ભલભલા તીસમારખાં ન કરાવી શકે તેવી ટ્રેનિંગ આપી રહ્યું છે આ ટેણિયું; ૧૩ વર્ષનો છોકરો બન્યો યૂટ્યુબ ગુરુ

દિવસે ન વધે એટલી રાતે વધે એવી હાલત છે નવા જ પ્રકારના ઓનલાઈન બીઝનેસની. તેમાંય ખાસ કરીને યૂટ્યુબર્સની ભરમાર થઈ છે. અમે આપને એક એવા છોકરાનો પરિચય લાવ્યાં છીએ કે તેના વિશે જાણશો તો નવાઈ લાગશે અને તે બાળક પર ગર્વ પણ થશે.

UPSCની પરિક્ષાની તૈયારી કરાવી રહ્યો છે માત્ર ૧૩ વર્ષનો છોકરો : અમર સાત્વિક નામનો નવમાં ધોરણમાં ભણતો અને તેલંગણાંમાં જન્મેલો ૧૩ વર્ષનો છોકરો છેલ્લા કેટલાક સમયથી સિવિલ સર્વિસીસના કોચિંગ કરાવી રહ્યો છે અને એ પણ ઓનલાઈન, યૂટ્યુબ ચેનલ દ્વારા. આ બાળક એ ઉંમરનો છે જ્યાં એક માતાપિતા તેને બોર્ડની પરિક્ષામાં કયા કોચિંગ ક્લાસિસમાં મોકલવો એ વિચારતાં હોય ત્યારે તે અનેક યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બન્યો છે.

યંગેસ્ટ પોપ્યુલર યૂટ્યુબર : તે જ્યારે ૧૦ વર્ષનો હતો ત્યારે ‘લર્નિંગ વીથ અમર’ નામે તેની વર્ષ ૨૦૧૬માં યૂટ્યુબ ચેનલ શરુ કરી. જોતજોતાંમાં તેના લાખો સબસ્ક્રાઈબર્સ થઈ ગયા છે. તેને યંગેસ્ટ પોપ્યુલર યૂટ્યુબરનું સ્થાન પણ મળ્યું છે. તે તેની ઓનલાઈન ચેનલ પર સિવિલ સર્વિસિસને લગતા અને યુ.પી.એસ.સી.ની તૈયારી કરી રહેલ વિદ્યાર્થીઓ માટે કોચિંગ શરૂ કર્યુ છે. આ રીતે તે સૌથી નાની ઉંમરનો ટ્રેનર – કોચ પણ બની ગયો છે.

ભવિષ્યનું સપનું શું છે? : અમરને મોટા થઈને સિવિલ સર્વિસ કરવી છે. જેની તે એક રીતે અત્યારથી જ તૈયારીઓ કરી રહ્યો છે એમ કહીએ તો પણ ખોટું નથી. તે તેના વિવિધ યુઝર્સની રિક્વેસ્ટથી જુદા જુદા વિષયોને આવરી લઈને વિડિયોઝ બનાવે છે. જેમાં ભૂગોળ, મોરલ સાયન્સ અને પોલિટિક્સ ગણિતને રસપ્રદ રીતે અને જલ્દીથી યાદ રહી જાય તે રીતે સમજાવે છે. તેની આ આગવી શૈલી તેના વિઝિટર્સને તો ખૂબ કામ આવશે જ પણ તેને પણ ભવિષ્યમાં ઉમદા પરિણામ લાવવામાં મદદરૂપ થશે.

પિતા તેના પ્રેરણાસ્ત્રોત છે : અત્યાર સુધીમાં ૧૩થી વધુ વિડિયોઝ તેના પોસ્ટ થઈને હિટ ગયેલા છે. જેમાં તેને ૨.૩૩ લાખ સબસ્ક્રાઈબર્સ મળ્યા છે. આગળ તે પોલિટિકલ સાયન્સ અને ઇકોનોમિક્સના વિષયો લઈને ભવિષ્યમાં વિડિયોઝ બનાવવાની તૈયારી કરી રહ્યો છે જેમાં તેના પિતા કે જેઓ એક સરકારી શાળામાં શિક્ષક છે શ્રીમાન ગોવર્ધન આચરી તેના માત્ર પ્રેરણાસ્ત્રોત છે એવું નથી તેને ખૂબ સારું શિક્ષણ પણ આપી રહ્યા છે. અમરનો નાનો ભાઈ પણ તેને તેના સ્ટડીમાં અને યુનિક સ્ટાઈલમાં વિડિયોઝ બનાવવામાં મદદ કરે છે.

આ તેજસ્વી બાળક ભવિષ્યમાં ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ આપીએ…