શું તમને ભય છે કે ડાર્ક કપડા ધોતી વખતે તેનો રંગ ઝાંખો પડી જશે ? તો આ નુસખો અજમાવો.

કપડાં ખરીદતી વખતે તેનો રંગ અને તેનું મટીરીયલ ખુબ જ મહત્ત્વ ધરાવે છે. એક વખત જો મટીરીયલ આપણી પસંદનું ન મળે પણ રંગ આપણી પસંદનો મળી જાય તો આપણે એકવાર મટીરીયલને પણ જતુ કરીએ છીએ.

પણ ઘણીવાર આપણી પસંદના રંગના કપડાં તો આપણે લઈ લઈએ છીએ પણ તેની યોગ્ય કાળજી નહીં રાખવાથી તેનો રંગ બદલાઈ જાય છે. અને બીજી વખત આપણને તે પ્રકારના રંગનું કાપડ લેતા ખચકાટ થાય છે કે ફરીવાર તેનો રંગ ઉડી ગયો તો.

હંમેશા ડાર્ક રંગ સાથે આ સમસ્યા જોડાયેલી હોય છે. જેમ કે ઘેરો વાદળી, ઘેરો બ્લેક, ઘેરો લાલ, ઘેરો મરુન, ઘેરો કેસરી, ઘેરો છીકણી આ પ્રકારના રંગ હંમેશા પહેલાં જ ધોવાણે હળવા પડી જાય છે. અને તેનો લૂક બરબાદ થઈ જાય છે.

અને જો ભૂલથી પણ આ રંગના કપડાં હળવા રંગના કપડાં સાથે ધોવામાં આવે તો તો પત્યું જ સમજો. બધા જ કપડા ખરાબ થઈ જાય છે.

ઘણા લોકો પોતાના વિદેશમાં રહેતા મિત્રો પાસે સ્પેશિયલ કલર ફીક્સર મંગાવે છે. કે જેથી કરીને તેમના મનગમતા રંગના કપડાં ઝાંખા ના પડી જાય કે પછી તેના રંગ ન ઉડી જાય.

અને તે કંઈ સસ્તા નથી આવતા. પણ ઘરમાં જ મળતી આ અત્યંત સસ્તી સામગ્રીથી તમે તમારી આ સમસ્યા દૂર કરી શકો છો. અને તમે તમારી પસંદગીના રંગના કપડાં ખરીદી શકો છો અને પહેરી પણ શકો છો.

આ નુસખો ખુબ જ સરળ છે. અન તેને તમે ઘરમાં હંમેશા ઉપલબ્ધ વસ્તુઓથી જ અજમાવી શકો છો.

સૌ પ્રથમ કપડા ધોવાનું ટબ લેવું. તેમાં પાણી ભરવું. અને તેમાં ત્રણ મોટી ચમચી ફટકડીનો પાવડર એડ કરી દેવો.

ફટકડીનો પાવડર કરિયાણાની દુકાન પર ઉપલબ્ધ જ હોય છે પણ જો તમને પાવડર નહીં પણ ફટકડીના ટુકડા મળે તો તેનો પણ અહીં ઉપયોગ કરી શકો છો.

હવે આ ફટકડી ભેળવેલા પાણીમાં જ ત્રણ મોટી ચમચી મીઠુ એડ કરી બધું પાણીમાં હાથ હલાવી મીક્સ કરી દેવું.

મીઠુ અને ફટકડી બન્ને મીક્સ થઈ જાય, અને જો તમે ફટકડીનો પાઉડર નહીં પણ ગાંગડો નાખ્યો હોય તો થોડી વાર લાગે પણ બધું પાણીમાં ભળી જાય એટલે તેમાં તમારે તમારા ઘેરા રંગના કપડા બોળી લેવા.

તેને તેમ જ જેમ કપડાં ધોતી વખતે સાબુના પાણીમાં આપણે કપડાં પલાળી રાખીએ તેમ એકાદ કલાક મીઠા-ફટકડી વાળા પાણીમાં પલાળી રાખવા.
કલાક બાદ જ્યારે તમે તે પાણીમાંથી ઘેરા રંગના કપડાં કાઢશો તો જોશો કે કપડાનો રંગ જરા પણ નહીં ઉડ્યો હોય અને પાણી પણ રંગ વગરનું ચોખ્ખુને ચોખ્ખુ જ હશે.

બસ હવે કપડા નીચોવીને તેને હળવા તડકે સુકવી દેવા. ઘેરા રંગના કપડાં તમારે હંમેશા છાંયડામાં અથવા તો સવારના તડકામાં જ સૂકવવા જોઈએ. નહીંતર રંગ ઉડી જવાનો ભય રહેશે.

બસ માત્ર આટલું કરવાથી તમારા મનગમતા રંગના કપડાં તેવાને તેવા નવા જ રહેશે.

આ ઉપરાંત જો તમારા ઘરે ડોહળુ પાણી આવતું હોય તો તેમાં એક કટકો ફટકડીનો નાખી દેવાથી પાણી ચોખ્ખું થઈ જશે.

ફટકડી-મીઠાના સ્વાસ્થ્ય વર્ધક ફાયદાઓ પણ અનેક છે. જેમ કે તે મોઢામાંથી દૂર્ગંધ દૂર કરે, વાળમાં પડતી જૂંને દૂર કરે વિગેરે વિગેરે

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ