નાનકડો વેદ ત્રણ ત્રણ જિંદગીને જીવ આપીને બની ગયો અમર, સમાજ માટે દાખલો પૂરો પાડતો ગયો

પોતાના કાળજાના કટકાને ડોક્ટરે બ્રેઇન ડેડ જાહેર કરતાં આખાએ કુટુંબ પર આભ ટૂટીપડ્યું – બાળકના જીવનની કોઈ જ આશા નહીં રહેતા માતાપિતાએ લીધો અંગદાનનો નિર્ણય, નાનકડો વેદ ત્રણ ત્રણ જિંદગીને જીવ આપીને અમર બની ગયો – સમાજ માટે દાખલો પૂરો પાડતો ગયો

કોઈ પણ માતાપિતા માટે પોતાના સંતાનનું તેમના કરતાં પહેલાં મૃત્યુ થવું તે એક શ્રાપ સમાન બાબત છે. પણ ભગવાન આગળ કોઈની પણ મરજી નથી ચાલતી અને જે થવાનું હોય છે તે થઈને જ રહે છે. પણ કેટલીક બાબત ભગવાન આપણા હાથમાં પણ છોડે છે અને તેને કરવાથી આપણા મનને શાતા વળે છે.વેદ અને તેના માતાપિતા

તાજેતરમાં એક માતાપિતા સાથે આવી જ એક કરુણ ઘટના ઘટી હતી. થોડા દિવસ પહેલા રાજકોટમા પ્રથમવાર સૌથી નાની વયના એક બાળકની કીડની ટ્રાન્સપ્લાન્ટ કરવામા આવી હતી. આ બાળકનું નામ વેદ ઝીંઝુવાડિયા છે તે માત્ર બે વર્ષની વયે બ્રેઇન ટ્યુમરના કારણે બ્રેઇન ડેડ થઈ ગયો હતો. કુટુંબના સભ્યોએ વેદને બચાવવા માટે લાખ પ્રયત્નો કર્યા તેમ છતાં ભગવાનની મરજી આગળ કોઈનું કશું ન ચાલ્યું અને સારવાર દરમિયાન વેદને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યો. છેવટે પિતાએ પોતાના બાળકને બીજાના શરીરમાં વિવિધ રીતે જીવતો રાખવા તેના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો. અને સાવ જ બે વર્ષની કુંમળી ઉંમરમાં વેદ ત્રણ-ત્રણ લોકોને જીવનદાન આપી ગયો.

image source

પિતા ભાવેશ ઝિંઝુવાડિયાને આ નિર્ણય લેવામાં જરા પણ વાર ન લાગી. તેમણે નિર્ણય લેતી વખતે પત્ની વિભૂતિબેનને પણ નહોતું પુછ્યું. પાછળથી જ્યારે વિભૂતિબેનને આ વિષે જાણ થઈ ત્યારે તેઓ પણ પોતાના વાહલા દીકરાના અંગોને દાન કરવા માટે ખૂશી ખુશી હામી ભરી દીધી. વિભૂતિબેન દીકરાની વાત કરતાં જણાવે છે કે વેદે ક્યારેય અમારી પાસેથી કશું જ લીધુ નથી હંમેશા આપ્યું જ છે. જ્યારે જ્યારે તેને હોસ્પિટેલમાં જોતાં ત્યારે ત્યારે અમે મનથી ભાંગી પડતા. પણ જ્યારે પતિ ભાવેશે દીકરાના અંગોને દાન કરવાનો નિર્ણય કર્યો ત્યારે તેમનામાં એક નવીજ આશા જાગી ઉઠી. માતાને હવે પોતાના દીકરાના મૃત્યુનું દુઃખ તો છે જ પણ સાથે સાથે એ રાહત પણ છે કે તેમનો વેદ બીજા ત્રણ લોકોમાં જીવી રહ્યો છે.

વેદના મૃત્યુ પહેલાંના 15 દિવસ રહ્યા ભારે કરુણ

image source

તેમના માતા વેદની તબિયત વિષે જણાવે છે કે, 15 દિવસ પહેલાં વેદની તબિયત અચાનક બગડવા લાગી હતી. તેને વારંવાર ઉલટીઓ થવી શરૂ થઈ ગઈ. તેઓ મૂળે બોટાદના રહેવાસી એટલે તેઓ પોતાના દીકરાની સારવાર માટે રાજકોટ ડો. રુધાણીની હોસ્પિટલમાં આવ્યા. ત્યાં ડોક્ટરે તપાસ કરી ત્યારે ખબર પડી કે તેના મગજમાં ગાંઠ છે. માતા-પિતા બન્ને ફાર્મસિસ્ટ હોવાથી તેમણે બધા જ રીપોર્ટનો બારીકાઈથી અભ્યાસ કર્યો. રાજકોટની હોસ્પિટલ બાદ તેમણે એઇમ્સ, હિન્દુજા ઉપરાંત દેશની સારામા સારી હોસ્પિટલમાં દીકરાને બતાવ્યો પણ બધેથી એવું જ કહેવામાં આવ્યું કે કેસ ખૂબ જ ગંભીર છે. ત્યાર બાદ સાત દિવસથી રોજ ઉલટીઓ થવા લાગી.

image source

MRI કરાવતા જાણવા મળ્યું કે મગજમાં પાણી ભરાઈ ગયું છે. મગજમાંથી પ્રેશર દૂર કરવા તાત્કાલિક વેદનું ઓપરેશન કરવામાં આવ્યું, ઓપરેશન બાદ ડોક્ટરે જણાવ્યું કે વેદ વધારે લાંબુ ખેંચી શકે તેમ નથી આ સાંભળતાં જ અમે બધા સ્તબ્ધ થઈ ગયા. વેદની આવી સ્થિતિ જોઈ જોઈ અમે રડવાનું નહોતા રોકી શક્યા. અમારી આંખમાં આંસુ હતા તો એક દિવસ વેદની આંખમાં લોહી તરી આવ્યું. તેને તાત્કાલીક ઓપરેશન માટે લઈ જવામાં આવ્યો. જાણવા મળ્યું કે ગાંઠ ટૂટી ગઈ છે અને હેમરેજ થયું છે. હવે ખૂબ મોડું થઈ ગયું હતું.

સૌથી નાની ઉંમરે વેદે કર્યું અંગ દાન

છેવટે વેદને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યો. કુટુંબીજનોએ તેના અંગોને દાન કરવાનો નિર્ણય લીધો. પણ સૌથી મોટી મુશ્કેલી એ હતી કે અમદાવાદની કીડની હોસ્પિટલને કોવિડ-હોસ્પિટલ જાહેર કરવામા આવી હતી. માટે ત્યાં તો કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે તેવી સ્થિતિ નહોતી કારણ કે ત્યાં ઇન્ફેક્શનનું જોખમ રહેલું હતું. વેદનો તરત જ કોવિડ ટેસ્ટ પણ કરાયો હતો. બીજી બાજુ જેમને કીડનીની જરૂર હતી તેમને પણ રાજકોટ બોલાવી લેવામા આવ્યા હતા. સતત ત્રણ કલાકના ઓપરેશન બાદ બે કિડનીનું પ્રત્યારોપણ કરવામા આવ્યું. તેના માટે જાણીતા ડોક્ટર પ્રાંજલ મોદી અમદાવાદથી ખાસ આવ્યા હતા. રાજકોટમાં આવું પ્રથમવાર બની રહ્યું હતું કે આટલી નાની ઉંમરે કોઈ અંગનું પ્રત્યારોપણ થયું હોય. ડો. દિવ્યેશ વિરોજા અને ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ભાવના મંડલીએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં આ 79મું અંગદાન હતું.

અમદાવાદના એક 17 વર્ષિય કિશોરને વેદની બન્ને કીડની દાન કરવામાં આવી તો તો બીજા બે બાળકોને તેની આંખો દાન કરવામા આવી છે. અમદાવાદના જે કીશોરને વેદની કીડની દાન આપવામાં આવી છે તેના પિતાએ પણ વેદના કુટુંબીજનોની હિંમતને સલામ કરી છે. તેમનો દીકરો છેલ્લા ઘણા સમયથી ડાયાલીસીસ પર હતો. તેનું વજન માત્ર 35 કિલો જ હતું. આમ વેદે તો આ દુનિયામાંથી વિદાઈ લઈ લીધી પણ તે જતાં જતાં બીજા ત્રણ લોકોને જીવન દાન આપતો ગયો. ભગવાન તેના આત્માને શાંતિ આપે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ