એક ભાઈએ આપ્યો અનોખો હક પોતાની બહેનને… એક લાગણીસભર વાર્તા આંખો આંસુથી છલકાઈ જશે…

અગ્નિદાહ

આજે પિતાજીએ દુનિયાથી વિદાય લીધી . સ્મશાનભૂમિ ઉપર સ્નેહ -સંબંધીઓ અને મિત્રોથી ઘેરાયેલી રોશની પિતાનો અંતિમસંસ્કાર કરવાની તૈયારીઓમાં વ્યસ્ત પોતાના ભાઈને દૂરથીજ એકીટશે નિહાળી રહી હતી. આજે બન્ને ભાઈબહેનોએ એકીસાથે પોતાના પિતા ,માતા અને શ્રેષ્ઠ મિત્ર ગુમાવી દીધા હતા. હજુ વ્યવસ્થિત ડગલાં માંડતા પણ શીખ્યા ન હતા કે નિયતિએ માતાની છત્રો -છાયા માથેથી ઉઠાવી લીધી હતી. માતાના સ્વર્ગવાસ પછી બાળકોને અન્ય માતાને ખોળે સોંપી દેવાની જગ્યાએ પિતાજીએ જાતેજ એમની માતા બનવાનો નિર્ણય લીધો હતો . ફક્ત શાબ્દિક નિર્ણય નહીં એ નિર્ણયને તદ્દન પ્રમાણિકપણે વ્યવહારમાં પણ ઉતાર્યો હતો.

બાળકોનો ઉછેર દરેક વાલી પોતાની અગ્રણી ફરજ તરીકે નિભાવતાજ હોય છે . પણ નિર્દોષ બાળકોના હકાધિકાર પ્રત્યે જાગ્રત રહી એમનું સાચું પ્રામાણિક ભરણપોષણ દરેક જગ્યાએ થતું હોય ખરું ? રોશનીને પોતાના પિતા ઉપર અનન્ય ગર્વ હતો એનું સૌથી મહત્તવનું કારણ કોઈ હતું તો તે પિતાજીએ પોતાનો અને ભાઈનો કરેલો એકસમાન પ્રામાણિક,ન્યાયયુક્ત ઉછેર.

આ એકસમાન ઉછેર ની જહેમત પિતાજી માટે ક્યાં સરળ હતી ? કારણકે રોશનીનો જન્મ આજથી ૪૫ વર્ષ પહેલા થયો હતો . એ સમયમાં , એ પેઢી માટે કુટુંબમાં દીકરી અવતરવી એટલે દહેજની તૈયારીઓ માટેનો માનસિક ત્રાસ આપતા ‘સાંપના ભારા ‘ નું આગમન. દીકરીના ઉછેર નો ખર્ચ અને દહેજના ખર્ચનો સરવાળો . બસ આની આગળ દીકરીઓ માટેની ભાવનાઓનું ગણિત શૂન્ય જ શૂન્ય .

એવા સમયમાં અવતરેલી રોશની પિતાના આંખોની ટાઢક હતી. જેટલો પ્રેમ પિતાજી શૌર્યને આપતા એટલોજ પ્રેમ રોશનીને . પોતે વ્યવસાયિક જવાબદારીઓના ભાર વચ્ચે શાળાનું શિક્ષણ ભલે મેળવી ન શક્યા પણ શૌર્ય અને રોશનીના શિક્ષણ પાછળ અથાક મહેનત આદરી.

શૌર્યના શિક્ષણને લઇ કદી કોઈ પ્રત્યાઘાત મળતા નહીં . શૌર્યતો દીકરો હતો . એનું ભણતર બધાની આંખોમાં તદ્દન સામાન્ય અને સામાજિક વ્યવસ્થાના એક નિશ્ચિત હિસ્સા સમાન હતું. પરંતુ રોશનીની નું શિક્ષણ બિનજરૂરી અને સમયનો વ્યય. સગા- સંબંધીઓ , આડોશપાડોશનાં લોકો , મિત્રો ઘણીવાર ટકોર કરતા . ક્યારેક આડકતરી રીતે તો ક્યારેક સીધું ,પ્રત્યક્ષ રોશનીની હાજરીમાંજ.

” રમણભાઈ દીકરીઓને ભણાવો ગણાવો પણ આખરે તો એમને ચુલાજ ફૂંકવાના હોય .” ” છોકરી જાતને બહુ સ્વતંત્રતા આપો તો સ્વચ્છંદ બને .” ” ભાઈ એની જગ્યાએ ઘરના કામકાજની તાલીમ અપાવો તો એ ફળશે .” ” ભણેલી દીકરીનો હાથ કોણ સ્વીકારશે ?”

માં વિનાની રોશનીનું મન ભરાઈ આવતું. દીકરી તરીકે જન્મી એણે કોઈ પાપ કર્યું હોય એવી ભાવના એના બાળમાનસને વ્યાકુળ કરી દેતી. પણ પિતાજીને તો જાણે કોઈ ફેરજ પડતો નહીં. એક કાને સાંભળી બીજા કાને બધુજ બહાર કાઢી નાખતા. પોતાના અંગત નિર્ણયો પર એ સંપૂર્ણ મક્કમતાથી ઉભા રહેતા. અન્યના અભિપ્રાયો સહ આદર સાંભળતા પણ એની આંચ એમના અભિપ્રાયોને સહેજ પણ સ્પર્શી શકતી નહીં.

પોતાના વિચારો અને આદર્શોની અડગતાની છાયામાં તેઓ શૌર્ય અને રોશનીને જીવન વિકાસની સમાન તકો આપતા ગયા. શૌર્યને ઘરના કાર્યો સોંપવામાં કે રોશની પાસે બજારથી કરિયાણું મંગાવવામાં એમને કોઈ પણ પ્રકારની ઓછપ અનુભવાતી નહીં. ક્યારેક કોઈ શૌર્યને ઘરની સાફસફાઇ કરતા કે રોશનીને પિતાજીની સાઈકલની સાંકળ ચઢાવતા જોઈ જતું તો ઉપહાસની બાકાયદા મહેફિલો સજતી .

પિતાનું અપમાન રોશની માટે અસહ્ય થઇ પડતું . પિતાની આગળ લોકોના વ્યવહારની ફરિયાદ કરતી અને એ હસીને એટલુંજ કહેતા , ” જો તમે અંતરથી સાચા હોવ તો અન્યના બિનજરૂરી અભિપ્રાયો મહત્વ વિહીન છે .” પિતાજીની વાતો રોશનીને માનસિક રીતે અનન્ય સશક્તિકરણ અર્પી જતી . લોકો શું કહેશે એને આધારે નહીં તમને શું યોગ્ય અને સત્ય લાગે છે એને આધારેજ જીવવું . પિતાજીની શીખ અને તાલીમ રોશનીએ નાની વયથીજ હૃદયના ઊંડાણોમાં ઉતારી દીધી હતી .

કોઈના ઘરે દીકરી જન્મે તો પિતાજી રોશનીની આંગળી થામી મીઠાઈનો ડબ્બો લઇ અચૂક પહોંચી જતા . ઉતરી ગયેલા ઉદાસ ચ્હેરાઓ વચ્ચે ફક્ત પિતાજીનો ચ્હેરો જ ચમકતો દીસતો . લક્ષ્મી અવતરે ત્યાં તો ખુશીઓનો તહેવાર યોજાવો જોઈએ. પોતાનો દ્રષ્ટિકોણ એ બધાને સમજાવવા મથતા. ” દીકરો કે દીકરી શો ફેર પડે ?”

એમની દરેક વાતમાં આ પ્રશ્ન અચૂક પ્રયોજાતો . રોશની જ નહીં મહોલ્લાની દરેક દીકરીઓ પર એ એકસમાન હેત વરસાવતા . નાની ઉંમરે દીકરીઓને સાસરે વળાવવાની ઉતાવળ દર્શાવતા કે દહેજને નામે દીકરીઓનો સોદો કરતા માતાપિતાઓને લાંબુંલચક ભાષણ એમના ઘરે જઈ સંભળાવી આવતા . ભલેને એ માટે સમાજની અવગણના અને તિરસ્કારનું કેન્દ્ર બની રહેવું પડતું . આમ પણ ગાડરિયા પ્રવાહનું ઘેંટુ બની પોતાનું જીવન વિતાવવું એમને ક્યાં મંજુર હતું ?

પોતાના બાળકો પણ ગાડરિયા પ્રવાહના ઘેંટા બની, સમાજે નિશ્ચિત કરેલ લિંગ અનુરૂપ અતાર્કિક સમાજવ્યવસ્થાનો યાંત્રિક હિસ્સો બની જીવન વેડફી ન નાખે એની દરેક સંભવિત તકેદારી રાખતા પોતાના પિતાને નિહાળી રોશનીનું ગૌરવ સભર મન વિચારી રહેતું કે શાળાએ ન જનારા પોતાના પિતા જેવા શિક્ષિત વિચારો સમાજમાં અન્ય કોઈ શિક્ષિત વ્યક્તિ ધરાવતુંજ નથી ?

‘વડ તેવા ટેટા ને બાપ તેવા બેટા. ‘ ક્રાંતિકારી વિચારશ્રેણી ધરાવનારા પિતાના બાળકો એ પોતાનું જીવન પોતાના સ્વપ્નોને રંગે રંગવાનું શરૂ કર્યું. તમારો વ્યવસાય શું ? તમારો શોખ શું? એવા બે જુદા પ્રશ્નો પૂછતાં , વ્યવસાય અને શોખને બે ભિન્ન શ્રેણીની પ્રવૃત્તિમાં સમાવતા સમાજમાં રહી બન્ને ભાઈબહેનોએ પોતાના શોખનેજ પોતાના વ્યવસાય તરીકે અપનાવ્યા. શૌર્યએ પોતાના સાહિત્ય પ્રેમને જયારે રોશનીએ તબીબી જ્ઞાનના રસને કારકિર્દી તરીકે સ્વીકાર્યા . ગમતા વિષયમાં જીવન સજાવવાની મજાજ કઈ જુદી જ હોય છે . શૌર્ય સમાજનો પહેલો લેખક અને રોશની સમાજની સૌપ્રથમ મહિલા ગાયનૅકોલૉજિસ્ટ બની . બન્નેની સફળતાએ પિતાના સાથસહકારને અને નવીન દ્રષ્ટિકોણને આખરે સમાજમાં માન અપાવ્યુંજ . ઘણા વર્ષો પછી પણ આખરે સમાજને સ્વીકારવુજ પડ્યું :

‘દીકરી કે દીકરો શો ફેર પડે ?’ રોશનીની ક્લિનિકમાં પોતાની પત્ની કે દીકરીઓની સારવાર માટે મહિલા ગાઈનીકને શોધવા આવતા પુરુષોને રોશની પણ તદ્દન પિતાની જેમજ ભાષણ સંભળાવતી.

“મહિલા ગાઈનીક જોઈતી હોય તો સમાજમાં મહિલા ગાઈનીક ભણાવીને તૈયાર પણ કરવી પડે .” કેટલાક પિતા બાળકીઓને વળાવી ,કન્યાદાન કરી , દહેજની રકમ ભેગી કરાવી, પોતાની ફરજ માથેથી ઉતારી દુનિયા છોડી જાય છે જયારે કેટલાક દીકરીઓને પગ પર ઉભી કરી આજીવન સ્વનિર્ભરતાની ભેટ અર્પી . રોશની સ્વનિર્ભરતાની ભેટ પામેલી ભાગ્યશાળી દીકરીઓમાંની એક હતી.


અંતિમ સંસ્કાર માટેની તમામ તૈયારીઓ સમેટાઈ ચુકી . હાથમાં સળગતી અગ્નિ થામી શૌર્ય પોતાની બહેન સામે આવી ઉભો રહ્યો. ભાઈના આંખોમાંની ક્રાંતિકારી ભાષા વાંચતા રોશની ક્ષણવાર ચમકી ઉઠી. ” પણ હું કઈ રીતે …..?” બહેનના પ્રશ્નને અધવચ્ચે અટકાવી શૌર્ય ગર્વ અને ખુમારીથી બોલ્યો : ” દીકરો કે દીકરી શો ફેર પડે ?”

ભાઈના ચ્હેરામાં પિતાનો ચ્હેરો ઉપસી આવ્યો. આંખોમાંથી બે બુંદ પ્રેમથી છલકી ઉઠી.ભાઈના હાથમાંની અગ્નિને હાથ આપતી રોશની પિતાને અંતિમ વિદાય આપવા ભાઈ જોડે પિતાની ચિતા તરફ આગળ વધી. ભાઈ- બહેનના હાથમાં એક સાથે થમાયેલી એ અગ્નિમાંથી જાણે એક ઝળહળતો નવો પ્રકાશ ચારે દિશાઓમાં ફેલાઈ રહ્યો.

લેખક : મરિયમ ધુપલી

ખરેખર દીકરી કે દીકરો શો ફેર પડે છે, કોઈ ફેર નથી પડતો તમે શું માનો છો? કોમેન્ટમાં તમારા વિચારો અચૂક જણાવજો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ