લાગણીઓ નો ખાલીપો – એ ડોક્ટર વિચારી રહ્યો કેમ આજે એ દાદા આવ્યા નહિ? લાગણીસભર વાર્તા…

“હું અંદર આવું સાહેબ?” ડૉ. નિશીથ એ બારણાં તરફ જોયું તો કરચલીઓ થી છવાયેલી અને જીવન સંધ્યા ના આરે આવીને ઊભેલી એક કૃશકાય કાયા બારણે આવી ને ઊભી હતી. “હા, હા, કેમ નહીં? જરૂર થી આવો દાદા.” નિસિથ એ પણ આવકાર આપી દાદા ને બેસાડયાં. દાદા ની તપાસ કરી કેસ પેપર પર દવા લખી આપી અને બહાર થી દવા લઈ લેવાનું કહ્યું.


“હવે દાદા આવતા અઠવાડિયે ફરીથી બતાવવા આવજો.” હસતાં મોં એ દાદા એ પણ આભાર માન્યો અને ઊભા થઈ બારણાં તરફ ધીમે ધીમે પ્રયાણ કરવા લાગ્યા. દાદાની નજરો માં વ્યક્ત થતી ખુશી અને આભાર ની લાગણીના લીધે નિસિથ ના મન માં પણ ખુશી ની એક લહેરખી ફરી વળી. છેલ્લા એક વર્ષ થી મૃતપ્રાય અવસ્થા માં પડેલું પાટણ જિલ્લા ના કુણઘેર ગામ નું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હમણાં જ એમબીબીએસ નો અભ્યાસક્રમ પૂર્ણ કરી નિમણૂંક પામેલા ડૉ. નિસિથ ના આગમન થી જાણે જીવંત બની ઉઠ્યું. જેમ જેમ ગામ માં ખબર પડતી ગઈ એમ એમ ક્રમિક સારવાર માટે આવતા દર્દી ઓ ની સંખ્યા પણ વધતી ગઈ.


સરળ, મૃદુ અને હસમુખા સ્વભાવે ડૉ. નિસિથ ને ગામ માં ત્વરિત લોકચાહના અપાવી દીધી. ડૉ. નિસિથે પણ મન લગાવી પૂરી ધગશ અને ખંત થી દર્દીઓ ની સેવા કરવાનું શરૂ કરી દીધું. પોતાની આ પ્રથમ નિમણૂંક ને લઈ ને ડૉ. નિસિથ ના મનમાં ઉત્સાહ, ઉમંગ અને તરવરાટ સમાતો નહોતો. નિસિથ ખૂબ જ ખુશ હતો અને વળી ખુશ કેમ ના હોય ? દર્દી ઓ ની સેવા કરવાની સાથે મોભાદાર પગાર, પોતાની નીચે તાલીમ અને કૌશલ્ય પામેલા સ્ટાફ નું પોતાના માટેનું “સાહેબ” નું સંબોધન નિસિથ ના મન માં એક અજબ ખુશી ની લાગણી જન્મવાતું હતું. અને વળી સમગ્ર સ્ટાફ ને પણ એક આદર્શ સૂત્રધાર મળ્યો હોય એમ સમગ્ર સ્ટાફ ડૉ. નિસિથ ના વ્યવહાર થી ખુશ હતો અને નિસિથ ના સમગ્ર કામ માં સહકાર આપતો.


“હું અંદર આવું સાહેબ ?” ડૉ. નિશીથ એ બારણાં તરફ જોયું તો એ જ કરચલીઓ થી છવાયેલી કૃશકાય કાયા બે જ દિવસ ના અંતરાલ પછી બારણે આવી ને ઊભી હતી. “હા, હા, કેમ નહીં ? જરૂર થી આવો દાદા, પણ મેં જે તમને દવા લખી આપી હતી એ એક અઠવાડીયા સુધી લેવાની હતી.”
“હા બેટા, પણ હું દવા લેવા નહીં ? તને જોવા આવ્યો હતો.” દાદા એ દર્દ ભરેલા સ્વર થી ખરડાયેલા અવાજ સાથે નિસિથ ને કહ્યું.

“મને ?” નિસિથ ના મન માં કુતૂહલ અને જિજ્ઞાસા એ ખેલ રમવાનું શરૂ કર્યું. “બેટા તું મારા દીકરા વિનય જેવો જ દેખાય છે, વિનય ની આજે સવારથી વધારે યાદ આવી ગઈ તો તને જોવા આવી ગયો. તારી તબિયત તો સારી છે ને બેટા ?” “હા દાદા હું એકદમ સાજો નરવો છું. પણ શું થયું છે તમારા દીકરા વિનય ને ? એ ક્યાં છે ?”


“ બેટા એને કાંઈ નથી થયું. એ અમદાવાદ માં એક પ્રતિષ્ઠિત કંપની માં નોકરી કરે છે અને વાડજ માં એની વહુ અને મારા પૌત્ર હર્ષ સાથે સુખે થી રહે છે. વિનય ની માં મંજુલા જીવતી હતી ત્યાં સુધી એ વર્ષ માં ચાર પાંચ વાર તો અહી ઘરે આવતો પણ મંજુલા ના મૃત્યુ પછી હવે વર્ષ માં એકાદ વાર આવે છે. નિયમિત રીતે એનો મની ઓર્ડર આવી જાય છે પરંતુ આ આંખો અને હૈયું એને ઝંખે છે.” “ તો પછી દાદા તમે એકલા જ રહો છો ? તમારું જમવાનું ?” નિસિથ માં મન માં દાદા વિષે જાણવાની ઉત્સુકતા વધી ગઈ.

“ બેટા, મંજુલા જીવતી હતી ત્યારે બપોરે અને સાંજે એ રોટલા ટીપી નાખતી હતી, પણ એના મૃત્યુ પછી જાણે ઘર નો ચૂલો પણ એકલો પડી ગયો. હું બપોરે અહીં મંદિર માં જમી લઉં છું અને રોજ સાંજે અહીં બસ સ્ટેન્ડ માં બેસી વિનય ની આવવાની રાહ જાઉં છું, સાંજ ની 8 વાગ્યા ની અમદાવાદ થી આવતી બસમાંથી ઉતરતા ઉતારૂઓ માં વિનય ને શોધું છું, છેલ્લો ઉતારૂ બસમાંથી ઉતરે ત્યાં સુધી બસ ની નિકટ ઊભો રહું છું અને જ્યારે ખબર પડે કે વિનય નથી આવ્યો ત્યારે એક ઊંડો નિસાસો નાખી દૂધની ડેરી એ જાઉં છું.


સાંજે તો બેટા દૂધ લાવી પાડોશી એ આપેલો સૂકો રોટલો ખાઈ લઉં છું. બેટા, આ મારો રોંજિંદો ક્રમ છે, જાણું છું મને બીપી અને ડાયાબિટીસ બંને ની બીમારી છે પણ મંજુલા ના ગયા પછી દવાઓ લેવાનું બંધ કર્યું હતું, અચાનક એક દિવસ તને ગામ માં આવતાં જોયો, બેટા તું વિનય જેવો લાગ્યો. હૈયાને ટાઢક વળી અને સારવાર ના બહાને તને મળવા આવી ગયો. આજે રહેવાયું નહીં એટલે ફરીથી આવી ગયો. બેટા હવે તને મળી લીધું હું જાઉં છું, તારી તબિયત સાચવજે.” લાકડી ના ટેકે દાદા એ ઊભા થઈ બારણાં તરફ ધીમે ધીમે ચાલવા લાગ્યું.

“ હા દાદા હું મારી તબિયત તો સાચવીશ પણ તમે તમારી તબીયત નું ખાસ ધ્યાન રાખજો. અને હા દાદા હવે અઠવાડિયામાં બે વાર મંગળ ને શુક્ર વારે બતાવવા આવજો.” બારણાં તરફ જતાં દાદા ને ઉદ્દેશી ને નિસિથે ચિંતા ભર્યા સ્વરે કહ્યું.

દાદા ના ગયા પછી નિસિથ ની આંખો બારણાં તરફ જ સ્થિર થઈ ગઈ. દાદા ના જીવન માં સ્પષ્ટ લાગણી અને હુંફ નો ખાલીપો વાર્તાતો હતો. દાદા એ જે આંગળીઓ વડે કોઈ ને ચાલતા શીખવાડયું એ જ આંગળીઓ ને આજે સહારા ની જરૂર હતી, જે એમની લાકડી સહારા ની ગરજ સારી રહી હતી. જીવન ના દરેક તબ્બકે અને ખાસ જીવન સંધ્યા ના આરે પ્રેમ, લાગણી અને હુંફ ની ઉણપ જીવન માં કેવો ખાલીપો રચે છે એની આજે નિસિથ ને જાણ થઈ. નિસિથે બીપી અને ડાયાબિટીસ ની દવા તો આપી દીધી પરંતુ લાગણી અને હુંફ ની કોઈ દવા ના આપી શક્યો જે એમના જીવનનો ખાલીપો પૂરી શકે.


આજે સવાર થી નિસિથ ની આંખો બધા દર્દી ઓ માં દાદા ને શોધી રહી હતી. આજે શુક્ર વાર હતો અને દાદા મંગળ વારે પણ આવ્યાં નહોતાં. ઓપીડી માં બધા જ દર્દી ઓ તપાસી લીધા પછી નિસિથ થી રહેવાયું નહીં અને એને પોતાના હેલ્થ વર્કર મેહુલભાઈ ને દાદા વિષે પૂછી લીધું. “ સાહેબ તમને ખબર નથી ? એમનું તો ગયા અઠવાડિયે જ મૃત્યુ થયું. તમે રજા ઉપર હતા. એ અહીં આવ્યાં હતા તમને મળવા. એમની તબિયત જરા વધુ કથળેલી જણાતી હતી. અમે કહ્યું કે સાહેબ આજે રજા પર છે. છતાય એમને મોડા સુધી તમારી રાહ જોઈ. કદાચ એમને એમના મૃત્યુ નો અણસાર આવી ગયો હશે. જતાં જતાં કહેતા હતા કે નિસિથ બેટા ને છેલ્લા આશીર્વાદ આપવા આવ્યો હતો.” મેહુલભાઈ એ ખેદ વ્યકત કરતાં કહ્યું.

દાદા ના મૃત્યુ ના સમાચાર સાંભળી નિસિથ નું મન વ્યગ્ર અને ઉદાસ થઈ ગયું. પોતાના આંખ ના ખૂણા માંથી એક આંસુ નું ટપકું જ્યારે પોતાના હાથ પર પડ્યું ત્યારે એને દાદા સાથે બંધાયેલી આત્મીયતા નો અહેસાસ થયો. નિસિથ એ હાથ વડે પોતાના અશ્રુ લૂંછયા એટલા માં તો બારણે એ જ જીવન સંધ્યા ના આરે અને લાકડી ના ટેકે ઉભેલા એક બા આવ્યાં હતા. નિસિથ એ બા ને આવકાર આપી બેસાડયાં અને તબિયત વિષે પૂછ પરછ કરી. “બેટા તબિયત નું તો ઠીક પરંતુ તને મળવા આવી હતી, તને જોઈ જીવ ઠરે છે અને હૈયા ને ટાઢક વળે છે. ગામ માં તારા આગમન થી મારી એકલી અટૂલી જિંદગી માં જાણે જીવ આવ્યો.” બા એ લાગણી સભર સ્વરે નિસિથ ને કહ્યું.


“ બા, આ દવા લઈ લો અને હવેથી રોજ આવજો, અને હું જો રજા પર હોંઉ અને તબિયત વધારે બગડે તો લો આ મારો ફોન નંબર. અહી દવાખાને આવી કોઈ ને પણ કહે જો મને ફોન કરે॰ હું તુરંત જ આવી જઈશ.” નિસિથ માં મન માં ભારોભાર દાદા ને બચાવી ના શક્યો એનો અફસોસ વાર્તાતો હતો જેનું હવે એ પુનરાવર્તન નહોતો ઈચ્છતો.

લેખક : ડૉ. નિલેષ ઠાકોર “નીલ”

વાર્તા વિષે આપના અભિપ્રાય કોમેન્ટમાં જણાવજો.