માત્ર આ પાંચ વસ્તુઓના ઉપયોગથી તમે સમગ્ર ઉનાળો નિરોગી, સ્વસ્થ અને સ્ફૂર્તિલા રહી શકો છો

બળબળતા તાપની સામે એવું તે રોજ શું ખાવું પીવું જોઈએ જેથી લૂ પણ ન લાગે અને ઠંડક મળે? જાણો અમારી આજની આ પોસ્ટમાં

ઉનાળો આવે એટલે સૌ કોઈ ગરમીથી બચવાની જુદી જુદી રીત અજમાવવા લાગી જાય છે. કોઈને આંખોમાં બળતરા થવા લાગે છે તો કોઈને યુરિન ઇન્ફેક્શન તો કોઈને ચામડીમાં ઝીણી ફોલ્લીઓ પડે છે જેને લીધે ખરજ આવવી કે બળતરા થવા લાગે છે.

કેટલાક લોકોને ઉનાળામાં ઉકળાટને કારણે બપોરે જમવું પણ નથી ભાવતું તો તેમને નબળાઈ પણ આવી શકે છે. કોઈને તડકામાં બહુ વખત સુધી બહાર રહેવાને લીધે ચક્કર આવવા કે માથું દુખવા જેવી ફરિયાદો થાય છે.

અમે આપના માટે એક એવી યાદી લઈને આવ્યાં છીએ કે તમને થશે કે આ તો અમે જાણતાં જ હતાં! તેમ છતાંય તમે તેને તમારા દૈનિક જીવનમાં ઉમેરવાનું ભૂલી તો નથી ગયાંને? એજ યાદ અપાવી દઈએ. અહીં કેટલાંક ફળો અને શાકભાજી ખાસ ઉનાળામાં જ ઊગે છે અને તેજ અકસીર મારણ પણ હોય છે ઉનાળાની ગરમી સામે લડવા માટેનું.

આપણે ઉનાળામાં ઘરમાં, ઓફિસમાં, મોલ, કે દુકાનોમાં એ.સી.માં રહીએ છીએ ત્યારે આપણાં શરીરને તો બહારથી ઠંડક મળે જ છે પણ અમે તમને એવી પાંચ વસ્તુઓનું મહત્વ કહીએ જે તમારા શરીરને અંદરથી ઠંડું રાખશે.

આપણું શરીર ૭૦% પાણીથી બનેલું છે. જો શરીરમાંથી અકારણ પાણી શોષાઈ જાય કે ઘટી જાય તો એ.સિ.ડિ.ટી. થવી, આંતરડાંમાં પચ્યા વિનાના ખોરાકનો ભરાવો થવો, મોંમાં ચાંદાં પડવા, મૂત્રાશય અને કિડ્નીના કાર્યમાં વિક્ષેપ આવવા જેવી મુશ્કેલીઓ પણ પડતી હોય છે. જેથી જેમાં પાણીનું પ્રમાણ પુષ્કળ હોય અને શીત પ્રકૃતિના હોય એવો ખોરાક ખાવો જોઈએ.

આવો, એવી કઈ ૫ વસ્તુઓ છે જેનું તમારે દરરોજ સેવન કરવું જોઈએ જેથી આખો ઉનાળો નિરોગી રહી શકો. સાથે લૂ પણ ન લાગે અને ઠંડક મળે. બળબળતા તાપની સામે એવું તે રોજ શું ખાવું પીવું જોઈએ એની નાનકડી યાદી જોઈ લઈએ.

તરબુચ

તરબુચમાં કુદરતી રીતે સારા પ્રમાણમાં પાણી રહેલું છે. તેમાં મીઠાશ પણ એટલી જ છે જેથી જેમને ડાયાબિટીઝ હોય તેમણે ઉનાળામાં તરબુચ જરૂર ખાવું જોઈએ. તે લો કેલરી અને એન્ટિઓક્સિડન્ટ પણ છે. જેથી વજન નથી વધતું અને શરીર તાજગી અનુભવે છે.

કાકડી

કાકડી એ સૌથી સારું શીત પ્રકૃતિનું શાકભાજી છે. તેને સલાડ તરીકે જમવામાં કે જ્યારે પણ ખોટી ભૂખ લાગે ત્યારે ખાઈ શકાય છે. પાણીનું પ્રમાણ તેનામાં પણ સારી માત્રામાં છે તેથી જેમને ગરમી સહન ન થતી હોય તેમણે ઉનાળામાં કાકડીનું જોર રાખવું જોઈએ. એ.સિ.ડિ.ટી. અને બળતરામાં કાકડીનો રસ કાઢીને પીવાથી રાહત મળે છે. આંખમાં બળતરા થતી હોય તો કાકડીનાં પતીકાં આંખે લગાવીને સૂઈ રહેવાથી ઠંડક અનુભવાય છે.

ફૂદીનો

ફૂદીનામાં કુદરતી તત્વ છે જે તમને એક ખાસ પ્રકારની તાજગી આપે છે. ફૂદીનાને રાયતામાં, લીંબું પાણી સાથે કે ચામાં ઉમેરીને પી શકાય છે. લગભગ ઘરોમાં ફૂદીનાને સૌ કોઈ પસંદ કરે છે. ઉનાળામાં સાંજે સોડા સાથે કે બપોરે જમવામાં છાશમાં ઉમેરીને પણ તેને પી શકાય છે. તે ગેસ દૂર કરવામાં ઉપયોગી છે અને તે સારું એવું પિત્ત શામક ઔષધ છે.

ફ્રુટ જ્યુસ

ઉનાળામાં દ્રાક્ષ સારી આવે છે, વળી કેરી અને સંતરાં પણ ખૂબ સારાં મળે છે. શક્કર ટેટી અને તરબુચ પણ ખૂબ જ સરસ અને સસ્તાં મળે છે ઉનાળામાં. વિવિધ ફ્રુટ્સના જ્યુસ અને મિલ્ક શેક પીવા જોઈએ જેથી શરીરમાં પાણીનું પ્રમાણ સચવાઈ રહે. કાચી કેરીનો બાફેલો પન્નો કે ગોળનું પાણી, ખસનું, કોકમનું કે વરિયાળીનું શરબત જેવા કુદરતી પદાર્થોમાંથી બનેલ પીણા પીવા જોઈએ. ચા કે કોફીનું પ્રમાણ ઘટાડી દેવું જોઈએ કેમ જે ગરમ પ્રકૃતિના છે તે શરીરની તાસીરને વધુ ગરમ કરે છે.

છાશ

ગરમીમાં કોઈને કદાચ ગરમ ગરમ દૂધ પીવું ન ગમે પણ છાશ દિવસમાં એક વખત જરૂર પીવી જોઈએ. છાશમાં કુદરતી સાઈટ્રિક એસિડ રહેલું છે જે શરીરની ગરમી શોષી લઈને પ્રકૃતિને શાંત કરે છે. એ.સિ.ડિ.ટી. થતી હોય કે મોંમાં ચાંદાં પડ્યાં હોય તો તાજી, મોળી અને જીરેલા દહીંમાંથી બનાવેલ છાશ નિયમિત પીવી જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ