મુંબઈમાં રહેતી સેકસવર્કરની દીકરીએ વિશ્વમાં નામ રોશન કર્યું…

મુંબઈમાં ‘કમાટીપુરા’ દેહના સોદા માટેનો કુખ્યાત વિસ્તાર છે. આ વિસ્તારની અનેક મહિલાઓ મજબૂરીની મારી દેહના વેપાર દ્વારા જીવનનિર્વાહ કરે છે. આ વિસ્તારની એક સેક્સવર્કરને ત્યાં દીકરીનો જન્મ થયો. નાની છોકરીને જન્મતાની સાથે અનેક સમસ્યાઓ ભેટમાં મળી. શાળાએ જવાનું ન હોય એટલે આખો દિવસ ખોલીમાં પડી રહેવાનું અને માતાના શરીરને ચૂંથવા આવનારા ગ્રાહકોને લાચાર બનીને રોજ જોવાનું આ છોકરીના નસીબમાં લખેલું. છોકરીને આ મંજૂર નહોતું એટલે એણે પોતે જ પોતાના ભાગ્યવિધાતા બનીને નસીબ લખવાનું નક્કી કર્યું.

આ છોકરીએ સંકલ્પ કર્યો કે મારે ભણીગણીને મારી જિંદગી સુધારવી છે અને પછી મોટા થઈને સેક્સવર્કરના સંતાનોના અભ્યાસ માટે કામ કરવું છે. છોકરીના આગ્રહના કારણે એને નજીકની શાળામાં દાખલ કરવામાં આવી. છોકરી પીડાને ઘોળીને પી ગઈ અને પોતાની બધી જ શક્તિ અભ્યાસમાં કેન્દ્રિત કરી.

છોકરીએ યુવાનીમાં કદમ માંડ્યા અને એના પર સાવકા બાપે જ નજર બગાડી. બાપ દ્વારા જ થતા શારીરિક શોષણની વાત કોને કરવી ? ના સહેવાય અને ના રહેવાય એવી સ્થિતિમાં આ છોકરીએ થોડો સમય વિતાવ્યો પછી ‘ક્રાંતિ’ નામની એક એનજીઓનો સંપર્ક કર્યો. સંસ્થાના કાર્યકર્તાઓ છોકરીની કહાની સાંભળીને કંપી ઉઠ્યા. આટલા આઘાતોમાંથી પસાર થવા છતાં આ યુવતીનો આત્મવિશ્વાસ બુલંદ હતો.

સંસ્થાની સહાયથી એણે અભ્યાસ આગળ વધાર્યો. દિવસ રાત સખત મહેનત કરી. વિદેશમાં અભ્યાસ માટેની પરીક્ષાઓની તૈયારી પણ કરી. છોકરીને અમેરિકા ભણવા જવા માટેની સ્કોલરશિપ મળી. રેડલાઇટ વિસ્તારની એક સામાન્ય છોકરી અભ્યાસ કરવા માટે અમેરિકા પહોંચી ગઈ. અભ્યાસ માટે એણે સાયકોલોજી વિષય પસંદ કર્યો જેથી એ પીડિત બાળકોની વધુમાં વધુ મદદ કરી શકે, બાળકોને સમજીને એની સેવા કરી શકે.

દુઃખો સામે બાથ ભીડનાર આ છોકરીનું નામ છે, શ્વેતા કૂટ્ટી. શ્વેતા રંગે ભલે કાળી હોય પણ એણે એની પ્રતિભા અને હિંમત દ્વારા ધોળિયાઓને આશ્વર્ય ચકિત કરી દીધા. રાષ્ટ્રસંઘ (યુનાઇટેડ નેસન્સ ) દ્વારા સમસ્યાઓ સામે લડાઈ લડીને વિજય પ્રાપ્ત કરનાર, ભારતની આ બહાદુર દીકરીને એવોર્ડ માટે પસંદ કરવામાં આવી.

મિત્રો, આપણા જીવનમાં એકાદ નાની સમસ્યા આવે તો પણ આપણે આપણી આ નાની સમસ્યાનાં રોદણાં રોઈ રોઈને એને એમ્પલીફાઇ કરીએ છીએ. શ્વેતાએ સમસ્યાઓને એમ્પલીફાઇ કરવાને બદલે એની ક્ષમતાઓને એમ્પલીફાઇ કરી. પરિણામ તમારી નજર સામે છે. ફરિયાદો કરવાનું બંધ કરીને ક્ષમતાઓને ઉજાગર કરીએ.

લેખક – શૈલેષ સગપરીયા

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ