પતિની લાંબી ઉંમર માટે ક્ડવાચૌથ પર દરેક પત્નીએ ધ્યાનમાં રાખવા જેવી 30 વાતો, 17 ઓક્ટોબરે છે ક્ડવાચૌથ

હવે નજીકમાં જ છે માનુનીઓનું પ્રિય વ્રત કડવાચોથ .ચાલો સાથે મળી એના મહત્વને જાણીએ .

image source

• ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીને શક્તિસ્વરૂપા કહી છે .દેવી સ્વરૂપા ગણવામાં આવે છે. આપણી પૌરાણિક કથાઓમાં પણ નારીશક્તિનું અનેરુ મહત્વ છે. ભારતીય સંસ્કૃતિના ભવ્ય નારીપાત્રો તારા, મંદોદરી, અહલ્યા, દ્રૌપદી ,સીતા ,માતા કુંતા, સત્યવાનની પત્ની સાવિત્રી, વિદુષી ગાર્ગી ,ઋષિપત્ની અરુંધતિ અનસુયા, ધૃતરાષ્ટ્ર પત્નિ ગાંધારી હંમેશા આદરણીય -પૂજનીય રહ્યાં છે. આપણે ત્યાં જપ, વ્રત અને તપનું પણ ખાસ મહત્વ છે.

image source

ધર્મની બારીકાઈ સમજવામાં ભારતીય સંસ્કૃતિનું જોટો જડે એમ નથી. ધર્મને અને તપશ્ચર્યાને આપણે માત્ર ધર્મ સાથે જ નહીં પરંતુ વિજ્ઞાન સાથે પણ જોડ્યાં છે. અત્યારની બદલાતી જતી સંસ્કૃતિમાં પણ સ્વતંત્ર વિચારધારા ધરાવતી સ્ત્રી પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત અને તપ કરે છે. સ્ત્રીએ પુરુષ સાથે ખભે ખભો મિલાવીને ચાલવાની સમાનતા હાંસલ કરી લીધી છે .

image source

પરંતુ સાથે સાથે પુરુષ માટેનો સ્નેહ વ્યક્ત કરવા સ્ત્રી વ્રતનો સહારો પણ લે છે. એટલું જ નહીં શ્રદ્ધાપૂર્વક વ્રત દ્વારા સ્ત્રી પોતાના જીવનસાથીની મંગલ કામના કરે છે. આપણે ત્યાં તપ સાધના દ્વારા પાર્વતીજીએ શિવ પ્રાપ્તિ કરી હતી. તો ગાંધારી અંધ પતિ ધૃતરાષ્ટ્રને સાથ આપવાના આશયથી જ પોતે પણ આંખે પાટા બાંધીને જીવી હતી. સીતાની પતિ નિષ્ઠા, દ્રૌપદીનો પાંચ પતિ માટેનો એક સમાન અતૂટ સ્નેહ, તો પતિ સત્યવાનને યમરાજ પાસેથી પાછો મેળવવા સાવિત્રીએ કરેલી ઉપાસના જેવા કિસ્સાઓથી આપણે સૌ વિદિત છીએ.

અત્યારે આપણે સ્ત્રી સશક્તિકરણના કાર્યક્રમ યોજવા પડે છે ,પરંતુ આદિકાળથી જોઈએ તો સ્ત્રીમાં અખૂટ શક્તિઓ ભરેલી છે. ખર, દૂષણ અને મહીસાસુર જેવા ભયાનક રાક્ષસોનો વધ કરવા માટે લય, સ્થિતિ અને ઉત્પત્તિના સ્વામી બ્રહ્મા વિષ્ણુ અને મહેશે દૈવી શક્તિ સ્વરૂપે નારીશક્તિનું જ નિર્માણ કર્યું. નારી વ્રત અને તપ દ્વારા પોતાનું સ્થાન સિદ્ધ કરી બતાવે છે. ઘર પરિવારને એક સૂત્રમાં બાંધતી સ્ત્રી પોતાના પતિ અને પરિવાર ની મંગલ કામના માટે આકરામાં આકરા વ્રત કરવાથી પણ પાછી પડતી નથી.

• આવું જ એક વ્રત એટલે કડવાચોથનું વ્રત. આસો વદ ચોથના દિવસે કરવામાં આવતા કડવાચોથના વ્રતનું અનેરું મહત્વ છે.

image source

• પતિની લાંબી ઉંમર માટે આખો દિવસ પાણીનું એક ટીપું પણ મોઢામાં નાખ્યા વગર હસતે મોઢે ઘરની ધુરા સંભાળતી સ્ત્રી ખરેખર વંદન ને પાત્ર બને છે. તપ નો અર્થ છે ત્યાગ. જીવનમાં આવતા પ્રલોભનો ને છોડીને આગળ વધવું એ પણ એક પ્રકારનું તપ છે. આસો વદ ચોથનો દિવસ એટલે કડવાચોથનો દિવસ. ભારતમાં કડવા ચોથનું અલગ મહાત્મ્ય છે. સદીઓ પૂર્વે આ દિવસે ઋષિ-મુનિઓ પણ તપ કરતા અને મનચાહી સિદ્ધિ પ્રાપ્ત કરતા આ દિવસે મહિલાઓ પણ નિર્જળા વ્રત કરે છે.

• કડવા ચોથના દિવસે તારા સ્નાન કર્યા બાદ નિર્જળા વ્રત ધારણ કરતી મહિલાઓ રાત્રે નીકળતા ચંદ્ર ને જોઈને જ તેમનું વ્રત છોડે છે. આ ચંદ્ર પણ હંમેશા સ્ત્રીઓની અગ્નિ પરીક્ષા કરતો હોય છે. ચાંદને પણ ખબર છે કે કડવાચોથના દિવસે જ સમગ્ર નારી સૃષ્ટિ એના નીકળવાની આતુરતાથી રાહ જોઈને બેઠી છે અને એટલે જ એ દિવસે ચાંદ પણ પોતાનો એટીટ્યુડ દાખવી ધરાર મોડો જ નીકળે છે. અને તો પણ બિલકુલ ચલિત થયા વગર આનંદપૂર્વક હાથમાં સુંદર મજાની પૂજાની થાળી સાથે સોળ શણગાર સજીને પુરા દિવસના નિર્જળા વ્રતની ઉપાસનાના તેજ સાથે તપસ્વી જેવી આભા ધરાવતી સ્ત્રીઓ ઘરની અગાશીમાં કે ખુલ્લા મેદાનમાં ચંદ્રની પ્રતીક્ષા સાથે સજ્જ હોય છે.

ક્યારેક તો એવું પણ બને છે કે વાતાવરણના બદલાવને કારણે ચંદ્ર વાદળોની વચ્ચે ઘેરાઈ જાય છે અને દર્શન આપતો નથી. આ સંજોગોમાં સ્ત્રીઓના વ્રતની અગ્નિ પરીક્ષા થતી હોય છે .અને પોતાના જીવનસાથીના લાંબા આયુષ્ય માટે વ્રતધારી સ્ત્રીઓ મક્કમ મનોબળ ધરાવી ચંદ્રદર્શન ની રાહનો ભેખ ધરી ચંદ્રની રાહ જુવે છે.આવા સંજોગોમાં પણ સ્ત્રી પોતાનું વ્રત તોડતી નથી.

• શું છે કડવાચોથનું વ્રત ?શા માટે અને કેવી રીતે કરવામાં આવે છે ? એ વિષે થોડી વાતો કરવા કરીએ.

image source

• કડવા ચોથના દિવસે સવારે સુરજ ઉગતા પહેલા સાસુ પોતાની વહુ ને સરગી આપે છે જેમાં શુકન સ્વરૂપે ફ્રુટ, ડ્રાયફ્રૂટ, શ્રીફળ, કપડા અને સૌભાગ્યની મંગલ કામના સાથે ચૂડી ચાંદલો વહુને ભેટ કરવામાં આવે છે. એમાં ખાસ પ્રકારની મઠરી અને ફેણી/સેવી નો પણ સમાવેશ કરવામાં આવે છે. સમગ્ર ભારતમાં કડવા ચોથના વ્રતનો ખૂબ મહિમા છે. સાસુએ આપેલી સરગી દ્વારા વહુ પોતાના વ્રતની શરૂઆત કરે છે.

સાસુ સાથે ન હોય તો તે વહુને શુકન સ્વરૂપે પૈસા પણ મોકલે છે, જેમાંથી વહુ સરગીનો સામાન ખરીદે છે. સૂર્યોદય પહેલા ફેણી એટલે કે સેવી બનાવીને પિતૃઓ ,ગાય ,કુતરા તથા કાગડા માટે અલગ રાખવામાં આવે છે. આ સેવીને પતિ તથા પરિવારના અન્ય લોકો માટે પણ રાખવામાં આવે છે, સૂર્યોદય પહેલા સેવી તથા ફ્રુટ, ડ્રાયફ્રૂટ અને નારિયેલ ખાઈને ઘરની પુત્રવધુ વ્રતની શરૂઆત કરે છે. આ દિવસે માત્ર સાસુ જ નહીં પરંતુ પતિ પણ પોતાની પત્નીને લાડ પ્રેમથી સૌભાગ્યની વસ્તુઓ તેમજ અન્ય ભેટ સોગાદ પોતાના પ્રેમની અભિવ્યક્તિ સ્વરૂપે આપે છે.

આ એક એવો દિવસ છે જે દિવસે વેલેન્ટાઈન ડે ની જેમ જ પતિ પત્ની એકબીજા પરત્વેના સ્નેહને વ્યક્ત કરે છે.ગમે તેટલી વ્યસ્તતામાંથી પણ પતિ આ દિવસે પત્ની માટે સમય કાઢી જ લે છે. કારણ એને પણ ખબર છે કે આજનો આખો દિવસ તેની પત્ની તેના જ સૌભાગ્ય માટે ભૂખ્યા તરસ્યા રહીને વિતાવ્યો છે.

image source

• આ દિવસે વ્રત કથા સાંભળવા કુટુંબની મહિલાઓ ખાસ ભેગી થાય છે. આમ પણ વ્રત અને તહેવારો ભેગા થઈને ઉજવવાનો પણ ખાસ ઉદ્દેશ છે. કહેવાય છે ને કે સંઘૌ શક્તિ કલયુગે . એટલે કે કળિયુગમાં સંપ એ જ શક્તિ છે. તહેવારો ભેગા થઈને ઉજવવા પાછળ એકત્વની ભાવના રહેલી છે.

• કરવા ચોથના દિવસે મહિલાઓ એકત્રિત થઈ સૂર્યાસ્ત પહેલા પૂજા કરી વ્રત કથા શ્રવણ કરે છે. કથા સાંભળતી વખતે સાથે અનાજ અને મીઠાઈ રાખી કથા સાંભળવા નો મહિમા છે . અનાજ શક્તિનું અને મીઠાઈ મીઠાશ નું પ્રતિક છે. જીવનમાં શક્તિ સાથે મીઠાશ પણ પ્રસરતી રહે એવી ભાવના સાથે તેમજ ઘરની સમૃદ્ધિ પણ અનાજ થકી છલોછલ રહે એવી કામના સાથે અનાજ અને મીઠાઈ સાથે પૂજામાં બેસવા માં આવે છે.

image source

કડવા ચોથના દિવસે પૂજામાં થાળી ફેરવવાનો પણ રિવાજ છે. સાત સુહાગન સાથે બેસીને એકમેકને પોતાની થાળી ફેરવતા ફેરવતા કથાનું શ્રવણ કરે છે.એકમેક સાથે થાળી ફેરવતા મંગળ ગીતોનું ગાન કરે છે. મારી પાસે જે પણ કંઈ છે એ એકબીજા સાથે વેચીને જીવન પસાર કરવાની ઉત્તમ ભાવના આ થાળી ફેરવવાની પ્રક્રિયા સાથે સંકળાયેલી હોય એમ પણ બને . કથા સાંભળતી વખતે વચ્ચે હુંકારો ભરવાનો પણ રિવાજ છે. આ રિવાજ દર્શાવે છે કે તમારું ધ્યાન કથા શ્રવણમાં કેન્દ્રિત છે. પહેલાના જમાનામાં વહુ ઘરનું કામ કરી અને થાકી જતી ત્યારે કથા સાંભળતા સાંભળતા કદાચ સુઈ જતી હશે. એથી વહુ કથા ધ્યાનથી સાંભળે છે કે નહીં એ જાણવા પાછળ આ પ્રકારનો રિવાજ પડ્યો હશે એવું વિચારી શકાય.

• કડવા ચોથના દિવસે કથા સાંભળ્યા બાદ વહુ સાસુ માટે ભાગ કાઢે છે. સાસુના ભાગમાં મીઠાઈ ઉપરાંત કપડા તથા સૌભાગ્યનો સામાન ,અનાજ , વાસણ ઉપરાંત રોકડ રકમ પણ મૂકવામાં આવે છે .જે રીતે સાસુ વહુને સવારે સરગી દ્વારા સૌભાગ્યનો સામાન આપે છે એ જ રીતે વહુ પણ સાસુ માટે એટલે કે સાસુ નો ભાગ કાઢે છે,જેને બાયના કહેવામા આવે છે. આની પાછળ પણ એક બહુ જ ઉમદા વિચાર વ્યક્ત થયો છે. સાસુ અને વહુ એ એક ઘરમાં એકબીજાનું સ્થાન સરખા અધિકારથી સાચવી અને જીવવાનું છે આવી ઉદ્દાત ભાવના સરગી અને બાયના દ્વારા વ્યક્ત થાય છે.

image source

• વ્રતની શરૂઆતમાં જ સાસુ વહુને કરવા એટલે કે માટીનો ઘડો કે કુલડી આપે છે .એ જ રીતે વહુ પણ સાસુને તેનો ભાગ આપતી વખતે કરવા આપે છે. પ્રત્યેક સ્ત્રી પૂજા સમયે સાથે બે કરવા લઈને બેસે છે. બંને કરવામાં પાણી ભરવામાં આવે છે. જે કરવો એટલે કે ઘડો સાસુ આપે છે તેમાં ચંદ્રને અર્ધ્ય આપવાનું પાણી ભરવાનું હોય છે.જે પાણી દ્વારા ચંદ્રદર્શન બાદ વ્રતનું સમાપન કરવામાં આવે છે. સાસુને આપવામાં આવેલા કરવાનું પાણી સાસુ ઘરઆંગણાના તુલસી ક્યારામા અથવા તો કોઈ પણ છોડમાં અર્ઘ્ય સ્વરૂપે અર્પણ કરે છે. ઘડો ઐશ્વર્ય, ઉદારતા અને પૂર્ણતાનુ પ્રતિક છે . આપણા ઘરની સમૃદ્ધિ ,આપણા ઘરનો વારસો પૂર્ણ સ્વરૂપે આપણે જાળવવાનો છે એવી ભાવના સાસુ વહુ એકબીજાને પાઠવે છે.

• મોટે ભાગે એવું બનતું હોય છે કે ઘર કંકાસ નું મૂળ સાસુ અને વહુ બનતા હોય છે.(આવું સામાન્ય રીતે માનવામાં આવે છે)કરવાચોથના વ્રત દ્વારા એકબીજાનું માન-સન્માન અધિકાર અને ફરજની સમાનભાવે વહેંચણી કરવાનો બોધપાઠ પ્રાપ્ત થાય છે. પૂજામાં ઘડો મુકતા પહેલા ઘડાનું /કરવાનું સ્વસ્તિક દ્વારા પૂજન કરવામાં આવે છે. સ્વસ્તિક કલ્યાણનું પ્રતિક છે. ઘડા સમાન પૂર્ણ ઘર- પરિવારનું હંમેશા કલ્યાણ થાય એવી મંગલ કામના કરવાના પૂજન દ્વારા વ્યક્ત કરવામાં આવે છે.

image source

ઘણા ઘરમાં પૂજા અને કથાશ્રવણ બાદ ઘરની મહિલાઓ પાણી ,જ્યુસ કે ચા પીવાની છૂટ લેતી હોય છે.ફળ અને ડ્રાયફ્રૂટ પણ લઇ શકાય છે એનું એક વૈજ્ઞાનિક કારણ એ પણ છે કે આખો દિવસ કોઈપણ જાતના પ્રવાહી વગર કાઢવાથી ડીહાઇડ્રેશન અથવા એસીડીટી પણ થઈ શકે છે અને સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર પડી શકે છે.કોઈને કોઈ હેલ્થ પ્રોબ્લેમ હોય અને દવા લેવાની હોય તો એ પણ ખાલી પેટે લેવી યોગ્ય નથી એટલા માટે પણ આટલી થોડી છૂટ લેવી હિતાવહ છે.

• કડવા ચોથ ની કથામાં સાથે ગણેશજીની કથા પણ સાંભળવામાં આવે છે.ગણેશજી બાળ સ્વરૂપ માનવામાં આવે છે અને એ દિવસે સ્ત્રી પાર્વતીનું રૂપ માનવામાં આવે છે. કડવા ચોથનું વ્રત સાસુ ઘરની વહુને શરૂ કરાવે છે, એટલે કે પોતાના પુત્રની મંગલ કામના અને લાંબી આવરદા પ્રાપ્તિના આશયથી સાસુ વહુને વ્રત શરૂ કરાવે છે,

image source

ઇનો અર્થ એ કે કડવાચોથના વ્રતમાં પતિ પ્રેમ સાથે પુત્ર પ્રેમનો મહિમા પણ રહ્યો છે. એજ વહુ પછી આગળ જતા જ્યારે પોતે સાસુ બને છે ત્યારે એ પોતાની વહુને પણ આ વ્રત શરૂ કરાવે છે અને એટલે જ કડવાચોથ ના વ્રતમાં ગણેશજીના બાળ સ્વરૂપની પુજાનું પણ મહત્વ છે જેથી સ્ત્રીને એક માતા અને એક પત્ની બંનેની શક્તિ પ્રાપ્ત થાય.

• સાંપ્રત સમયમાં ઘરની સ્ત્રી ચાર દીવાલો પૂરતી સીમિત નથી રહી.આજની પ્રવૃતિશીલ નારી પોતાના કાર્યસ્થળ પર પણ સફળતાપૂર્વક પોતાનો દિવસ કડવાચોથના વ્રત સાથે પસાર કરે છે.

• સાસુએ આપેલા કરવામાં પાણી ભરીને આધુનિક સ્ત્રીઓ તેને સાથે ઓફિસમાં પણ લઈ જાય છે એ રીતે પોતાની સ્વતંત્રતા અને સાથે સાથે સંસ્કૃતિ બંનેનું રક્ષણ અને જતન સ્ત્રી કરી રહી છે. સાસુએ આપેલા કરવામાં થોડુંક પાણી સાથે અનાજ અને સાસુને માટે કાઢવાનો ભાગ આ બધી જ વસ્તુઓ શુકન સ્વરૂપે પોતાની સાથે લઈ જઈને ઓફિસમાં પણ કરવા ચોથની કથા સ્ત્રીઓ વટભેર- માનભેર સાંભળતી હોય છે .

image source

અને કરવાના આ પાણીનું ઘરે આવીને રીત રીવાજ મુજબ વિસર્જન પણ કરવામાં આવે છે. એમાંથી જ થોડું પાણી સાચવીને ચંદ્રને પણ એ જ પાણીથી અર્ઘ્ય આપવામાં આવે છે.

• ચંદ્ર શીતળતા પ્રદાન કરે છે, તેજ પ્રદાન કરે છે. ચંદ્રને ચાંદી પસંદ છે એટલે ચંદ્રને અર્ધ્ય આપતી વખતે કળશમાં પાણી સાથે ચાંદીનો સિક્કો કે અન્ય કોઈપણ ચાંદીની વસ્તુઓ મૂકવામાં આવે છે. ચંદ્રને અર્ધ્ય આપ્યા બાદ ચારણામાંથી પતિનું મુખ દર્શન કરીને સૌભાગ્યવતી સ્ત્રી પોતાના વ્રતનું સમાપન કરે છે.

image source

• ચંદ્ર પૂજનની થાળીમાં ઘીનો દીવો પણ મૂકવામાં આવે છે . ચંદ્રને પણ ફ્રુટ, ડ્રાયફ્રૂટ કે મિઠાઈ ધરવામાં આવે છે .ચંદ્રપૂજન પછી સ્ત્રી પતિને અન્ય કરવામાં રાખેલા પાણીથી પાણી પીવડાવે છે ,પતિ પણ પત્નીને પાણી પીવડાવી વ્રત પૂર્ણ કરાવે છે. ચંદ્રને અર્ધ્ય આપતી વખતે કથાપૂજનમાં જે ચૂંદડી ધારણ કરી બેસવામાં આવે છે એ જ ચુંદડી ફરી ધારણ કરી ચંદ્રપૂજન કરવાનો રિવાજ છે.

image source

ચારણીમાં દીવો મૂકીને તેના પ્રકાશમાં ચંદ્રના દર્શન કરવામાં આવે છે અને ત્યારબાદ તરત જ એ જ ચારણીમાંથી એ જ દીવાના પ્રકાશમાં પતિનું મુખ દર્શન કરવામાં આવે છે. ત્યારબાદ એ દીવો ત્યાં જ મૂકી દેવાનો હોય છે. દીવાને જાતે ઠારવો એ અપશુકન માનવામાં આવે છે.ચંદ્રદર્શન બાદ ભોજન કરવામાં આવે છે. સામાન્ય રીતે વ્રત અને પૂજાના દિવસોમાં સાત્વિક આહાર લેવાનો હોય છે તેથી આ દિવસે તામસી પ્રકૃતિ ધરાવતા આહારનો ત્યાગ કરવામાં આવે છે.

image source

• કડવા ચોથના દિવસે મહેંદી મૂકવાનું પણ ખુબ મહત્વ રહેલું છે. મહેંદી વગર સ્ત્રીનો શૃંગાર અધુરો રહે છે.કેટલાક લોકો શોખથી પતિનું નામ લખાવતા હોય છે પણ લખાવું જોઈએ એવું કંઈ જરૂરી નથી.

image source

• માસિક ધર્મમાં પણ કડવા ચોથનું વ્રત કરી શકાય છે. હવે તો માસિક ધર્મ અંગે પણ લોકો જાગૃત થયા છે. માસિક ધર્મને અતિ રૂઢિચુસ્ત રિવાજો સાથે સાંકળવાનું હવે બંધ કરવામાં આવી રહ્યું છે અને આ અંગે પણ વૈચારિક ક્રાંતિ શરૂ થઈ છે.માસિક ધર્મ એટલે સ્ત્રીના શરીરમાં થતી એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે એવી સમજણ પણ સમાજમાં વિસ્તૃત થઈ રહી છે. માસિક ધર્મને લગતા રિવાજો અને કુરિવાજો પણ સદભાગ્યે દૂર થઇ રહ્યા છે.

image source

• એવું નથી કે કડવા ચોથનું વ્રત માત્ર સૌભાગ્યવતી સ્ત્રીઓ જ કરી શકે. કુવારી કન્યાઓ પણ કડવા ચોથનું વ્રત કરી શકે છે . કુવારી કન્યા પોતાના ચાંદ એટલે કે પોતાના પતિના મુખદર્શનથી અજાણ હોવાથી તેને ચંદ્રના દર્શનથી વ્રત ખોલવાનું હોતું નથી. કુવારી કન્યા તારાના દર્શન કરી વ્રત ખોલી શકે છે. કુવારી હોવાને કારણે કડવા ચોથનું વ્રત કરનારી કન્યાઓ સરગીથી વંચિત રહે છે.

image source

• માત્ર કડવાચોથ જ નહીં પણ નારીશક્તિને કેન્દ્રમાં રાખીને ઘણા વ્રત ઉજવવામાં આવે છે. સોળ સોમવારનું વ્રત, જયા પાર્વતી વ્રત ,ગૌરીવ્રત ,વડસાવિત્રી વ્રત જેવાં ઘણા વ્રત છે જેમાં ખાસ સારા પતિની કામના ઉપરાંત પતિના કલ્યાણનો વિચાર વ્યક્ત કરવામાં આવે છે.

image source

• હવે સ્ત્રી સ્વતંત્રતાના વિચારો ધરાવતી, સમાનતાનો આગ્રહ રાખતી નવી પેઢી એમ પણ ઈચ્છી રહી છે કે જો સ્ત્રી પોતાના જીવનસાથીની મંગલ કામના માટે વ્રત કરી શકે તો પુરુષે પણ સામે જીવનસંગિનીની મંગલ કામના માટે વ્રત કરવું જોઈએ. આજની પેઢીમાં આ બદલાવ સમજણ સાથે આવી પણ રહ્યો છે .

image source

અત્યારે એવું પણ જોવા મળે છે કે પત્નીની સાથે પતિ પણ આ તમામ વ્રત કરતાં હોય છે. આ એક સુંદર બદલાવ છે. આ બદલાવ દર્શાવે છે કે પુરુષ પ્રધાન સંસ્કૃતિ નારી શક્તિનો, એના અલગ અસ્તિત્વનો, એની ઈચ્છાનો અને એના સમાન અધિકારો નો સ્વીકાર કરી રહી છે. નવી પેઢી ખુલ્લા વિચારો સાથે બહાર આવી રહી છે એ સમાજમાં પરિવર્તનનો શુભ સંકેત છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ