૭૫ વર્ષિય અમિતાભ બચ્ચનનાં ફિટનેસનું રહસ્ય!

વિશ્વના સફળ લોકો પોતાની સફળતાનો શ્રેય પોતાની ફિટનેસને પણ આપતા હોય છે. ફિટ બોડી, રિલેક્સ માઈન્ડ તેઓને મહેનત કરવામાં મદદ કરે છે. વ્યસ્ત શિડ્યુઅલમાં પણ તેઓ ફિટનેસ માટે સમય ફાળવી લેતા હોય છે.

આપણા જેવા સામાન્ય લોકો અલબત્ત  વ્યાયામ કે વર્ક આઉટ કરવા માંગતા હોય છે પંરતુ સમય નથી તેવું બહાનું ધરી દે છે. જોકે, સેલિબ્રિટીઝ, ક્રિકેટર્સ કે અન્ય રમત-ગમતનાં ખેલાડીઓ હોય કે પછી બિઝનેસમેન આદિ કસરત કરવા કે તંદુરસ્ત રહેવા માટે સમય કાઢી જ લેતા હોય છે. તેમનું માનવું છે કે જો શરીર અને મન એકદમ સ્વસ્થ અને કાર્યક્ષમ હશે તો જીવનમાં જે કોઈ પણ લક્ષ્ય હશે તેને પૂર્ણ કરવામાં સહાયક રહેશે. પીએમ નરેન્દ્ર મોદીજી પણ રોજ યોગ કરતા હોય છે. તેમણે જ વિશ્વ યોગદિનની અદ્ભુત શરૂઆત કરી છે, જે દ્વારા હજારો લાખો લોકો યોગ કરવા સાર્થક થયા અને જીવનમાં તંદુરસ્તીને અપનાવી.  જીવનમાં તંદુરસ્તી અને કામ કરવાની ક્ષમતા વિશે બોલીવુડનાં મહાનાયકની રસપ્રદ વાત અહીં કરવામાં આવી રહી છે. તેમનાં ફીટનેસ ફંડા અને અન્ય વાતો અમે તમને જણાવી રહ્યાં છીએ તો અચુકથી વાંચજો.

હાલમાં જ ૧૧ ઓક્ટોબરના દિવસે સદિનાં મહાનાયક અમિતાભ બચ્ચન ૭૫ વર્ષનાં થયા છે. તેમને જોઈને એક પ્રશ્ન તો મગજમાં આવે જ છે કે આ ઉંમરે પણ બિગ બી આટલા ફિટ કેમનાં છે? શરીરથી સ્વસ્થ અને સાથે દિવસનાં ૧૨ થી ૧૬ કલાક કામ કરવું એ પણ આ ઉંમરે, તે કોઈ નાની અમથી વાત નથી. સામાન્ય રીતે ૭૫ વર્ષે આપણા દાદા-દાદી કે નાના-નાની કે અન્ય કોઈ વડીલ કામથી નિયુક્તિ લઈને જીવનને શાંતિથી જીવતા હોય છે. જ્યારે શહેંશાહ એકદમ તંદુરસ્ત રહીને આજે પણ ક્લાકોનાં ક્લાકો કામ કરે છે, અન્ય સામજિક પ્રસંગોમાં ભાગ લે છે અને સાથે પરિવારને પણ પૂરો સમય ફાળવે છે. બિગ બીનાં આ તંદુરસ્તી પાછળનું રહસ્ય કસરત અને કામ કરતા રહેવાની તથા સતત કઈક નવું શીખવાની ઇચ્છા છે.

 

બિગ બીનાં ફિટનેસનું રહસ્ય

મુંબઈની મેરિયટ હોટલના જીમમાં બિગ બી છ વાગે પહોંચી જાય છે. જો વહેલી સવારે શૂટિંગ હોય તો બિગ બી રાતના બે વાગે જીમમાં હોય છે. તેઓ ઍક્સરસાઈઝ નિયમિત રુપે કરે છે અને તે પણ નિષ્ઠાપૂર્વક, તેઓ કાર્ડિયો, યોગા સાથે સંપૂર્ણ રીતે સંતુલિત શાકાહારી ભોજન જ લે છે. તેમનાં માટે પહેલાં સારું સ્વાસ્થ અને બાકી બધુ પછી…

એક સમય એવો હતો કે બિગ બી સિગારેટ અને દારુ પણ પીતા હતા. તેમણે એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે જ્યારે તેઓ કોલકાતામાં હતા ત્યારે તેઓ દિવસમાં ૧૦૦ થી પણ વધારે સિગારેટ પી જતા. પરંતુ જ્યારે તેઓ મુંબઈ આવ્યા ત્યારે તેમણે આ બધી ખરાબ ટેવો છોડી દીધી અને સાથે ચા-કૉફી પણ પીવાનું છોડી દીધું.

ક્યારેક જલેબી અને ખીર અમિતજીની મનપસંદ વાનગીઓ હતી, પણ જ્યારથી જીવનમાં સ્વાસ્થ્યને વધારે મહત્ત્વ આપ્યું છે, બસ એ જ દિવસથી તેમણે આ બધી વાનગીઓ તરફ જોવાનું પણ છોડ્યું છે. તેઓ કેક કે પેસ્ટ્રી પણ નથી ખાતા.

બિગ બીનાં ઘરમાં દરેક લોકો ફિટનેસને અગત્યતા આપે છે. એક ઈન્ટવ્યૂમાં બિગ બીની વહુ ઐશ્વર્યાએ જણાવ્યું હતું કે પરિવારનાં દરેક સભ્યો હેલ્થી રહેવા માટે દિવસમાં એકવાર ભૂલ્યા વગર મધનું સેવન કરતા હોય છે.

૭૫ વર્ષિય બિગ બીની દિનચર્યા

બિગ બી સવારે ૫.૩૦ વાગે જાગીને મૉર્નિંગ વૉક અને કસરત બાદ અન્ય કામ કરતા હોય છે. કોઈ શૂટિંગ હોય તો સમયસર સ્થળે પહોંચી જાય અને જો કોઈ શૂટિંગ ન હોય તો અન્ય કામ પૂર્ણ કરી લેતા હોય છે. ત્યાર બાદ સાંજે ઘરે આવીને પોતાનાં બ્લૉગની તૈયારીમાં લાગી જતા હોય છે. રાત્રે ૧૨ કે ૧૨.૩૦ સુધીમાં સૂઈ જાય છે અને વળી પાછી ૫.૩૦ વાગે તેમની સવાર પડે.

૧૨ થી ૧૬ કલાક કામ કરનાર બિગ બી હાલમાં રુષિ કપુર સાથે ‘૧૦૨ નૉટ આઉટ’ ફિલ્મની છેલ્લા શિડ્યુલની શૂટિંગ કરી રહ્યાં છે. આ સાથે તેઓ ડિરેક્ટર નાગરાજ મંજુલેની સાથે ‘ઝૂંડ’ ફિલ્મની તૈયારીમાં લાગી ગયા છે. યશરાજ ફિલ્મની ‘ઠગ્સ ઑફ હિન્દુસ્તાન’ની પણ શૂટિંગ પણ સાથે જ કરી રહ્યાં છે.

અત્યારે પણ બિગ બી ‘કેબીસી’ની શૂટિંગમાં વ્યસ્ત છે. પરંતુ તેમણે ઉપરા ઉપરી આ શોની શૂટિંગ પૂર્ણ કરી જેથી તેઓ જન્મ દિવસની ઉજવણી માટે સહ પરિવાર બહાર જઈ શકે. બિગ બી આ બધા કામની સાથે સામાજીક કાર્યોથી પણ જોડાયેલા છે. સ્વચ્છ ભારત અભિયાન માટે તેઓ સમયે સમયે ઍડ શૂટ કરી લે છે. છેલ્લા ૩૦ વર્ષથી દર સાંજે તેઓ પોતાનાં ઘર ‘જલ્સા’ની બહાર ઉભા રહીને પોતાના ફેન અને ફૉલોઅર્સને પ્રેમથી શુભેચ્છા પાઠવતા હોય છે.

એકસાથે આ વયે કામ કરવા પાછળનું કારણ અમિતજીની હેલ્થી લાઈફ સ્ટાઈલ છે. વિશ્વાસ નહીં થાય પણ બૉલીવુડનાં અન્ય સ્ટાર્સ પણ કસરત નિયમિત રુપે કરે છે અને અન્ય કામ પણ કરે છે. પરંતુ તેઓનું પણ માનવું છે કે અમિતજી જેટલી કામ કરવાની એનર્જી અને ક્ષમતા તેમનામાં નથી. અહીં જ જાણી લો કે અન્ય બોલીવુડનાં સિતારા બિગ બીથી શું પ્રેરણા મેળવે છે.

સલમાન ખાન –

આ ઉંમરે હાર્ડ વર્ક કરવા માટે અમિતજી સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે. કામને પ્રતિ તેમની નિષ્ઠા અને પેશન બિરદાવવા લાયક છે. સદિઓથી તેમનું સ્ટારડમ આજે પણ બરકરાર છે. મારી એટલી જ ઈચ્છા છે કે હું તેમની જેમ લાઈફમાં હાર્ડ વર્ક કરતો રહું.

આલિયા ભટ્ટ –

અમુક દિવસો અગાઉ જ અમિતજીએ સ્વચ્છ ભારત અભિયાન હેઠળ આયોજીત કાર્યક્રમમાં ૧૨ કલાક સતત આ વિષય ઉપર ચર્ચા કરી હતી. તેમની નિરંતર કામ કરવાની ક્ષમતા જોઈને હું દંગ રહી ગઈ હતી. આ ઉંમરે પણ તેમનામાં મારા કરતા વધારે એનજ્રી છે. મારે પણ અમિતજીની જેમ જ ફૂલઓન એનર્જી સાથે કામ કરતા રહેવું છે.

સુશાંત સિંહ રાજપૂત –

ઘણીવાર મને આશ્ચર્ય થાય છે કે અમિતજી કેવી રીતે સમય કાઢીને બધા એક્ટર્સનું કામ જોવે છે અને એટલું જ નહીં તેમનાં કામને બિરદાવીને પત્ર પણ લખતા હોય છે. આ ઉંમરે પણ તેમનામાં કમાલની જિજ્ઞાસા છે.

રિતેશ દેશમુખ –

હું મારી જાતને ખુશ નસીબ માનું છે કે મને અમિતજી સાથે ત્રણ ફિલ્મમાં કામ કરવાની તક મળી. તેઓ આ ઉંમરે પણ કંઈક નવું શીખવા માટે હંમેશા આતૂર રહે છે. તેઓ રોજ કંઈક નવું શીખવાનો પ્રયાસ કરતા હોય છે અને આજે પણ તેમનો આ પ્રયાસ ચાલું જ છે. મારે આમિતજીની આ ક્વૉલિટી અપનાવી છે.

 

મિત્રો ઘણીવાર જીવનમાં એવા કિસ્સા કે ઘટનાઓ જોઈ હશે કે સાંભળી હશે કે કામ કરવાની ઘગસ સાથે ઉંમરનું કઈ જ લેવા-દેવા નથી. અગાઉ જ વાંચ્યું હતું કે ૮૮ વર્ષનાં બુજુર્ગ ઘર ચલાવવા માટે ઘેર ઘેર જઈને ચિપ્સ વેચે છે. જો તમારામાં કામ કરવાની ક્ષમતા હોય અને શરીર એકદમ ટનાટન હોય તો તમારા માટે કોઈ કામ અશક્ય નથી. જો તમને આ વાત ગમી હોય તો અન્ય સાથે જરૂરથી શેર કરજો.