શૈલેષ સગપરિયાની કલમે બંધારણની કલમ ૩૭૦ની, શીરાની જેમ ગળે ઉતરે એવી સરળ સમજૂતી.

ભારત અને પાકિસ્તાનનાં ભાગલા પાડવા માટે બ્રિટિશ સરકારે બનાવેલા કાયદામાં ૫૬૨ દેશી રજવાડાઓ માટે એક વિશેષ જોગવાઈ કરવામાં આવી હતી. આ જોગવાઈ પ્રમાણે જે તે રાજ્યના રાજા એમની ઈચ્છા પ્રમાણે પોતાના રાજ્યને ભારત સાથે કે પાકિસ્તાન સાથે જોડવા માટે સ્વતંત્ર હતા. જો રાજા પોતાના રાજ્યને ભારત કે પાકિસ્તાન પૈકી કોઈપણ દેશ સાથે જોડવા ન માંગતા હોય તો પોતે અલગ દેશ તરીકે એનું અસ્તિત્વ ચાલુ રાખી શકે.

આઝાદી વખતે કાશ્મીરના મહારાજા હરિસિંહે ભારત કે પાકિસ્તાન સાથે જોડાવાના બદલે પોતાનું અલગ અસ્તિત્વ ચાલુ રાખવાનો નિર્ણય કરેલો હતો. ૨૦મી ઓકટોબર ૧૯૪૭ના રોજ આઝાદ કાશ્મીર ફોર્સે પાકિસ્તાન આર્મી સાથે મળીને કાશ્મીર પર ચઢાઈ કરી. સામનો કરવા માટે ગયેલી મહારાજા હરિસિંહની ફોઝનાં કેટલાય સૈનિકો સામેના લોકો સાથે જોડાઈ ગયા એટલે બાકી વધેલા સૈનિકો મુકાબલો કરવા સક્ષમ ન રહ્યા. પાકિસ્તાની આર્મી શ્રીનગર તરફ આગળ વધી રહી હતી.

મહારાજા હરિસિંહને જ્યારે એવું લાગ્યું કે હવે એ કોઈપણ સંજોગોમાં ટકી શકે તેમ નથી એટલે એમણે એમનાં દીવાન મહેરચંદ મહાજનને મદદ માટે ભારત મોકલ્યો. ભારત સરકારે મદદ માટે મનાઈ કરી દીધી કારણકે કાશ્મીર ભારત સાથે જોડાયેલું નહોતું. ગુહખાતુ સંભાળતા સરદાર પટેલે કહ્યું કે કાશ્મીર ભારત સાથે જોડાવા માટેના જોડાણખતમાં સહી કરી આપે તો એ ભારતનો હિસ્સો ગણાય પછી ભારત કાશ્મીરને મદદ કરી શકે. ભારત સરકારની આ વાત સ્વીકારીને મહારાજા હરિસિંહએ ૨૬મી ઓક્ટોબર ૧૯૪૭ના રોજ જોડાણખત પર રહી કરીને કાશ્મીરને ભારત સાથે જોડી દીધું. કાશ્મીર હવે ભારતનો હિસ્સો બની ગયું એટલે તુરંત જ ભારતના સૈન્યને કાશ્મીરમાં ઉતારવામાં આવ્યું અને પાકિસ્તાની આર્મીને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો.

કાશ્મીરમાં બહુમત પ્રજા મુસ્લિમ હતી અને ભારતની બહુમત પ્રજા હિંદુ હતી. કાશ્મીરના લોકોને ભય હતો કે ભારત એની સાથે કેવું વર્તન કરશે. કાશ્મીરના નેતા શેખ અબ્દુલ્લા ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુના સારા મિત્ર હતા આથી શેખ અબ્દુલ્લા પોતાની રજુઆત લઈને જવાહરલાલ નહેરુ પાસે આવ્યા. શેખ અબ્દુલ્લાની માંગણી હતી કે કાશ્મીરની પ્રજાને સાંત્વના આપવા માટે ભારત સરકાર કાશ્મીરને વિશેષ બંધારણીય અધિકારો આપે. આવા વિશેષ અધિકારોની યાદી તૈયાર કરીને શેખ અબ્દુલ્લાએ નહેરુજીને રજુઆત કરી.

નહેરુજીએ કહ્યું કે તમે ડો.ભીમરાવ આંબેડકરને મળો. બંધારણનો મુસદો તૈયાર કરવાની જવાબદારી એમની છે. શેખ અબ્દુલ્લા પોતાની માંગણી લઈને ડો. આંબેડકરને મળ્યા. ડો. આંબેડકરજીએ ચોખ્ખા શબ્દોમાં નાં પાડતા જણાવેલું કે દેશના બીજા નાગરિકો કરતા કાશ્મીરના નાગરિકોને વિશેષ અધિકારો કેવી રીતે આપી શકાય ? શેખ અબ્દુલ્લા ફરીથી નહેરુજી પાસે આવ્યા. નહેરુજીએ સરદાર પટેલને બોલાવીને શેખ અબ્દુલ્લાની માંગ કોંગેસની વર્કિંગ કમિટીમાં મંજૂર કરાવવા માટે કહ્યું પણ સરદાર સહીત વર્કિંગ કમિટિએ પણ આ બાબતનો વિરોધ કર્યો.

નહેરુ થોડા વધુ લાગણીશીલ હતા ( હું અંગત રીતે માનું છું કે ભારતના ઘડતરમાં નહેરુજીનું અમૂલ્ય પ્રદાન રહ્યું છે પણ માનવસહજ ભૂલો પણ કરી છે.) આથી કાશ્મીરની પ્રજા માટે શેખ અબ્દુલ્લાની માંગણીઓને ધ્યાનમાં લઈને બંધારણની કલમ ૩૭૦ માટેનો મુસદો તૈયાર કરવા માટે ગોપાલસ્વામી આયંગરને કહેવામાં આવ્યું અને ગમે તે ભોગે આ મુસદો બંધારણ સભામાં મંજૂર કરાવવાની જવાબદારી સરદાર પટેલને સોંપવામાં આવી. તત્કાલીન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કાશ્મીરની પરિસ્થિતિ થાળે પાડવા માટે હંગામી કલમ (જે થોડા સમય પછી રદ થઈ શકે તેવી કલમ ) તરીકે કલમ ૩૭૦ને બંધારણમાં ઉમેરવામાં આવી કાશ્મીર રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો.

કાશ્મીર રાજ્યને નીચે મુજબના કેટલાક વિશેષ અધિકારો પ્રાપ્ત થયેલા છે જે દેશના બીજા રાજ્યના નાગરિકોને મળતા નથી.

૧. ભારતની સંસદ દ્વારા ઘડવામાં આવેલા કોઈ કાયદાને જો કાશ્મીરની વિધાનસભા મંજૂરી ન આપે તો તે કાયદાને કાશ્મીરમાં લાગુ કરી શકાય નહિ. (સંરક્ષણ, વિદેશી બાબતો અને સંદેશાવ્યવહાર સિવાય)

૨. જે રીતે ભારત દેશનું પોતાનું બંધારણ છે એવી જ રીતે કાશ્મીરનું પોતાનું અલગ બંધારણ છે. (૧૭-૧૧-૧૯૫૬નાં રોજ કાશ્મીરે પોતાનું બંધારણ અપનાવ્યું છે.)

૩. ભારતની સુપ્રીમકોર્ટના કોઈ નિર્ણયને માનવા માટે કાશ્મીર બંધાયેલું નથી.

૪. કાશ્મીરના નાગરિકને બેવડું નાગરિકત્વ મળે છે. એક ભારતનું નાગરિકત્વ અને બીજું કાશ્મીરનું નાગરિકત્વ જ્યારે અન્ય રાજ્યના નાગરિકોને માત્ર ભારત દેશનું એક જ નાગરિકત્વ મળે છે.

૫. કાશ્મીરના કાયમી નાગરિક સિવાય બીજી કોઈ વ્યક્તિ કાશ્મીરમાં મિલકતની ખરીદી કરી શકતી નથી.

૬. કાશ્મીરની કોઈ છોકરી કાશ્મીર સિવાયના ભારતના અન્ય કોઈ રાજ્યના છોકરા સાથે લગ્ન કરે તો છોકરીનું કાયમી નાગરિકત્વ ખતમ થઈ જાય છે પરંતુ જો એ છોકરી પાકિસ્તાનના કોઈ છોકરા સાથે લગ્ન કરે તો નાગરિકત્વ ખતમ થતું નથી. ( છે ને સાવ વિચિત્ર જોગવાઈ )

૭. કાશ્મીરનો પોતાનો અલગ ધ્વજ છે.

૮. કાશ્મીરમાં કોઈ નાગરિક ભારતના રાષ્ટ્રધ્વજ કે રાષ્ટ્રચિહ્નનું અપમાન કરે તો તેને કોઈ સજા પણ કરી શકાતી નથી.

૯. ભારતના અન્ય રાજ્યની વિધાનસભામાં ધારાસભ્યનો કાર્યકાળ ૫ વર્ષ છે જ્યારે કાશ્મીરની વિધાનસભાના ધારાસભ્યનો કાર્યકાળ ૬ વર્ષ છે.

૧૦. કાશ્મીરમાં ભારત સરકાર ક્યારેય નાણાકીય કટોકટી જાહેર ના કરી શકે.

આવા તો નાનાં મોટા કેટલાય વિશેષાધિકાર બંધારણની કલમ ૩૭૦ દ્વારા કાશ્મીરને આપવામાં આવ્યા હતા. આ જ કલમના અનુસંધાને ૧૪-૫-૧૯૫૪ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદનાં હુકમથી બંધારણમાં કલમ ૩૫એ ઉમેરવામાં આવી અને કાશ્મીરના કાયમી નાગરિકોના અધિકારોની જોગવાઈ કરવામાં આવી જે મુજબ કાશ્મીરમાં રહેતા હોય પણ કાશ્મીરના કાયમી નાગરિક ન હોય તો તેમને સરકારી નોકરી કે સરકારી યોજનાઓનો લાભ મળી શકે નહિ અને કાશ્મીરની વિધાનસભામાં મતદાન પણ કરી શકે નહિ.

બંધારણની કલમ ૩૭૦ રદ કરવા માટે બંધારણમાં જ જોગવાઈ કરવામાં આવી છે. જે મુજબ ભારતના રાષ્ટ્રપતિ જમ્મુ કાશ્મીર બંધારણસભાની મંજૂરી સાથે એક જાહેનામુ બહાર પાડીને આ હંગામી કલમને રદ કરી શકે. ભારતના બંધારણે આપેલા આ અધિકારનો ઉપયોગ કરીને ભારતના રાષ્ટ્રપતિ મહામહિમ રામનાથ કોવિંદે તા.૫મી ઓગસ્ટ ૨૦૧૯ને સોમવારના રોજ જાહેરનામું બહાર પાડીને બંધારણની કલમ ૩૭૦મા ફેરફાર કરી દીધો.

લેખક : શૈલેષ સગપરીયા

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ