એક ગુજરાતી ગુજરી ગયો. યમનાં દૂત પોતાના ખાસ વિમાનમાં આવીને જીવ લઇ ગયા. જન્મનાં સાઇઠ વરસ બાદ છેક મૃત્યુ પછી હવાઇ સફરનો લાભ મેળવવામાં સફળ થયેલો ગુજરાતી ચિત્રગુપ્તની ઓફિસમાં રજૂ થયો. મેં સાંભળ્યું છે કે હવે ઉપર પણ બધો વહીવટ કમ્પ્યુટરાઇઝ્ડ થઇ ગયો છે અને ચિત્રગુપ્ત હવે દર દિવાળીએ ચોપડાને બદલે કમ્પ્યુટર ઉપર ચાંદલા કરે છે.

ચિત્રગુપ્તે ગુજરાતીનું ગુપ્ત ચિત્ર જોવાં માટે કમ્પ્યુટર ઓન કર્યું. પ્રથમ ગુજરાતીનાં પુણ્યની એન્ટ્રી તપાસીને કહ્યું કે તમે તો ઘણાં પુણ્ય કર્યાં છે. આ સાંભળી હરખાઇ ગયેલો ગુજરાતી બોલ્યો કે ચિત્રગુપ્તભાઇ, પુણ્ય તો કરવા જ પડે ને ? અમે ગુજરાતીઓ દરરોજ કરતાં વધારે જમીને ઉપવાસ કરીએ છીએ. ત્રણ ટંક જેટલું એક જ ટંકમાં આરોગીને એકટાણાં કરીએ છીએ.

વ્યથાની વાતા કરતાં-કરતાં કથા સાંભળીએ છીએ અને વરસમાં એકાદ વખત હનીમૂન કરવા નીકળ્યાં હોય એ રીતે તીર્થયાત્રા પણ કરીએ છીએ. ત્યાર બાદ ચિત્રગુપ્તે ગુજરાતીનાં પાપની એન્ટ્રીઓ ચેક કરીને કહ્યું કે તમે પાપ કરવામાં પણ પાછું વળીને જોયું નથી. આ સાંભળીને થોથવાઇ ગયેલો ગુજરાતી બોલ્યો કે અમને જન્મથી જ ડરાવવામાં આવે છે કે જો પાપ કરશો તો નર્કમાં જશો એટલે અમે જાણીબૂઝીને ક્યારેય પાપ કરતા જ નથી.

હું એમ કહેતો નથી કે તમે ખોટું બોલો છો, મારાથી જે કાંઇ પાપ થઇ ગયા છે એ ભૂલથી થયા હશે. એટલે ચિત્રગુપ્ત બોલ્યા કે તમે ગુજરાતીઓ એક્સક્યુઝ શોધવામાં એક્સપર્ટ છો. મને બરાબર ખબર છે કે તમે પાણી ઉકાળીને પીઓ છો અને લોહી જેમનું તેમ પીઓ છો. આખો દિવસ અહિંસાને ધર્મ માનીને જીવો છો અને રાત્રે ઘરમાં હોય એટલા મચ્છર મારીને ઘસઘસાટ ઊંઘી જાઓ છો.

ચંદ્રકાંત બક્ષી નામનાં એક લેખક અહીં આવ્યા ત્યારે મને કહેતા હતા કે ગુજરાતી પુરુષો ઓફિસમાં સેક્સની વાતો કરે છે અને બેડરૂમમાં ટેક્સની વાતો કરે છે. ગુજરાતી એવી વેપારી પ્રજા છે કે એને નામાનાં ચોપડામાં રસ છે એટલો સાહિત્યની ચોપડીમાં રસ નથી. આ સાંભળી ગુજરાતી બોલ્યો કે રૂપિયા એટલે લક્ષ્મી અને લક્ષ્મી એટલે માતાજી, લક્ષ્મીજી પ્રત્યેના અમારા અહોભાવને અમારો સદગુણ ગણવો જોઇએ.

આ સદગુણના કારણે તો અમે ગુજરાતીઓ વિશ્વનાં તમામ દેશના નાનામાં નાના ગામ સુધી પહોંચી ગયા છીએ અને અક્કલ અને હોશિયારીથી સામ્રાજ્ય ઊભાં કરીને લક્ષ્મીજીની કૃપા મેળવવામાં સફળ થયા છીએ. એટલે ચિત્રગુપ્તે તરત જ કહ્યું કે તેં પાપથી ડરીને પુણ્ય કર્યા છે અને પુણ્ય પામવા માટે પાપ કર્યા છે. આમ પાપ અને પુણ્ય બંને કર્યા છે, માટે થોડાં વરસ સ્વર્ગમાં રહેવા દઇશ અને થોડા વરસ નર્કમાં પણ રહેવું પડશે.

પૃથ્વી ઉપર દરરોજ બપોરે થાળી ભરીને દાળ-ભાત ખાધાં પછી બે કલાક સુધીની દીર્ઘ વામકુક્ષી કરનાર માટલા જેવી ફાંદના માલિકે સીધો સવાલ કર્યો કે હું મારા સ્વર્ગનો લાભ રાજીખુશીથી જતો કરવા તૈયાર છું. તમે નર્કની સજા માફ કરતાં હો તો. ગુજરાતીની શરતી વાણી સાંભળીને ચિત્રગુપ્તને પરસેવો છૂટી ગયો કારણ આવો અઘરો જીવ આ અગાઉ કોઇ આવ્યો નહોતો.

ચિત્રગુપ્તે પૂછ્યું કે તને સ્વર્ગ પણ ન આપું અને નર્ક પણ ન આપું તો હું શું આપું? ત્યારે ગુજરાતી બોલ્યો કે સ્વર્ગ અને નર્કનો રસ્તો જ્યાં મળે છે તે ચોકમાં દુકાન થાય તેટલી જગ્યા આપો !!!
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ