કોરોના કાળમાં જ્યારે સગા-સંબંધીઓ પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે ત્યારે ખરી દોસ્તીએ રાખ્યો રંગ, પીપીઈ કીટ પહેરી 12 દિવસ સુધી મિત્રના ઘરે પહોંચાડ્યું ટિફિન

કોરોના કાળમાં જ્યારે સગા-સંબંધીઓ પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે ત્યારે ખરી દોસ્તીએ રાખ્યો રંગ – પીપીઈ કીટ પહેરી 12 દિવસ સુધી મિત્રના ઘરે પહોંચાડ્યું ટિફિન

image source

હાલ કોરોનાની મહામારી વચ્ચે જાણે માનવતાની સતત પરિક્ષા લેવાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ક્યાંક પોલીસ રસ્તે રઝળતા મજૂરોને જમાડતી જોવામાં આવી રહી છે તો ક્યાંક મારતી પણ જોવામાં આવી છે. ક્યાંક લોકોને સગા સંબંધીઓ પણ આશરો નથી આપી રહ્યા તો કોઈ અજાણી વ્યક્તિ જ તેમની મદદ કરતી જોવા મળી છે. મિત્રતાને હંમેશા લોહીના સંબંધ કરતા ચડિયાતી ગણવામાં આવી છે કારણ કે તે હૃદયથી જોડાયેલો સંબંધ હોય છે.જ્યારે કોઈ કામમાં નથી આવતું ત્યારે તમારા ખરા મિત્ર તમને કામમાં આવતા હોય છે. આજે અમે તમને એવી જ એક મિત્રતાની વાસ્તવિક વાર્તા વિષે જણાવવા જઈ રહ્યા છે.

image source

ભારતમાં કોરોના વાયરસની મહામારી યથાવત છે. ગુજરાત રાજ્ય ભારતના સૌથી પ્રભાવિત રાજ્યોમાં ચોથા સ્થાને આવે છે અને તેમાં અમદાવાદ એ સૌથી પ્રભાવિત વિસ્તાર છે અને અમદાવાદમાં પણ પૂર્વ વિસ્તાર કોરોના વાયરસના સંક્રમણથી સૌથી વધારે પ્રભાવિત છે. અહીંના દરિયાપુરમાં આવેલી પોળમાં રહેતા વિજય ડાભીએ પોતાના મિત્ર પ્રત્યે સાચી મિત્રતા દાખવીને ઉત્તમ મૈત્રિનું તેમજ માનવતાનું ઉદાહરણ પુરુ પાડ્યું છે.

તેમનો એક મિત્ર જેનું નામ પ્રતિક પ્રજાપતિ છે તેમની માતાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તેમનું આખું ઘર ક્વોરેન્ટાઇન કરી દેવામા આવ્યું હતું. પ્રતિક પ્રજાપતિ પર જાણે આભ જ ફાટી પડ્યું હતું. તેમની માતાને કોરોના થતાં તેમના પિતાનું અચાનક જ હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યું હતું. કોરોના કાળમાં જ્યારે આપણે કોઈ વ્યક્તિની અડેલી વસ્તુ અડતા પણ લાખવાર વિચાર કરીએ છીએ અને કેટલીએ તકેદારીઓ રાખીએ છીએ ત્યારે પ્રતિકના સાચા મિત્ર એવા વિજય ડાભીએ મિત્રતાને ખૂબ નિભાવી તેમણે સતત 12 દિવસ સુધી પીપીઈ કીટ પહેરીને પ્રતિકના ઘરે ટિફિન પહોંચાડતું કર્યું હતું. માત્ર તેટલું જ નહીં પણ તે મિત્રને ધરપત આપવા માટે અરધો કલાક વાત કરવા પણ રોકાતો.

image source

વિજય ડાભી આ બાબતે માહિતી આપતા જણાવે છે કે તે બન્ને મિત્રો નાનપણથી એકબીજા સાથે રમીને મોટા થયા છે. તેને ફોન દ્વારા પ્રતિક પાસેથી જાણવા મળ્યું કે તેના માતા કોરોનાથી સંક્રમિત થયા છે. ત્યારે તેણે તરત જ મિત્રની આ દુઃખની ઘડીમાં સાથ આપવાનું નક્કી કરી લીધું. સ્વાભાવિક રીતે વિજયના કુટુંબીજનો તેના આ વિચારથી ભયભીત થઈ ઉઠ્યા. તેઓ નહોતા ઇચ્છતા કે તે કોઈ કોરોનાથી સંક્રમિત વ્યક્તિને મળે. પણ તેણે પોતાના મિત્રની મદદ કરવાનું નક્કી કરી લીધું હતું. તેણે એક પીપીઈ કીટ ખરીદી અને પોતાના મિત્રની પોળમાં જવા નીકળ્યો. જ્યારે તે પીપીઈ કીટ પહેરીને ત્યાં પહોંચ્યો તો ત્યાંના લોકો તેને જોતા જ રહી ગયા. જાણે કોઈ મોટું પાપ કર્યું હોય તેવા તેમના ચહેરાના ભાવ હતા.

image source

પ્રતિકના ઘરે પહોંચતાં જ પ્રતિકે મિત્ર પર મીઠો ગુસ્સો કરતાં જણાવ્યું કે તેણે ત્યાં આવવાની શું જરૂર હતી. તેને પણ ચેપ લાગી શકે છે. અને તેણે તેને પાછા જતા રહેવા દબાણ કર્યું. પણ તે ગયો નહીં. ત્યારે તેણે પોતાના મિત્રને સાંત્વના આપી કે તેને ભયભીત થવાની કોઈ જરૂર નથી તે પુરતી સાવચેતી રાખી રહ્યો છે, તેને કંઈ જ નહીં થાય. વિજયે પ્રતિકને જણાવ્યું કે તારે શું મુશ્કેલી છે તે જણાવ. ત્યારે પ્રતિકે જણાવ્યું કે તેની માતા તો એસવીપી હોસ્પિટલમાં દાખલ છે પણ ઘરમાં હાલ ખાવાની વસ્તુ ખુટી પડી છે. વિજયે જરા પણ ખચકાટ વગર જણાવી દીધું કે કાલથી તને ટિફિન પહોંચી જશે. અને ત્યાર પછી રોજ તે પીપીઈ કીટ પહેરીને ટિફિન લઈને મિત્રના ઘરે પહોંચી જતો.

માતાની તબિયત લથડતાં પિતાનું હાર્ટએટેકથી મૃત્યુ થયું

image source

મળેલી માહિતિ પ્રમાણે પ્રતિકના માતાનો કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ 2જી મેના રોજ આવ્યો હતો. ત્રણ દિવસની સારવાર બાદ હોસ્પિટલમાંથી ડોક્ટરે પ્રતિકને ફોન દ્વારા જણાવ્યું કે તેની માતાને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને તેણી ગમે તે ક્ષણે મૃત્યુ પામી શકે છે. આ માઠા સમાચાર મળતાં જ પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું. પ્રતિકના પિતાથી આ સામાચાર સહન ન થયા અને તેમને હાર્ટ એટેક આવી ગયો અને તેઓ 5મીમેના રોજ મૃત્યુ પામ્યા. આમ અચાનક પિતાનું મૃત્યુ થયું, બીજી બાજુ માતાની હાલત પણ ગંભીર થઈ, અને ઘરમાં ખાવા પીવાની પણ વ્યવસ્થા નહોતી અને પાડોશીઓ તરફથી પણ કોઈ મદદ નહોતી મળી રહી.પણ આ બધી જ મુશ્કેલીઓ વચ્ચે વિજયે સતત 12 દિવસ સુધી પીપીઈ કીટ પહેરીને મિત્રને ત્યાં ટીફીન પહોંચાડ્યું અને તેને સતત સધિયારો આપતો રહ્યો. જેનાથી પ્રતિકને ખૂબ હિમત મળતી.

પિતાને કાંધ આપવા પણ કોઈ ન આવ્યું સામે

image source

માતા કોરોનાથી સંક્રમિત હોવાથી હોસ્પિટલમાં દાખલ હતી. અને ત્યાર બાદ પરિવારના બાકીના સભ્યોના પણ રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા અને બધાના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા. તેમ છતા જ્યારે પિતાનું અવસાન થયું ત્યારે તેમને કાંધ આપવા પણ કોઈ આગળ નહોતું આવ્યું. પણ એક ભલા પાડોશી કાકા, મિત્ર વિજય અને બનેવીએ પ્રતિકના પિતાને કાંધ આપી. સાવ જ ઓછા લોકોની હાજરીમાં પિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

માતાને પિતાના અવસાનની 20 દિવસ સુધી જાણ ન કરવામાં આવી

image source

પ્રતિકની માતાને શ્વાસમાં તકલીફની સમસ્યા શરૂ થઈ ત્યાર બાદ તેમને ઓક્સિજન પર રાખવામાં આવ્યા અને તે દરમિયાન પ્રતિકના પિતાનું અવસાન થઈ ગયું. જ્યારે પ્રતિકે પોતાના પિતાના અવસાનની વાત ડોક્ટરને જણાવી ત્યારે ડોક્ટરે તેની માતાને તે સમાચાર હાલ નહીં આપવા જણાવ્યું કારણ કે તેની માતા પોતે પણ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા. આવા સંજોગોમાં જો આ આઘાત જનક સમાચાર મળશે તો તેણીની તબિયત પર તેની ખરાબ અસર થશે. માટે ડોક્ટરની સલાહ પ્રમાણે જ્યાં સુધી માતા સંપુર્ણ રીતે સ્વસ્થ ન થઈ ત્યાં સુધી તેને પિતાના અવસાનના સમાચાર ન આપવામાં આવ્યા.

માતાને સાજા થઈ ગયા બાદ જ્યારે ઘરે લઈ આવવામાં આવ્યા ત્યાર બાદ પણ સાત દિવસ સુધી તેના પિતાના અવસાનના સમાચાર ન આપવામાં આવ્યા. માતાએ ઘણું પુછ્યું છતાં ઘરના લોકો વાતને એમ કહી ટાળતા રહ્યા કે તેઓ બહાર ગયા છે. છેવટે તબિયત સુધરતા અને ડોક્ટરે હા પાડતા માતાને પિતાના અવસાનની ખબર આપવામા આવી. તેમને જણાવવામાં આવ્યું કે તેમનું 20 દિવસ પહેલાં હાર્ટ એટેકથી મૃત્યુ થઈ ગયું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ