પસંદગી -ભાગ : 3 શું અવિનાશે સાચ્ચે જ શાલીની માટે થઈને પોતાની પત્ની દિપ્તીને છોડવાનો નિર્ણય કર્યો છે …..

પસંદગી -ભાગ : 3

(કૉફીશોપનો અંધારિયો ખૂણો . ખુશ્બુદાર મીણબત્તીઓ . મંદ રોમાંચક સંગીત . )

” અવિનાશ , હવે બહુ થયું . ક્યાં સુધી આમ બબ્બે નાવડીઓનું સંતોલન જાળવીશ ? તારે નિર્ણય લેવોજ પડશે . ક્યાંતો હું ક્યાંતો દીપ્તિ …”

” તું મારો નિર્ણય જાણેજ છે ,શાલિની . ”

” ના , હું નથી જાણતી અવિનાશ . જરાયે નથી જાણતી . એક તરફ તું મારા વિના ન રહી શકવાની વાતો કરે છે અને બીજી તરફ દીપ્તિની હાજરીમાં મારો એક કોલ ઉપાડવાની હિમ્મત પણ નથી દાખવતો ?”

” અને આખી રાત હું તારા મેસેજની રાહ જોતો રહ્યો એનું શું ? આખી રાત હું ઊંઘી પણ ન શક્યો . તને શું થયું હશે ? તું ઠીક તો હશે ? ઘરે જાણ થઇ ગઈ હશે ? હજારો વિચાર મનમાં ડરાવતા રહ્યા .”

” હા , ઘરે જાણ થઇ ગઈ છે અવિનાશ !”

” વ્હોટ ? પણ કઈ રીતે ?”

” જાતેજ બધું જણાવી દીધું . છાતી ઠોકીને . કે જેથી મારા લગ્ન માટે યુવકોની નકામી ભીડ ભેગી ન થાય . ”

” હવે શું ?”

” હવે શું એટલે ? અવિનાશ મારો નિર્ણય તદ્દન સ્પષ્ટ શબ્દોમાં હું ઘરે જણાવી ચુકી છું . તને મારી જોડે લગ્ન કરવા છે કે લિવ ઇનમાં રહેવું છે ? ”

” આમ બધું ઉતાવળે ….”

” ઉતાવળે અવિનાશ ? પાંચ વર્ષ થઇ ગયા છે . હવે એકબીજાને કેટલું જાણવાનું બાકી છે . તારી એક પત્ની છે જે દસ વર્ષથી તારી જોડે રહે છે . એની જોડે તારો કોઈ પણ પ્રકારનો સંબંધ નથી . મારી જોડે દરેક સંબંધમાં તું સંકળાયો છે અને હું તારી જોડે રહી ન શકું ?”

” થોડો વિચારવાનો સમય …..”

” વિચારવાનો સમય ? વિચાર તો મારી જોડે પ્રેમમાં પડવા પહેલા કરવાનો હતો અવિનાશ . ડોન્ટ યુ થીન્ક ઇટ્સ ટુ લૅટ ?”

” પણ આમ એકજ ક્ષણમાં દીપ્તિ જોડે કઈ રીતે દરેક સંબંધ તોડી નાખું ? કઈ રીતે કહી દઉં એને કે નીકળી જાય એ મારા ઘરમાંથી અને જીવનમાંથી પણ ?”

” તો પછી હું નીકળી જાઉં છું , અવિનાશ . મને શું જોઈએ છે એ મારા મગજ અને હૃદયમાં સ્પષ્ટ છે . હું તારી જેમ દ્રીમુખી નથી . આમ એ મોડર્ન ગર્લ . ૨૧મી સદીની યુવતી છું . મારા વિચારો કાચ જેવા પારદર્શક છે . હું તને પ્રેમ કરું છું અને તારી જોડે મારુ જીવન આરંભવા માંગુ છું . લગ્ન મારા માટે ફરજીયાત નથી . પણ હા , એક સંબંધમાં હોવ ત્યારે એનેજ સંપૂર્ણ પણે વફાદાર રહેવું મારા માટે ફરજીયાત છે . એક લગ્ન થયેલ કે ડિવોર્સ થયેલ વ્યક્તિ જોડે સંબંધ રાખવામાં , એને પ્રેમ કરવામાં હું કશું અયોગ્ય નથી અનુભવતી . પણ કોઈની પીઠ પાછળ ચોરની જેમ દગો આપી મારા પ્રેમનું વિશ્વ વસાવવું એ મારી નીતિના પુસ્તકમાં નથી . મોડર્ન છું , ચીપ નહીં …”

” શાલિની દીપ્તિનું આ વિશ્વમાં મારા સીવાય કોઈ નથી . એની બાના અવસાન પછી હવે હુંજ એનો આસરો છું . જો હું એને ઘરમાંથી બહાર કાઢી નાખીશ તો એ ક્યાં જશે ? અને ઘરમાંથી બહાર નીકાળવા માટે હું શું કારણ ધરું ? એનો કોઈ વાંક કે ભૂલ પણ નથીને ? એ સ્ત્રીએ દસ વર્ષ મને અને મારા ઘરને સાચવ્યું છે . પોતાની દરેક ફરજ , દરેક કર્તવ્ય દિલોજાનથી નિભાવ્યા છે . ”

” ધૅટ્સ સો મીન ઓફ યુ . જો એ સ્ત્રી માટે તને આટલુંજ માન સન્માન હતું અને હજી પણ છે ..તો એને દગો શા માટે આપ્યો ?”

” માન સન્માન અને પ્રેમ બે જુદી બાબતો છે , શાલિની .”

” એટલે તુ મને પ્રેમ કરે છે પણ મારુ માન સન્માન …..”

” વાત એ નથી શાલિની . તું સારી રીતે જાણે છે શિઝ નોટ માઇ ટાઈપ ..”

” તો જઈને કહી દે કે દીપ્તિ , આમ સોરી , બટ યુ આર નોટ માઇ ટાઈપ . મને એક આધુનિક , મોડર્ન , હોટ લાઈફ પાર્ટનર જોઈએ છે તારા જેવી બહેનજી નહીં ..”

” માઈન્ડ યોર લેન્ગવેજ શાલિની ….”

” આઈ ઓલવેઝ માઈન્ડ માઇ એવરી વર્ડ એન્ડ એકશન અવિનાશ . બટ ડુ યુ ?હું આવીજ છું . હું દીપ્તિ નથી . મારા અધિકારો મને છાતી ઠોકીને માંગતા આવડે છે . એક વાત હું સ્પષ્ટ કહી દઉં છું . મારી પડખે કદી દીપ્તિ જેવી ધીરજ , ધૈર્ય અને ત્યાગની અપેક્ષાઓ ન સેવતો . હું વ્યવહારુ છું અને વ્યવહારુ જગત નો સામનો કરતા હું સારી પેઠે જાણું છું . મને આદર્શ બની મારા અધિકારોને ત્યાગવાનો કોઈ શોખ નથી . મારા જીવનમાં હું મારાજ નિર્ણયો સ્વીકારું છું . પત્ની બનવું કે જીવનસાથી બનવું એટલે કોઈની પગાર વિનાની કામવાળી બનવું એ પ્રાચીન વિચારોની શાળાથી મને છલોછલ નફરત છે . દીપ્તિની જેમ સવાર- સાંજ તારી આજુબાજુ ફુદરડી ખાતી તારો દરેક સામાન હાથમાં થમાવાની આવડત ન મારામાં છે ન હું કેળવીશ . એક પુખ્ત સ્ત્રી અને પુરુષને પોતાની સ્વનિર્ભરતા પોતાનાજ ખભા પર ઉપાડવી જોઈએ . મારા વિચારો તદ્દન પારદર્શક તારી સામે છે હવે નિર્ણય તારે લેવાનો છે . તને દીપ્તિ જોડે જીવનની એક નવી શરૂઆત કરવી છે કે મારી જોડે એક નવું જીવન આરંભવું છે ? જો તારી પસંદગી દીપ્તિ જ હોય તો ઓલ ઘી બેસ્ટ …આમ હેપ્પી ફોર બોથ ઓફ યુ ……. આગળ હવે મને મારા જીવન જોડે શું કરવું છે એ મુક્ત રીતે વિચારવા હું સ્વતંત્ર થાઉં છું અને જો તારી પસંદગી હું છું તો તારે આજે રાત્રેજ દીપ્તિને શબ્દેશબ્દ આપણા સંબંધથી માહિતગાર કરવી પડશે ….હું તારા નિર્ણયની રાહ જોઇશ ….બાય એન્ડ ગુડ નાઈટ …..”

બંદુકમાંથી છુટેલી ગોળીની જેમ શાલિની પર્સ ઉઠાવી કૉફીશોપમાંથી બહાર નીકળી ગઈ.

સવારે દીપ્તિએ કહેલા ‘બાય ‘ અને સાંજે શાલિનીએ કહેલા ‘ બાય ‘માં જમીન આસમાન જેટલો તફાવત હતો . દીપ્તિ અને શાલિની વચ્ચે પણ તો એટલોજ તફાવત હતો !

સમાજની દ્રષ્ટિમાં દીપ્તિ એક આદર્શ સ્ત્રી હતી . પોતાના જીવન કર્તવ્યો અને ફરજોને અચૂક નિભાવતી , સંવેદનશીલ જીવ . સાદી , સંસ્કારી અને બધુજ સહી લેનારી . પતિ ને ઈશ્વર સમી પુજનારી . આજ સુધી એણે કદી અવિનાશ જોડે અવાજ ઊંચો કરી વાત પણ કરી ન હતી . કદી કોઈ પ્રશ્નો પૂછ્યા ન હતા . શકની દ્રષ્ટિ કેળવી ન હતી કે શંકાશીલ વર્તન ઉપર પ્રત્યાઘાતો આપ્યા ન હતા. અવિનાશના અંગત જીવનમાં બળજબરીથી દખલગીરી કરી ન હતી . કદી કોઈ કાર્ય અંગે એની ઉપર દબાણ કર્યું ન હતું. ન કોઈ બિનજરૂરી માંગણી , ન કોઈ તકરાર કે લડાઈ શોધી હતી. ક્યારેક અવિનાશને લાગતું કે દીપ્તિનું પરિપક્વ જગત બધુજ જાણતું હોવા છતાં તદ્દન શાંત , ધૈર્યયુક્ત અને મૌન હતું . કદાચ એ રાહ જોઈ રહ્યું હતું કે અવિનાશ જાતેજ આવી….

બીજી તરફ તલવાર સમી શાલિની . એના વિચારો સમીજ ધારદાર અને પારદર્શક . જીવનથી શું જોઈએ છે , કઈ રીતે જોઈએ છે અને શા માટે ?એ દરેક પ્રશ્નોનો ઉત્તર એની પાસે સ્પષ્ટ હતો . સમાજની દ્રષ્ટિમાં થોડી વધારે પડતી ‘બોલ્ડ ‘ ! પણ હિમ્મત અને બહાદુરીના કોઈ ત્રાજવા થોડી હોય ? પોતાના વિચારોને હૃદયમાં ગૂંગળાવાની જગ્યાએ એને કહી શકવાની , અભિવ્યક્ત કરવાની અને એના ઉપર અડીખમ રહેવાની તાકાત અને નીડરતા કેટલા માનવીમાં હોય ? પોતાની શરતે જીવન જીવનારી , આત્મનિર્ભર અને આખાબોલી. નિયમો તોડનારી અને તર્ક શોધનારી. જે મન ફાવે એ કરનારી , પ્રશ્નો પૂછનારી અને લોકોના દરેક પ્રશ્નની સામે અન્ય હજાર પ્રશ્નો ઉઠાવનારી. વાતે વાતે ‘શા માટે?’ ઉચ્ચારનારી……સમય પ્રમાણે જીવનમાં પરિવર્તન સ્વીકારનારી , સુંદર , મોહક , આકર્ષક , યુવાન …..

બે વિકલ્પોમાંથી એકની પસંદગી …..

દીપ્તિ કે શાલિની ?

કોફીના મગ ઉઠાવવા આવી પહોંચેલ વેઈટરને નિહાળી અવિનાશના વિચારોની માળા તૂટી.

” મે આઈ ગેટ અ પેપર પ્લીઝ ?”

” સ્યોર સર ……”

વેઈટર શીઘ્ર અવિનાશની માંગણી અનુસાર એક કાગળ લઇ હાજર થયો.

અવિનાશના હાથની પેન હિમ્મત ભેગી કરતી કાગળ ઉપર શબ્દો કંડારી રહી .

આખરે નિર્ણય લેવાઈ ગયો .

પસંદગી થઇ ચુકી .

ક્રમશ …….

લેખિકા : મરિયમ ધૂપલી