મસાલા પાપડ કોન : નાની મોટી કોઈપણ પાર્ટી કે પ્રસંગ માટે હવે આ વાનગી જરૂર બનાવજો..

મસાલા પાપડ કોન :

ગુજરાતી અને પંજાબી થાળી પાપડ વગર અધુરી છે,….એમ કહી શકાય. હોટેલમાં કે ઘરમાં બપોરની જમાવાની થાળીમાં પાપડ તો હોય જ. પછી તે પોત પોતાની પસંદગીના ભલે ખવાતા હોય ….. એ પ્રકારના હોય. અનેક પ્રકારના અનાજ કે કઠોળના લોટમાંથી બનતા પાપડ માર્કેટમાં મળતા હોય છે. તેમજ ઘરમાં પણ બનતા હોય છે. સામાન્ય રીતે જમવા સાથે ફ્લૈમ પર સાદા રોસ્ટ કરીને વધારે ખવાતા હોય છે. પ્રસંગોએ ઘંઉ કે ચોખાની ખીચીના અથવા તો અડદ કે મગના લોટમાંથી બનાવેલા તેમજ સાબુદાણામાંથી બનાવેલા, ફ્રાય કરેલા પાપડ સર્વ કરવામાં આવતા હોય છે.

પરંતુ આ બધા રોસ્ટેડ કે ફ્રાય કરેલા ઉપરાંત મસાલા પાપડ પણ બનાવવામાં આવતા હોય છે. તે આ પાપડ કરતા વધારે સ્વાદિષ્ટ તેમજ જ હેલ્ધી પણ હોય છે. કેમકે તેમાં શાકભાજી પણ હોય છે.

આ મસાલા પાપડ બે રીતે બનાવવામાં આવે છે. એક તો પેનમાં થોડું ઓઇલ મૂકી ફ્લેટ રોસ્ટ કરી તેમાં બારીક કાપેલા ટમેટા, ઓનિયન વગેરે શાકભાજીઓના મિશ્રણથી બનાવેલા મસાલાને પાપડ પર સ્પ્રેડ કરીને સર્વ કરવામાં આવે છે.

અને બીજુ એજ પ્રકારના મસાલા સાથે બાફેલા બટેટા અને સાથે થોડું ફરસાણ મિક્સ કરીને થોડો વધારે સ્વાદિષ્ટ મસાલો બનવવામાં આવે છે અને પાપડને ડ્રાય રોસ્ટ કરીને, તેમાંથી તેનો કોન બનાવીને તેમાં મસાલો એસેમ્બલ કરવામાં આવતો હોય છે. આ પ્રકારના મસાલા પાપડ કોન નાના અથવા મોટા એમ બન્ને પ્રકારના પાપડમાંથી બનાવવામાં આવે છે. આ પાપડ નાસ્તા તરીકે લઈ શકાય છે.

આવા એસેમ્બલિંગ ઇંસ્ટંટ પાપડ કોનને સર્વ કરવાની સાથે જ ખાઈ જવા પડે છે. સ્ટોર કરી શકાતા નથી. કેમેકે તેમાં ભરેલા શાકભાજીના મસાલાને કારણે સોગી થઈ જતા હોય, ક્રીસ્પી રહેતા નથી. બનાવીને પણ તરજ સર્વ કરવામાં આવે છે. હા… માત્ર પાપડના કોન બનાવીને અલગથી તેને એર ટાઇટ કંન્ટેઈનરમાં સ્ટોર કરી શકાય છે. પાણીપુરીની જેમ …. પછી જ્યારે જરુર પડે ત્યારે મસાલો ભરી એસેમ્બલ કરી તરત જ સર્વ કરી શકાય છે.
તો આજે હું અહીં આપ સૌ માટે મસાલા પાપડ કોનની રેસિપિ સાથે પાપડમાંથી કોન બનાવવાની પર્ફેક્ટ રીત પણ આપી રહી છું. જેથી તેમાં મસાલો સારી રીતે એસેમ્બલ થઈ શકે.

મસાલા પાપડ કોન બનાવવા માટેની સામગ્રી :

આ સામગ્રીમાંથી કુલ 6 મસાલા પાપડ કોન બનશે. તેના માટે 3 પાપડની જરુર પડશે.

મેં અહીં 2 પાપડ લઈને 4 કોન બનાવ્યા છે. તેમાંથી 3 મસાલા પાપડ કોન સર્વ કર્યા છે.

  • 2 ફ્રેશ અડદના પાપડ (તમે બીજા લોટના પાપડ પણ લઈ શકો છો).
  • 3 ટેબલ સ્પુન બાફેલા સ્વીટ કોર્ન
  • 1 મોટું બટેટું બારીક સમારેલુ
  • 1 મોટું ટમેટું તેમાંથી રસ કાઢી બારીક સમારી લેવું
  • 1 મોટી ઓનિયન બારીક સમારેલી
  • સિઝનમાં સ્પ્રિંગ ઓનિયન પણ લઈ શકાય
  • 1 ફ્રેશ લીલું મરચું બારીક સમારેલું
  • 3 ટેબલ સ્પુન બારીક સમારેલું કેપ્સીકમ
  • 3 ટેબલ સ્પુન ગ્રેટેડ ગાજર
  • 10 -12 ફુદીનાના પાન બારીક સમારેલા
  • ½ કપ બેસનની સેવ
  • ½ કપ ફરસાણનો ચેવડો
  • 2 ટેબલ સ્પુન બારીક સમારેલી કોથમરી
  • ½ ટી સ્પુન ચાટ મસાલો
  • ½ ટી સ્પુન સંચળ પાવડર
  • જરુર મુજબ સોલ્ટ
  • ¼ ટી સ્પુન લાલ મરચુ પાવડર (કોન ઉપર સ્પ્રિંકલ કરવા માટે)

સૌ પ્રથમ 3 ટેબલ સ્પુન સ્વીટ કોર્ન અને 1 મોટું બટેટું બારીક સમારેલુ લઈ તેને ઉકળતા પાણીમાં ઉમેરી બાફી લ્યો. ( કુકરમાં બાફવાથી વધારે પાણી ચડી જશે અને મસાલો સોગી થશે. અહીં કોરા જેવો મસાલો કરવાનો છે ).

સ્વીટ કોર્ન અને બારીક કાપેલા બટેટાના પીસ બરાબર કૂક થઈ જાય એટલે એક ચાળણીમાં નાખી નિતારી પાણી બિલકુલ નિતારી લ્યો. આ પ્રોસેસ પહેલા કરો.

પાપડ કોન બનાવવાની રીત :

2 ફ્રેશ અડદના પાપડ લઈને તેને કાતર વડે વચ્ચેથી હાફ કટ કરી લ્યો. (ફ્રેશ પાપડનો ઉપયોગ જ કરવો. સૂકા પાપડથી કોન બારાબર નહી બને, બનાવતી વખતે તૂટતા જશે).

હવે એક નોન સ્ટીક તવીને ગરમ મૂકો. મિડિયમ ગરમ થાય એટલે તેના પર હાફ કરેલો પાપડ મૂકો.

કપડું કે તવેથા વડે પ્રેસ કરતા જઈ પાપડ લાઈટ પિંક ડ્રાય રોસ્ટ કરી લેવો.

હવે ફ્લીપ કરી બીજી બાજુ પણ એ રીતે લાઈટ પિંક રોસ્ટ કરી લ્યો.

બહુ વધારે શેકી ને કડક થવા દેવો નહી. તેમ કરવાથી બેન્ડ કરતી વખતે કોન ટૂટી જશે.

ત્યારબાદ પાપડ ગરમ હોવાથી હાથમાં પેપર નેપકીન લઈ તેમાં રોસ્ટ કરેલો ગરમ પાપડ મૂકી કોન છેડેથી બેંડ કરી કોન બનાવી લ્યો.

જોઇંટ પર થોડીવાર આંગળીઓથી પકડીને પ્રેસ કરી રાખો. જેથી કોન ખૂલે નહી અને સરસ કોનનો શેઈપ આવી જાય. આ પ્રમાણે બધા કોન બનાવી લ્યો. તો હવે મસાલો ભરવા માટે કોન રેડી છે.

મસાલો બનાવવાની રીત :

મસાલો કોનમાં ભરવા ટાઇમે જ બનાવવો, એટલે સોગી ના થઈ જાય.

સોલ્ટ અને સંચળ પાવડર પણ સર્વ કરવા ટાઇમે અથવા છેલ્લે મસાલામાં ઉમેરવા.

એક મિક્ષિંગ બાઉલમાં 3 ટેબલ સ્પુન બાફીને પાણી નિતારેલા સ્વીટ કોર્ન, 1 મોટું બાફેલુ બટેટું બારીક સમારેલુ –પાણી નિતારેલું, 1 મોટું ટમેટું તેમાંથી રસ કાઢી બારીક સમારેલું, 1 મોટી ઓનિયન બારીક સમારેલી, 1 ફ્રેશ લીલું મરચું બારીક સમારેલું, 3 ટેબલ સ્પુન બારીક સમારેલું કેપ્સીકમ, 3 ટેબલ સ્પુન ગ્રેટેડ ગાજર, 10 -12 ફુદીનાના પાન બારીક સમારેલા અને 2 ટેબલ સ્પુન બારીક સમારેલી કોથમરી ઉમેરી મિક્ષ કરી લ્યો.

છેલ્લે તેમાં ½ ટી સ્પુન ચાટ મસાલો, ½ ટી સ્પુન સંચળ પાવડર અને જરુર મુજબ સોલ્ટ ઉમેરી મિક્ષ કરી લ્યો.

હવે તેમાં 2 મોટા ચમચા જેટલું ફરસાણ(ચેવડો) ઉમેરી હલકા હાથે ચમચો ફેરવી મિક્ષ કરી લ્યો.

હવે આ મસાલા મિશ્રણ કોનમાં ભરવા માટે રેડી છે.

એક કોન હાથમાં લઈ તેમાં ઉપર સુધી સમાય તેટલો આ મસાલો ભરી લ્યો.

હવે તેના પર ઓનિયનની પાતળી સ્લાઇઝ, લીલા મરચાની રીંગ, ટમેટાના પીસ, તળેલા શિંગદાણા, કોથમરી અને થોડું ફરસણ અને બેસનની સેવ મૂકો. તેના પર લાલ મરચુ પાવડર સ્પ્રિંકલ કરો.

તો હવે રેડી છે આ મસાલા પાપડ કોન સર્વ કરવા માટે…..

તો હવે ખૂબજ ચટપટા તેમજ ટેસ્ટી અને હેલ્ધી એવા આ મસાલા પાપડ કોન નાસ્તામાં નાના મોટા બધાને નાના ગ્લાસ કે કપમાં મૂકી સર્વ કરો. બધાને ખૂબજ ભાવશે.

તમે પણ ચોક્કસથી બાળકો તેમજ ઘરના બધા લોકો માટે ચોક્કસથી બનાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.