આપણે જોઈએ જ છીએ કે દરરોજ ગુજરાતમાં 13 હજાર ઉપર લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. સાથે જ એટલા લોકોના મોત પણ થઈ રહ્યા છે. ત્યારે આજે એક એવી મહિલાની વાત કરવી છે કે જેણે ખરેખર જોરદાર ઉદાહરણ પુરુ પાડ્યું છે. કારણ કે 365 દિવસથી સતત 8-9 કલાક કોવિડ-19 હોસ્પિટલમાં ઇન્ચાર્જ પરિચારિકા તરીકેની ફરજ બજાવીને ફ્લોરેન્સ નાઇન્ટિંગલની વ્યાખ્યાને સાકાર કરી અરુણાબેન પટેલ હવે આખા ગુજરાતમાં ચર્ચાઈ રહ્યા છે.
અરૂણાબેને પોતાના કામ વિશે અને તબિયત વિશે વાત કરતાં જણાવ્યું હતું કે રોજના સંખ્યાબંધ કોરોના પોઝિટિવ દર્દીઓ વચ્ચે કામ કરીને એક વાત તો સાબિત થઈ ગઈ જે દર્દીઓની સેવા કરશે તેનો ખ્યાલ ભગવાન રાખશે. આજે હું એવું કહી શકું છું કારણ કે 365 દિવસમાં 2880 કલાકથી વધુ સમય પોઝિટિવ દર્દીઓ વચ્ચે આપ્યા બાદ પણ કોરોના સંક્રમણ નથી થયુંય આ વાતને સેવાનું એક ફળ જ કહી શકાય છે બીજું કંઈ જ ન કરી શકાય.
અરુણાબેન રાકેશભાઈ પટેલ કે જેઓની ઉમર 50 વર્ષની છે અને નવાગામ ડિંડોલી નંદનવન ટાઉનશિપમાં પોતાનું રહેવાવું છે. તેમણે પોતાના વિશે વાત કરી કે 1994માં ભરતી થયા ને આજે લગભગ 27 વર્ષની નોકરીમાં આટલી ભયાનક મહામારી પહેલીવાર જોઈ છે. છેલ્લા 13 મહિનાથી સતત કોવિડ-19માં ઇન્ચાર્જ નર્સિંગ સ્ટાફ તરીકેની જવાબદારી નિભાવી રહી છું.

ડર શા માટે નથી લાગતો એના જવાબમાં બેન કહે છે કે ડર એટલા માટે નથી લાગતો કે પરિવારમાં એકનો એક દીકરો અને પતિ ખૂબ જ પ્રોત્સાહન આપે છે. લગભગ રોજ રાત્રે દિવસભરની ચર્ચા કરી મન હલકું કરી દઉં છું. જરૂર પડે તો પરિવારની સલાહસૂચન પણ લઈ બીજા દિવસે હોસ્પિટલમાં PPE કિટ પહેરી કામે લાગી જાઉં છું. પહેલી લહેર વિશે વાત કરતાં જણાવે છે કે કોવિડ-19માં જવાબદારીના શરૂઆતના દિવસો ખૂબ જ અઘરા લાગતા હતા. જો કે મનથી મક્કમ બની કામગીરી કરવાની આદતે બધું જ સરળ બનાવી દીધું હોય તેવું લાગી રહ્યું હતું.

મહામારીના સમયમાં એ ખાસ મહત્વું હોય છે કે સ્ટાફ નર્સની માગ એટલે કે કયા દર્દીને શું આપવાનું અને કેટલું આપવાનું, ડોક્ટરોની માગ અને સફાઈ કર્મચારીઓ પાસે કઈ રીતે કામ લેવું. મેડિકલ સ્ટોરમાંથી જરૂરિયાત પ્રમાણે દવા, સાધનો, માસ્ક, PPE કિટ સહિતની સામગ્રીઓ લાવી વહેંચણી કરવી કે જરૂરિયાત પ્રમાણે આપવાની જવાબદારી મારા પર છે એવું પણ વાત કરતાં બેને જણાવ્યું હતું. સ્વાઈન ફ્લૂ હોય કે લેપ્ટો જેવી ગંભીર બીમારીમાં પણ કામ કર્યું છે પણ કોરોનાની મહામારીમાં લોકોને ટપોટપ મરતા જોઈ એકવાર તો હૃદય ધ્રૂજી જ જાય છે.

આ સમયે શું ધ્યાન રાખવું એના વિશે વાત કરતાં બહેન કહે છે કે આવા સમયમાં માનસિક તણાવમાંથી બહાર આવીને અને હિંમત ભેગી કરી બીજા દર્દીઓ વિશે વિચારીએ છીએ અને ફરી કામે લાગી જઈએ છે. ભલે ઘરે મોડા પહોંચીએ પણ પરિવારને સમય ચોક્કસ આપીએ છીએ અને એવા સમયમાં પતિના હાથે બનેલી ખીચડી પણ સ્વાદિષ્ટ લાગે છે. ત્યાર બાદ ફરી દિનચર્યા કરી બેડ પર પડતાંની સાથે જ સવાર પડી જાય છે. હવે આ બેનની વાત આખા ગુજરાતમાં ચર્ચાઈ રહી છે અને લોકો પણ કામને બિરદાવી રહ્યા છે. ત્યારે ગુજરાતને પણ ગર્વ છે કે આવો સ્ટાફ આજે રાત દિવસ ગુજરાતનીઓની સેવામાં લાગેલો છે અને નક્કી એક દિવસ આપણે કોરોનાને હરાવશું.