નીરવ શાંતિ અને સન્નાટા માંથી માર્ગ કાઢતા બે શરીરો એકબીજાનો સાથ આપતા ટોળામાંથી બહાર નીકળી આવ્યા .

હમદર્દ

ના , પોતે કોઈ અધર્મ આચર્યું ન હતું. મનને એની પુરી ખાતરી અપાઈ રહી હતી. લાંબા સમયથી મનમાં ચાલી રહેલું શીતયુદ્ધ આજે આખરે સમાપ્ત થયું હતું. પોતે આખરે માટીનું એક શરીરજ તો છે અને આ શરીરને એની પોતાની માનવસહજ જરૂરિયાતો અને ઈચ્છાઓ ખરી . એ ઈચ્છાઓ અને જરૂરિયાતો સાવ પ્રાકૃતિક હોય , એની સામે નાનમ કેવી ? કોઈ શરમ કેવી ? અપરાધભાવ કેવો ? શરીર જયારે પ્યાસુ થાય ત્યારે પાણી માંગે , ભૂખ્યું થાય ત્યારે ખોરાક માંગે , માંદગીમાં મુકાય ત્યારે ઔષધિ ઈચ્છે એજ રીતે જયારે ….

શર્મિષ્ઠાના મૃત્યુ પછી એનું સ્થાન જીવનમાં કોઈને ના આપી શકાય . ફક્ત શારીરિક જરૂરિયાત સંતોષવા કોઈને જીવનસાથી કઈ રીતે બનાવી લેવાય ? એતો ધોખો કહેવાય ,દગાબાજી કહેવાય ,અન્યાય કહેવાય. કોઈની લાગણીઓ જોડે રમત કરવી એનાથી મોટું પાપ કયું ? કોઈના માંગમાં સિંદૂર ભરી , ગળામાં મઁગળસૂત્ર બાંધી મારા ઘરમાં કઈ રીતે લઇ આવ ? જેની દરેક દીવાલ , દરેક ખૂણા અને દરેક વસ્તુઓમાં ફક્ત અને ફક્ત શર્મિષ્ઠાનો વાસ છે . અરે ઘરમાંજ શું , મારી આત્માના રજે રજમાં ફક્ત શર્મિષ્ઠાજ તો વહે છે અને અંતિમ શ્વાસ સુધી વહેતી રહેશે . એનું સ્થાન મારા ઘરમાં , મારા જીવનમાં , મારી અંતરાત્મામાં કોઈ અન્ય લઇ શકે એ આ ભવમાં તો શક્યજ નથી . શર્મિષ્ઠા આ દુનિયા છોડી જઈ શકે પણ મારા હૃદયના ઊંડાણોમાં સ્થાપિત એનો વાસ આમજ અકબંધ અને અતૂટ રહેશે . હવે આ તન અને મન બીજા લગ્નતો નજ કરશે . લોકો માટે સહેલું છે સલાહ આપી દેવું . આમ લાબું આયખું એકલું ન કપાય . શર્મિષ્ઠા પછી હવે બીજા લગ્ન કરીજ લેવા જોઈએ . શા માટે ? શર્મિષ્ઠા પ્રત્યેનો પ્રેમ એના શરીરની ગેરહાજરી વિના અદ્રશ્ય થોડી થઇ શકે ? એ અહીંજ છે મારી અંદર અને ત્યાંથી એને કોઈ ઝુંટવી શકતું નથી .

શરીરની ઈચ્છાઓ જયારે નિયઁત્રણ બહાર પહોંચે ત્યારે એને સંતોષવામાં પાપ કેવો ? મારા શરીરને સંતોષવા અન્ય કોઈ માનવીને મેં છેતર્યો નથી . કોઈની સાથે અપકૃત્ય આચર્યું નથી . કોઈના શરીર જોડે બળજબરી તો કરી નથી . કિંમત આપી છે . સહમતી અને મંજૂરી જોડે બધું પાર પડ્યું છે .

અંધકારથી ભરેલી સંગીતમય ગલીઓમાંથી ધર્મ અને અધર્મની આંટીઘૂંટીઓ ઉકેલતા ડગલાંઓ આખરે પોતાના રહેવાસ સ્થળ તરફ આવી પહોંચ્યા. નવા વર્ષને આવકારવા પ્રકાશથી ઝગમગી રહેલો મહોલ્લો ક્રોધાગ્નિમાં બળી રહ્યો હતો . ફટાકડાઓ શાંત હતા અને મહોલ્લાનો દરેક માનવી અગનજ્વાળા સમો સળગી રહ્યો હતો . ક્રોધની જ્યોત સામે દીપાવલીની દરેક જ્યોત ડરીને ધ્રુજી રહી હતી . લોકોના ટોળા વચ્ચે અપરાધી ઘેરાય વળી હતી . અપશબ્દોની વરસા થઇ રહી હતી . આબરૂ, લાજ , શરમના વક્તવ્યો અપાઈ રહ્યા હતા . સમાજ પોતાની વિદ્રાનતા અને નૈતિકતાના પાઠનું પુનરાવર્તન કરાવી રહ્યો હતો . ભરી અદાલત વચ્ચે આરોપીની સજા નક્કી થઇ ચુકી હતી .

  • ” આ શરીફ લોકોનો મહોલ્લો છે . “
  • ” અહીં આદરપાત્ર કુટુંબ -પરિવાર વસે છે . “
  • ” આ આબરૂદાર , પવિત્ર અને ઇજ્જતવાળા લોકોની વસ્તી છે .”
  • ” નીકળી જા અહીંથી બહાર .”
  • ” કાઢો એને અહીંથી ….”

ટોળા વચ્ચે ઘેરાયેલી અપરાધીનો અપરાધ જાણવા ડગલાં આગળ વધ્યાજ કે પાછળથી હથેળી કોઈએ થામી લીધી.

” માસ્ટર સાહેબ આપ રહેવા દો . આપ જેવા આબરૂદાર માનવી આ ગંદકીથી દુરજ ભલા .”

” પણ શું થયું ? કોણ છે ?” ” સાહેબ કાવેરી છે . હજી બિચારા કાનજીને સ્મશાન ભેગા થવાને વરસ પણ થયું ન હશે અને …..”

” અને શું ? ” ” કોઈની જોડે રંગે હાથ પકડાઈ છે …..”

“તો ….?” માસ્તરસાહેબનાં મોઢે નીકળેલું કડક ‘ તો? ‘ જરાયે અપેક્ષિત ન હતું. આશ્ચર્યજનક જ નહીં
સંપૂર્ણ આઘાતજનક હતું. એ ‘ તો ? ‘ સાંભળનારી આંખો પહોળી હતી અને મન તદ્દન વિસ્મિત !

પોતાનો હાથ એ પ્રશ્નચિહ્ન જેવા હાવભાવો ધરાવતા માનવીના હાથમાંથી છોડાવી , ટોળાને ચીરતાં પગલાંઓ ટોળાની તદ્દન મધ્યમાં આવી થોભ્યા .

પોતાની ભૂલની માફી માંગતું માનવજીવન બે હાથ જોડી આજીજી કરી કરગરી રહ્યું હતું . સમાજમાં રહી શકવાની ભીખ માંગી રહ્યું હતું . પોતાના શરીરની ઈચ્છાઓ અને જરૂરિયાતોને

હાથે વિવશ થઇ આચરેલા પાપની ક્ષમા- યાચના માંગી રહ્યું હતું. રડીને ઊંડે ઉતરેલી આંખોનું ભેજ પોતાની આંખને સ્પર્શ્યું કે નજર ધ્રુજી ઉઠી . એ આંખોમાં ઉભરાઈ રહેલા પ્રશ્નો શબ્દેશબ્દ પોતાના હય્યામાં વલોવાઈ ચૂકેલા પ્રશ્નો જોડે આબેહૂબ મેળ ખાતા હતા , જેના ઉત્તર થોડી ક્ષણો પહેલાજ તો હાથ લાગ્યા હતા .

સહજ પણે પોતાનો હાથ આગળ લંબાયો . ટોળું મૌન બની નિ:શબ્દ થયું. આઘાત અને પ્રત્યાઘાતો વચ્ચેથી રસ્તો કરતો બીજો હાથ એ હાથમાં થમાયો . નીરવ શાંતિ અને સન્નાટા માંથી માર્ગ કાઢતા બે શરીરો એકબીજાનો સાથ આપતા ટોળામાંથી બહાર નીકળી આવ્યા .

નવા વર્ષની એ રાત્રી એ કંઈક એવું બન્યું જે મહોલ્લામાં વસનાર દરેક મનને હચમચાવી ગયું.

આજ સુધી દરેક જીભ ઉપર એકજ પ્રશ્ન છે , ” આખરે માસ્ટર સાહેબ જેવા રુઆબદાર અને આબરૂદારી વ્યક્તિએ કાવેરી જેવી ચરિત્રવિહીન સ્ત્રી જોડે લગ્ન શા માટે કર્યા ?”

લેખિકા : મરિયમ ધૂપલી