જીવન સંધ્યાએ – શું ઉંમર થઇ ગઈ તો જીવન પૂરું થઇ ગયું? ના હવે થશે નવી શરૂઆત…

*”તલાસ સિર્ફ સુકુન કી હોતી હૈ,*

*નામ રિશ્તે કા ચાહે કુછ ભી રખ લો”*

શહેરના પોશ એરિયામાં ઊભેલો ‘પ્રતિક’ બંગલો આવતા-જતા બધા લોકોનું ધ્યાન ખેંચે છે. વિશાળ ગાર્ડન, ગાર્ડનથી બંગલા સુઘી સફેદ મારબલનો રસ્તો, ગાર્ડનમાં અને રસ્તા પર દેશ-વિદેશના ફૂલ છોડ, લીલીછમ લોન અને ઓફ વ્હાઇટ કલરનો બંગલો… રસ્તેથી પસાર થનારનું ધ્યાન ખેંચી જ લે છે.

image source

રાતના આઠ વાગ્યે બંગલાની લોન પર બેઠા છે.. બંગલાના માલિક એવા પાંસઠ વર્ષના સૌરભ શેઠ અને એકસઠ વર્ષના તેમના પત્ની ઉપમા શેઠ. બન્ને કયારના ચૂપચાપ બેઠા છે. સૌરભના ચહેરા પર ઉદ્વેગ છે, તો ઉપમાના ચહેરા પર વિષાદ. સૌરભની નજર પડતા ઉપમા ચહેરાના દુ:ખને છુપાવવા ખોટું ખોટું હસે છે સૌરભે પૂછયું, “શું થયું? કેમ ચૂપ છે ??”

ઉપમા પરાણે હસીને બોલી, “રોજ આમ જ તો બેસીએ છીએ ને? વાતોનો વિષય પણ કયાં છે આપણી પાસે ? બસ ટાઇમ પસાર કરવા થોડીવાર એમ જ ફાલતું વિષય પર બોલીએ છીએ, અને થોડીવાર પછી પાછા શાંત થઇ જઇએ છીએ.

image source

“સાચી વાત છે ઉપમા… આપણો બંગલો જોનારને લાગે કે આમાં રહેતા લોકો કેટલા સુખી હશે ? પણ આપણને જ ખબર છે કે વૈભવથી ભરેલા જીવન વચ્ચે આપણે ખાલી ખાલી છીએ. આખો દિવસ જેમતેમ પસાર થઇ જાય છે, પણ સાંજ પડતા એકલતા લાગે છે, નોકરો પણ ઘરે જતા રહે છે એટલે આપણે એકલા પડી જઇએ છીએ. ઊંઘ ન આવે ત્યાં સુઘી પરાણે બેસી રહીએ છીએ” સૌરભે ઉપમાની વાતનું સમર્થન કર્યુ.

“હા, સૌરભ, દીકરા દીકરી હોવા છતાં આપણે એકલા છીએ. બન્નેના લગ્ન થયા ન હતા અને ઇન્ડિયામાં હતાં ત્યાં સુઘી આપણે કેટલા ખુશ હતા લગ્ન પછી બન્ને અમેરિકા જતા રહ્યા અને આપણે એકલા રહી ગયા” ઉપમાની આંખમાં આંસુ આવી ગયા.

image source

“સાચી વાત છે ઉપમા, લગ્ન પછી દીકરાનું અંગત જીવન શરૂ થઇ જાય એટલે તેની જવાબદારી વધી જાય.. પત્નીને સાચવવામાં મા-બાપને અન્યાય થઇ જાય… અને દીકરી તો… સાસરામાં સમાય જાય.. પછી મા-બાપનો હકક કેટલો ? આપણે તચ એ વાતની ખુશી માનવી જોઇએ કે પ્રતિક અને ઇશિતા બન્ને લગ્ન પછી પણ આપણી કાળજી રાખે છે અમેરિકા ગયા પછી પણ નિયમિત રીતે ફોન કરે છે.” સૌરભે ઉપમાના આંસુ લૂછતા કહ્યું.

ઉપમા કંઇ ન બોલી.. સૌરભના ખભે માથું ઢાળીને ચૂપચાપ આંસુ સારતી રહી.. સૌરભ અને ઉપમા.. ચાલીસ વર્ષ પહેલા લગ્નના બંધનથી જોડાયા હતા. સૌરભ બેંક મેનેજર હતો અને ઉપમા સ્કૂલમાં ટીચર… સારી આવક અને સાદગીપૂર્ણ જીવનના કારણે થોડા જ વર્ષોમાં થોડી બચત અને થોડી લોનની મદદથી બાપદાદાનું જુનું ઘર તોડીને તે જગ્યામાં બંગલો બનાવ્યો હતો. બંગલાનું નામ દીકરાના નામ પરથી રાખ્યુ હતું ‘પ્રતિક’… પ્રતિક અને ઇશિતાના જન્મ પછી બન્ને ખુશ હતા. ચારેયની જિદગીમાં ખુશી જ ખુશી હતી.

image source

યુવાનીનો સમય બન્નેને મોટા કરવામાં, ભણાવવામાં ખર્ચાય ગયો બન્નેએ હરવા ફરવાનો વિચાર જ ન કર્યો. બસ બાળકોના ભવિષ્ય માટે ખોટા ખર્ચ ન કરવા તેવું નકકી કર્યુ. બન્ને બાળકોને ભણાવ્યા. પ્રતિકે અમેરિકન સિટીજનશીપ ધરાવતી કન્યા સાથે લગ્ન કરી લીઘા અને અમેરિકા જતો રહ્યો સૌરભ-ઉપમાએ મન મનાવ્યુ કે ઇશિતાનૈ અહીં જ પરણાવીશું, એટલે નજર સામે રહે પણ થોડા સમય પછી પ્રતિકે અમેરિકામાં જ છોકરો શોઘી લીઘો અને ઇશિતા પણ લગ્ન કરીને અમેરિકા ચાલી ગઇ. સૌરભ ઉપમાએ બન્નેની ખુશીમાં જ પોતાની ખુશી છે તેમ સ્વીકારી લીઘું.

પ્રતિક – ઇશિતા ચાલ્યા ગયા અને સૌરભ-ઉપમા નોકરીમાંથી રીટાયર્ડ થઇ ગયા પછી બન્ને માટે દિવસો પસાર કરવા અઘરા થઇ ગયા પૈસા તો ખૂબ હતા. પણ એકલતાથી કંટાળી જતા. ઘરમાં આખો દિવસ નોકર રહેતા, પણ સાંજ પડતા જ રાતની રાહ જોતા ગાર્ડનમાં બેસી રહેતા. બાળકોને યાદ કરીને રડી પડતા..

image source

આજે પણ પ્રતિક ઇશિતાની વાત કરતા ઉપમા રડી પડી. સૌરભના ખભે માથું નાખીને બોલી, “શું બાકીની જિદગી આમ રડતા રડતા જ પસાર કરવાની ? કંઇક તો ખુશીનું કારણ મળવું જોઇએને ?? જીવવાની ઇચ્છા જ નથી રહી.” સૌરભે સમજાવતા કહ્યું, “ઉપમા… એમ નિરાશ ન થા.. તું બાળકોના વિરહમાં એટલી ડૂબી ગઇ છે કે તને બીજા વિચાર જ નથી આવતા… બન્નેની યાદ મને પણ આવે છે… પણ હું તારા જેટલો દુ:ખી નથી.”

“પણ.. જીવવાનો બીજો વિકલ્પ જ કયાં છે ?” ઉપમાની આંખમાં સવાલ હતો. “શાંતિથી સાંભળ… હું ઘણા દિવસથી આ વાત તને કહેવાનું વિચારતો હતો લગ્નની શરૂઆતમાં આપણે ઘરની જવાબદારીમાં કોઇ શોખ પૂરા ન કર્યા, પછી પ્રતિક-ઇશિતાના જન્મ પછી તો આપણી દુનિયા અને પ્રેમ તેમનામાં જ સમાય ગયા તેમના ભવિષ્ય માટે બચત કરતા રહ્યા, પછી તેમના લગ્ન…

image source

તેમાં જ આપણા જીવનના બધા વર્ષ પૂરા થઇ ગયા હવે કોઇ જવાબદારી નથી પ્રો. ફંડના પણ ઘણા નાણા મળ્યા છે, પેન્શન પણ સારું મળે છે.. બાળકોને મદદ કરવી પડે તેવું પણ નથી બાળકોને યાદ કરીને રડતા રડતા બાકીની જિંદગી પસાર કરવા કરતા ખાલી થયેલા દિલમાં પ્રેમ ભરીને ખુશીથી શું કામ ન જીવીએ ?? જે ખુશી યુવાનીમાં નથી મેળવી શકયા તે હવે કેમ ન મેળવીએ ??” સૌરભની વાત પૂરી થતા ઉપમાએ મુગ્ધતાથી તેનીસામે જોયુ.

“ઉપમા, લગ્ન પછી બે જ દિવસ મહાબળેશ્ર્વર ગયા હતા … પછી કયાંય નથી જવાયું… હવે ફરીથી જવું છે ??? શરીરથી નહી, મનથી યુવાન બની શકીશ?? જીવન પ્રત્યે નજર બદલવાની તૈયારી છે ?? ભલે હનિમૂન વખતે હતો તેટલો જોશ-જુસ્સો અત્યારે નથી… પણ દિલમાં લાગણી તો છે ને… બોલ મારી સાથે ફરીથી યુવાન બની શકીશ?? ” સૌરભે ઉપમાનો હાથ પકડતાં પૂછયું…

image source

ઉપમાએ બીજો હાથ તેના હાથમાં મૂકી દીઘો “હા.. સૌરભ.. પ્રેમભર્યુ જીવન જીવવાની તો મારી પણ ઇચ્છા છે… પણ આ ઉંમરે ? હવેશું ?? એવા વિચારે કંઇ ન બોલી શકી… પણ હવે તમારી સાથે જીવવું જ છે. લગ્ન પછી યુવાન તન સાથે મહાબળેશ્ર્વર ગયા હતા.. હવે યુવાન મન સાથે જઇશું…”

એકબીજાનો હાથ પકડીને આંખમાં આંખ નાખીને બેઠેલા સૌરભ અને ઉપમા વચ્ચે ઉંમરની અસર ધીમેધીમે ઓગળતી જતી હતી..અને… બે દિવસ પછી મહાબળેશ્ર્વર જવા પ્લેનમાં બેઠેલા સૌરભ અને ઉપમા ખુશ હતા. જાણે જીવન સંધ્યાએ નવું જીવન શરુ થયું હોય તેવું લાગતું હતું..

લેખક : દિપા સોની “સોનુ”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ