ગુજરાતના આ ગામમાં વાહનોને પાદરમાં જ પાર્ક કરવામાં આવે છે, શ્રદ્ધા અને વિજ્ઞાનનો અદભૂત સમન્વય

ચોમાસાની સીઝનનું પહેલું જ ઝાપટું પડે કે તરત દેશના ખૂણે ખૂણેથી તે પછી મુંબઈ જેવું મોટું શહેર હોય કે ગુજરાતનું કોઈ નાનકડું ગામડું હોય રસ્તાઓમાં તરત જ ખાડાઓ પડવા લાગે છે અને સામાન્ય માણસોને તેના કારણે અનેક તકલીફો ભોગવવી પડે છે. અને કેટલીક વખતે તો આ ખાડા જીવલેણ પણ સાબિત થઈ જાય છે. અને આ જ ખાડાઓના કારણે મુંબઈના એક પરિવારે તો પોતાનો દીકરો ગુમાવવાનો પણ વારો આવ્યો હતો. અને આ તો માત્ર એક જ ઘટના અહીં ટાકવામાં આવી છે પણ આવી તો અસંખ્ય ઘટનાઓ ચોમાસા દરમિયાન બનતી હોય છે.

ઘણા લોકો સોશિયલ મિડિયા પર આવા રસ્તાઓને લઈને રમૂજ કરતાં હોય છે કે બંપ આવવાનો હોય તે પહેલાં નિશાની લગાવવામાં આવે છે કે “બંપ અહેડ” પણ જ્યારે આવા ખાડાખડિયાવાળા રસ્તા આવતા હોય ત્યારે પણ સ્થાનિક પ્રશાસને ‘બંપી રોડ અહેડ’ની ચેતવણી આપતા બોર્ડ લગાવવા જોઈએ જેથી કરીને લોકો પહેલેથી જ ચેતી જાય અને આગળ જવું કે નહીં તેનો નિર્ણય કરી શકે.

જો કે ગુજરાતના આ ગામમાં તો સદીઓથી એક અનોખી પરંપરા ચાલતી આવી છે. અહીં ચોમાસા દરમિયાન ગામમાં વાહનોને પ્રવેશવા જ દેવામા નથી આવતા. હવે તેની પાછળ શું કારણ છે તે જાણવા માટે તો તમારે આગળ વાંચવું પડશે.

વાસ્તવમાં ગુજરાતના બનાસકાંઠા જિલ્લામા આવેલા વાઘણા ગામમાં ચોમાસા દરમિયાન વાહનો એટલે કે પૈડાવાળી વસ્તુઓને પ્રવેશ કરવા નથી દેતાં અને આ એક સદીયો જુની પરંપરા છે. અહીં અષાઢ મહિનાથી આસો મહિના સુધી એટલે કે લગભગ સમગ્ર ચોમાસા દરમિયાન વાહનો લઈ જવામાં આવતા નથી.

બનાસકાંઠાના વાઘણા ગામમાં તમે પ્રવેશો તે પહેલાં જ તમને ગુજરાતીમાં લખેલું એક બોર્ડ જોવા મળશે. “વાઘણા ગામ આપનું હાર્દિક સ્વાગત કરે છે. ચોમાસાની ચૌદસથી દશેરા સુધી કોઈ પણ વાહન ગામમાં લઈ જવું નહીં. જય શ્રી ગુરુમહારાજ” આપણે સામાન્ય રીતે ટ્રાફિક માટે આ પ્રકારના કોઈ નિયમ લખવામાં આવ્યા હોય તો તેને પાળતા નથી પણ આ ગામમાં આ બોર્ડ પર લખવામાં આવેલા એક એક શબ્દને માનવામાં આવે છે અને તેને પાળવામાં પણ આવે છે.

આ ચાર મહિના દરમિયાન ગામના લોકો પોતાના વાહનો બહાર જ પાર્ક કરે છે. આ ગામની કુલ વસ્તી ત્રણ હજારથી થોડી વધારે છે. અને લોકો માટે જે આ બોર્ડ પર લખવામા આવેલું છે તે ગામનો કોઈ નિયમ નથી પણ સદીઓથી ચાલતી આવતી પરંપરા છે.

આ પરંપરા પાછળ એવી માન્યતા છે કે જો આ સમયગાળા દરમિયાન ગામમાં કોઈ પણ વાહન પ્રવેશે તો ગામમાં રોગચાળો ફેલાય છે. અને માટે જ આ લખાણને શબ્દ સઃ માનવામાં આવે છે. અને ગામના લોકો પોતાના વાહનો તો ગામના પાદરમાં પાર્ક કરે જ છે પણ બહારના લોકોને પણ તેમ કરવા આગ્રહ કરે છે અને આ સુચનાનું પાલન તેમણે કરવું જ પડે છે.

આ ચાર મહિના દરમિયાન ગામના લોકો પોતાના વાહનો સુધી પગે ચાલીને જ પહોંચે છે. વાસ્તવમાં સદીઓ પહેલાં અહીં એક ગુરુ મહારાજ થઈ ગયા હતાં જેના પર આજે પણ ગામવાસીઓને પુર્ણ શ્રદ્ધા છે. અહીં સદીઓ પહેલાં ગુરુ મહારાજ દ્વારા આપવામા આવેલા આ સૂચનને તો પાળવામાં આવે જ છે પણ અહીં ગુરુ મહારાજના સોગંધને સૌથી ઉંચા સોગંધ માનવામા આવે છે અને લોકો તેમના ખોટા સેગંધ ક્યારેય ખાતા નથી.

image source

સદીઓ પહેલાં રોગચાળો ફાટી નીકળતાં અબાલ વૃદ્ધ બધા જ રોગચાળાનો શિકાર બન્યા હતા અને તે વખતે રોગચાળો અટકાવવા હેતુ ગામના લોકોએ બાર-બાર વર્ષ સુધી તપ કરતાં ગામના મંદીરમાં રહેતા ગુરુ મહારાજને રોગચાળો અટકાવવા અરજ કરી હતી અને તે વખતે ગુરુ મહારાજે ગ્રામવાસીઓ પાસે ચોમાસા દરમિયાન કોઈપણ વાહન પછી તે બળદ ગાડા, ઉંટ ગાડા, ઘોડા ગાડી કોઈ પણ વાહનને પ્રવેશ નહીં આપવા દેવાનું વચન માગ્યું હતું જેને પુર્ણ શ્રદ્ધા અને માનથી સાડા ત્રણસો વર્ષ બાદ પણ માનવામા આવી રહ્યું છે.

આમ જોવા જઈએ તો તેની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ કહેવાય કારણ કે આપણે બધા જાણીએ છીએ કે ચોમાસા દરમિયાન રોગચાળો ફેલાય છે જે મુખ્યત્વે વાયરલ જ હોય છે. જે એક વ્યક્તિથિ બીજી વ્યક્તિમાં ફેલાય છે અને તેમ તેમ તે-તે વ્યક્તિ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં આ વાયરલ ઇન્ફેક્શન ફેલાતું રહે છે. કદાચ તે સદીઓ પહેલાં આ જ્ઞાની ગુરુ મહારાજ પણ આ કારણ વિષે જાણતા હશે અને માટે જ બહાર ગામથી આવતા જાનવરો એટલે કે બળદ ગાડા, ઉંટ ગાડા, ઘોડા ગાડી વિગેરને ગામમાં પ્રવેશવા નહીં દેવા જણાવ્યું હશે.

image source

બનાસકાંઠાનું આ ગામ પાલનપુરથી માત્ર દસ જ કિલોમીટરના અંતરે આવેલું છે. અને આજ પરંપરા તેમજ શ્રદ્ધાના કારણે આ ગામમાં આજે પણ ચોમાસા દરમિયાન વાહનોને પ્રવેશ આપવા દેવામા આવતો નથી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ