દિલની વાત – એ આધેડે ઉંમરના વ્યક્તિ સાથે એ યુવાન યુવતીને શું દિલની વાત કરવી હશે એકલામાં?

*”તારી ઉદાસ આંખમાં સપના ભરી શકુ*

*મારું ગજું નથી કે તને છેતરી શકું”*

750 પ્રેક્ષકોની કેપેસીટીવાળું ઓડીટોરીયમ ખચોખચ ભરેલું હતું.1000 ઉપર પ્રેક્ષકો હતા સીટ ન મળી તે ઊભા હતા કેટલાય તો સ્ટેજ સામે નીચે બેસી ગયા હતા. એક હજાર જેટલા પ્રેક્ષકો હતા, પણ જરાય અવાજ કે ધોંધાટ ન હતો. અવાજ માત્ર એક જ વ્યકિતનો હતો. સ્ટેજ પરથી આદિત્ય શાહ બોલતો હતો. અને આખું ઓડીટોરીયમ મન દઇને સાંભળતું હતું. આદિત્યના પહાડી અવાજથી બધા અભિજીત હતા અવાજમાં છલકતો કેફ બધાને જકડી રાખતો હતો

આદિત્ય શાહ પચાસ વર્ષની આસપાસનો હતો, લેખક હતો, જુદા જુદા ન્યુઝ પેપર અને મેગેઝિનમાં તેની વાર્તા, તેના લેખ ધૂમ મચાવતા હતા રોમેન્ટીક વાર્તામાં તેને કોઇ ન પહોંચે. યુવાનો માટે તે રોમાન્સના દેવતા જેવો હતો. તેની વાર્તામાં છલકતા રોમાન્સે કેટલાય યુવાનોને રોમેન્ટીક બનાવ્યા હતા કેટલી યુવતીઓ તેની ફેન હતી. તે જે ન્યૂઝપેપરમાં લખતો તે પેપરનું સરકયુલર ડબલ થઇ જતું. દેખાવમાં માંડ 35-37 વર્ષનો લાગતો આદિત્ય જયારે સ્ટેજ પ્રોગ્રામમાં સ્પીચ આપતો ત્યારે તેને સાંભળવા આખું શહેર ઉમટી પડતું. આવા રોમાન્સના બાદશાહ, શબ્દોના મહારાજા, વાચકોના ફેવરીટ આદિત્યનો પ્રોગ્રામ હતો.

આદિત્ય આજે પ્રેમરસ પર સ્પીચ આપતો હતો અચાનક સાઇડમાંથી તેના પર ઝબકારો થયો તેણે જોયું તો પ્રેક્ષકમાંથી કોઇએ ફોટો પાડયો હતો પછી તો થોડીથોડી વારે તે જ જગ્યાએથી ફલેશ થયો રહ્યો. આદિત્યએ જોયું તો કોઇ યુવતી તેના ફોટા પાડી રહી હતી. આદિત્ય પૂરેપૂરો ખીલ્યો. સ્પીચમાં શાયરીનો વરસાદ વરસાવી દીધો.

સ્પીચ પતી પછી તેને મળવા ઘણા આવ્યા મોટાભાગે યુવતીઓ હતી દરેક પ્રોગ્રામ પછી આવું જ બનતું. તેનો ઓટોગ્રાફ લેવા, તેની સાથે ફોટો પડાવવા બધા પડાપડી કરતા તેણે જોયું તો એક સુંદર, નાજુક, 22-23 વર્ષની છોકરી ભીડથી દુર ઊભી હતી. જાણે ભીડ ઓછી થવાની રાહ જોતી હતી. ભીડ ઓછી થતા તે આદિત્ય પાસે આવી આદિત્યએ તેના હાથમાં કેમેરો જોઇને કહ્યું, ” ઓહો.. તો અંધારામાં ચમકતી વીજળી તમે હતા એમ ને ??”

” હા.. સર હું રમ્યા પૂજારા… તમારી ફેન છું. તમારાથી નાની છું. તમે મને તું જ કહો.. સર મારે તમને મળવું છે.” “હા મળીશ… મારા વાચકોને હું સમય આપું જ છું” આદિત્ય બોલી ઊઠયો. “ના.. સર.. વાચકની જે નથી મળવું… એકલાને મળવું છે.. દિલની વાત કહેવી છે” રમ્યાએ ઘીમેથી માત્ર આદિત્ય સાંભળી શકે તેમ કહ્યું. “દિલની વાત ??” આદિત્યના અવાજમાં કેફ ઘુંટાઇ ગયો “હા સર… દિલની વાત.. ઘણા સમયથી તમને કહેવાની હિંમત ભેગી કરતી હતી. તમે કહો ત્યાં આવીશ” રમ્યાએ નજર નીચી રાખીને કહ્યું. “મારા ઘરે આવી શકે ? કાલે ? ” આદિત્યના અવાજમાં અધીરાઇ આવી ગઇ.

“સર… ઘરે ? ત્યાં તો બધા હોય ને? મારેતો એકલા…” રમ્યાએ વાકય અધુરુ છોડી દીઘું. આદિત્ય જીવ પર આવી ગયો જીભ પર શબ્દો આવી ગયા કે વાકય તો પૂરૂં કર… મને મળવું છે કે માણવો છે ??? પણ શબ્દો પર લગામ રાખીને બોલ્યો, “કાલે આવ… કાલે હું ઘરે એકલો છું, મારી વાઇફ અને મારો દીકરો સવારથી બહારગામ જાય છે. સાંજે ચાર વાગ્યે આવી જા.. પણ ઘરનું એડ્રેસ….”

આદિત્યનું વાકય કાપતા રમ્યા બોલી, “મને તમારા ઘરનું એડ્રેસ ખબર છે, મેં દૂરથી જોયું પણ છે.” આદિત્ય મનમાં બોલ્યો, જેટલી સુંદર છે, એટલી જ તૈયાર, ઘર પણ જોઇ લીઘું.. સમય નકકી કરીને બન્ને છૂટા પડયા.

બીજા દિવસે સવારથી આદિત્યને ચેન ન હતું. આમ તો ઘણી યુવતીઓ તેને મળતી પણ રમ્યાની વાત અલગ હતી રમ્યા જાણે તેને પ્રેમ કરતી હોય તેવી રીતે વાત કરતી હતી એકાંતમાં મળવા માંગતી હતી બપોર માંડમાંડ પડી ત્રણ વાગ્યા ત્યાં તો આદિત્યે તૈયારી શરૂ કરી દીઘી ન્હાઇને સરસ જિન્સ ટી-શર્ટ પહેરી લીઘા. સ્પેની બોટલ ઉંધી વાળી દીઘી રોમેન્ટીક ગીતની સીડી ચાલુ કરી દીઘી ટી-શર્ટના બટન ખુલ્લા મુકયા, બારીના પડદા પાડી દીઘા

ચાર વાગ્યા ત્યાં ડોરબેલ વાગી. બારણું ખોલતા…”સર.. હું રમ્યા… યાદ છું ને ?” રમ્યા ટહુકી. “હા .. હા.. યાદ જ હોય ને.. અઢી અક્ષરના પ્રેમ જેવી અઢી અક્ષરની રમ્યા” આદિત્યએ પહેલાં વાકયમાં રોમાન્સ છલકાવી દીઘો. રમ્યા અંદર આવી. માદક વાતાવરણ જોઇને જરા શરમાઇ ગઇ. રોમેન્ટીક ગીત સાંભળીને તેના કાન લાલ થઇ ગયા. તે સોફા પર બેઠી. આદિત્ય જરા અંતર રાખીને બેઠો.

“ઘરમાં કોઇ નથી ને ? અંગત વાત કરવી છે.. તમને જ કહી શકુ તેમ છું” બોલતા બોલતા રમ્યાના ગાલ પણ લાલ થઇ ગયા. “હા.. બોલ.. શું કહેવું છે ??” આવતી ક્ષણે રમ્યા તેની બાહોંમાં હશે તેવા વિચારે આદિત્ય જરા નજીક સરકયો. રમ્યા બે ક્ષણ આંખ નીચી રાખીને બેસી રહી પછી બોલી, “સર… હું તમારા દીકરા વિસ્મયને ચાહું છું” “શું ? વિસ્મય ને ? ” આદિત્યને ઝાટકો લાગ્યો.

” હા સર.. હું અને વિસ્મય કોલેજમાં સાથે છીએ બે વર્ષથી પ્રેમમાં છીએ, પણ તેનામાં તમને કહેવાની હિંમત નથી. મારા ઘરમાં લગ્ન માટેની વાત શરુ થઇ ગઇ છે એટલે મારે હિંમત કરવી પડી. હું તેને ચાહું ખૂબ ચાહું છું. તેના વગર જીવન કલ્પી ન શકું, તે કહી શકતો નથી એટલે મેં હિંમત કરી, તેને ખબર નથી કે હું તમારી પાસે આવી છું.” રમ્યાની આંખમાં આંસુ આવી ગયા.

“ગધેડો છે, મુરખ છે, પ્રેમ કરવાની હિંમત છે તો બાપને કહેવાની હિંમત નથી?” બોલતા બોલતા આદિત્ય ઊભો થઇ ગયો બીજી ક્ષણે રોમેન્ટીક ગીતની સીડી બંધ કરી, ટી-શર્ટના બટન બંધ કર્યા, બારીના પડદા ખોલી નાખ્યા. ડ્રોઈંગરૂમમાં બે-ચાર આંટા મારીને પછી રમ્યા પાસે આવ્યો, “બેટા.. મારા આશીર્વાદ છે, કાલે તને મળે તો કહેજે કે જાન તૈયાર છે, દુલ્હન પણ તૈયાર છે, બસ વરરાજાની રાહ જોવાઇ રહી છે” રમ્યા આંસુ લૂછતી તેના પગે પડી. આદિત્યનો હાથ તેના માથે આશીર્વાદ બનીને ફરી રહ્યો.

લેખક : દિપા સોની “સોનુ”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ