ઇયરફોનથી થતાં ગેરફાયદા અથવા કહો કે જીવલેણ ક્ષતિઓ

ઇયરફોનથી થતાં ગેરફાયદા અથવા કહો કે જીવલેણ ક્ષતિઓ

સાંભળવાની ક્ષમતા ઘટી જવી અને બહેરાશ આવી જવી


કોઈ પણ વસ્તુનો અતિરેક તમને નુકસાન તરફ જ દોરી જાય છે. અને આ નિયમ ઇયરફોન કે હેડફોનના ઉપયોગ પર પણ લાગુ પડે છે. એકધારું ઇયર ફોન કે હેડ ફોન કાન પર રાખીને ઉંચા અવાજે સંગીત સાંભળવું કે પછી કોઈની સાથે વાત કરવી. આ બધું જ તમારા કાનને સીધી જ રીતે નુકસાન પહોંચાડે છે. તમે જ્યારે જ્યારે પણ તમારા ઇયરફોન પર ઉંચા અવાજે સંગીત સાંભળતા હોવ છો ત્યારે ત્યારે તમારા મોબાઈલ સ્ક્રીન પર એક વોર્નિંગ આપતો મેસેજ આવે છે કે ઉઁચા અવાજથી તમારા કાનને નુકસાન થઈ શકે છે. પણ તેને હંમેશા ગણકારવામાં આવે છે અને પરિણામે તમે તમારી સાંભળવાની ક્ષમતા ઓછી થઈ જાય છે અને જો વધારે નુકસાન થાય તો તમે બહેરા પણ થઈ શકો છો. માટે તમારે બને ત્યાં સુધી હેડફોનનો ઉપયોગ ઓછો કરવો જોઈએ અથવા તો સમયાંતરે બ્રેક લેવો જોઈએ જેથી કરીને તમારા કાનની સહનશક્તિની સિમા પાર ન થઈ જાય.


તમારી એકાગ્રતામાં ઘટાડો થાય છે

ઉંચા અવાજે એકધારો હેડફોન કે ઇયરફોન દ્વારા સંગીત કે બીજું કંઈ પણ સાંભળવાથી તેની અસર તમારી એકાગ્રતા પર પડે છે. તેમજ તમને અસ્વસ્થતા પણ રહ્યા કરે છે. એક અભ્યાસ દ્વારા એવું જાણવા મળ્યું છે કે જે લોકો અભ્યાસ વખતે મ્યુઝિક સાંભળતા હોય છે તેમના કરતાં જેઓ નથી સાંભળતા તેમનું એકાગ્રતાનું સ્તર વધારે ઉંચુ હોય છે. માટે તમારે માત્ર અભ્યાસ કરતી વખતે જ નહીં પણ કામ કરતી વખતે પણ ઇયરફોનમાં મ્યુઝિક સાંભળવું જોઈએ નહીં.


કાનમાં ઇન્ફેક્શન થવાનો ભય રહે છે

જો તમે તમારા સિવાય બીજાનું ઇયર ફોન અથવા હેડ ફોન યુઝ કરતા હશો તો તમારા કાનના જીવાણુઓ તેમનામાં અને તેમના જીવાણુઓ તમારામાં ફેલાવાનો ભય રહે છે અને કાનને ચેપ લાગી શકે છે. માટે હંમેશા પોતાના જ ઇયરફોનનો ઉપયોગ કરવો અને બીજા સાથે પોતાના ઇયર ફોન શેયર કરવા નહીં. આ ઉપરાંત તમારે તમારા ઇયરફોનના જે બડ્સ આવે છે તે પણ સમયાંતરે બદલતા રહેવા જોઈએ. કારણ કે તેમાં પણ ઘણા બધા જર્મ્સ છૂપાયેલા હોય છે.


કાનમાં પીડા થવી

ઇયરફોનનો એકધારો ઉપયોગ કરવાથી ઘણીવાર, કાનમાં દુખાવો રહેવાની ફરિયાદ રહ્યા કરે છે. આવું મોટા અવાજે મ્યુઝિક સાંભળવાથી અથવા હાર્ડ ઇયરફોન કાનમાં ભરાવવાથી થાય છે. અથવા ખોટી રીતે કાનમાં લગાવવાથી થાય છે.


ઇયરફોન પહેરીને બેદરકારી રાખવાથી જાનહાની પણ થાય છે.


હેડફોન કે ઇયરફોનના ઉપયોગ દરમિયાન ટ્રેઇનના પાટા ઓળંગવા કે વેહિકલ પર ટ્રેઈનનું ક્રોસિંગ ઓળંગતી વખતે બેદરકારી રાખવાથી જીવનું જોખમ ઉભુ થાય છે અને સેંકડો પ્રસંગોમાં સેંકડો જીવ પણ માત્ર ઇયરફોનના યુઝને કારણે અત્યાર સુધીમાં ગુમાવવા પડ્યા છે. 2014ના એક અભ્યાસ પ્રમાણે જુની દિલ્લી રેલ્વે સ્ટેશન પર ઇયરફોન પર મ્યુઝિક સાંભળવા અથવા વાતો કરતી વખતે ધ્યાન નહીં રહેતા 379 લોકોએ ટ્રેન નીચે આવી જઈને જીવ ગુમાવ્યો હતા તેવી જ રીતે માત્ર ચેન્નઈમાં પણ આ આંકડો 600 સુધી પહોંચી ગયો હતો. લોકોને લાખો ચેતવણી આપ્યા છતાં તેમની વર્તણૂંકમાં કોઈ જ ફેર નથી પડ્યો અને આ આંકડો વધતો જ જાય છે.


આ ઉપરાંત ચાલતી વખતે કે રસ્તો ક્રોસ કરતી વખતે કાનમાં ઇયર ફોન લગાવીને વાત કરવી કે પછી મ્યુઝિક સાંભળવાથી પણ ઘણા અકસ્માત સર્જાય છે. કારણ કે તેમનું પોતાની આસપાસની ગતિવિધિઓ પર કોઈ ધ્યાન જ નથી હોતું અને આવા અકસ્માત થાય છે.


માટે તમારી પોતાની તેમજ તારી આસપાસના લોકોની શાંતિ તેમજ સુરક્ષા માટે તમારે તમારા ઇયરફોન તેમજ હેડફોનના વપરાશને ઘટાડવો જોઈએ. તેને નિયમિત કરવો જોઈએ તેને નિયંત્રિત કરવો જોઈએ. અને તમારે તમારા કામ પર એકાગ્ર થવું જોઈએ. છેવટે તો તે જ તમારા જીવન માટે ફાયદાકારક રહેશે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ