હાર્ટબીટ – પોતાના પ્રેમની રાહ એ આજે પણ જોઈ રહ્યો હતો, માતા પિતાના આગ્રહથી ગયો છોકરી જોવા…

હાર્ટબીટ

મેડિકલ કોલેજ ની કેન્ટીન એટલે એક એવું સ્થળ કે જે સંબંધો ના ગૂંથાતાં તાણાંવાણાં અને એ તાણાંવાણાંમાંથી રચાતી સ્નહગાંઠ અને અંતે એમાંથી પરિણમતા અતૂટ સ્નેહ બંધન નું સાક્ષી હતું. આ કેન્ટીન માં છેલ્લે ધીમે ધીમે ચ્હાની ચૂસકીઓ લઈ રહેલા સ્નેહ ની નજર વારે વારે મોબાઇલ ફોન ની સ્ક્રીન પર જતી હતી, બહુ આતુરતા પૂર્વક કોઈના મેસેજ ની એ રાહ જોઈ રહ્યો હતો. આજે પણ સ્ક્રીન પર ‘હાર્ટબીટ’ નો મેસેજ ના આવ્યો. નિરાશાભરી નજર ને મોબાઇલ ફોન ની સ્ક્રીન પર ઠેરવી એ ભૂતકાળ ની ગર્તા માં ધકેલાઇ રહ્યો હતો.

મેડિકલ સ્ટુડન્ટ માટે ઈન્ટર્નશીપ એટલે એમબીબીએસ ના અભ્યાસક્રમ ની જંગ જીત્યા બાદ નો જીત ની ખુશી નો અહેસાસ કરાવતો સમયગાળો. ઈન્ટર્નશીપ માં પ્રવેશેલા સહુ કોઈ ના મન માં આનંદ અને ખુશી ની લાગણીઓ ની લહેરો ઉછાળા મારતી હતી. સ્નેહ તો પોતાની મનગમતી શાખા મેડિસિન માં પ્રથમ જ પોસ્ટિંગ હોવાથી હોંશેહોંશે મેડિસિનના વૉર્ડ માં પોતાની જાત ને એકરૂપ કરીને દર્દીઓ ની સેવા માં લાગી ગયો. મન લગાવી ને કામ કરતા સ્નેહ ની નજર આજે વારે વારે કોઈના મઘમઘતા રૂપ ને નિરખવા પ્રયાસ કરી રહી હતી.

આજે સવારે જ એક છોકરી અન્ય મેડિકલ કોલેજમાંથી ઈન્ટર્નશીપ કરવા આવી હતી. જેનું ખીલેલા તાજા પુષ્પ જેવુ સૌંદર્ય સ્નેહ ની નજર અને હ્રદય માં સ્થાન જમાવી ચૂક્યું હતું. સ્નેહ આવતાં જતાં એને જોતો એ છોકરી પણ સ્નેહ સાથે નજર મિલાવતી અને સ્નેહ ની નજર ઝૂકી જતી. પોતાની શરમાળ પ્રકૃતિ ના લીધે સ્નેહ એ છોકરી જોડે વાત કરવાની પણ હિમ્મત એકઠી નહોતો કરી શકતો.

એક દિવસ વૉર્ડ કામ પત્યા પછી માં નવરાશ ની પળો માં ‘સફારી’ નામ નું સાયન્સ મેગેઝિન વાંચી રહેલા સ્નેહ ની નજીક એ છોકરી આવી અને ઉત્સુકતા પૂછ્યું “તમને પણ સફારી વાંચવાનો શોખ છે?”

“ હા, નાનપણ થી વાંચું છું, તમે પણ વાંચો છો? અરે તમારું નામ? તમે આ મેડિકલ કોલેજ ના તો નથી ખરું ને ?” સ્નેહ ના શબ્દોમાં વાતચીત થયાનો હર્ષ છલકાતો હતો. “ મારૂ નામ સૌમ્યા, અને હું પણ સફારી ના દરેક અંક રસપૂર્વક વાંચું છું. અમદાવાદમાં મારૂ ઘર હોવાથી સુરત સ્મીમેર મેડિકલ કોલેજ માં એમબીબીએસ પુર્ણ કર્યા બાદ અહીં ઈન્ટર્નશીપ કરવા આવી ગઈ.” સૌમ્યા એ પણ સહજ ભાવે પ્રત્યુત્તર આપ્યો.

આ નાનકડા સંવાદ સાથે શરૂ થયેલી વાતચીતની શ્રેણી અંતે ગાઢ મિત્રતા માં પરિણમી. સંવાદો હવે ‘તમને’ થી ‘તું’ પર આવી ગયા. બંને સાથે કામ કરવા લાગ્યા. સાથે કેન્ટીન માં જમવા લાગ્યા, ક્યારેક બંને એક ડિશ માં જમી લેતાં તો ક્યારેક સૌમ્યા ટિફિન લાવી સ્નેહ ને પોતાના હાથથી જમાડતી. મિત્રતા થી વધી ને બંને એક સ્નેહસેતુ નું નિર્માણ કરી રહ્યા હતા અને આ વાત બંને સારી રીતે જાણતા હતાં. પરંતુ બંને માંથી કોઈએ એકબીજા ને કહેવાની પહેલ નહોતી કરી.

વેલેન્ટાઇનનો દિવસ નજદીક હતો. સ્નેહે એ દિવસે સૌમ્યા આગળ પ્રેમ ના પ્રસ્તાવ ને પ્રસ્તુત કરવાની તૈયારીઓ આરંભી દીધી, સપ્તાહ અગાઉ થી સૌમ્યા માટે ગિફ્ટ અને કાર્ડ્સ ની ખરીદી માં મશગુલ થઈ ગયો. વેલેન્ટાઇન દિવસ ના આગલે દિવસે સ્નેહ ના મનમાં ઉત્સાહ સમાતો નહોતો. એક એક ગિફ્ટ પૅકિંગ અને કાર્ડ્સ પર પોતાના દિલ ની વાત ને કંડારી લીધી હતી, બસ હવે એ વેલેન્ટાઇન ના દિવસ નો સૂરજ ઉગવાની બહુ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યો હતો.

વેલેન્ટાઇન ના દિવસે વહેલી સવારમાં જ સ્નેહ ના હોસ્ટેલના રૂમ ના બારણે ટકોરા પડ્યા. સ્નેહે જિજ્ઞાસાપૂર્વક બારણું ખોલ્યું તો સામે સૌમ્યા રેડ રોઝ લઈ ને ઊભી હતી, રૂમ માં પ્રવેશતાં જ એ સ્નેહ ને ભેટી પડી અને રેડ રોઝ હાથમાં આપીને સ્નેહ ને “આઇ લવ યૂ” કહી દીધું. સ્નેહ તો અચરજ પૂર્વક સૌમ્યા ને જોતો જ રહી ગયો, શું કહેવું શું ના કહેવું એની કઈં જ સૂઝ ના પડી.

“ બસ હું તારા જોડે આ જ વાત કરવા આવાનો હતો, આઇ લવ યૂટૂ સૌમ્યા, તું મારૂ હ્રદય જ નહીં એ હ્રદય ને જીવંત રાખનારો નો ધબકારો છે, મારી હાર્ટબીટ” સ્નેહ એ પણ પોતાના કાર્ડ્સ અને ગિફ્ટ આપતાં કહ્યું. સ્નેહ ના મુખ પર સ્મિત અને આંખો માં ખુશી છલકાઈ રહી હતી. “ પણ હું જીતી ગઈ ને?” સૌમ્યા પણ એક એક કાર્ડ્સ ને ધ્યાન થી સ્નેહ નો હાથ હાથ માં લઈ ને વાંચી રહી હતી. સ્નેહે સૌમ્યા માટે સરસ મજાનો સફેદ પંજાબી ડ્રેસ અને એના પર બાંધણી નો દુપ્પટો લીધો હતો જેનું ગિફ્ટ પૅકિંગ ખોલતાં જ સૌમ્યા ખુશીથી ઉછળી પડી અને સ્નેહ ના ગાલ ને ચૂમી લેતાં ખુશીસભર સ્વર સાથે કહ્યું

“ અરે વાહ, ડ્રેસ બહુ જ સરસ છે, મને તારી આ બધી જ ગિફ્ટ ગમી અને આ ડ્રેસ તો મને બહુ જ ગમ્યો. જેની પસંદગી હું હોઉં, એની પસંદગી સારી જ હોય ને? હું એને કાલે જ પહેરીશ.” બીજા દિવસે સફેદ પંજાબી ડ્રેસ અને એના પર બાંધણી નો દુપ્પટો નાંખીને આવેલી સૌમ્યા જાજરમાન લાગતી હતી. એને દૂર થી જોતાં જ સ્નેહ ની આંખો સૌમ્યા પર ઠરી ગઈ. જેવી એ નજદીક આવી કે સ્નેહ થી ના રહેવાયું.

“ બહુ જ સુંદર લાગે છે, સૌમ્યા, આઇ લવ યૂ” આંખો ને ઢાળી ને જરા શરમાઇ ને એજ શબ્દો સૌમ્યા એ સ્નેહ ને પાછા આપ્યા. “ આજ સુધી અમદાવાદ જોયું હશે. પણ મારા જેટલું નહીં ! ચાલ સ્નેહ આજે તને મારી આંખો એ અમદાવાદ દેખાડું.” સૌમ્યા એ સ્નેહ નો હાથ પોતાના હાથ માં લેતાં કહ્યું.

સ્નેહ પણ વિચારતો હતો કે પોતે 5 વર્ષ થી અમદાવાદ માં છે પણ એમબીબીએસ ના અભ્યાસ માં ને અભ્યાસ માં હજુ પૂરું અમદાવાદ નહોતો ફરી શક્યો, જેવી સૌમ્યા આ વાત કહી કે તુરંત જ સૌમ્યા ને પોતાના બાઇક પાછળ બેસાડી કીક મારી મૂકી અને બાઇક હવા સાથે વાત કરતું કરતું થોડીવાર માં અદ્રશ્ય થઈ ગયું.

ક્યારેક બંને હઠીસિંહ ના દેરાં જોવા જતાં તો ક્યારેક સીદી સૈયદ ની જાળી. ક્યારેક માનવમંદિર માં દર્શન કરવા જતાં તો ક્યારેક ઇસ્કૉન મદિર. ક્યારેક લાલ દરવાજા ના સ્ટ્રીટ માર્કેટ માં ખરીદી કરતાં તો ક્યારેક હિમાલયા અને આલ્ફા વન મોલ માં લટાર મારવા જતાં. ક્યારેક વળી વાઇડ એંગલ માં મૂવી જોવા જતાં તો ક્યારેક સિટિગોલ્ડ માં. ક્યારેક સાંજ ના સમયે એસજી હાઇવે પર તો ક્યારેક એરપોર્ટ રોડ પર લોંગ ડ્રાઇવ કરવા નીકળી પડતાં.

ક્યારેક માણેક ચોક માં તો સીજી રોડ ના મ્યુનિસિપલ માર્કેટ માં નાસ્તા ની જયાફત ઉડાવતાં. સમી સાંજે કાંકરીયાતળાવ ની પાળ પર સૌમ્યા સ્નેહ ના સાનિધ્ય માં ખોવાઈ જતી તો ક્યારેક રિવરફ્રન્ટ પર સ્નેહ ના ખભા પર માથું ઢાળી ને કલાકો સુધી સ્નેહ નો હાથ પોતાના હાથ માં લઈ બેસી રહેતી. મોડી રાત્રે બંને લાઇબ્રેરિ માંથી વાંચતાં વાંચતાં મેક ડોનાલ્ડ માં બર્ગર ખાવા ઉપડી જતાં જ્યાં ટ્રાફિક ની નહિવત અવર જવર વાળા રોડ પર સ્નેહ સૌમ્યા ને બાઇક શીખવાડતો.

બંને ની કેમિસ્ટ્રિ એવી જામી હતી કે બંને કોલેજ ની ગરબા સ્પર્ધા ‘રમઝટ’ માં અવ્વલ આવ્યાં. સ્નેહ માટે તો દરેક રાત્રિ નવરાત્રિ હતી, કેમ કે સૌમ્યા જ્યારે પણ સાથે હોતી એનું મન અને હૈયું બંને હિલ્લોળે ચડતાં. સ્નેહ નું જીવન સૌમ્યા સાથે પૂર્ણ કળા એ ખીલ્યું હતું. સ્નેહ પોતાના જીવન માં સૌમ્યા દ્વારા થતી સ્નેહ વર્ષા માં ભીંજાઇ ને પ્રેમ નો લૂત્ફ ઉઠાવી રહ્યો હતો.

ઇન્ટર્નશીપ હવે પૂર્ણતા ના આરે હતી. સ્નેહ અને સૌમ્યા એ પોતાની વચ્ચે ની સ્નેહગાંઠ ને લગ્નગાંઠ માં પરિવર્તિત કરવાના પ્રયાસો શરૂ કરી દીધાં પણ સામાજીક સમાનતા ની વાતો કરતો એકવીસમી સદી નો સમાજ હજુય જ્ઞાતિવાદ ના કાદવ માં ખૂંપાયેલો હતો. પોતાની શાખ સાચવવા સૌમ્યા ના પિતા એ આ સંબંધ ને મંજૂરી ના આપી. સૌમ્યા સમાજ ના આ બંધન ને મુક્ત કરીને સ્નેહ જોડે આવી ના શકી.

સૌમ્યા એ છૂટા પડતી વખતે માંગેલા વચન મુજબ સ્નેહ સૌમ્યા ને કોલ કે મેસેજ ના કરતો પણ સૌમ્યા ના મેસેજ એટ્લે કે પોતાની હાર્ટબીટ ના મેસેજ નિયમિત સવારે આવતાં. સમય ની માળા માંથી એક પછી એક મણકા જેમ જેમ સરતા એમ એમ હાર્ટબીટ ના મેસેજની શૃંખલા પણ હવે તૂટતી હતી. આજે કેન્ટીન માં હાર્ટબીટ ના મેસેજની રાહ જોઈ રહેલા સ્નેહ ની આશા ઠગારી નીવડી અને એક ઊંડો નિસાસો નાખી ને એ કેન્ટીન ના પ્રવેશ દ્વાર તરફ જોવા લાગ્યો. ક્યાંક સફેદ પંજાબી ડ્રેસ અને એના પર બાંધણી નો દુપ્પટો નાંખીને આવેલી સૌમ્યા આવી જાય તો છેલ્લીવાર ભેટીને છેલ્લીવાર આઈ લવ યૂ કહેવાની ઈચ્છા સ્નેહ ની ભીની આંખો માં ભરાઈ આવતી.

સ્નેહ ની આંખો માં વાદળીઓ ઘેરાતી પણ વરસતી નહીં. સૌમ્યા વગર નું અમદાવાદ હવે સ્નેહ ને કોરી ખાતું. મન માં આત્મહત્યા ના વિચારો આવતાં પણ સ્નેહ વાસ્તવવાદી હતો એટલે ઇન્ટર્નશીપ પૂર્ણ થતાં જ અમદાવાદ ને છોડવાનો નિર્ણય લીધો. સુરત માં એક ટ્રસ્ટ ની હોસ્પિટલ માં સારી જોબ મળી ગઈ. આજે સ્નેહ અમદાવાદ છોડીને જઈ રહ્યો હતો, વરસાદ માઝા મૂકીને વર્ષી રહ્યો હતો અને સાથે સાથે સ્નેહ ની આંખો ની વાદળીઓ પણ…

સુરત માં આવીને સ્નેહ પોતાની સૌમ્યા વગરની નવી જીવન શૈલી સાથે અનુકૂલન સાધવાનો આભાસી પ્રયાસ કરી રહ્યો હતો, હકીકત તો એ હતી કે એને સૌમ્યાની હદ પારની યાદ સતાવતી. એની પાસે ખુશ થવા માટે એકમાત્ર સૌમ્યા સાથે વિતાવેલી સુંદર પળો ના ભાથા સિવાય કશું જ નહોતું. હજુ પણ હ્રદય ના એક ખૂણા માં સૌમ્યા એક દિવસ જરૂર પાછી આવશે એવો વિશ્વાસ જીવંત હતો અને હજુય એ મોબાઇલ ની સ્ક્રીન પર પોતાની ‘હાર્ટબીટ’ ના મેસેજ ની ચાતક નજરે રાહ જોતો. એક દિવસ સ્નેહ માં મોબાઇલ એની મમ્મી નો કોલ આવ્યો

“ બેટા! મજા માં ને ? બેટા મેં અને તારા પપ્પા એ તારા માટે ત્યાં સુરત માં એક સુંદર મજાની છોકરી જોઈ છે, તારા ફોઇ ના સગા માં થાય છે, તારા ફોઇ એ જ વાત કરી છે. હું અને તારા પપ્પા એવું ઇચ્છીએ છે કે તું એ છોકરીના ઘરે જઈ આવે.” સ્નેહ ની મમ્મી ના શબ્દો માં ભારોભાર ઉત્સાહ નીતરતો હતો.

“હા મમ્મી હું એકદમ મજામાં, પણ મમ્મી હજુ હું સગાઈ કે કોઈ સંબંધ માટે તૈયાર નથી, મારે હજુ અનુસ્નાતક નો અભ્યાસ બાકી છે.” સ્નેહે વાત ને ટાળવાના પ્રયત્નો શરૂ કર્યા. “પણ બેટા, તું એક વાર મળી તો લે, મહેંક નામ છે એનું. હમણાં જ એનો ડેન્ટલ નો અભ્યાસ પૂરો થયો છે, એના પપ્પા સુરત ના પ્રતિષ્ઠિત ડેન્ટિસ્ટ છે.” સ્નેહ ની મમ્મી પોતાની વાત પર મક્કમ થતાં જતાં હતાં. “હા, મમ્મી વાત સાચી પણ…”

“ જો બેટા, એ લોકો સંકુચિત માનસ ના નથી. તું નિર્ણય લેતા પહેલાં મહેંક ને જેટલી વાર મળવું હોય એટલી વાર મળજે અને પછી નિર્ણય લેજે, અને આમેય તારા લગ્ન તો તારા અનુસ્નાતક ના અભ્યાસ પછી જ લઈશું. બેટા મારી વાત માન આ રવિવારે તારા ફોઇ જોડે તું મહેંક ના ઘરે જઈ આવ.” સ્નેહ ની મમ્મી સ્નેહ ના સંબંધ ને લઈ ને વધુ ઉત્સાહિત હતી.

“ સારું મમ્મી,…હું જઈ આવીશ.” સૌમ્યા ની યાદો માં ખોવાયેલું સ્નેહ નું મન હાલ એના જીવન માં કોઈ ને પણ સ્વીકારવા તૈયાર નહોતું પણ મમ્મી ની વાત ને માન આપી એને મમ્મી ની વાત સ્વીકારી લીધી અને વિચાર્યું કે જઈ આવી ને સંબંધ માટે ના પાડી દઇશ.

એ દિવસે સ્નેહ ના ફોઇ સ્નેહ ને લઈ મહેંક ના ત્યાં ખુશ થતાં થતાં લઈ ગયા. મહેંક ના ઘર ના નાના મોટા સહુ કોઈ ના ચહેરા પર ખુશી છલકાતી હતી. મહેંક ના મમ્મી પપ્પા તો સ્નેહ ને જોઈ બહુ જ ખુશ થઈ ગયા અને એમની આંખો માં સ્નેહ પ્રત્યે માન સ્પષ્ટ દેખાઈ આવતું હતું. થોડીક વાતચીત ના અંતે સ્નેહના ફોઇએ સ્નેહ ને મહેંક સાથે ના જીવન ના મહત્વના નિર્ણય માટે એકાંત આપ્યો.

સ્નેહ ને મળતા જ મહેંક એ સ્નેહ ને જણાવી દીધું. “ તમારા વિષે મેં તમારા ફોઇ પાસેથી બધું જ જાણી લીધું છે. આજે તમને જોઈ પણ લીધાં. આ સંબંધ માટે હું સંમતિ આપું છું.” મહેંક એ આંખો ઢાળી ને સ્નેહ ને ધીમા સ્વરે કહ્યું. “પણ, મને જાણ્યા વગર સમજ્યા વગર?” સ્નેહે ચકિત થતાં પૂછ્યું.

“ જુઓ, ભગવાને અમને છોકરીઓને એક એવી ગૂઢ શક્તિ આપી છે કે અમે કોઈ પણ વ્યક્તિ ની આંખોમાં જોઈ ને એ વ્યક્તિ વિષે જાણી લઈએ છીએ. અને મેં તમારી આંખો માં જોઈ લીધું છે એમાં મને મારૂ ભવિષ્ય એકદમ સલામત લાગે છે.” મહેંકે પ્રેમપૂર્વક સ્નેહ ને જવાબ આપ્યો. “પણ, મહેંક, હજુ હું તૈયાર નથી.” સ્નેહ હજુય ગમે તેમ કરી ને આ સંબંધ ને ટાળવા પ્રયાસ કરી રહ્યો હતો. “ હું તમને આ સંબંધ માટે કોઈ ફોર્સ નથી કરતી. તમે પણ મને જાણી ને જે પણ નિર્ણય લેશો એ મારે મન સ્વીકાર્ય હશે. મેં ફક્ત મારો નિર્ણય તમને જણાવ્યો.”

સૌમ્યા ના પ્રેમ માં હજુય રસ તરબોળ સ્નેહે વિચાર્યું તો હતું કે એ દિવસે જ મહેંક ને આ સંબંધ માટે ‘ના’ પાડી દેશે પણ મહેંક અને એના મમ્મી પપ્પા ની આ સંબંધ સાથે વણાયેલી હકારાત્મક આશા ના લીધે સ્નેહ પોતાની અસંમતિ રજૂ ના કરી શક્યો. સૌમ્યા ની યાદ સ્નેહ ને હવે દિવસે ને દિવસે બહુ જ સતાવતી. સૌમ્યા એક દિવસ જરૂર પાછી આવવાની છે એવી મન માં ને મન માં ક્યાંક ઊંડે છુપાયેલી આશા ને લીધે એને જલ્દી થી મહેંક ને ‘ના’ પાડી દેવી હતી. પણ હજુ સુધી એ મહેંક ને જણાવી શક્યો નહોતો.

એક દિવસ સ્નેહ ના બારણે સવાર સવાર માં ટકોરા પડ્યા. સ્નેહે બહુ જિજ્ઞાસા પૂર્વક બારણું ખોલ્યું તો સામે મહેંક ઊભી હતી. મહેંક ના હાથ માં રેડ રોઝ અને ઘણી બધી ગિફ્ટસ હતી. બારણું ખોલતાં જ એ સ્નેહ ને ભેટી પડી. ભેટતાં ભેટતાં એને કહ્યું “હેપી વેલેન્ટાઇન ડે, ડિયર, વર્ષો થી મેં મારા પ્રેમ ને તમારી માટે અકબંધ સાચવી રાખ્યો છે. હવે મારા મનમાં અને જીવન માં તમારા સિવાય કોઈ નથી.” “હેપી વેલેન્ટાઇન ડે મહેંક. પણ…….” સ્નેહ મહેંક ની આંખો માં જોતાં જોતાં અટકાઈ ગયો.

સ્નેહ થી શું કહેવું અને શું ના કહેવું એ સમજાતું નહોતું. એને વેલેન્ટાઇન ડે પણ યાદ નહોતો. જ્યારથી સૌમ્યા એના જીવન માંથી ગઈ હતી એના મન બધાય દિવસ સરખા હતાં. આજે આ રીતે આવેલી મહેંક ને જોઈ ને સ્નેહ ને સૌમ્યા ની યાદ આવી ગઈ. સૌમ્યા પણ આ જ રીતે સ્નેહ ને વેલેન્ટાઇનના દિવસે જ મળવા આવી હતી. સ્નેહ ની આંખો ના ખૂણા સહેજ ભીના થયા પણ એને મહેંક જોઈ ના જાય એ રીતે સિફતતા થી આંખો છુપાવી ને લૂછી લીધી. સ્નેહ ને સમજાઈ ગયું કે મહેંક ની લાગણી પોતાના માટે હવે વધુ ભીની થતી જતી હતી અને સ્નેહ ને હવે જલ્દી થી પોતાનો નિર્ણય મહેંક ને જણાવી દેવો હતો.

જ્યારે પણ મહેંક સામે આવતી એ મહેંક ને કશું જ ના જણાવી શકતો એટલે સ્નેહે મહેંક ને ઉદ્દેશી ને આ સંબંધ માટે ની પોતાની અસંમતિ દર્શાવતો પત્ર લખી નાખ્યો, જેમાં કેવી એ કેવી રીતે સૌમ્યા ને મળ્યો અને કેવી રીતે બંને પ્રેમ માં પડ્યા એ બધું જ લખી નાખ્યું. બસ હવે એ મહેંકને મળી ને આ પત્ર આપવાની રાહ જોઈ રહ્યો હતો.

એક દિવસ સવાર સવાર માં સ્નેહ ના મોબાઇલ માં એક મેસેજ આવ્યો. સ્નેહ ખુશ થઈ ગયો, બહુ ખુશી પૂર્વક ઊભો થતાં થતાં એ વિચારવા લાગ્યો આખરે ‘હાર્ટબીટ’ નો મેસેજ આવ્યો ખરો. મોબાઇલમાં જોયું તો મેસેજ ‘હાર્ટબીટ’ નો નહોતો મહેંક નો હતો. એ નિરાશ થઈ ગયો અને પાછો સૌમ્યા સાથે ના જૂના દિવસો ની યાદો માં ખોવાઈ ગયો.

એ દિવસે એ તૈયાર થઈ ને ક્લિનિક જતો જ હતો કે દૂર થી સફેદ પંજાબી સલવાર અને બાંધણીના દુપટ્ટા સાથેની સૌમ્યા આવતી દેખાઈ. સ્નેહ નું હૈયું હરખાઈ ગયું, જાણે વર્ષો થી કોઈ ની જોયેલી રાહ હવે ફળી રહી હતી અને હ્રદય ના ખૂણા માં સચવાયેલા વિશ્વાસ ની જીત થઈ રહી હતી. સ્નેહ ની આંખો માં એક અજીબ ચમક આવી ગઈ. પણ જેવી એ આકૃતિ નજીક આવી કે સ્નેહ સમજાઈ ગયું કે સૌમ્યા નહોતી પણ સૌમ્યા જેવા જ ડ્રેસ માં મહેંક હતી. મહેંક પણ જાજરમાન લાગતી હતી. કોઈ પણ છોકરો મહેંક ને જોઈ ને ‘ના’ ના પાડી શકે. મહેંક કોઈ પણ છોકરા માટે સંપૂર્ણ હતી પણ સ્નેહ સૌમ્યા સિવાય કોઈને પણ સ્વીકારવા તૈયાર નહોતો.

સ્નેહ મહેંક ને જોઈ રહ્યો હતો, જેવી મહેંક નજીક આવી કે મહેંકે બહુ ઉત્સાહપૂર્વક કહ્યું “ આજ સુધી સુરત જોયું હશે. પણ મારા જેટલું નહીં ! ચાલો સ્નેહ આજે તમને મારી આંખો એ સુરત દેખાડું.” મહેંકે સ્નેહ નો હાથ પોતાના હાથ માં લેતાં કહ્યું. સ્નેહ મહેંક ની આંખોમાં જોતો જ રહ્યો. આજ રીતે સ્નેહ નો સૌમ્યા સાથે નો પ્રણય શરૂ થયો હતો. મહેંક ની આંખો માં અને વાતોમાં સ્નેહ માટે નો સ્નેહ વરસતો હતો.

સ્નેહ મહેંક ની વાતો નો કશો જ જવાબ ના આપી શક્યો એટલે જલ્દી થી મહેંક ને પોતાનો નિર્ણય જણાવતો પત્ર પોતાના રૂમ માં લેવા ગયો. એ પત્ર લઈ ને નીકળતો જ હતો કે થોડીવાર માટે એ અટકી ગયો. એના મન માં વિચારો નું તુમુલ યુદ્ધ ખેલાઈ રહ્યું હતું. થોડીવાર માં એ સ્વસ્થ થયો અને અંતે પત્ર ફાડી ને કચરાટોપલી માં નાખી દીધો.

એને પોતાના ખીસા માંથી મોબાઇલ કાઢ્યો, કૉન્ટૅક્ટ લિસ્ટ માં જઈ ‘હાર્ટબીટ’ નું નામ ડિલીટ કર્યું અને મહેંકનું નામ નવા નામે સેવ કર્યું ‘હાર્ટબીટ’ સ્નેહ પોતાના રૂમ ની બહાર આવ્યો. આંખો માં એક અનેરી ખુશી અને ચાલ માં અજીબ તીવ્રતા હતી. જેવો એ મહેંક ની નજીક ગયો કે તરત જ મહેંક ને કહી દીધું “ચાલ મહેંક, બેસી જા”

મહેંક જેવી બાઇક માં બેસી કે તરત જ સ્નેહે કીક મારી અને બાઇક ના સાઈલેન્સર માંથી નીકળેલી ધુમ્રસેર જેવી હવા માં વિલીન થઈ કે સાથે સાથે… સ્નેહ ના મન માં રહેલી સૌમ્યા ની યાદો પણ… જેવુ બાઇક થોડું દૂર ગયું કે સ્નેહ થોડીવાર માટે ઊભો રહ્યો અને પોતાના ખીસામાંથી મોબાઇલ કાઢી પોતાની મમ્મી ને કોલ લગાવ્યો. “મમ્મી, સગાઈ ની તૈયારી કરો, મને મહેંક પસંદ છે.” મહેંક શરમાઇ ગઈ. કોલ મૂકતાં જ સ્નેહે મહેંક ને કહી દીધું “ આઇ લવ યૂ, મહેંક”

અને મહેંકે સ્નેહ ને બાઇક માં પાછળ બેઠાં બેઠાં એક ગાઢ આલિંગન આપી દીધું. મહેંકે સ્નેહ ના “ આઇ લવ યૂ,” નો કોઈ જ જવાબ ના આપ્યો કેમ કે જવાબ આપવાની જરૂર જ ક્યાં હતી, મહેંક ની આંખો જ બધુ જ કહી રહી હતી. સ્નેહ નું હ્રદય અને જીવન ફરી ધબકતા થઈ ગયા, નવી હાર્ટબીટ બંને ને ધબકાવી રહી હતી.

મારા પુસ્તક “સંવેદના નું આલેખન” માંથી

લેખક : ડૉ. નિલેષ ઠાકોર “નીલ”

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ