બાળહઠ – પિતાની પહોંચ ના હોવા છતાં પણ કરી હતી તેની જીદ્દ પુરી તો તેણે કેમ વચન પાળ્યું નહિ…

*”તમારા ગાલ ઉપર આ ગરમ આંસુ*

*કે જાણે ફુલની ઉપર તુષાર સળગે છે.”*

બપોરના બાર વાગ્યે સ્કૂલેથી ઘરે આવતાં જ ચોથા ધોરણમાં ભણતાઅક્ષિતે ધમાલ કરી મૂકી. ઘરમાં આવતાં જ દફતરનો ધા કરીને સીઘો રડવા લાગ્યો. તેના મમ્મી હિનાબેન ગભરાઇ ગયા. સ્કૂલમાં કંઇ થયું..? કોઇ ખીજાયુ.? કંઇ ખોવાઇ ગયું.? શું કામ રડે છે..? જેવા સવાલો પૂછી નાખ્યાં. થોડીવાર રડી લીઘા પછી અક્ષિતે કહ્યું, “હું કાલથી સ્કૂલે નહી જાઉં.. મારે પેન્ટ જોઇએ છીએ. હું હવે ચડ્ડી પહેરીને સ્કૂલે નહી જાઉ. કલાસમાં બધા છોકરાઓ મને ખીજવે છે”

હિનાબેને તેનેસમજાવતાં કહ્યું, “બેટા, કાલથી તો વાર્ષિક પરીક્ષા ચાલુ થાય છે. હવે તો ચોથા ધોરણમાં ખાલી અઠવાડીયું એક જ જવાનું છે.. પછી આવતા વર્ષે તો નવો સ્કૂલ ડ્રેસ સીવડાવવાનો જ છે.. એટલે ત્યારે પેન્ટ સીવડાવી લેશું. આ અઠવાડીયું ચલાવી લે.” પણ અક્ષિત ન માન્યો તે કહે, “ભલે અઠવાડીયું હોય તો પણ હું હવે સ્કૂલે ચડ્ડી પહેરીને નહી જાઉ..”

હિનાબેન વિચારમાં પડી ગયા. એક તો આર્થિક સ્થિતિ નબળી, તેમાંય મહિનાના છેલ્લા દિવસો, જો અક્ષિતની જીદ પૂરી કરવી હોય તો 200 રૂપિયા તો જોઇએ જ… તે અક્ષિતને પ્રેમથી સમજાવવા લાગ્યા, પણ આ તો બાળહઠ… ન માન્યો તે ન જ માન્યો.. મમ્મીને કહી જ દીઘુ કે સાંજે પપ્પા આવે એટલે કહેજે.. હું કાલે સ્કૂલે નહી જાઉં.

હિનાબેન મુંજાય ગયા. એકબાજુ દીકરાની હઠ અને બીજીબાજુ પૈસાનો અભાવ… શું કરવું..? તેને ખબર હતી કે અક્ષિતના પપ્પા દિવ્યેશભાઇ પણ વાત સાંભળીને દુ:ખી થશે જ.. દિવ્યેશભાઇ સવારે નવથી સાંજે છ એક ઓફિસમાં નોકરી કરતા, અને પછી બીજી ઓફિસમાં પાર્ટ ટાઇમ નોકરી કરતા હતા. બે નોકરીનો પગાર પણ ઘરનું માંડ પુરુ થાય તેવો હતો. નાનકડા ઘરમાં દિવ્યેશભાઈ, હિનાબેન, બે દિકરા અક્ષિત અને આકાશ સાથે રહેતા હતા આકાશ છઠ્ઠા ધોરણમાં હતો અને અક્ષિત ચોથા ધોરણમાં ભણતો હતો. આકાશ મોટો હતો એટલે તે સ્કૂલે પેન્ટ પહેરીને જતો હતો.

પણ આજે અક્ષિતે પણ જીદ પકડી હતી હિનાબેન સમજતા હતા કે સ્કૂલમાં બધા પેન્ટ પહેરીને આવે છે એટલે અક્ષિત જીદ કરે છે. પણ તેને કેમ સમજાવવો તે વાતે મુંજાતા હતા. તેમણે છેલ્લા પાંચ વર્ષથી એક સાડી પણ ખરીદી ન હતી. કયારેક બહાર જવાનું થાય તો બહેનપણીની સાડી લઇ આવતા. બન્ને છોકરાઓ પાસે પણ બહાર જવા માટે એક-એક જોડી કપડાં જ હતા. દિવ્યેશભાઇ પણ સ્કૂલ ડ્રેસની જેમ બે જોડીમાં જ ચલાવતાં હતા નવા નવા કપડાં પહેરવા, પિકચરમાં જવું, હોટલમાં જવું, વેકેશનમાં બહારગામ જવું એ બધું તેમને પોસાય તેમ ન હતું. પગારમાંથી ઘરખર્ચ માંડ નીકળતા. વધારાના ખર્ચ આવી જાય તો ઉછીના રૂપિયા લેવા પડતાં. આવી સ્થિતિમાં આજે ને આજે પેન્ટ… આવી અક્ષિતની જીદ..

તે સાંજ સુધી અક્ષિતને સમજાવવાનો પ્રયત્ન કરતા રહ્યા. પણ તે ન માન્યો.. રાત્રે પપ્પા આવશે એટલે તેમને કહીશ.. એમ કહીને દિવ્યેશભાઇની રાહ જોવા લાગ્યો. અક્ષિતને સમજાવતા સમજાવતાં હિનાબેન થાકી ગયા.પછી તેને ગુસ્સો આવી ગયો. ગુસ્સામાં ને ગુસ્સામાં હાથ ઉપડી ગયો. “કયારની તને સમજાવું છું, સમજતો કેમ નથી..?” તેમ કહીને અક્ષિતના ગાલપર એક થપ્પડ મારી દીઘી. અક્ષિત રડતા રડતા સુઇ ગયો હિનાબેનને પણ રડવું આવ્યુ, પણ તે લાચાર હતા.

આજે દિવ્યેશભાઇને ઘરે આવતા મોડું થઇ ગયું સાડા નવ પછી ઘરે આવ્યા આવીને તરત જ બોલ્યા, “હિના જમવાનું આપી દે.. ખૂબ ભુખ લાગી છે.” હિનાબેન અક્ષિતની જીદ વિશે કંઇ બોલ્યા નહી. દિવ્યેશભાઈએ જોયું તો રોજ તેની સાથે જમવા બેસતો અક્ષિત આજે સુઇ ગયો હતો તે તેની પાસે ગયા તેનું લાલ મોઢુ અને સુકાયેલા આંસુ જોઇને તેણે હિનાબેનને પુછયું. હિનાબેને રડતાં રડતાં અક્ષિતની જીદ વિશે વાત કરી દિવ્યેશભાઈએ પાંચ મિનિટ વિચાર કરીને કહ્યું, “હિના થાળી પાછી મૂકી દે, હું આવું છું” ભૂખ્યા પેટે તે પાછા બહાર નીકળી ગયા.

કોઇ મિત્ર પાસેથી બસો રૂપિયા ઉછીના લઇને દુકાન બંધ થવાના સમયે દોઢસો રૂપિયાનું સ્કૂલડ્રેસનું બ્લુ કલરનું પેન્ટનું કાપડ લીઘું, પછી ઘરે આવીને અક્ષિતનું એક માત્ર કાળું પેન્ટ ઘરમાંહતું તે લીઘું. દરજી દુકાન બંધ કરતો હતો, તેને સમજાવ્યો, દીકરાની જીદ વિશે જણાવ્યું અને તેની સાથે બેસીને પેન્ટ સીવડાવ્યું. નવું પેન્ટ લઇને રાતે સાડા બાર વાગ્યે દિવ્યેશભાઇ ઘરે આવ્યાં. પેન્ટ અક્ષિતના ઓશિકા પાસે મુકીને પછી જમવા બેઠાં.

અક્ષિત સવારે ઉઠયો ત્યારે તેના ઓશિકા પાસે પેન્ટ જોઇને નાચી ઉઠયો. તેની ખુશી જોઇને દિવ્યેશભાઇ અને હિનાબેન બધુંજ દુ:ખ ભૂલી ગયા. અક્ષિત ખુશ થઇને દિવ્યેશભાઇના ગળે વળગી ગયો અને કહ્યું, “ઓ..હો. પપ્પા તમે કેટલા સારા છો. હું મોટો થઇને કમાઇશ ત્યારે તમારા માટે આખો કબાટ ભરીને કપડાં લાવીશ.” દિવ્યેશભાઈ કંઇ બોલ્યા નહી. બસ આંખમાં આંસુ સાથે પ્રેમ વરસાવતા અક્ષિતને માથે હાથ ફેરવતા રહ્યાં. અક્ષિતને જાણે કુબેરનો ખજાનો મળી ગયો હોય તેવી ખુશી સાથે પેન્ટ પહેરીને પરીક્ષા આપવા ગયો.

આજે અક્ષિત એમ.બી.એ છે, મોટી કંપનીમાં નોકરી કરે છે, મહિને દોઢલાખ પગાર છે, સાઇઠ લાખના ફલેટમાં રહે છે, દસ લાખની ગાડીમાં ફરે છે, દર વર્ષે 15 થી 20 જોડી કપડાં ખરીદે છે. અને દિવ્યેશભાઈ….. આજે પણ દીકરાના શબ્દો યાદ કરે છે કે તેણે કહ્યું હતું કે , હું તમારો કબાટ નવા કપડાંથી ભરી દઈશ. પણ એ દીકરાને પપ્પાની એક જોડી કપડાં લાવવાનું યાદ નથી આવતું પણ દિવ્યેશભાઇ કંઇ ફરિયાદ નથી કરતા… દીકરાની પ્રગતિ જોઇને ખુશ છે..

માતા-પિતાને દીકરા પાસેથી પ્રેમની જ આશા હોય છે. કપડાં તો બહાનું છે, પણ કયારેક દીકરાના શબ્દો યાદ આવતા ઉદાસ થઇ જાય છે..

લેખક : દિપા સોની “સોનુ”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ