ડબલ તડકા દાલફ્રાઈ – હજી પણ બહાર હોટલ કે ઢાબા જેવી દાલફ્રાઈ નથી બનતી તો અત્યારે જ શીખો…

ડબલ તડકા દાલ ફ્રાઈ

ભારત દેશ એ વૈવિધ્યસભર સંસ્કૃતિ અને વ્યંજનોનો દેશ છે. દર દોઢસો કીલોમીટરે ભારતમાં લોકોની વાણી બદલાય છે અને સાથે સાથે વ્યંજનોનો ટેસ્ટ પણ બદલાય છે અને નવા નવા વ્યંજનો પણ ઉમેરાતા જાય છે. દાલ ફ્રાય એ આપણે સામાન્ય રીતે પંજાબી મેનું હોટેલમાં લેતા હોઈએ છીએ ત્યારે તેની સાથે લેતા હોઈએ છીએ. અને લોકોને ખુબ જ ભાવતી અલગ જ પ્રકારની દાળ છે. અને પ્રાંતે પ્રાંતે આ દાળની રેસીપીઓ બદલાતી રહે છે. ક્યાંક તુવેરની દાળ સાથે મગની દાળ લેવામાં આવે છે તો ક્યાંક ચણાની દાળ તો ક્યાંક મસૂરની દાળ. આમ વિવિધ રીતે દાલફ્રાયને બનાવવામાં આવે છે.

સામાન્ય રીતે દાળ પર એક જ વઘાર કરવામાં આવે છે. પણ આજની આ પોસ્ટમાં અમે જે દાલફ્રાઈની રેસીપી લઈને આવ્યા છીએ તે ડબલ તડકા દાલફ્રાઈ છે. તો આજની આ પોસ્ટ છે દાલફ્રાઇના રસીયાઓ માટે.

સામગ્રી

3 ચમચી મસૂરની દાળ

¼ કપ ચણાની દાળ

1 કપ તુવેરની દાળ

4 ટેબલ સ્પૂન ઘી

2 ચમચી લાલ મરચુ

1 ચમચી જીરુ

4 વઘારીયા મરચા

1 ચમચી કસૂરી મેથી પાવડર

સ્વાદ પ્રમાણે મીઠું

ડબલ તડકા દાલ ફ્રાઈ બનાવવાની રીત


ત્રણ ચમચી મસૂરની દાળ પા કપ ચણાની દાળ અને એક કપ તૂવેરની દાળ આ બધી જ દાળ મીક્ષ કરીને તેને ત્રણ-ચાર પાણીએ ધોઈ લેવી. અને તેને અરધા કલાક માટે પલાળી રાખવી. જો મસૂરની દાળ ન હોય તો. તમે ચણાની દાળનું પ્રમાણ વધારી શકો છો. એટલે કે પા કપ ચણાની દાળમાં બીજી બે ચમચી ચણાની દાળ એડ કરી શકો છો.


પલાળેલી દાળમાંથી પાણી કાઢીને તેને કુકરમાં કાઢી લો. અને તેમાં ત્રણ કપ પાણી ઉમેરી દો.


ત્યાર બાદ તેમાં અરધી નાની ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠુ અને એક ચમચી ઘી નાખીને પ્રેશર કૂકરમાં બફાવા માટે મુકી દેવું. તેની 3-4 વ્હિસલ વગાડવી.


દાળ બફાઈ ગયા બાદ. એક પેન ગરમ કરવા મુકવું તેમાં 2 ચમચી ઘી નાખવું. ઘીની જગ્યાએ તમે બટર કે તેલનો ઉપયોગ કરી શકો છો. તેમાં અરધી ચમચી જીરુ નાખી તેને તતડાવી લેવું, હવે તેમાં 2 ચમચી લસણની પેસ્ટ, 2 ચમચી જીણા સમારેલા લીલા મરચા, બે વઘારીયા મરચા અને એક મોટી ડુંગળી જીણી સમારેલી એડ કરી બધી જ સામગ્રી વ્યવસ્થીત સાંતળી લેવી. ડુંગળીનો રંગ લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાંતળવી.


ત્યાર બાદ તેમાં એક નાની ચમચી ધાણાજીરુ પાવડર, એક મોટી ચમચી લાલ મરચુ પાવડર, અરધી ચમચી ગરમ મસાલો, પા ચમચી કસુરી મેથી પાવડર, એક ચમચી મીઠું નાખી થોડી વાર સાંતળી લેવું. ડુંગળી સાથે બધા જ મસાલા બરાબર મીક્સ થઈ જાય ત્યાર બાદ તેમાં ત્રણ મોટા ટામેટાના જીણા સમારેલા ટુકડા એડ કરવા.


ટામેટાનું પાણી બળી જાય ત્યાં સુધી તેને ધીમા ગેસે તતડવા દેવું.


પાણી ઉડી ગયા બાદ તેમાં બાફેલી દાળ ઉમેરી તેને 5-7 મીનીટ બરાબર ચડવા દેવું. હવે તેમાં 1-2 કપ પાણી નાખી તેને ઉકળવા દેવું. જેટલુ વધારે ઉકાળવામાં આવશે તેટલી જ વધારે દાળ સ્વાદિષ્ટ બનશે.


દાળ બરાબર ઉકળી ગયા બાદ તેમાં એક લીંબુનો રસ નીચોવી લેવો. હવે ગેસ બંધ ખરી દેવો. હવે તમે તેમાં સ્મોકીં ફ્લેવર લાવવા માગતા હોવ તો તમારે દાળ પર એક નાની વાટકી મુકવી. તેમાં બળતો કોલસો મુકવો અને તેમાં એક ચમચી ઘી નાખી દાળને ઢાંકી લેવી. પાંચ મીનીટ તેમજ રહેવા દેવું. આમ કરવાથી બળેલા કોલસાની જે સ્મેલ છે તે દાળમાં ઉમેરાઈ જશે. અને દાળની એક અલગ જ સોડમ તમને આવશે. ઘણા લોકોને આ સોડમ ખુબ ગમતી હોય છે તો કેટલાકને નથી ગમતી. તમે આ પ્રોસેસને અવોઈડ પણ કરી શકો છો. હવે દાળમાં એક મોટી ચમચી જીણી સમારેલી કોથમીર ઉમેરી બરાબર હલાવી 2-3 મીનીટ ઉકાળી લો.


હવે દાળને સર્વિંગ બોલમાં કાઢીને બાજુ પર મુકી દો.

હવે બીજો વઘાર કરવા માટે, એક પેન લો તેમાં 2 ટેબલ સ્પૂન ઘી, અરધી ટેબલ સ્પૂન જીરુ, એક ટેબલ સ્પૂન ફ્રાઇડ ડુંગળી, બે વઘારીયા મરચા, અરધી ચમચી લાલ મરચાનો પાવડર નાખી વઘારને તરત જ સર્વિંગબોલમાં કાઢેલી દાળ પર નાખી દો. ઉપર થોડી લીલી કોથમીર ભભરાવી સર્વ કરો. તો તૈયાર છે ડબલ તડકા દાલ ફ્રાય.


ડબલ તડકા દાલફ્રાયને તમે ફ્રાઈડ રાઈસ સાથે સર્વ કરો. ડબલ તડકા દાલફ્રાયથી તમે તમારા ગેસ્ટને ખુબ જ સરળતાથી ઇમ્પ્રેસ કરી શકો છો.

સૌજન્ય : ફૂડ કુટોર (ચેતના પટેલ)

વાનગીનો સંપૂર્ણ વિડીઓ જુઓ અહિયાં.