વી.વી.આઈ.પી – આ બે ઘટના કોઈપણના જીવનમાં બની શકે છે…

સમય – સવારના 10 કલાક

સ્થળ : તુષારનું ઘર

સવાર જાણે આળસ મરડીને એક નવા ઉમંગ સાથે ઉભી થઈ હોય તેવું લાગી રહ્યું હતું, જાણે પોતે અંધકાર પર વિજય મેળવ્યનો આનંદ માણી રહી હોય તેવું લાગી રહ્યું હતું, બધાં જ માણસો પોતાના નોકરી-ધંધે જવાં રવાના થઈ ગયાં હતાં, બાળકો પોતાની શાળાએ આ કહેવાતા ભાર વગરનું ભણતર મેળવવા માટે જતાં રહ્યાં હતાં, સવાર સૌ કોઈના તન અને મનમાં સ્ફૂર્તિ ભરી દે તેવી હોય છે.


પરંતુ તુષાર પર જાણે આ સવારની કંઈ અસર ના થતી હોય તેમ હજુ પણ તે કેમેસ્ટ્રીની બુક વાંચી રહ્યો હતો, અને આ concentrated H2SO4ના સમીકરણો અને બેંઝીનનાં સર્પાકાર વલયો સમજવામાં ક્યારે 10 વાગી ગયાં તે તુષારને ખ્યાલ ના રહ્યો, એવામાં તુષારનાં મમ્મીએ તુષાર પાસે આવીને કહ્યું કે

“બેટા ! સવારના 5 વાગ્યાનો વાંચે છો, હવે એકાદ કલાક આરામ કરી લે..!” “ના ! મમ્મી આજે તો હું આરામ નહીં કરું, હું સાંજે પેપર આપીને આવું પછી થોડો આરામ કરી લઈશ, તમે મારા માટે ચા- ભાખરી બનાવો….” “ઓકે ! બેટા, હું તારા માટે ચા – ભાખરી બનાવું એટલીવારમાં તું નાહી-ધોઈને ફ્રેશ થઈ જા..!”

“ઓકે ! મમ્મી તો હું હવે મારે કેમિસ્ટ્રીનાં જે 4 ચેપટરનું રિવિઝન કરવાનું બાકી છે, તે હવે નાસ્તો કરીને જ કરીશ..” – આટલું બોલી તુષાર બુકની વચ્ચે પેન રાખીને ફ્રેશ થવા માટે જાય છે. મિત્રો, આપણાં સમાજમાં બોર્ડની પરીક્ષા જ્યારે આવે ત્યારે એવું લાગે કે જાણે એ પરીક્ષા બાળકોની નહીં પરંતુ તેના માતા-પિતાની હોય…પોતાનાં છોકરાને બોર્ડની પરીક્ષામાં ઓછા માર્ક્સ આવશે કે ફેલ થાશે, તો સમાજમાં પોતાની આબરૂના ધજાગરા થાશે….પોતે સમાજમાં પોતાનું મોં કોઈને બતાવવા લાયક નહીં રહેશે, આવી માનસિકતા અત્યારનાં માતા-પિતાને મનમાં ઘર કરી ગઈ છે, અને મોટાભાગના માતા-પિતા પોતાના સંતાનને આ દુનિયાની રેસમાં હરીફાઈ કરવા માટે ધકેલી દે છે,


પરંતુ તુષારના માતા-પિતા અભણ હોવાછતાં પણ દ્રઢપણે એવું માનતા હતાં કે આ એજ્યુકેશન સિસ્ટમની કોઈ તાકાત કે હેસિયત નથી કે માત્ર 3 કલાકના પેપરમાં વિદ્યાર્થીઓના જ્ઞાનની ચકાસણી કરી શકે, એ તો માત્ર એક પુસ્તકી જ્ઞાનની જ ચકાસણી કરે છે, ભલે મારો દીકરો આ પરીક્ષામાં ફેલ થાય પરંતુ એ આવડત અને કોઠાસૂઝ બાબતે ક્યારેય ફેલ નહીં થાય કારણકે અમે તેનો ઉછેર જ એવી રીતે કરેલો છે.

એટલીવારમાં તુષાર ફ્રેશ થઈને, આવી ગયો, અને નાસ્તો કરવા માટે રસોડામાં બેઠો, થોડીવારમાં તુષાર નાસ્તો કરીને, પોતાને 4 ચેપટરનું રિવિઝન બાકી હતું તે પૂરું કરવા માટે પોતાના રૂમમાં જતો રહ્યો. અને આ રિવિઝન કરવામાં ક્યાં બપોરનો 1 ક્યાં વાગી ગયો એ ખબર જ ના પડી. લગભગ બપોરના 1:30 કલાકની આસપાસ તુષારનાં પિતા મનસુખભાઇ અને બહેન કોમલ ઘરે આવી ગયા, મનસુખભાઇ એક રીક્ષા ડ્રાઇવર હતાં, અને આખો દિવસ, રીક્ષા ચલાવી જે કંઈપણ આવક થતી તેમાંથી જ પોતાનું ગુજરાન ચલાવતા હતાં, કોમલ અત્યારે 9 ધોરણમાં અભ્યાસ કરી રહી હતી, અને તેની શાળાનો સમય સવારના 7 થી 12 કલાકનો હતો, આથી મનસુખભાઈ દરરોજ કોમલને 12:30 કલાકે શાળાએ લેવા માટે જતાં, અને પોતાના ઘરે પરત ફરતાં, આ તેમનો નિત્ય કાર્યક્રમ હતો.

ત્યારબાદ બધાએ બપોરે સાથે ભોજન કર્યું અને તુષારે પોતાનું બેગ જરૂરી સામાન જેમ કે પેન, કંપાસ, હોલટિકિટ વગેરે મૂકીને પેક કર્યું, ભગવાનને પ્રણામ કરી, પોતાના માતા-પિતાને આશીર્વાદ લઈને તુષાર પોતાના પિતા સાથે રિક્ષામાં પરીક્ષા કેન્દ્ર પર જવા રવાના થયો, પરીક્ષાનો સમય 3 થી 6 કલાકનો હતો, અને પરીક્ષા કેન્દ્ર તેમનાં ઘરથી 30 મિનિટના અંતરે હતું,આથીમાનસુખભાઈએ રીક્ષા થોડીક ઝડપથી ચલાવવાનું નક્કી કર્યું….અને રોડ પર રીક્ષા ચલાવવા લાગ્યા, જ્યારે તુષાર હજુપણ પાછળની સીટ પર બેસીને રિવિઝન કરવામાં મશગુલ હતો.


માર્ચ મહિનો ચાલી રહેલો હોવાને લીધે અશોકને પોતાની ઓફિસમાં ખુબ વર્કલોડ હતો, અને છેલ્લા એક અઠવાડિયાથી ઓફિસમાં મોટાભાગના કર્મચારીઓ ઓવર ટાઈમ કરી રહ્યાં હતાં, આ કામના બોઝમાં ક્યાં 12 વાગી ગયો તે અશોકને ખ્યાલ જ ના આવ્યો. અચાનક અશોકનો ફોન રણક્યો અને સામેની બાજુથી એકદમ મીઠાસ ભરેલો, કાલોઘેલો અવાજ સંભળાયો..

“હેલો ! પપ્પા…હું તમારી પ્રિન્સેસ ચાર્મી બોલું છું.” “હા ! બેટા…બોલ…” “હું તમારી સાથે હવે નહી બોલીશ…મેં તમારી સાથે કિટ્ટી કરી લીધી છે….” -ચાર્મી બાળસહજ રીતે બોલી. “અરે…રે…શું થયું…?..મારી પ્રિન્સેસને કેમ પપ્પા સાથે કિટ્ટી કરી લીધી….” – અશોકે ચાર્મીને મનાવતા પૂછ્યું. “પપ્પા ! તમે મને આજે મારો બર્થડે છે અને તમે મને વિશ કર્યા વગર જ જતાં રહ્યાં… તમે મને બર્થડે વિશ કેમ ના કરી એટલે હું હવે તમારી સાથે વાત નહીં કરીશ…” – ચાર્મી હવે બાળઝીદે ચડી હતી. “અરે ! મારા દિકરા એવું નહોતું, પપ્પા જ્યારે ઓફિસે જતાં હતાં, ત્યારે એમની પ્રિન્સેસ ઊંઘી રહી હતી, અને પરીઓના સપના જોઈ રહી હતી, તો પપ્પા કેવી રીતે તેને જગાડે બેટા…?” – અશોકે ચાર્મીને માનવતા કહ્યું.


“વાવ…પરી…મને ખુબ જ ગમે છે પપ્પા…” “એટલે જ મેં તને ના જગાડી બેટા…” – અશોક જાણે ચાર્મીને માનવવામાં સફળ થયો હોય તેમ બોલ્યો. “ઓકે…પપ્પા એ તો બધું ઠીક પણ મારી બર્થડે ગિફ્ટ…મેં તમને કહ્યું હતું કે મારે “છોટાભીમ” વાળું બેગ અને વોટરબોટલ જોઈએ છે….!” – હવે ચાર્મીની માંગ મજબુત થઈ રહી હતી. “બેટા.. પપ્પાએ બેગ અને વોટરબોટલ બનેવ લઈ જ લીધા છે, બપોરે જમવા આવીશ, ત્યારે ચોક્કસ સાથે લઈને જ આવીશ…”

“થેન્ક યુ, પપ્પા, લવ યુ…” – પોતાની જીત થઈ હોય તેવા આનંદ સાથે ચાર્મી બોલી. “લવ યુ માય…પ્રિન્સેસ…” – આટલું બોલી અશોકે કોલ ડિસ્કનેક્ટ કર્યો. અશોક પોતાના શહેરની એક કંપનીની ઓફિસમાં એકાઉન્ટ તરીકે કામ કરતો હતો, અને તેની પત્ની સુરેખા અને પુત્રી ચાર્મી સાથે આ શહેરમાં રહેતો હતો, ચાર્મી 4 વર્ષની હતી, અને એક વર્ષ પછી તેને ધોરણ – 1 માં બીજી સ્કૂલમાં એડમિશમ લેવાનું હતું.

આથી અશોક પોતાનું પેન્ડિંગ કામ પૂરું કરીને બપોરના 1 કલાકે ચાર્મી માટે ખરીદેલ “છોટાભીમ” વાળુ બેગ અને વોટરબોટલ લઈને ઘરે જવા રવાના થયો. આ બાજુ જ્યારથી ચાર્મીએ અશોક સાથે વાત કરીને ફોન મુક્યો, ત્યારની ચાર્મી પોતાના ટેડી બિયરને ખોળામાં બેસાડી ઘડિયાળ સામે બેસી ગઈ અને પોતાના પિતા આવે તેની આતુરતાપૂર્વક રાહ જોવા લાગી….


લગભગ 1: 30 કલાકે અશોક પોતાના ઘરે પહોંચ્યો, પોતાના પિતાની કારનો અવાજ સાંભળી જાણે એક પૂતળામાં એકાએક ચેતના ફૂંકાઈ ગઈ હોય તેમ ચાર્મી ઉત્સાહ સાથે ટેડીબિયર લઈને ટેરેસની ગલેરીમાં આવી, પોતાના પપ્પાને ગિફ્ટ સાથે આવતા જોઈ, ચાર્મી પોતાના ઉત્સાહને રોકી ના શકી આથી, તે ઝડપથી ઉત્સાહભેર પોતાના પિતા પાસે જવા, સીડીઓ ઉતારવા ગઈ…

એવામાં ચાર્મીનો પગ લપસ્યો, આથી તે ગબડતાં-ગભડતાં ફોલર પર પડી, અને બેભાન થઈ ગઈ,આ જોઈ અશોકે દોટ મૂકી અને આવો ધડાકા જેવો અવાજ થાવાને લીધે, સુરેખા પણ રસોડામાંથી બહાર દોડી આવી, એક જ ક્ષણમાં હસતી-રમતી અને કિલકીલાટ કરતી ચાર્મી નિશબ્દ થઈને ફ્લોર પર પડી, જાણે એક જ પળમાં અશોકના પરિવારને કાળે લપડાક મારી હોય તેમ દુઃખના વાદળો છવાય ગયાં, આથી તરત જ અશોકે ચાર્મીનું માથું પોતાના ખોળામાં લઈ લીધુ, સુરેખા આ જોઈને એકદમ ગભરાય ગઈ અને પોતાના મોં માંથી “ચાર્મી” એવી એક ચીસ નીકળી ગઈ, અને જોર-જોરથી રડવા લાગ્યાં, આશોકે અને સુરેખાએ ચાર્મીને બોલાવવા માટે ઘણાં પ્રયત્નો કર્યા પરંતુ બધા જ વ્યર્થ ગયાં, ચાર્મીના મોં માંથી એકપણ શબ્દ ના સંભળાયો.. ચાર્મીથી થોડેક દૂર પેલું ટેડીબિયર પડેલ હતું, જે ગુલાબી રંગનું હતું, અને તેના પર ચાર્મીના લોહીનો લાલ રંગ ચોંટેલ હતો.


આથી અશોકે એકપણ મિનિટ વ્યર્થ કર્યા વગર પોતાની કાર તરફ દોડ્યો, અને સુરેખા ચાર્મીને તેડીને રડતાં-રડતાં કાર તરફ ઝડપભેર ચાલવા લાગી, અશોકે તરત જ કારનો સેલ્ફ મારી કાર પોતાના ઘરથી થોડેક દૂર આવેલ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ તરફ ભગાવી… આ બાજુ સુરેખા કારમાં પાછળની સીટમાં ચાર્મીનું માથું પોતાના ખોળામાં રાખીને, ચાર્મીના માથા અને મોઢાના ભાગે રડતાં – રડતાં હાથ ફેરવતી રહી…અને પોતાના જીવ કરતાં પણ વધારે વ્હાલી દીકરીને કંઈ ન થાય તેવી ભગવાનને મનોમન પ્રાર્થના કરવા લાગી……

પોલીસ કમિશ્નર ઓફીસ,

“આથી તમામને જાણ કરવામાં આવે છે કે આપણા રાજ્યના મુખ્યમંત્રીશ્રી આપણાં શહેરમાં પોતાના પક્ષની સભા સંબોધવા માટે બપોરે ત્રણ કલાકે પધારાવના છે..જેમને આપણે Z + સિક્યુરિટી પુરી પાડવાની છે, તો તમામ પોલીસ કર્મચારીને મારો આદેશ છે કે આપણા મુખ્યમંત્રી જે રસ્તા પરથી પસાર થવાના છે, તે બધાં જ રસ્તા બંધ કરી દેવા, અને કોનેવે ટીમ મુખ્યમંત્રીશ્રી સાથે જયાં-સુધી પસાર ન થાય ત્યાં સુધી કોઈપણ સંજોગોમાં કોઈને એ રસ્તા પર ન જવા દેવા કડક સૂચના આપવામાં આવે છે…” – પોલીસ અધિક્ષકે કડક શબ્દોમાં પોલીસ કર્મચારીઓને સૂચના આપી.

મુખ્યમંત્રીશ્રીની સભા સંબોધવાનો સમય બપોરના 2:30 થી 5 કલાક સુધીનો હતો, આથી પોલીસ અધિક્ષકના આદેશ મુજબ મુખ્યમંત્રીશ્રી શહેરના જે રસ્તા પરથી પસાર થવાના હતાં, તે તમામ રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યાં. જાણે આખા શહેરમાં ફરફ્યુ જાહેર થયો હોય તેવું વાતાવરણ લાગી રહ્યું હતું, આખા રસ્તે પોતાની ફરજને દ્રઢપણે વળગેલા પોલીસ કર્મચારીઓ ગોઠવાઈ ગયાં હતાં, શહેરના દરેક સર્કલ પર એક -બે પોલીસ કર્મચારીઓને ગોઠવી દેવામાં આવ્યાં હતાં, ધીમે -ધીમે આ આખા રસ્તા પર ટ્રાફિક થવા લાગ્યું.


દરેક પોલિસ કર્મચારી પોતાના ઉપરી અધિકારીની સુચનાનું કડકાઇથી પાલન કરી રહ્યાં હતાં, અને એકપણ વ્યક્તિ કે વાહનને રોડ પરથી પસાર થવા દેતા ના હતાં. ધીમે -ધીમે જાણે હોલીવુડના કોઈ પિક્ચરનું શૂટિંગ ચાલી રહ્યું હોય તેમ એક-પછી એક એમ લગભગ 30 કારો ખુબ જ ઝડપથી આ રસ્તા પર સાયરન વગાડત-વગાડતા પસાર થવા લાગી…….જેવા મુખ્યમંત્રીશ્રી કોનવે ટીમ સાથે પસાર થયા કે તરત જ આખો રસ્તો પહેલાની માફક ખુલો મૂકી દેવાયો, અને ધીમે-ધીમે બઘું જ ટ્રાફિક ઘટી ગયું, સૌ કોઈ પોત-પોતાના રસ્તે જવા લાગ્યાં.

આ બાજુ તુષાર અને તેના પિતા પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયાં, તુષારે પોતાના કાંડા પર પહેરેલી ઘડિયાળ પર નજર કરી તો ત્રણ વાગી ચુક્યા હતાં, આથી તુષાર ઝડપથી પોતાના બેગમાંથી હોલટિકિટ બહાર કાઢી, પરીક્ષા કેન્દ્ર તરફ જવા લાગ્યો, પરંતુ પરીક્ષા કેન્દ્રનો મુખ્ય દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો, આથી તુષારે ગેટ પર રહેલા સિક્યુરિટી ગાર્ડને પોતાની હોલ ટિકિટ બતાવતા પોતાને અંદર જવાં દેવા માટે આજીજી કરી..

“બેટા ! હવે કંઈ ન થાય, તમે પહોંચવામાં મોડું કરી દીધું છે, હોલ ટિકિટમાં સ્પષ્ટ સૂચના લખી છે કે પરીક્ષા કેન્દ્ર પર 30 મિનિટ અગાવ હાજર રહેવું, ત્યારબાદ આવનારને પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે..” – સિક્યુરિટી ગાર્ડે તુષારને સમજાવતા કહ્યું. “પણ ! સાહેબ…આ મારા ભવિષ્યનો સવાલ છે, મને મહેરબાની કરીને અંદર જવા દો..” “બેટા ! અમને તને અંદર જવા દેવમાં કઈ વાંધો નથી પરંતુ અમે નિયમોથી બંધાયેલા છીએ, અને અમને પરીક્ષા કેન્દ્રના હેડની કડક સૂચના મળેલ છે, આ માટે અમે પણ લાચાર છીએ…”


ત્યારબાદ મનસુખભાઈએ સિક્યુરિટી ગાર્ડને રિકવેસ્ટ કરી આથી તેઓએ પરીક્ષા હેડને ઇન્ટરકોમ દ્વારા ફોન કરીને આખી વિગત જણાવી, અને થોડીવારમાં પરિક્ષાહેડ ગેટ પાસે આવ્યા, અને કહ્યું કે “આઈ ! એમ સોરી ! હું તમારી કોઈપણ મદદ કરી શકુ તેમ નથી, પરીક્ષાખંડમાં બધા વિદ્યાર્થીઓને આન્સર સીટ ઓલરેડી આપી દીધેલ છે, અને બે જ મિનિટમાં પેપર પણ આપવામાં આવશે, તો તમને હવે અંદર પ્રવેશ આપવામાં આવશે નહીં…

મનસુખભાઈ અને તુષાર ઘણી આજીજી કરી પરંતુ બધી જ વ્યર્થ ગઈ, બનેવને ગુસ્સો પણ ઘણો આવી રહ્યો હતો, પરતું બનેવ લાચાર હતાં, આથી મનસુખભાઈ અને તુષાર હતાશ થઈને પોતાના ઘરે જવા રવાના થવા લાગ્યા…મનસુખભાઈએ વિચાર્યું કે કદાચ કોઈ પોલિટિશિયનનું સંતાન હોત, તો આ લોકો ઝખ મારીને પણ અંદર પ્રવેશ આપત, પરંતુ પોતાની પાછળ આવું કોઈ બેકગ્રાઉન્ડ ન હોવાથી પોતે કંઈ ન કરી શક્યા તેનું દુઃખ મનમાં થઈ રહ્યું હતું.

આ બાજુ અશોક અને તેની પત્ની સુરેખા મોતના મુખમાં રહેલ પોતાની દીકરી ચાર્મીને બચાવવા માટે જેટલું બને તેટલું ઝડપથી હોસ્પિટલમાં લઈને આવ્યા, ત્યાં ઇમરજન્સી વિભાગમાં ફરજ પર રહેલા ડોકટરે ચાર્મીની તપાસ કરી,ઓક્સિજન લગાડવામાં આવ્યો,કાર્ડિયોગ્રામ કાઢ્યો, અલગ -અલગ ભારે મોનીટર લગાડ્યા, અલગ -અલગ પ્રકારના ઇન્જેક્શન અને બાટલા ચડાવવામાં આવ્યાં.

પોતાના જીવ કરતાં વધુ વ્હાલી દીકરીને આ હાલતમાં જોઈને પહાડ જેવી હિંમત રાખનારો અશોક પણ હવે અંદરથી તૂટી રહ્યો હતો,છતાંપણ તે સુરેખાને હિંમત આપી રહ્યો હતો.બનેવ રાહ જોઈ રહ્યા હતાં કે ક્યારે તેમની પ્રિન્સેસ તેમને ‘મમ્મી-પપ્પા’ એવું કહીને બોલાવે. લગભગ 30 મિનિટ બાદ, ઇમરજન્સી વિભાગના ફરજ પરના ડોકટરે બહાર આવીને કહ્યું કે


“આઇ એમ સોરી, વી કેન નોટ સેવ, ચાર્મી….ચાર્મી ઇસ નો મોર…!” આ એક-એક શબ્દો તલવારથી પણ વધુ તિક્ષણ પ્રહારની માફક ઇજા કરીને અશોક અને સુરેખાના હૃદયમાં ઉતર્યા.આ સાંભળી સુરેખાએ ‘ચાર્મી’ એવી એક બુમ પાડી, અને અશોક પણ હવે પોતાની હિંમત ગુમાવીને સુરેખાને ભેટીને નાના છોકરાની માફક રડવા લાગ્યો, આ જોઈ ડોકટરે અશોક અને સુરેખાને શાંત પાડતા બોલ્યાં કે…

“અમે ! ચાર્મીને બચાવવા માટે અમારાથી બનતાં તમામ પ્રયત્નો કરી છૂટયા પરંતુ અમે તેને બચાવી ના શક્યા…પણ જો….” “પણ…પણ…શું સાહેબ…?” – અશોકે અધીરા થઈને પૂછ્યું. “પણ જો તમે ચાર્મીને થોડીક વહેલી હોસ્પિટલે લઈ આવ્યા હોત તો કદાચ અમે તેનો જીવ બચાવી શક્યા હોત…” ત્યારબાદ અશોકે હોસ્પિટલની બધી પોલિસી પુરી કરીને પોતાની ચાર્મીનો નિષ્પ્રાણ દેહ પોતાના હાથ વડે તેડીને હોસ્પિટલના પાર્કિંગ તરફ નિશબ્દ બનીને આંખમાં આંસુ સાથે ચાલવા લાગ્યાં. થોડાક જ કલાકો પહેલા હસી-ખુશી ભરેલા પરિવારમાં એકાએક અણધાર્યું માતામનું વાતાવરણ છવાય ગયું.. મનસુખભાઈ અને તુષારે વિચાર્યું કે પોતે જ્યારે પરીક્ષાકેન્દ્રપર જતાં હતાં, ત્યારે જો તેને રસ્તામાં મુખ્યમંત્રીશ્રીના કોન્વેને લીધે જો અડધી કલાક રોકવામાં ના આવ્યાં હોત, તો કદાચ તુષાર પોતાની પરીક્ષા કોઈ વિઘ્ન વગર આપી શક્યો હોત……!


આ બાજુ અશોક અને સુરેખાના મગજમાં ડોકટરે – “જો તમે ચાર્મીને થોડીક વહેલી હોસ્પિટલ પર લાવ્યાં હોત તો કદાચ અમે તેનો જીવ બચાવી શક્યાં હોત” આ શબ્દો ઘૂમી રહ્યાં હતાં, અશોક વિચારી રહ્યો હતો કે કદાચ જો તેને રસ્તામાં મુખ્યમંત્રીશ્રીના કોન્વેને લીધે જો અડધી કલાક રોકવામાં ના આવ્યાં હોત, તો ડોકટર, તેમના જીવ કરતાં પણ વધુ વ્હાલી દીકરી ચાર્મીનો જીવ બચાવી શક્યા હોત અને ચાર્મી અત્યારે જે નિષ્પ્રાણ હાલતમાં છે, તે અત્યારે ખિલખિલાટ કરતી હોત……

મિત્રો, આ સ્ટોરીમાં બે અલગ- અલગ ઘટના વર્ણવેલ છે…પરંતુ આ બને ઘટના પાછળનું જો આપણે કારણ જોઈએ તો એક જ કારણ જોવા મળે છે…જે સ્ટોરીમાં દર્શાવેલ છે.મિત્રો શું તુષાર પોતાની બોર્ડની પરીક્ષા આપી ના શક્યો તેની પાછળ જવાબદાર કોણ….પેલો સિક્યુરિટી ગાર્ડ…?…પેલા પરીક્ષા હેડ…? પોલીસ અધિક્ષકશ્રી…? …પોલીસ કર્મચારીઓ…કે પછી મુખ્યમંત્રીશ્રી…?


અશોક અને સુરેખાને પોતાની ફૂલ જેવડી દીકરી ચાર્મીને ખોવાનો વારો આવ્યો તો તેની પાછળ જવાબદાર કોને ગણીશું…અશોકના મેનેજર…?ડોકટર… કે પછી મુખ્યમંત્રીશ્રી…? શું આપણા રાજ્ય કે દેશમાં આ વી.વી.આઈ.પી. કોન્વેની જે સિસ્ટમ છે તે બરબરો છે કે પછી તેમાં કોઈ સુધારા – વધારા કરવાની જરૂર છે….?…આ બાબતે તમારો મત કે અભિપ્રાય ચોક્કસથી જણાવજો….

લેખક : મકવાણા રાહુલ.એચ “બે ધડક”