા ગોળ ગોળ ફેરવી લ્યો. જેથી તેના અપર લેયરમાં જરા પણ ક્રેક ના રહે. અને ફ્રાય કરતી વખતે ખૂલે નહિ.

આ પ્રમાણે બાકીના બટેટા-રાજગરાના મિશ્રણમાંથી બાકીની પેટીશ બનાવી લ્યો.

હવે પેટીશ ડીપ ફ્રાય કરવા માટે ફ્રાય પેનમાં ઓઇલ એકદમ ગરમ કરી ફ્લૈમ મિડિયમ રાખી દ્યો. હવે ઓઇલમાં એક સાથે જેટલી ફ્રાય થઇ શકે એટલી પેટીશ સાથે ફ્રાય કરવા મૂકો. નીચેની બાજુએથી બરાબર પેટીશ ફ્રાય થઇ જાય પછી જ ફેરવો.

બધી બાજુથી સરસ ગોલ્ડન બ્રાઉન કલરની ફ્રાય થઇ જાય ત્યાંસુધી ફ્રાય કરો.

હવે બાકીની પેટીશ પણ આ પ્રમાણે ફ્રાય કરી લ્યો. ઓઇલ નિતારીને પ્લેટમાં ટ્રાંસફર કરો.

હવે ગરમા ગરમ ફરાળી શિંગ બટેટાની પેટીશ સર્વ કરવા માટે તૈયાર છે.

સર્વિંગ પ્લેટ્માં પેટીશ મૂકી, ટમેટાની (ઓનિયન વગરની)ફરાળી ચટણી સાથે સર્વ કરો.

ટમેટાની ફરાળી ચટણી સાથે સ્વીટ કર્ડ, આમલીની મીઠી ચટણી કે કોથમરી મરચાની તીખી ચટણી પણ સર્વ કરી શકાય છે.

વ્રતના ઉપવાસમાં આ ફરાળી શિંગ બટેટાની પેટીશ બધાને ખૂબજ ટેસ્ટી લાગશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.