બદદુઆ – પિતાના આવા શંકાશીલ સ્વભાવને કારણે તેને ઘણું સહન કરવું પડ્યું હતું અને એક દિવસ…

*”શ્રધ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર,*

*ગીતામાં તો કયાંય કૃષ્ણની સહી નથી*

થથરી ગઇ અમિષા, કલાસમાંથી બહાર નીકળતા જ તેના પપ્પાની મિત્ર લલીતકાકાને સામે જોઇને તેના હોંશ ઉડી ગયા દસમા ધોરણમાં ભણતી અમીષા અત્યાર સુઘી કયારેય કોઇ છોકરા સાથે વાત ન કરતી તેના પપ્પાની તેને ભારે બીક હતી તેના પપ્પાનો મગજ ખૂબ જ ગરમ હતો. એટલે તો અમીષા અત્યાર સુઘી ગલ્સઁ સ્કૂલમાં જ ભણતી હતી નવમા ઘોરણ સુઘી તો તેણે ટયુશન પણ રાખ્યુ ન હતું પણ હવે દસમા ઘોરણમાં ટયુશન રાખવું પડયું ટયુશન રાખતી વખતે પણ જયાં છોકરા-છોકરીઓનું ગ્રુપ અલગ હોય તેવા કલાસમાં જ તેના પપ્પાએ જવાની હા પાડી ઘરની નજીક તેવા કલાસમાં અમીષા જતી દરેક વિષય અલગ ભણાવતા, પણ એક અંગ્રેજીના વિષય માટે છોકરા છોકરીઓને સાથે ભણાવતા.

આજે અંગ્રેજીનો કલાસ હતો, એટલે બધા સાથે હતા. પાછલા અઠવાડીયે સરે ગણિતની ટેસ્ટ લીઘી હતી તેમાં બન્ને ગ્રુપમાંથી અમીષાને બધા કરતા વધારે માર્કસ આવ્યા હતા સરે આ વાત બન્ને ગ્રુપમાં કરી હતી આજે અંગ્રેજીનો કલાસ છુટયો ત્યારે છોકરાઓના ગ્રુપમાંથી એક છોકરો પિયુષ અમીષાને પુછવા આવ્યો કે, તારૂં પેપર મને બતાવીશ…? આ વાત કરતા બન્ને બહાર આવતા હતા ત્યાં અમીષાના પપ્પાની મિત્ર લલીતકાકાને જોઇને અમીષા ડરી ગઇ. હવે તે પપ્પાને વાત કરશે એ વિચારે ગભરાઇ ગઇ. પિયુષ સાથે વાત કટ કરીને ઝડપથી ત્યાંથી નીકળી ગઇ.

ઘરે પહોંચીને આખો દિવસ ડરતી રહી સાંજે તેના પપ્પા ખીજાશે તો શું કહીશ એ વિચારતી રહી. તેની મમ્મી બધુ સમજતી હતી. સાથે ભણતા હોય અને કયારેક છોકરા છોકરી વાત કરે તે કંઇ ખરાબ વસ્તુ નથી તેવું તે સમજતી હતી પણ અમીષા તો તેના પપ્પાની સામે કંઇ જ બોલી શકતી નહીં.

સાંજે તેના પપ્પા આવ્યા અમીષા ઘરમાં બેસીને વાંચતી હતી તેના પપ્પાએ આવીને કંઇ જ બોલ્યા વગર અમીષાને થપ્પડ મારી દીઘી. અમીષાની મમ્મીએ તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ તેના પપ્પા શંકાશીલ સ્વભાવના હતા, તે કંઇ સમજવા તૈયાર જ ન હતા. અમીષાએ પણ રડતાં રડતાં કહ્યું કે, તેણે મને પેપર માટે પહેલીવાર બોલાવી હતી, હું તો તેની સાથે કયારેય વાત પણ નથી કરતી. પણ તેના પપ્પા કોઇની વાત સાંભળવા તૈયાર ન હતા અમીષાને લલીતકાકા પર ખૂબ જ ગુસ્સો આવ્યો, પણ તે કંઇ કરી શકે તેમ ન હતી.

આ પ્રસંગ પછી તેના પપ્પા અમીષા પર વધુ ધ્યાન રાખવા લાગ્યા.ગમે ત્યારે તેની બેગ ચેક કરતા, ગમે ત્યારે કલાસમાં અને સ્કૂલે ચકકર મારતા. ઘણીવાર તો લલીતકાકા પણ અમીષાના કલાસ પાસે આવતા અમીષાને તેના પપ્પાની આવી શંકાથી બહુ દુ:ખ થતું.લલીતકાકાને જોઇને જ તેને ગુસ્સો આવી જતો કયારેક તે ઘરે આવતાં તો તેમને પાણી આપવાનું પણ અમીષાને ન ગમતું.

અમીષાને પપ્પાનો વિશ્ર્વાસ પાછો જીતતા પૂરૂ એક વર્ષ થયું. એક વર્ષ સુઘી અમીષા પર સતત નજર રાખ્યા પછી તેના પપ્પાને તેના પર વિશ્ર્વાસ બેઠો. છતાં પણ બારમા ધોરણમાં આવી ત્યારે પણ એવો જ કલાસ શોધ્યો કે જયાં છોકરા-છોકરીઓના અલગ ગ્રુપ હોય. અમીષા પણ કોઇની સાથે કયારેય વાત ન કરતી લલીતકાકા હજી પણ તેની સ્કૂલ અને તેના કલાસીસ પાસે ચકકર લગાવતાં.

અમીષાને માંડ માંડ બહેનપણીના ઘરે જવાની છૂટ મળી. ત્યાં તેની શેરીમાં રહેતી બે છોકરીઓ કોઇની સાથે ભાગી ગઇ. લલીતકાકાએ પાછું તેના પપ્પાને કહ્યું, “હમણાં તો શેરીમાં ભાગવાની સીઝન ચાલતી લાગે છે. તમે પણ ધ્યાન રાખજો.” બસ… અમીષાના પપ્પાએ તેના પર પાછો જપ્તો રાખી દીધો. કંઇ વાંક ગુન્હા વગર અમીષાને કયાંય જવા માટે ઘરમાંથી રજા લેતા આંખમાંથી પાણી આવી જતા. તેને લલીતકાકાને જોઇને ખૂબ જ ગુસ્સો આવતો.

એક દિવસ શેરીમાંથી નીકળતાં કોઇએ અમીષા સામે જોઇને કોમેન્ટ કરી. લલીતકાકા એ સાંભળી ગયા.અમીષાને તો કંઇ ખબર જ નહી. પણ પાછી વાત તેના પપ્પા સુઘી પહોંચી ગઇ અને પાછો અમીષાને માર પડયો. અમીષા આખી રાત રડતી રહી. અમીષાના દુ:ખી દિલમાંથી ભગવાનને પ્રાર્થના થઇ ગઇ કે, “મારા કંઇ વાંક ગુન્હા વગર લલીતકાકાની વાતથી મને માર પડયો તો હે… ભગવાન લલીતકાકા કયારેય સુખી ન થાય…” તેના દિલમાંથી લલીતકાકા માટે બદદુઆ નીકળી ગઇ.

કહેવાય છે કે, આપણે આખા દિવસમાં કેટલાય વાકયો બોલીએ છીએ, પણ તેમાંથી એક વાકય માટે ભગવાન ‘તથાસ્તુ’ કહી દે છે. અમીષાના દિલમાંથી નીકળેલી બદદુઆ પણ ભગવાને સાંભળી લીઘી અને તથાસ્તુ કહી દીઘું.

આજે આ વાતને 20 વર્ષ થઇ ગયાં. અમીષાએ તો લલીતકાકાને કયારના માફ કરી દીધા છે.. પણ કદાચ ભગવાને હજી તેને માફ કર્યા નથી લલીતકાકા…. જે ગામમાં વ્યાજ પર નાણાં ફેરવતા હતા, તે હવે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં આવી ગયા છે. ચાર-ચાર સંતાનો સાથે ગામના છેવાડાના ઘરમાં રહે છે. ધંધો બંધ થઇ ગયો છે પ્રાઇવેટ ફર્મમાં નોકરી કરે છે, ટુંકી આવક છે, ઘરમાં ખાવા-પીવાની તકલીફ છે અને શારિરીક તકલીફ પણ રહ્યાં કરે છે.

આજે અમીષા જયારે લલીતકાકાને જોવે છે, ત્યારે તેને અફસોસ થાય છે કે,મારી બદદુઆથી લલીતકાકાની આ દશા થઇ છે હવે તે ભગવાનને પ્રાર્થના કરે છે કે હવે બહું થયુ, મારી બદદુઆ પાછી લઉ છું, લલીતકાકાની સ્થિતિ સુધારી દો. પણ ભગવાન તેની પ્રાર્થના સાંભળતા નથી અને લલીતકાકા હજી જિંદગીનો સંધર્ષ કર્યા કરે છે.

લેખક : દિપા સોની “સોનુ”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ