રીચ ડેઝર્ટ – મેંગો ખીર – હવે સાદી ખીર નહિ પણ આ રીચ મેંગો ખીર બનાવો અને આનંદ માણો પરિવાર સાથે…

રીચ ડેઝર્ટ – મેંગો ખીર:

ખીર એ ખૂબજ પ્રખ્યાત તેમજ દરેક ઘરમાં અવાર નવાર બનતી જાણીતી સ્વીટ વાનગી છે. ધાર્મીક પ્રસંગોએ પણ દેવી દેવતાઓને સાદી ચોખા અને દૂધના મિશ્રણમાંથી બનાવાતી ખીર પ્રસાદ તરીકે ધરાવવામાં આવતી હોય છે. સાવ નાના બાળકો અને વધારે મોટી ઉંમરના લોકો માટે ખીર એ એક આદર્શ પૌષ્ટિક સ્વીટ વાનગી છે, જે ખૂબજ સરળતાથી ખાઇ શકે છે. ખીરમાં અનેક જુદીજુદી ફ્લેવર્સ ઉમેરીને અલગ અલગ ટેસ્ટની બનાવવામાં આવે છે. જેમકે એલચી, કેશર, જાયફળ કે પછી માવા કે ફ્રુટ્સની ફ્લેવર્સ આપીને બનાવવામાં આવે છે.

મેંગો ખીર એ એક ઇંડિયન રીચ ડેઝર્ટ છે. મેંગોની ફ્લેવર બધાને ખૂબજ પસંદ હોય છે, સાથે અત્યારે કેરીની સિઝન પણ ચાલી રહી છે, તેથી આજે હું અહીં બધાને ભાવે એવી ખૂબજ સ્વાદિષ્ટ એવી મેંગો ખીરની રેસિપિ આપી રહી છું. ખૂબજ ઓછી અને ઘરમાંથી જ મળી જતી સામગ્રીનો ઉપયોગ કરીને ખૂબજ સરળતાથી બનાવી શકાય છે. અહીં મેં હાફુસ કેરીનો ઉપયોગ કર્યો. છે કેમેકે તેમાંથી પલ્પ વધારે મળી શકે છે. મેંગો ખીરને વધારે રીચ બનાવવા માટે મિલ્ક સાથે બાસમતી ચોખાનો ઉપયોગ કર્યો છે. કેમકે તેની અરોમા ખૂબજ સરસ હોય છે. સોના મસૂરી રાઇસ પણ વાપરી શકો છો. મેંગો ખીરમાં ઉમેરેલા કેશર અને એલચી સાથે ઘીમાં રોસ્ટ કરેલા ડ્રાય ફ્રુટ્સ ખીરને લાજવાબ ટેસ્ટ આપે છે. કેશર કેરીમાંથી પણ આ પ્રકારની ખીર બનાવી શકાય છે.

તો તમે પણ ખૂશ્બુદાર અને સ્વાદમાં શ્રેષ્ઠ એવી આ રીચ ડેઝર્ટ – મેંગો ખીર મારી આ રેસિપિને ફોલો કરીને એક વાર ચોક્કસથી બનાવજો. ત્યારબાદ કેરીની સિઝન ચાલે ત્યાંસુધી તમારા રસોડે વારંવાર બનશે.

રીચ ડેઝર્ટ – મેંગો ખીર બનાવવા માટેની સામગ્રી :

 • 1 હાફુસ કેરીનો પલ્પ
 • ½ કપ બાસમતી ચોખા
 • 2 કપ મિલ્ક
 • 5 ટેબલ સ્પુન સુગર
 • ½ કપ મિલ્ક પાવડર + 1 કપ પાણી
 • ½ ટી સ્પુન એલચી પાવડર
 • 8-10 કેશરના તાંતણા
 • 8-10 કાજુના ફાડા કરી લેવા
 • 10-12 કીશમીશ
 • 1 ટેબલ સ્પુન ઘી
 • 1 ટેબલ સ્પુન અધકચરા ખાંડેલા કાજુ, બદામ, પિસ્તા

રીચ ડેઝર્ટ – મેંગો ખીર બનાવવાની રીત :

સૌ પ્રથમ ½ કપ બાસમતી ચોખાને ધોઇને તેમાં પાણી ઉમેરીને 1 કલાક સુધી પલાળી રાખો.

એક કલાક બાદ પાણીમાં પલાળેલા ચોખાને નિતારીને અધકચરા ખાંડી લ્યો. ગ્રાઇંડ કરવાથી તેમાં પાવડર થશે, તેથી ખાંડણીમાં જ હલકા હાથે દસ્તા વડે ચોખાના બે કટકા થાય એટલાજ ખાંડો.

હવે 2 કપ મિલ્ક ગરમ થવા મૂકો.

ત્યારબાદ ½ કપ મિલ્ક પાવડરમાં 1 કપ પાણી ઉમેરીને મિલ્ક પાવડર મિક્ષ કરી લ્યો.

હવે મિલ્ક પાવડર અને પાણીના મિશ્રણને ગરમ થઈ રહેલા મિલ્કમાં ઉમેરી મિક્ષ કરો.

તેને મિડિયમ ફ્લૈમ પર સતત હલાવતા રહીને ઉકાળો. થોડું જ ઘટ્ટ થાય ત્યાંસુધી ઉકાળો. ત્યારબાદ ફ્લૈમ બંધ કરી દ્યો.

એક પેનમાં ઘી ગરમ કરીને તેમાં કાજુ રોસ્ટ કરો કાજુ જરા રોસ્ટ થાય એટલે તેમાં કીશમીશ પણ ઉમેરી દ્યો. કીશમીશ ફુલી જાય એટલે બન્નેને એક નાની પ્લેટમાં કાઢી લ્યો.

1 ટેબલ સ્પુનમાં કેશરના તાંતણાને પલાળી લ્યો.

હવે એ જ પેનમાં અધકચરા કરેલા ચોખાને કલર ચેંજ ના થાય એ રીતે સ્લો ફ્લૈમ પર સતત હલાવતા રહી ને 1 મિનિટ શેકી લ્યો. વધારે શેકવાના નથી.

હવે ગરમ મિલ્કને એક મોટા નોન સ્ટીક પેનમાં ઉમેરી દ્યો.અને મિડિયમ સ્લો ફ્લૈમ પર રાખો. હવે તેમાં શેકેલા ચોખાને ઉમેરી દ્યો.

થોડીથોડી વારે હલાવતા રહીને ચોખાને કૂક કરો. ત્યારબાદ તેમાં 5 ટેબલ સ્પુન સુગર ઉમેરી મિક્ષ કરી લ્યો.

થોડીવાર ઢાંકીને ખીર કૂક કરો. વચ્ચે વચ્ચે હલાવતા રહો જેથી બોટમ પર બેસી ના જાય.

ખીર કૂક થાય એ દરમ્યાનમાં એક હાફુસ કેરીની છાલ કાઢીને તેના પીસ કરી લ્યો. ગ્રાઇન્ડર જારમાં ભરીને તેનો પલ્પ બનાવી લ્યો.

ચોખા બરાબર કૂક થઈ જાય અને મિલ્ક એકદમ ઘટ્ટ થઈ જાય એટલે તેમાં રોસ્ટ કરેલા કાજુ અને કીશમીશ ઉમેરો.

હવે તેમાં ½ ટી સ્પુન એલચી ઉમેરો. સાથે મિલ્કમાં પીગળેલું કેશર ઉમેરો.

બધું સરસથી મિક્ષ કરી એકરસ કરી લ્યો. 1 મિનિટ ઢાંકીને કુક કરો જેથી એલચી અને કેશરની અરોમા ખીરમાં બેસી જાય. હવે વધારે કૂક કરવાનું નથી. ખીર ઠરશે એટલે વધારે ઘટ્ટ થશે.

હવે ફ્લૈમ ઓફ કરીને ખીરને એકદમ ઠરવા દ્યો.

ઠરે પછી જ ખીરમાં મેંગોનો પલ્પ ઉમેરીને બરાબર મિક્ષ કરી લ્યો.

તો હવે ખૂબજ સરસ લસ્ટર કેંસિસટંસી વાળી ખીર બનીને તૈયાર થઈ ગઈ છે.

તેને એક મોટા સર્વીંગ બાઉલમાં ઉમેરી અધકચરા કરેલા કાજુ, બદામ, પીસ્તાથી ગાર્નીશ કરો.

ઉપરથી રોસ્ટ કરેલા કાજુ અને કીશમીશ મૂકી સર્વ કરો.

રીચ ડેઝર્ટ – મેંગો ખીરને રેફ્રીઝરેટરમાં ઠંડી કર્યા બાદ સર્વ કરવાથી ખૂબજ ટેસ્ટી લાગશે.

અને બધાને ખૂબજ સ્વાદીષ્ટ લાગશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.