વજન ઉતારવાના કોઈ જ ઉપાય કામ નથી લાગતા ? તો અજમાવો આ કુદરતી ટીપ્સ..

આધુનિક જીવનશૈલીએ ઘણી બધી સગવડો જીવનને આપી છે પણ સાથે સાથે ઘણી બધી સમસ્યાઓ પણ આપી છે. જે કામ પહેલાં શારીરિક હલનચલનથી થતાં હતા તે હવે કમ્પ્યુટર કરવા લાગ્યા છે. સમયની સાથે સાથે ખોરાકમાં પણ પરિવર્તન આવ્યું છે.

માણસ દીવસે દીવસે કુદરતી ભોજનથી દૂર થઈ રહ્યો છે અને માત્ર જીભને જ ક્ષણવારનો ચટાકો આપે તેવા ભોજન આરોગવા લાગ્યો છે. આ ઉપરાંત શરીરની સંભાળ એક બાજુ અને અન્ય પ્રાથમિકતાઓ વધી ગઈ છે. માટે શરીરને આડકતરી રીતે નુકસાન તો થવાનું જ. અને આ નુકસાનમાં પ્રથમ નંબર આવે છે મેદસ્વીતાનો.

તમે વજન ઉતારવા માટે ઘણા બધા પ્રયાસો કર્યા હશે અને તેમાં નિરાશા હાથ લાગી હશે. પણ આજના આ લેખમાં આપેલી કેટલીક કુદરતી ટીપ્સ તમને ઘણા અંશે વજન ઉતારવામાં મદદ કરી શકે છે.

વજન ઘટાડવા માટે સુઆદતો અપનાવો

સૌ પ્રથમ ફેટ શરીરમાં કેવી રીતે જમા થાય છે તે સમજો

તમારા શરીરમાં જે વધારાનું વજન છે તેનું કારણ શરીરની ચરબી છે. 1 કીલો ફેટ એટલે 7000 કેલોરીઝ. તેનો અર્થ એ છે કે જો તમે મહીનામાં એક કીલો વજન ઘટાડવા માગતા હોવ તો તમારે 7000 કેલરીઝ બાળવી પડશે તે જ રીતે બે કીલો વજન ઘટાડવા માગતા હોવ તો તમારે 14000 કેલરીઝ બાળવી પડશે એટલે કે જેટલા કીલો વજન ઘટાડવા માગતા હોવ તેના ગુણ્યા 7000 કેલરીઝ બાળવાની તૈયારી રાખવી.

આ ગણતરી પ્રમાણે જો તમે મહીનામાં એક કીલો વજન ઘટાડવા માગતા હોવ તો તમારે મહિના દરમિયાન 7000 કેલરી બાળવાની છે અને રોજની 210 કેલરીઝ બાળવાની છે.

ખોરાક માટે યોગ્ય આદત કેળવો

જો તમે કોઈ પણ જાતની ચરી પાળ્યા વગર કુદરતી રીતે જ વજન ઘટાડવા માગતા હોવ તો સૌ પ્રથમ તમે દીવસ દરમિયાન શું ખાઓ છો ? કેવું ખાઓ છો ? તેનું એનાલીસીસ કરો. તમારે જરા પણ ભુખ્યુ નથી રહેવાનું પણ તમારે તમારા ખાવાની આદતોને સ્વસ્થ બનાવવાની છે.

યોગ્ય સમયે ભોજન અને નાશ્તો કરવો

દીવસ દરમિયાન તમારે 5-6 વાર થોડું થોડું ખાવું જોઈએ. આવું કરવાથી શરીરનું મેટાબોલીઝમ ગતિમાં આવે છે. સવારનો નાશ્તો ક્યારેય ચૂકવો નહીં. નાશ્તો નહીં ખાવાથી તમે બપોરે અને સાંજે દાબીને ખાશો જેનાથી શરીરમાં ચરબી જમા થશે. તેમજ નિયમિત ભોજનના સમયે ભોજન કરી જ લેવું. ભુખ્યા રહેવાથી તમારા શરીરમાં કોઈ જ ઘટાડો નહીં થાય પણ વધારો ચોક્કસ થઈ શકે છે.

ખાતી વખતે સંયમ રાખવો

તમને ભાવતી કોઈ મીઠાઈ હોય તો તમારે તેના પર ટૂટી નથી પડવાનું પણ તેને ઓછા પ્રમાણમાં ખાવાની છે. રોજ મીઠાઈ ન ખાવી જોઈએ અને જો ક્યારેક કોઈ પ્રસંગે મીઠાઈ વધારે ખાઈ લીધી હોય તો ત્યાર બાદ થોડા દીવસ મીઠી વસ્તુઓથી દુર રહો.

યોગ્ય ખોરાક લો

તમારે વજન ઘટાડવા અને શરીરને સ્વસ્થ બનાવવા માટે વધારે પ્રમાણમાં પ્રોટિન, શાકભાજી- ફળ અને યોગ્ય પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ અને સર્કરા લેવાની છે. પ્રોટીન તમને ફણગાવેલા કઠોળ, સુકા મેવા, ઇંડા, ચીઝ વિગેરેમાંથી પુરતા પ્રમાણાં મળી શકે છે. વધારે પડતી ખાંડથી દૂર રહેવું. દીવસમાં ઓછામાં ઓછી પાંચવાર શાક કે ફળ ખાઓ. કેન્ડ ફૂડ, કેચપ, પાસ્તા, વિગેરેમાં ખાંડ અને મીઠું વધારે પ્રમાણાં હોય છે બને ત્યાં સુધી તેને અવોઈડ કરવું જોઈએ.

ખોરાકમાં સરળતાથી વજન ઘટાડતી વસ્તુઓનું પ્રમાણ વધારો જેમ કે ગ્રીન ટી, વેજીટેબલ સૂપ વિગેરે.

રોજ 30 મીનીટ કસરત કરવાનો નિયમ બનાવી લો.કસરત તમારું વજન તો ઘટાડશે જ પણ સાથે સાથે બીજી શારીરિક સમસ્યાઓ પણ દૂર કરે છે. કસરત કરવાથી તમારી માસપેશીઓ વિકસે છે અને તેના કારણે શરીરની ચરબી ઘટે છે.

કસરત કરવા માટે તમારે જીમમાં જઈને કલાકો ગાળવાની જરૂર નથી. તમારે તમારા જીવનમાં માત્ર થોડાક જ ફેરફાર કરવાના છે જેમ કે દુકાન કે ઓફિસ ચાલતા જવું અથવા તે શક્ય ન હોય તો સવારે ચાલી લેવું. કસરત તમને શરીરે સ્ફુર્તિલા અને મનથી પ્રસન્ન રાખે છે.

પુરતી ઉંઘ લેવી

જો ઉંઘ પુરતી ન લીધી હોય તો તે તમને શારીરિક અને માનસિક રીતે થકવી નાખે છે. ઉંઘવાના અરધા કલાક પહેલાં બધા જ ઇલેક્ટ્રીક ઉપકરણો જેમાં મોબાઈ, ટેબલેટ, નોટબુક, કંપ્યુટરનો સમાવેશ થાય છે તે બધું જ બંધ કરી દેવું જોઈએ. તેના કરતાં કોઈ સુંદર પુસ્તક વાંચી શકો છો.

મધરાત પહેલાં સુઈ જવાનો નિયમ બનાવી લો તેમ કરવાથી તમે સવારે તાજગી અનુભવશો. ઉંઘ માટે દસ વાગ્યાનો સમય બિલકુલ યોગ્ય છે.

શરીરને પુરતા પ્રમાણમાં પ્રવાહી પુરૂ પાડો

પાણી પીવાના અનેક ફાયદા છે. એક તો તે કુદરતી પિણું છે જે તમને વજન ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત તાજા ફળના ઘરે જ બનાવેલા જ્યુસ પણ પી શકો છો. દીવસમાં બને તેટલું પાણી પીવું જોઈએ ઓછામાં ઓછું 8 ગ્લાસ તો ખરું જ. તેનાથી શરીરનું મેટાબોલિઝમ ગતિમાં આવશે. આ ઉપરાંત વધારે પાણી પિવાથી શરીરમાંથી કચરો પણ નીકળતો રહેશે.

ધીમે ધીમે પરિવર્તન લાવો

તમારે એકદમથી જ તમારી લાઇફસ્ટાઇલ બદલવાની નથી. પણ ધીમે ધીમે તમારે તેમાં ચેન્જ લાવવોનો છે. જમવામાં તેલ સાવ બંધ જ નથી કરી નાખવાનું પણ બે ચમચીની જગ્યાએ એક ચમચીનો ઉપયોગ કરવાનો છે. તેવી જ રીતે પહેલાં જ દીવસે તમારે એક કલાક ચાલવા નથી જવાનુ એક-એક કલાક કસરત નથી કરી નાખવાની પણ ધીમે ધીમે શરૂઆત 15 મિનિટના વ્યાયમથી કરવી.

અઠવાડિયામાં 2 દિવસ બહારનું ખાતા હોવ તો હવે એક દિવસ બહાર ખાવાનું રાખો.

આ રીતે જો ધીમે ધીમે તમારી જીવનશૈલી તેમજ તમારી દીનચર્યામાં પરિવર્તન લાવશો તો તમારે કોઈ પણ જાતના આકરા ડાયેટીંગ કરવાની જરૂર નહીં પડે. વજન ચોક્કસ ઘટશે પણ ધીમે ધીમે ઘટશે અને સ્વસ્થ રીતે ઘટવાનું. પણ એક સૂચના અહીં એ આપવાની છે કે વજન ઘટ્યા બાદ તમારે તમારી આ લાઇફસ્ટાઇલ છોડવી નહીં. મહીનામાં બે કીલો વજન ઘટાડી લીધું તો પછી લહેરમાં આવી ન જવું. તમારું આ હેલ્ધી રુટીન ચાલુ જ રાખવું.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ