રાજસ્થાની દાળ બાટી : ઘરે બનાવો છો પર દરેક સમયે કોઈને કોઈ કમી રહી જ જાય છે? તો હવે આ રીતે બનાવી જુઓ…

દાળ બાટી આમ તો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ ની પ્રસિદ્ધ વાનગી છે પણ આખા ભારત માં જ નહીં વિદેશ માં પણ લોકો આ વાનગી ને ખૂબ જ પસંદ કરે છે.

ઘઉં ના લોટ માંથી બનાવેલ બાટી ને ધીમા તાપે તંદુર માં શેકવા માં આવે છે. ત્યારબાદ એમાં દિલ ખોલી ઘી ભરવા માં આવે છે. આ તૈયાર થયેલ બાટી ને ખૂબ જ સ્વાદિષ્ટ , તીખી પંચમેલ દાળ સાથે પીરસવામાં આવે છે. સાથે ગોળ , લસણ ની ચટણી અને ઠંડી છાસ. બોલો આવી ગયું ને મોમ માં પાણી….

દાળ બાટી ઘર માં બનાવવી ખૂબ જ સરળ છે. બસ નાની નાની વાતો નું થોડું ધ્યાન રાખવા માં આવે તો અસલ ઢાબા જેવી જ દાળ બાટી ઘરે તૈયાર કરી શકાય. તો ચાલો જોઈએ દાળ બાટી ની રીત..

સામગ્રી::

બાટી માટે

5 મોટા કપ ઘઉં નો લોટ

1/4 કપ રવો

મીઠું

1/2 કપ દહીં

1/2 ચમચી ખાવાનો સોડા

1/4 કપ તેલ

1 ચમચી અજમો

દાળ માટે

2/3 કપ મગ ની દાળ, છીલકા વાળી

1/2 કપ તુવેર ની દાળ

1/4 કપ ચણાા દાળ

3 ચમચી મસૂર ની દાળ

3 ચમચી અડદ ની દાળ

2 ચમચી પલાળેલી આમલી પલ્પ

3 થી 4 લાલ સૂકા મરચા

થોડા લીમડા ના પાન

1 લીલું મરચું , બારિક સમારેલું

3 ચમચી ઘી

3 ચમચી તેલ

1 ચમચી જીરું

2 ચમચી લાલ મરચું

1/2 ચમચી હળદર

1/2 ચમચી સંચળ

મીઠું

1/2 કપ સમારેલા ટામેટા

1/2 ચમચી હિંગ

રીત

સૌ પ્રથમ મોટી થાળી કે કથરોટ માં ઘઉં નો લોટ ચાળી લો. ત્યારબાદ એમાં રવો , મીઠું , અજમો , દહીં અને તેલ ઉમેરો. કણક બનાવવા માટે પાણી ઉમેરતા પેહલા હાથ ની આંગળીઓ થી બધી સામગ્રી સરસ રીતે મિક્સ કરી લો. થોડું થોડું પાણી ઉમેરતા જાઓ અને મધ્યમ કનક તૈયાર કરો..

કણક પર 1 ચમચી તેલ રેડી 2 મિનિટ માટે સરસ કુણવી લો. ત્યારબાદ આ તૈયાર કણક ને 20 થઈ 30 મિનિટ માટે ઢાંકી ને સાઈડ પર રાખી દો..

ત્યારબાદ આ કણક માંથી મધ્યમ સાઈઝ ના બોલ તૈયાર કરો. બોલ માં બહુ તિરાડ ના હોય એનું ધ્યાન રાખો.. આ નાના બોલ પર છરી ની મદદ થી + બનાવો. આ પેટર્ન બનાવવી optional છે .

હવે તંદુર ની જાળી પર થોડું તેલ લગાવો. તંદુર ને ગેસ પર થોડી વાર ગરમ થવા દો. ત્યારબાદ તૈયાર કરેલા બાટી બોલ એમાં ગોઠવો. તંદુર ની સાઈઝ મુજબ બાટી બોલ ગોઠવો. ઢાંકી ને ધીમી થી મધ્યમ આંચ પર શેકો. દર 5 થી 7 મિનિટ બાદ સાઈડ બદલતા રહો. જેથી એકસરખી શેકાય..

બાટી તેજ આંચ પર શેકવી નહીં. બહાર થી બળી જાશે અને અંદર થી કાચી રહી જશે. જ્યારે સરસ કડક થઇ જાય બહાર કાઢી લો. રૂમાલ પર બાટી રાખી થોડું હળવા હાથે દબાવો, બાટી ખુલી જશે. ત્યારબાદ એમાં ઈચ્છા અનુસાર ઘી પૂરો.. તૈયાર છે સ્વાદિષ્ટ , કડક અને અંદર થી પોચી બાટી.

ચાલો જોઈએ પંચમેલ દાળ ની રીત ….
સામગ્રી માં બતાવેલ 5 દાળ ને એક બાઉલ માં મિક્સ કરો. 4 થી 5 વાર ધોઈ , પૂરતા પાણી માં 30 મિનિટ માટે પલાળી લો. ત્યારબાદ કુકર માં બાફો. ધીમી આંચ પર 2 સીટી વગાડવી.

કડાય માં ઘી અને તેલ ગરમ કરો. એમાં જીરું , લાલ સૂકા મરચાં અને લીમડો ઉમેરો.. બધું બરાબર શેકાય જાય એટલે એમાં હિંગ ઉમેરી સમારેલા ટામેટા ઉમેરો. 2 મિનિટ માટે સરસ સાંતળી લો. ત્યારબાદ એમાં બાફેલી દાળ ઉમેરો.

હવે એમાં સંચળ, લાલ મરચું, હળદર , મીઠું ઉમેરો અને જરૂર મુજબ પાણી ઉમેરો. આમલી નો પલ્પ પણ ઉમેરવો. 4 થી 5 મિનિટ માટે મધ્યમ આંચ પર ઉકળવા દો..
દાળ જ્યારે એકરસ થઈ જાય, આંચ એકદમ ધીમી કરી દો.

બીજી નાની કડાય માં 2 ચમચી ઘી ગરમ કરો. એમાં 1 નાની ચમચી જીરું સાંતળો. જીરું એકદમ સરસ બ્રાઉન થઈ જાય એટલે એમાં 1 ચમચી લાલ મરચું ઉમેરી, તૈયાર દાળ પર રેડો.. આ ડબલ વઘાર થી દાળ નો સ્વાદ બમણો થઈ જશે. ચાહો તો બારીક સમારેલી કોથમીર થી સજાવટ કરો..

તૈયાર છે સ્વાદિષ્ટ દાળ બાટી.. ગરમ ગરમ પીરસો. જરૂર થી ટ્રાય કરશો અને રીત કેવી લાગી એ કમેન્ટ મ જરૂર થી જણાવજો..
Thank you

રસોઈની રાણી : રુચિબેન શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.