હીરો – ખરેખર દીકરી નાની હોય કે મોટી તેની દરેક ઈચ્છા તેના પપ્પા જરૂર પૂરી કરે છે એટલે જ તો એ હીરો છે…

“હીરો”

મીરા રાજ સાથે ફોન પર વાત કરી રહી હતી. ત્યાંજ મીરાની સાથે તેમના બેડરૂમમાં રમી રહેલ તેની દીકરી માયરા તે મીરા પાસે આવીને બોલી, “મમ્મી, ચોકલેટ ખાવી છે.” “અત્યારે નહીં પછી.” ફોન પર હાથ મૂકીને મીરાને માયરાને કહ્યું. ત્યાંજ ફોનની બીજી બાજુથી રાજ પૂછી બેઠો, “શું કહે છે માયરા? શું ખાવું…” રાજને વચ્ચે જ અચકાવતા મીરા કહી બેઠી, “અરે, કાંઈ નહીં. તમે એક કામ કરો જલ્દી ઘરે આવી જજો. પિક્ચર જોવા જવાનું છે.”


“ઓકે ચલ.” એટલું કહીને રાજે ફોન કાપ્યો. સાંજે સમયસર રાજ ઘરે આવ્યો. ઘરે આવીને તે માયરાને મળ્યો અને તેને ચોકલેટ આપી.

ચોકલેટ હાથમાં આવતા જ નાનકડી માયરાના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. તે તરત જ તેના પિતાના ગળે વળગી અને કહ્યું, “થેંક્યુ પપ્પા.” દીકરીને ગળે મળીને રાજના ચોકલેટના પૈસા જાણે વસુલ જ થઇ ગયા હતા. દીકરીને ગળે મળી રાજે તેને પૂછ્યું, “હેપ્પી?” માયરાએ ચહેરા પર મુસ્કાન સાથે માથું ઉભું હલાવી હા પાડી.


ત્યાં જ મીરા આવી અને માયરાના હાથમાં ચોકલેટ જોઈને તેણે રાજને કહ્યું, “તમે જ બગાડો છો રાજ તેને.” “અરે કાંઈ બગડતી નથી મારી દીકરી.” એમ કહેતા રાજે ઉમેર્યું, “ચાલ એ બધું છોડ તું એમ કહે કે મુવી જોવા જવા માટે રેડી છું?” “હા, કયું મુવી છે પણ એ તો કહો રાજ?” મીરાએ પૂછ્યું. “ઐયારી.” રાજે જવાબ આપ્યો. “હે? અઘરું નામ છે. કોણ છે હીરો તેમાં?” મીરાએ પૂછ્યું.


ત્યાંજ નાનકડી મીરા કહી બેઠી, “હીરો એટલે તો ડાયમંડ થાય, મમ્મી.” દીકરીનો માસુમ જવાબ સાંભળી મીરા મલકાઈ અને તેને સમજાવતા કહ્યું કે, “તે સાચી વાત બેટા. પણ બેટા જે બધાની હેલ્પ કરે, બધાને હેપ્પી રાખે એને પણ હીરો કહેવાય.”

“અચ્છા, હેપ્પી રાખે એને હીરો કહેવાય?” માયરા પૂછી બેઠી. “હા બેટા.” મીરાએ કહ્યું. “તો તો પપ્પા હીરો કહેવાય. મને હોમવર્કમાં હેલ્પ કરાયું અને મને ચોકલેટ આપીને હેપ્પી પણ કરી.” માયરાના આ શબ્દોમાં માસુમિયતનો રંગ છલકતો હતો.


ત્યાંજ મીરાએ રાજ સામે જોયું, રાજ મુસ્કુરાઈ રહ્યો હતો. પછી મીરાએ માયરા સામે જોઈને કહ્યું, “હા બેટા, તારા પપ્પા જ તારા હીરો છે.” માયરાના માસુમિયતના રંગમાં રંગાયેલા શબ્દો રાજ અને મીરાના ચહેરાઓ પર મુસ્કુરાહટનો રંગ છોડી ગયા હતા. ગમે તેટલા શાહરૂખ, સલમાન કે અક્ષય કોઈ પણ કેમ ના આવી જાય, પરંતુ દુનિયાની દરેક દીકરી માટે તેનો પ્રથમ અને ખરો હીરો તો તેના પિતા જ હોય છે. ખરૂં ને?

લેખક – ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

દરરોજ ધવલ બારોટની વાત વાંચો ફક્ત અમારા પેજ પર.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ