પ્રેમ કે કેરિયર – શું આ દીકરો પણ પિતાએ જે પગલું ભર્યું હતું એ જ ભરશે કે પછી, અંત ચુકતા નહિ…

‘સ્વપનિલ’ હાથમાં બાઇકની ચાવી ઉછાળતા, ઉછાળતા, હોઠેથી નવા ફિલ્મનું ગીત ગણગણતા ગણગણતા દાદરા ચડતા સ્વપનિલના પગ પપ્પા સુભાષભાઇના અવાજથી અટકી ગયા. દાદર પરથી જ ચહેરો ઘુમાવીને પુછયુ, “હા પપ્પા…” “નીચે આવ” સુભાષભાઇના અવાજમાં રહેલી ધાર સ્વપનિલે પારખી લીઘી તરત નીચે આવ્યો, “બોલો.. પપ્પા.. શું હતું??” “શું હતું? એમ નહી, કોણ હતી ? એ કહે” સુભાષભાઈનો અવાજ વધારે ધારદાર થયો.

સ્વપનિલ જરાક થોથવાયો પપ્પાના બદલાયેલા અવાજનું કારણ સમજી ગયો “કોનું કહો છો ? મારી બાઇક પાછળ બેઠી હતી તેનું પૂછો છો ??” “એને તું બેઠી હતી એમ કહે છે? જરાક તો શરમ કર.. એ બેઠી ન કહેવાય. ચીપકેલી- વળગેલી કહેવાય. કોણ હતી?” સુભાષભાઇનો અવાજ પાછો તેજ થયો

“એ તો નીરજા હતી. મારી ગર્લફ્રેન્ડ છે. અમે કોલેજમાં સાથે છીએ. તેને ઘરે મુકવા જતો હતો.” સ્વપનિલે સહજતાથી જવાબ આપ્યો. જાણે ગર્લફ્રેન્ડની નહી, પણ કોઇ મિત્રની વાત કરતો હોય તેમ. સુભાષભાઇ હેબતાઇ ગયા આ તો દીકરો છે કે દીપડો? જરાય શરમ નહી? પણ પછી બીજી ક્ષણે ખોંખારો ખાઇને બાપ બની ગયા “એ જે હોય તે… પણ બીજીવાર તારી સાથે જોવા ન મળે તે યાદ રાખજે પહેલા કમાતા થાવ, પછી પ્રેમના ચકકરમાં પડો.”

“પણ પપ્પા હજી તો હું વીસ વર્ષનો જ છું. અત્યારથી કમાવવાનું ??” “એ જ હું કહું છુ ને… હજી તો તું વીસ વર્ષનો જ છો.. કમાવવાની વાત આવે એટલે નાનો છો એમ..? પ્રેમ કરવા માટે ઉંમર નાની નથી ? પહેલા કમાવ.. પછી બીજું બધું” આટલું કહીને સુભાષભાઇ જતા રહ્યા.

બીજા દિવસે સવારે તેમને થયું કે દીકરાને વધારે ધમકાવી નાખ્યો. સમજાવવાની જરૂર હતી, ગુસ્સો કરવાની નહી. સવારે દીકરાને બાજુમાં બેસાડયો અને કહ્યું, ” જો દીકરા.. પ્રેમ થાય એ તારી ઉંમર છે.. કોલેજમાં બધાને પ્રેમનો રંગ ચડે જ.. પણ એ રંગ જિંદગી પર ન ચડાવાય. પ્રેમ તો મેં પણ કર્યો હતો. મને પણ કોલેજમાં પ્રેમ થયો હતો. “સાચે જ પપ્પા ? પછી શું થયું ? ” સ્વપનિલ પપ્પાની વાતથી નવાઈ પામ્યો. ” પછી શું..

બધું સરખુ ચાલ્યું હોત તો આજે ગીતા તારી મમ્મી હોત. પણ એવું ન થયું એક દિવસ ગીતાને મારા લ્યુના પર બેસાડીને જતો હતો અને કોઇક જોઇ ગયું. તારા દાદાને કહી દીધું પછી તારા દાદાનો ગુસ્સો તો તું જાણે જ છે.. જે માર્યો છે મને.. હું ગીતા સામે જોવાનું ભૂલી ગયો એટલે તને કહી દઉ છું હું દાદાની જેમ હાથ નહી ઉપાડું પણ…” સુભાષભાઈ આગળ બોલે એ પહેલા સ્વપનિલ ઉભો થઇ ગયો

થોડા દિવસ આમ જ વીતી ગયા સ્વપનિલે નિરજાને પ્રેમ કરવાનું છોડી તો ન દીધું, હા.. પણ થોડું ધ્યાન જરૂર રાખવા લાગ્યો. નિરજાને લઇને ફરવાનું બંધ કરી દીધું. કોલેજમાં જ મળી લેતા. ફિલ્મમાં કે હોટલમાં જવુ હોય તો સાથે જવાના બદલે અલગ અલગ જતા. અને તેમાં એકવાર પકડાઇ ગયા આઇસ્ક્રિમ પાર્લરમાં સ્વપનિલ પોતાના હાથે નિરજાને આઇસ્ક્રિમ ખવડાવતો હતો અને સુભાષભાઈ જોઇ ગયા

અને એ દિવસે ધમકાવવાનું વધુ જલદ બન્યુ. “મેં તને ના પાડી હતી તો પણ હજી રખડે છે એ નિરજા સાથે.? એટલે જ ભણવામાં ધ્યાન ઓછું થઇ ગયું છે. માર્કસ ઓછા આવવાનું કારણ નિરજા જ છે ને…” “પપ્પા…”

“બસ હવે એક પણ શબ્દ નથી સાંભળવો.. જો દીકરા એક વાત સમજી લે.. પ્રેમ અને કેરિયર એ બન્નેની દિશા અલગ અલગ જતી હોય છે પ્રેમમાં પડો એટલે કેરિયર ઝીરો.. જો કેરિયર બનાવવી હોય તો પ્રેમને મારો ગોળી… પહેલા ભણો.. કેરિયર બનાવો… પછી પ્રેમ કરવા છોકરી તો મળી જશે..”

“પપ્પા….” “ચૂપ… શું પપ્પા પપ્પા કરે છે ? તને ખબર છે ને પ્રેમ તો મેં પણ કર્યો હતો. પણ તારા દાદાએ એક જ વાત કહી.. જો પ્રેમ કરવો હોય તો ઘર છોડી દે… અને મેં પ્રેમ પસંદ કર્યો હોત તો આ ધંધો ન મળ્યો હોત… બંગલાને બદલે ભાડાના ઘરમાં જીવતો હોત. ધંધો તો પછી મેં મારી આવડતથી ડબલ-ત્રણગણો કર્યો… પણ તું સમજી લે.. પ્રેમ જોઇતો હોય તો ઘર છોડી દે.. ઘર-બંગલો-ગાડી-ધંધો જોઇતો હોય તો નિરજાને ભૂલી જા જેમ હું ગીતાને ભૂલી ગયો તેમ ..” સુભાષભાઈના શબ્દો પૂરા થાય એ પહેલા સ્વપનિલ પગ પછાડતો રૂમમાં જતો રહ્યો.

પોતાના રૂમમાં જઇને આલીશાન પલંગ પર પડયા પડયા તેણે વિચાર્યુ પપ્પાએ આ બંગલો, આટલી મિલકત , આટલી ગાડી શું પ્રેમની લાશ પર ચણી હશે ? હું પણ નિરજાને ભૂલી જાવું? પણ મિલકત માટે છોડી દેવાયેલી પ્રેમિકાનું પછી શું થતું હશે ?? અને બીજા દિવસે સવારે તેણે પપ્પાને બાજુમાં બેસાડયા , “પપ્પા તમે કહો છો એ સાચું કે પ્રેમ અને કેરિયર અલગ દિશામાં દોડતા હોય છે. પણ પપ્પા તમે કેરિયર પસંદ કરી અને પ્રેમ છોડી દીઘો.. પણ પછી ગીતા આન્ટીનું શું થયું??”

દીકરાના સવાલે સુભાષભાઇએ આંખ બંધ કરી દીઘી જાણે ગીતાને યાદ કરતા હોય. પછી બોલ્યા.. “દીકરા જેમ દાદાને ખબર પડી તેમ ગીતાના ઘરમાં પણ ખબર પડી ગઇ હતી તેનું ભણવાનું બંધ કરાવ્યું. અને ઉતાવળથી લગ્ન કરાવી દીધા. હું તો તેને ભૂલી ગયો ધંધામાં જ ધ્યાન આપતો હતો. તારી મમ્મી સાથે લગ્ન પણ કરી લીઘા પણ થોડા વર્ષો પછી એક વખત અચાનક ગીતા સામે આવી ગઇ એક ફંકશનમાં મળી ગઇ..

કયાં મારી પ્રેમિકા ગીતા… અને કયાં એક સામાન્ય કલાર્કની સામાન્ય પત્ની… ગીતા સાવ બદલાઇ ગઇ હતી.. ફિકકો ચહેરો… સસ્તી સાડી.. ઊંડી ઉતરી ગયેલી આંખો.. જોતા જ ખબર પડી જાય કે તેની આર્થિક સ્થિતિ નબળી છે.. ત્યારે મને સમજાય ગયું કે મેં કેરિયર પસંદ કરી એ નિર્ણય ઉતમ હતો.

“ના.. પપ્પા… તમારો નિર્ણય ખોટો હતો. પ્રેમ તો બન્નેએ કર્યો હતો ને… તમે કેરિયર પસંદ કરી. પણ ગીતા આન્ટીએ તો ઘરમાં ખબર પડી જતા પ્રેમ અને કેરિયર બન્ને ગુમાવી. તમારા માટે પ્રેમ અને કેરિયરની દિશા અલગ હશે, પણ છોકરીઓ માટે બન્નેની દિશા એક હોય છે. તમે તો પ્રેમ છોડીને આલિશાન બંગલામાં બેઠા છો. પણ આન્ટી… પ્રેમથી તરછોડાઇને સાધારણ ઘરમાં… અને પપ્પા… તમે જે આ બોલો છો ને હું ગીતાને ભૂલી ગયો, પણ હજી તમે તેમને ભૂલ્યા નથી હજી તમારી જિંદગીમાં તેની કમી અનુભવો છો.

આ મિલકત-બંગલો-જાહોજહાલી વચ્ચે પણ તમે તેમને ભૂલી શકયા નથી. કયારેક શાંતિથી વિચારજો. પપ્પા તમે પ્રેમ સ્વીકાર્યો હોત તો શું જાત મહેનતથી આગળ ન આવી શકયા હોત ? પપ્પા આજે તમે મિલકતથી ધનવાન છો.. પણ પ્રેમના મામલે ગરીબ છો. મને માફ કરજો.. મેં નિર્ણય કરી લીઘો છે, ભલે ઘર છોડવું પડે, પણ લગ્ન તો નિરજા સાથે જ કરીશ. પ્રેમ છોડીને મારે કરોડપતિ ભીખારી નથી બનવું.. હવે તમે જેમ કહો તેમ.” આટલું કહીને સ્વપનિલ બાઇકની ચાવી ઉછાળતો બહાર નીકળી ગયો. અને સુભાષભાઈ વિચારતા રહ્યા.. કાશ… દીકરા જેવી હિંમત મારામાં હોત તો…

લેખક : દિપા સોની “સોનુ”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ