રાજકોટ : પતિએ પત્નીની અંતિમ ઈચ્છા પુરી કરી બેસણામાં બધાને ખવડાવી પાણીપુરી…

ચટાકેદાર, ખાટુ-મીઠુ-તીખુ બેસણુ, પતિએ કરી પત્નીની અંતિમ ઇચ્છા પુરી કરી પ્રાર્થના સભામાં પત્નીની ઇચ્છા મુજબ પીરસ્યા પાણી-પુરી અને ચા, મૃત્યુનો શોક નહીં પણ ઉત્સવ મનાવી કરી પત્નીની ઇચ્છા પુરી.

image source

કોઈ પણ ધર્મમાં કુટુંબમાં મરણ થાય ત્યારે બધી જ અંતિમ ક્રિયાઓ પુરી થઈ ગયા બાદ શોકસભાનું આયોજન કરવામાં આવે છે જેને આપણે બેસણું પણ કહેતા હોઈએ છીએ. જેમાં લોકો સફેદ વસ્ત્રોમાં સજ્જ થઈને મૃતકના ઘરે આવે છે. મૃતકના નજીકના લોકોને આશ્વાસન આપે છે બે મિનિટ ત્યાં બેસીને શોક વ્યક્ત કરે છે અને પછી. મૃતકના ફોટા આગળ ફુલ પધરાવીને દાનપેટીમાં 10-20 રૂપિયા ઉમેરીને ત્યાંથી હાથ જોડી વિદાય લે છે.

image source

આ એક શોક સભાનું સર્વસામાન્ય દ્રશ્ય છે. પણ રાજકોટમાં યોજવામાં આવેલી એક શોકસભામાં એક સુખદ દ્રશ્ય જોવા મળ્યું હતું. મૃતકના પતિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટિના નિવૃત્ત અધ્યાપક ડો.ભદ્રાયુ વચ્છરાજાનીએ પોતાની પત્ની માટે એક અનોખુ બેસણું રાખ્યું હતું. જો કે તેમણે આમ કરીને પોતાની પત્નીની છેલ્લી ઇચ્છા જ પુરી કરી હતી.

image source

તેમના પત્ની ડો. ઇલાબેન વચ્છરાજાની વ્યવસાયે શિક્ષિકા હતા. તેમને ચા પીવાનો ખુબ શોખ હતો અને પાણીપુરીનો તો વળી કઈ સ્ત્રીને ચટાકો ન હોય. પણ ઇલાબેનને તો પાણી પુરી ખાવી પણ બહુ ગમતી હતી અને ખવડાવવી પણ ખુબ ગમતી હતી. માટે તેમની પહેલથી જ ઇચ્છી હતી કે તેમનું જ્યારે ક્યારેય પણ મૃત્યુ થાય ત્યારે અવસાન બાદ એક મંગળ પ્રાર્થનાનું આયેજન કરવામાં આવે અને તેમાં પાણીપુરી અને ચાનો પ્રસાદ ચોક્કસ રાખવામાં આવે.

image source

ડો. ભદ્રાયુ વળી પોતાની પત્નીની આ છેલ્લી ઇચ્છા શા માટે પુરી ન કરે. બે દિવસ પહેલાં જ તેમણે ઓચિંતાનો જ દેહત્યાગ કર્યો અને નીકળી ગયા અનંતની સફરે. તેમની અંતિમ યાત્રા પણ પતિ ભદ્રાયુએ ખુબ જ સુંદરરીતે કરી હતી. તેમને ઘરેથી વૈકુંઠ રથમાં ગુલાબની પંદડીઓ ઉડાડીને સ્મશાનગૃહે લઈ જવામાં આવ્યા હતા. સાથે સાથે એકધારા ધૂન અને ભજનો તો ખરા જ.

image source

તેમના મૃત્યુમાં કોઈ ખોટી રડારોળ નહોતી તો વળી કોઈ તામસી સુનકાર પણ નહોતો. હતી તો માત્ર સુંદર રીતે જીવી ગયાની ઉજવણી. માટે જ આ કોઈ અંતિમ યાત્રા નહીં પણ એક સુખમય યાત્રા ભાસી રહી હતી.

અંતિમ યાત્રા રંગેચંગે પુર્ણ કર્યા બાદ, અગ્નિસંસ્કાર કર્યા બાદ તેમની ઇચ્છા પ્રમાણે સાત્વિક મંગળ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું અને તેમની જ ઇચ્છા પ્રમાણે આ પ્રાર્થના સભામાં પાણીપુરી અને ચાની પ્રસાદી પણ રાખવામાં આવી. પ્રાર્થના સભા માટે ઇલાબેનના નામનું જ કાર્ડ છપાવવામાં આવ્યું હતું. અને તે કોઈ નિરસ ધોળુ કાર્ડ નહીં પણ સરસ મજાનું ફુલડા વાળા કાર્ડ પર ઇલાબેનની હસતી તસ્વીર મુકવામાં આવી હતી. જેમાં કંઈક આમ લખ્યું હતું,

image source

“ખુબ જ પ્રેમથી જીવી છું, એટલે મારી ઇચ્છા છે કે આજની મંગળ પ્રાર્થના પછી મને ખુબ જ પ્રિય ‘પાણીપુરી’ અને ‘ચા’ની પ્રસાદી તમને ખવડાવી અંતિમ વિદાય લઉં, તમને હું આગ્રહભરી વિનંતી કરું કે આજની મંગળ પ્રાર્થનામાં પાંચ મીનીટ ગાળ્યા પછી બહાર નીકળો ત્યારે મારી પ્રસાદી લીધા વગર ન જશો. તમે મારી આ આત્મીય લાગણીને માન આપશો તો હું અનંતની યાત્રાએ રાજીપો લઈને જઈશ” – ડો. ઇલા ભદ્રાયુ વછરાજાની

image source

છે ને એક અલગ જ પ્રકારનું બેસણું. આમ જોવા જઈએ તો આ આપણા ચાહનારાઓને એક ઉત્તમ શ્રદ્ધાંજલી છે. કે તેને રોકકળ કરીને તામસથી નહીં પણ મધુર મીઠા પ્રેમ ભર્યા સ્મિત સાથે અનંતયાત્રા માટે શ્રદ્ધાંજલી પાઠવીએ.

image source

જનમ્યા છીએ તો મૃત્યુ તો ચોક્કસ થવાનું છે અને જે ટાળી શકાતું નથી તેનો શોક કરીને બેસી રહેવાથી કશું જ નથી વળવાનું. માણસ જીવનમાં શુખ ભોગવીને જાય તે મહત્ત્વનું છે .

ખરેખર ઇલાબેને પોતાનું જીવન તો પ્રેમથી જીવ્યું જ હશે પણ તેમના ગયા પછી પણ લોકોનો ખુબ પ્રેમ મેળવ્યો છે. અને એક નક્કર યાદ તેઓ લોકોના હૃદય સુધી મુકતા ગયા છે. જો કે તેમના પતિના પણ વખાણ કરવા જોઈએ કે પતિએ પુરા ઉત્સાહથી પત્નીની અંતિમ ઇચ્છા પુરી કરી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ