ભરેલા તુરિયા નું શાક – આજે રૂચીબેન લાવ્યા છે ભરેલા શાકની એક નવીન વેરાયટી…

ઉનાળો શરૂ થતાં જાણે બધા શાક ગાયબ થઈ જાય છે. શિયાળા માં મળતા તાજા , કુણા અઢળક શાક માંથી બસ 2 કે 4 જ ઉનાળા માં દેખાય છે. ઉનાળા માં મૂળ રીતે દૂધી, તુરિયા એવા પાણી વાળા અને પચવા માં હલકા એવા શાક વધારે મળે છે.

પણ મારા ઘરે આ દૂધી અને તુરિયા કોઈ ને નથી ભાવતા.. તમારા ઘરે પણ એવું જ હશે. પણ જો આ જ તુરિયા ને એક સરસ twist આપીને બનાઇવીએ તો 100% , ઘર ના બધા આંગળા ચાટી ને ખાશે. ચાલો બનાવીએ આ સ્વાદિષ્ટ અને ફ્લેવરવાળું તુરિયા નું ભરેલું શાક.

સામગ્રી ::

મસાલા માટે

• 1/2 વાડકો દાળિયા

• 2 ચમચી આખા સૂકા ધાણા

• 1/4 વાડકો ખમણેલું સૂકું ટોપરું

• 1 ચમચી આખું જીરું

• 2 મોટી ચમચી શેકેલા શીંગદાના , ભૂકો

• 3 થી 4 લાલ સૂકા મરચાં

• 2 ચમચી તેલ

• 1/2 ચમચી હળદર

• 2 ચમચી લાલ મરચું

• મીઠું

શાક માટે::

• 1 kg તાજા કુણા તુરિયા

• 4 થી 5 ચમચી તેલ

• 1/2 ચમચી હિંગ

• 2 થી 3 ચમચી બારીક સમારેલી કોથમીર

• સ્વાદાનુસાર લીંબુ નો રસ

રીત ::

મસાલા માટે દર્શાવેલી બધી સામગ્રી તૈયાર કરો. વધારે ફ્લેવર માટે જીરું અને દાળિયા ને થોડા શેકી લો. હવે તેલ સિવાય ની બધી સામગ્રી મિક્સર માં ભેગી કરી વાટી લો. તેલ ઉમેરી મસાલો તૈયાર કરો. તુરિયા ની ધોઈ એની છાલ ઉતારી , 2 થી 2.5 વેઢા જેટલા લાંબા કટકા કરો. આ કટકા ને વચ્ચે થી કાપી મસાલો ભરો. ભરતા વધે એ મસાલો સાઈડ પર રાખી દો. નોનસ્ટિક કડાય માં તેલ ઉમેરી ગરમ કરો. મેં અહી ડુંગળી , લસણ વગર ની રીત બતાવી છે , આપ ચાહો તો તેલ માં ડુંગળી , લસણ ની પ્યુરી કે બારીક સમારેલા ઉમેરી પણ બનાવી શકો. કડાય ના ગરમ તેલ માં હિંગ ઉમેરી ભરેલા તુરિયા ના કટકા ઉમેરો. હળવે થી હલાવો. આ શાક ને બહુ હલાવું નહીં. તુરિયા માંથી પાણી છૂટશે જ તો જરા પણ પાણી ઉમેરવું નહીં. કડાય ને ઢાંકી ને 5 થી 6 મિનિટ કે તુરિયા જ્યાં સુધી એકદમ બફાઈ ના જાય ત્યાં સુધી પકાવો. છરી થી ચેક કરો કે તુરિયા તૈયાર છે કે નહીં. એકદમ બફાઈ જાય એટલે વધારા નો મસાલો ઉમેરી , લીંબુ રસ ઉમેરો. કોથમીર ઉમેરો અને સરસ હળવે થી હલાવી મિક્સ કરો. ગરમ ગરમ પીરસો. રોટલી, પરાઠા સાથે પીરસી શકાય.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.