તમારો સૌથી ખરાબ દુશ્મન પણ એટલું નુક્સાન નહીં કરી શકે જેટલો તમારો ગુસ્સો તમને હેરાન કરી મૂકશે.

બહેન પર ગુસ્સે થઈને ભાઈએ દરવાજો જોરથી બંધ કર્યો અને દિવાલમાં તડ પડી ગઈ. ગુસ્સો દરેક સંબંધમાં આવી તિરાડ પાડી શકે છે. જાણો છો ગુસ્સો કેટલો ખતરનાક છે? તમારો સૌથી ખરાબ દુશ્મન પણ એટલું નુક્સાન નહીં કરી શકે જેટલો તમારો ગુસ્સો તમને હેરાન કરી મૂકશે. સ્વભાવમાં ગુસ્સો એ તમારી સૌથી મોટી હાર છે. જાણો ગુસ્સા પર કાબુ કઈરીતે મેળવી શકાય.

દરેકનો સ્વભાવ જુદો જુદો હોય છે. કોઈમાં અખૂટ ધીરજ હોય છે તો કોઈ એકદમ શોર્ટ ટેમ્પર હોય છે. જરા સરખી પણ કોઈ દલીલ કે ટસલ થાય તો તરત જ મિજાજ ગરમ થઈ જાય છે. ગુસ્સો એટલો બધો ક્યારેક વધી જાય છે કે ક્યારેક સંબંધોમાં ખટાશ આવે છે. નોકરીધંધા પર અસર પડે છે તો ક્યારેક લગ્ન સંબંધોમાં છૂટાછેડાની સ્થિતિ સર્જાય છે. ગુસ્સો એ એવી બાબત છે જાણે કે તે દૂધનો ઉકળતો ઊભરો. બની શકે કે તે શાંત થઈ ગયા પછી વ્યક્તિના મન પર કંઈ જ ખોટી આડઅસર ન હોય પરંતુ જે સમયે ગુસ્સાનો આવેગ હોય ત્યારે સૌથી વધુ અસર પણ ગુસ્સો કરનારી વ્યક્તિ પર પડતી હોય છે.

સામાન્ય રીતે ક્ષણીક ગુસ્સો પણ ક્યારેક એવું પરિણામ સર્જી દે છે તેની અસર આજીવન રહે છે. ક્યારેક એવું નુક્સાન થઈ જાય છે કે તેની આપણે ક્યારેય ભરપાઈ નથી કરી શકતા. તેનું એક ઉદાહરણ જોઈએ.

એક ભાઈએ તેની બહેન પર ગુસ્સો કર્યો અને જોરથી દરવાજો બંધ કરીને ત્યાંથી જતા રહ્યા. એ દરવાજા પર ઘર્ષણ સાથે બંધ થવાથી એક નિશાન પડી ગયું. હવે જ્યારે પણ તેઓ એ કમરામાં જાય છે તેમને એ નિશાન દેખાય છે અને તેમના ગુસ્સાની અસર યાદ આવે છે. હવે વિચાર કરો કે દરવાજા પર લાગેલું જે નિશાન છે તે કદાચ રીપેર પણ થઈ શકે પરંતુ મન પર જો કોઈ ઘાવ લાગી જશે તો તે ક્યારેય તેનું સમાધાન નહીં શોધી શકે. સંબંધોમાં પડતી તિરાડો માંડ સાંધી શકાય છે.

વધુ એક ઉદાહરણ જોઈએ તો દીકરાએ પિતા ઉપર ગુસ્સો કર્યો અને કહ્યું કે પપ્પા તમે બહુ ખરાબ છો. મારી સાથે ક્યારેય વાત ન કરતા. આટલું બોલીને જતો રહ્યો છોકરો પરંતુ જ્યારે જમવાના ટેબલ પર પપ્પાના ઉદાસ ચહેરા તરફ જોતાં તેને ખૂબ જ દુઃખ થયું અને ફરી ક્યારે એવું ઉદ્ધત વર્તન નહીં કરે એવું કહીને તેણે માફી માગી લીધી. ક્યારેક કરેલી ભૂલનો સ્વીકાર અને ગ્લાની થવી એ ખૂબ અગત્યની વાત છે. જો તમને પસ્તાવો થાય કે તમે જે ગુસ્સો કર્યો હતો એ ખોટો હતો ત્યારે તરત જ એ ભૂલને સુધારી લેવાનો પણ પ્રયત્ન કરી લેવો જોઈએ.

શું તમને પણ આવા ગુસ્સાથી થઈ ગયા પસ્તાવાની અસર થઈ છે? આવા અનુભવ જો તમને પણ થયા હોય તો આ લેખ આખો જરૂર વાંચશો. તમને તમારા સ્વભાવમાં કેવા પરિવર્તન લાવવા જોઈએ અને તેવું ન કરવાથી તમારા વ્યક્તિત્વ પર કેવી ખરાબ અસર પડે છે તે જોઈએ.

ગુસ્સો કરવાથી શું થાય છે?

તમારી તબીયત પર અસર કરે છે.

ગુસ્સો કરવાથી સૌથી વધારે અસર પડતી હોય તો તે છે તમારા હાર્ટ પર. તમને હાઈ બ્લડ પ્રેશર થઈ શકે છે અને હાર્ટ એટેક પણ આવી શકે છે. ગુસ્સો કરવાથી મન અશાંત થાય છે જેથી તમારી કાર્યક્ષમતા ઘટે છે અને તમને કામ કરવામાં એકાગ્રહ પણ નથી થઈ શકતાં. ગુસ્સો કરવાથી તમારી બમણી ઊર્જાઓ વપરાય છે જેથી તમને ખૂબ થાક લાગે છે અને ડિપ્રેશન જેવી હાલતમાં પણ મૂકાઈ શકો છો. ક્યારેક આનંદની ક્ષણોમાં પણ ગુસ્સો તમારી નબળાઈ બની જઈને સમય બરબાદ કરી મૂકે છે. ગુસ્સો તમારા મન અને મગજ પર એટલો હાવી થઈ જાય છે કે સમય જતાં યાદશક્તિ પણ ઘટે છે.

વ્યક્તિત્વ પર ખરાબ અસરઃ

ક્યારેક એવું બને કે લોકોને તમારા વર્તનમાં વારંવાર ગુસ્સો કરવાની ટેવ વીશે ખ્યાલ આવી જાય તો તમને તેઓ એવોઈડ કરવા લાગે. સામેથી વાત ન કરવી કે કોઈ પ્રસંગે આમંત્રણ ન આપવા જેવી ઘટનાઓ તમારી સાથે બને તો સમજી જજો લોકો તમારા ગુસ્સાથી તમને અવગણે છે. તમને રાડો પાડીને બોલી દેવાની ટેવ હોય તો લોકોને તમારી સાથે બહાર ફરવા જવું કે હોટેલમાં જમવા જવાનું ગમશે નહીં. બની શકે પોતાના લોકો તમને તેમની અંગત વાત કરતાં પણ ડરે. જેમ કે પપ્પા સાથે દીકરો પોતાના મનની વાત કરતાં એટલે ગભરાતો હોય કે પપ્પા ગુસ્સો કરશે. મમ્મી સાથે વાત છૂપાવે દીકરી કેમ કે તેને ભય રહે કે મમ્મી તેને સાંભળ્યા વિના જ ખીજાઈ જશે. સંબંધોમાં મીઠાશ ઓછી કરે છે આ ગુસ્સો.

લોકો દૂર ભાગે છે.

વધારે પડતો ગુસ્સો કરતા લોકોને એકલતા સાંપડી શકે છે. વારંવાર અને નાનીનાની બાબતોને લઈને જેમને ગુસ્સો કરવાની આદત હોય તેમનાથી લોકો દૂર ભાગે છે. પછી ભલેને પરિવારના લોકો હોય, મિત્રો કે પછી ઓફિસના સાથે કામ કરતા કર્મચારીઓ હોય. તેમને તમારી સાથે વાત કરતાં પણ વિચાર આવતો હોય છે. બની શકે કે તેમને લાગતું હોય કે તમને તેમની વાત પસંદ નહીં પડે તો ગમે ત્યારે જ્વામુખી ફાટી નીકળે અને તેમને ભાગવું પડે.
ગુસ્સો કાબુમાં રાખવા શું કરવું?

ગુસ્સો એ એક પ્રકારનો શારીરિક આવેગ છે. જે આપણને તરસ, નીંદર, ભૂખ, મૈથુન કે નીંદરની જેમ જ કુદરતી રીતે જ આવે છે. પરંતુ તેને પણ આપણે કાબુમાં કરી શકીએ છીએ આપણાં સ્વભાવમાં કેટલાક ફેરફારો કરીને અને આપણે કેટલીક એવી ટેવો પાડીને કાબુ કરી શકીએ છીએ ગુસ્સા પર તે જોઈએ.

ગુસ્સાનું અધ્યયન કરોઃ

તમારે આખા દિવસમાં ક્યારે અને શામાટે ગુસ્સો આવે છે તેનું એક એનાલિસિસ કરીને એક રેકોર્ડ બનાવો જોઈએ. વિચારી લો કે જ્યારે પણ તમને ગુસ્સો આવે તો તે શા માટે આવ્યો હતો. કોના ઉપર આવ્યો હતો અને કઈ રીતે તે શાંત પણ થઈ ગયો હતો. તેની કેવી અસર થઈ હતી તે પણ જરૂર નોંધશો. બની શકે તે ઉશ્કેરાટ માત્ર થોડી ક્ષણોનો ઊભરો હોય. જે ઝટ શાંત થઈ ગયો હોય. અથવા કોઈ એવી બાબત પણ હોય જે લાંબાગાળા સુધી તમને સતાવતી હોય. કઈ તે બાબત હોય છે તેનું અધ્યયન કરીને તમારે કઈરીતે તેની પર કાબુ મેળવવો તે વિચારો. આવું તમે રાતે સૂવા પહેલાં કે સવારે જાગીને થોડી મિનિટો કરી શકો છો. ટેવ પાડી દો તમારા ગુસ્સાવાળા સ્વભાવ ઉપર વિચારવાની જરૂર ફરક પડશે.

વિચારીને બોલવાની ટેવઃ

ઘણીવખત એવું બનતું હોય છે કે આપણને પસ્તાવો થાય કે આવું ન બોલ્યો હોત તો સારું રહેત. પાછળથી વિચારીએ છીએ કે આવું વર્તન ન કર્યું હોત સંબંધોમાં ફરક ન પડ્યો હોત. પરંતુ જ્યારે આપણને રીયલાઈઝેશન થાય છે ત્યાર બહુ મોડું થઈ ગયું હોય છે. જેથી કોઈ રિએક્શન આપવા પહેલાં અને બોલી દેતાં પહેલાં એક સેકન્ડ જરૂર વિચારવાની ટેવ પાડવી જોઈએ.

પરિસ્થિતિને સમજવાની ટેવઃ

આપણે હંમેશાં આપણી આસપાસની સ્થિતિને જોઈને વર્તન કરીએ છીએ. પરંતુ એવું પણ બની શકે કે સામેની વ્યક્તિના શું સંજોગો છે કે પછી તેમના શું વિચારો અને સ્થિતિ છે તે આપણે નથી જાણવાનો પ્રયત્ન કરતાં. બસ આપણે માત્ર આપણું ગુસ્સા ભરેલું મંતવ્ય આપી દઈએ છીએ. સિક્કાની બે બાજુઓની જેમ બીજી વ્યક્તિ કે પરિસ્થિતિને પણ સમજીને અનુસરવાની ટેવ પાડશો તો ચોક્કસ ગુસ્સામાં ફરક પડશે.

ધીરજવાન બનવાની ટેવઃ

જે સમયે તમને લાગે કે તમને ગુસ્સો આવે છે અને તમારે તેને કાબુમાં રાખવાની જરૂર છે ત્યારે પુષ્કળ પ્રમાણમાં ધીરજ ભેગી કરો. બની શકે કોઈ એવું પરિણામ આવે જ્યારે ગુસ્સો બીનજરૂરી થઈ જાય.

દિનચર્યામાં ફેરફારઃ

મોડું સૂઈને મોડા જાગવાની ટેવ, તળેલું અને ચટપટું ખાવાની ટેવ અને કસરત પ્રાણાયમ ન કરવાની ટેવ તમને ગુસ્સા તરફ પ્રેરે છે. આવું ન કરીને દિવસની શરૂઆત કરવાનું વિચારતાં થશો અને તે મુજબ અમલ કરશો તો જરૂર તેના પર કાબુ મેળવતાં શીખી શકશો.

ગુસ્સાની ક્ષણને ટાળતાં શીખોઃ

તમને લાગે કે કોઈ વ્યક્તિ કે સ્થિતિ પર તમને ગુસ્સો આવે છે તો દલીલ કરવાને બદલે એ જગ્યાએથી દૂર જતા રહો થોડીવાર માટે અથવા તો ઘર્ષણ ટાળવા મૌન થઈ જાવ. સામેની વ્યક્તિ અને તમને બંનેને સ્થિતિ કે સમસ્યા વિશે વિચારવાનો સમય મળશે અને ગુસ્સાની એ ભયંકર ક્ષણને ટાળી શકાશે. તમે જ સાચાં છો તે જીદ્દ મૂકી દો. દરેકને પોતાનો નિર્ણય લેવા દો અને એ મુજબ વર્તન કરવા દો. જેથી તમે જો સાચા હશો તો પણ તમારી ભલે પાછળથી પણ કિંમત થશે. પરિસ્થિતિને સમજીને જતું કરવાનો સ્વભાવ કેળવશો તમે ખુશ રહી શકશો અને ગુસ્સો પણ તમારાથી દૂર રહેશે.

ખુશ રહેવા બહાના શોધોઃ

દરેકના જીવનમાં કંઈને કંઈ તકલીફો હોય છે. દરેક વ્યક્તિ એક કે બીજી રીતે ફર્સ્ટ્રેટ થઈને પોતાનો મનનો ગુસ્સો કાઢી લેતો હોય છે. તેમ ન કરતાં નાનીનાની બાબતોમાં પણ ખુશહાલી શોધતાં શીખો. સંગીત સાંભળવું, બાળકો સાથે રમવું કે પુસ્તક વાંચવા જેવી મનને શાંત અને ખુશ કરી દે તેવી મનગમતી પ્રવૃત્તિઓ શોધીને પણ કરવી જોઈએ.

લેખ સંકલનઃ કુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ