સ્નેહના સંબંઘ – પતિના મૃત્યુ પછી અનેક મુશ્કેલીઓનો સામનો કરી ઉછેરી હતી દિકરીને, દિકરીએ કર્યું અનોખું કામ…

*”જીવતરનો તાપ અમે જીરવી શકયાં ન હોત”*

*” મળી ન હોત જો તમારી દોસ્તીની છાંવ””*

પલક હમણાં નવાઇમાં હતી. તેની મમ્મી મીનુ હમણાંની ખુશ રહેતી હતી, હસતી હતી, કયારેક ગીત ગુનગુનાવતી હતી. પલક સમજતી થઇ ત્યારથી તેણે મમ્મીને હમેંશા રડતી, ગભરાયેલી, બઘાથી ડરતી, ચૂપચાપ જોઇ હતી. બસ ઘરથી બેંક અને બેંકથી ઘર… તેમાં જ તેની દુનિયા હતી, કયારેક પલકની સ્કુલે જતી, પણ બીજે કયાંય બહાર જતી નહી. પિકચર જોવું, હોટલમાં જવું, પિકનિકમાં જવું એ બઘુ તો એ ભુલી ગઇ હતી, પણ હમણાં ત્રણ વર્ષથી તેની જિંદગીમાં બદલાવ આવ્યો હતો. પલક મમ્મીને હસતી જોઇને ખુશ થતી હતી. તેનું કારણ તેને થોડું થોડું સમજાતું, પણ મમ્મીને પુછવાની હિંમત ન કરી.

આજે પલક 19 વર્ષનીહતી. તે ચાર વર્ષની હતી ત્યારે તેના પપ્પાનું મૃત્યું થયું હતું. તેના પપ્પા બેંકમાં નોકરી કરતા હતાં એટલે તેની જગ્યાએ તેની મમ્મીને નોકરી મળી ગઇ હતી.સંયુકત કુટુંબમાં દાદા-દાદી સાથે રહેતા હતા, એટલે કયારેક કુટુંબની આબરૂના નામે કે કયારેક વિઘવા હોવાને કારણે તેને ખુશી કે આનંદના પ્રસંગે દુર રાખવામાં આવતી. મીનુ નોકરી કરતી, ઘરનું કામ કરતી, બઘાનું માન સાચવતી અને એકલી પડે ત્યારે મીનુને ખોળામાં લઇને રડતી. પલક નાની હોવાથી કંઇ સમજતી નહી, પણ મમ્મીને રડતી જોઇને તે પણ રડતી.

આમને આમ ઘરમાં બઘાથી દબાયેલા રહેતા રહેતા દસ વર્ષ થઇ ગયા. પલક 14 વર્ષની થઇ ત્યારે મીનુએ હિંમત કરીને અલગ ઘર લઇને રહેવાનું શરુ કર્યુ. શરૂઆતમાં તકલીફ પડી પણ ઘીમે ઘીમે મા – દીકરી ગોઠવાય ગયા. મીનુ અલગ રહેવા છતાં હજી ગભરાયેલી હતી.

પણ હમણાં છેલ્લા ત્રણ વર્ષથી મીનુ ખુશ રહેતી. મીનુને તેની જિંદગીમાં તેના મિત્ર ગૌતમનો સાથ મળ્યો હતો. ગૌતમ મીનુને દરેક કામમાં મદદ કરતો, ઘરનું કામ હોય કે પછી બહારનું કે પછી મીનુ કે પલક બિમાર હોય…ગૌતમ દર વખતે મદદ કરતો. ગૌતમ તેની પત્ની અને દીકરી સાથે ઘણીવાર ઘરે આવતો. મીનુ અને પલક પણ તેના ઘરે જતાં.

બઘા સાથે કયારેક પિકચર જોવા કે કોઇ સારા પ્રોગ્રામમાં જતા.. ગૌતમ જેવો દોસ્ત મળવાથી મીનુ ખુશ રહેતી, અને પલક માટે તો તે અંકલ.. ભાઇ.. મિત્ર.. બઘી જ જવાબદારી પૂરી કરતો. કયારેક પલકની જીભ પર અંકલને બદલે પપ્પા શબ્દ આવી જતો, પણ તે બોલતી નહી.

પહેલા તો પલકને મમ્મીના બદલાવનું કારણ સમજાયું નહી. પણ જેમ જેમ મોટી થતી ગઇ તેમ તેમ તેને સમજાયું કે, જયારે ગૌતમ અંકલ સાથે હોય છે, ત્યારે મમ્મી ખુશ હોય છે. ઘરની નાની મોટી બઘી જ વાત તેમને કરે છે.. દરેક કામમાં તેમની સલાહ લે છે… મમ્મી માટે ગૌતમ અંકલ મિત્રથી વિશેષ છે.. પણ તે મમ્મીને પુછતા અચકાતી.

એક દિવસ રજાના દિવસે સવારમાં ગૌતમ અંકલનો ફોન આવ્યો કે, “તારા એપાર્ટમેન્ટ નીચે ઊભો છું, તું નીચે આવ” ગૌતમ અંકલ કયારેય એકલા ઘરે ન આવતા. જો કંઇ કામ હોય તો ઘર સુઘી આવતા, બાકી મીનુ અને પલકને નીચે બોલાવતા. આજે પણ ફોન આવતા મીનુ નીચે ગઇ. દસ મિનિટ પછી ચીકીના ત્રણ-ચાર બોકસ લઇને ઉપર આવી. પલકે પુછતા કહ્યુ કે, “ગૌતમ બે દિવસ બહારગામ ગયો હતો. તારા માટે ચીકી લાવ્યો છે.”

પલકથી આજે ન રહેવાયું..તેણે મમ્મીને હાથ પકડીને બેસાડી અને કહ્યું કે, ” મમ્મી, હવે હું મોટી થઇ ગઇ છું, હવે હું તારી દીકરી નહી તારી મિત્ર છું, પપ્પાના ગયા પછી મેં હમેંશા તને રડતી જોઇ છે, પણ ગૌતમ અંકલના આવ્યા પછી તું ખુશ રહે છે, મમ્મી મને તારી ખુશી ગમે છે, જીવનમાં રસ લેતી, હસતી, મીઠી મમ્મી મને ગમે છે. ગૌતમ અંકલ તારા મિત્ર છે પણ મને લાગે છે કે , તે મિત્રથી વિશેષ છે. મમ્મી બોલને તું તેમને પ્રેમ કરે છે ને ? તેમને કહે ને કે રોજ નહી તો અઠવાડીયે એક દિવસ આપણાં ઘરે આપણી સાથે આવીને રહે….”

મીનુએ પલકને આગળ બોલતા અટકાવી દીઘી. તેની આંખમાં આસું જોઇને પલકે કંઇ ન પુછયું. થોડીવાર પછી મીનુએ જ કહ્યુ કે, “વાહ.. મારી દીકરી તો બહુ મોટી થઇ ગઇ, મારી ચિંતા કરતી થઇ ગઇ…. હા તારી વાત સાચી છે.. ગૌતમના આવ્યા પછી હું ખુશ છું.. .. પણ બેટા પ્રેમ કરૂં છું કે નહી, તે તો કયારેય વિચાર્યુ જ નથી.. પણ આજે તે પુછયું તો કહું છું કે હું અને ગૌતમ સાથે ભણતા હતાં. હું તેને પસંદ કરતી હતી અને કદાચ તે પણ મને પસંદ કરતો હતો. પણ હજી દિલની વાત કહીએ તે પહેલા મારા લગ્ન થઇ ગયાં. હું ગૌતમને ભુલી ગઇ.

પણ આટલા વર્ષો પછી તે મને મળ્યો. મારી વાત સાંભળીને તે દુ:ખી થયો. આટલા વર્ષે તેણે કહ્યુ કે તે મને પસંદ કરતો હતો…. પણ હવે તે તેની દુનિયામાં ખુશ છે. આપણને મદદ કરીને ખુશ રાખવાના પ્રયત્ન કરીને તે તેના નહી દર્શાવેલા પ્રેમની સાબિતી આપે છે. હા તારી વાત સાચી છે.. તેણે મને હસતાં શીખવ્યું છે.. તેના આવ્યા પછી વર્ષો પહેલાની મીનુ જાણે પાછી ફરી છે… તેના સાથથી મારામાં હિંમત પણ આધી છે, પણ તે આપણી સાથે રહે તે શકય નથી..

તારા નહીં બોલાયેલા શબ્દો હું સમજી શકું છું.. પણ અમારી વચ્ચે પહેલા પણ મિત્રતા હતી અને આજે પણ મિત્રતા જ છે. પ્રેમ પહેલા હતો પણ દર્શાવ્યો નહી અનેહવે પ્રેમ સંબંઘ શકય જ નથી. હા… અમારી વચ્ચે સ્નેહનો સંબંઘ છે. અમે બન્ને નદીના બે કિનારા જેવા છીએ જે હમેંશા એકબીજાના સાથે તો રહે છે પણ મળી શકતાં નથી. બેટા… મને કયારેક થતું કે તને મારી અને ગૌતમની મિત્રતાથી શંકા તો નહીં થાય ને ? લોકો ખોટું વિચારે અને તને કયારેય શંકા જાય તે વિચારે તે કયારેય એકલો ઘરે નથી આવતો. આજે તને બઘી વાત કરીને હું હળવી થઇ ગઇ. ગૌતમ મિત્ર છે અને રહેશે… બસ તું અને ગૌતમ મારી સાથે છો એટલે હું ખુશ છું”

પલક કંઇ ન બોલી. આંસુ લુછીને ઊભી થઇ અને મોબાઇલ લઇને એક મેસેજ કર્યો… થોડીવાર પછી નીચે ગઇ અને ગૌતમનો હાથ પકડીને ઘરમાં લઇ આવી. તેને સોફામાં બેસાડીને તેની બાજુમાં બેસી તેના ખભે માથું મૂકીને બોલી… “અંકલ હવે તમે હમેંશા ઘરે જ આવશો.. કોઇની બીકથી કયારેય મમ્મીને નીચે નહી બોલાવો. તમારો સ્નેહનો સંબંઘ હંમેશા અમારી જિંદગીમાં મીઠાશ પ્રસરાવશે ને ….?”

ગૌતમ કંઇ બોલ્યા વગર પોતાની દીકરી હોય તેમ તેના માથે હાથ ફેરવતો રહ્યો. મીનુ દીકરીની સમજદારી જોઇ રહી. તેની આંખમાં દીકરી માટે ગર્વ હતો.”

લેખક : દિપા સોની “સોનુ”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ