‘કપડા વગરનું સત્ય’ સોળે શણગાર સજી બેઠેલા અસત્ય કરતાં તો નગ્ન સત્ય જ સારું ….

આજે અમે એ સમયની વાર્તા લાવ્યા છીએ જયારે સત્ય અને જુઠ, સાચો અને ખોટો નામના બે વ્યક્તિ હતા.
એક દિવસ સાચો અને ખોટો ભેગા થયા.

ખોટાએ સાચાને કહ્યું ‘કેટલો સરસ દિવસ છે, નહિ !’

સાચો ખોટા ઉપર એક આનાનો પણ વિશ્વાસ ન મુકે, આથી તે એકદમ શક ભર્યા હાવભાવથી આજુ બાજુ જોવે છે, આકાશ જોવે છે, હરિયાળી જોવે છે અને માને પણ છે કે આ ખરેખર એક સુંદર દિવસ છે.

ત્યાર બાદ સાચો અને ખોટો થોડો સમય એક સાથે વિતાવે છે. એ લોકો જ્યાં બેઠા હોય છે એની બાજુમાં જ એક સુંદર કુવો હોય છે.
તેને જોઇને ખોટો કહે છે, ‘પાણી કેટલું ચોખ્ખું છે, ચલ અંદર નહાવા જઈએ.’

સાચો ફરીથી શક ભર્યા હાવભાવથી કુવા પાસે જાય છે. પાણી જોવે છે, એ પાણી પીને ચાખે પણ છે. અને ખરેખરમાં પાણી ખુબ જ સુંદર હોય છે.

એ પછી બંને કપડા કાઢીને કુવામાં નહાવા જાય છે.

બંને મજા માણતા હોય છે ત્યારે એકાએક ખોટો ભાગીને બહાર આવે છે અને સાચાના કપડા પહેરીને ભાગી જાય છે. સાચો ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને કુવાની બહાર કપડા પહેર્યા વગર આવીને ખોટાને શોધવા જાય છે. દુનિયા ભરમાં તે કપડા વગર ફરે છે પણ ખોટો મળતો નથી.
આ દરમિયાન બધા લોકો, એ કપડા વગરના સત્યને ખુબ જ ખરાબ રીતે જોવે છે, ધિક્કારવા લાગે છે. લોકો તેને જોવા સુદ્ધાં નહતા માંગતા. સાચો એ દર્દ સહન નથી કરી શકતો અને પોતાની નગ્નતા છુપાવવા પાછો કુવામાં ચાલ્યો જાય છે જેથી દુનિયાના લોકોની નજરથી બચી શકે.
અને ત્યારથી ખોટો, સાચાના કપડા પહેરીને દુનિયાભરમાં ફરી રહ્યો છે અને સાચો…કુવામાં.

૧૯મી સદીના એક મહાનાયકે આ વાર્તા કહી હતી જેનું નામ હતું ‘નેકેડ ટ્રુથ’ એટલે કે ‘કપડા વગરનું સત્ય’.
શું કહેવું આ સ્ટોરી વિશે?

ગમી હોય તો શેર કરી દેજો.

લેખન સંકલન: યશ મોદી