સંબંધનું સ્ટેટ્સ – દરેક કપલે આ વાર્તા ગાંઠ બાંધીને રાખવા જેવી છે…

“બસ હવે શોના.. ક્યાં સુધી ફેસબુક કરશે? અહી મારી પાસે આવ ને.. બેસ ને.. મારા વાળમાં હાથ ફેરવ ને.. મને બહુ ગમે હો.”

રાતનાં લગભગ એક વાગ્યાનો સમય. હિરજ બાર વાગ્યે ઓફિસેથી ઘરે આવ્યો હતો. ફટાફટ જમીને પોતાની વહાલી પત્ની સાથે સમય વિતાવવા મળશે તેવું વિચારીને ઓરડામાં આવી ગયો. જમવાની થાળી ડાઈનીંગ ટેબલ પર ઢાંકેલી પડી હતી એટલે એને મનમાં તો એમ જ હતું કે હીરગ્યા સુઈ ગઈ હશે. પંદર જ મીનીટમાં જમીને તે ફ્રેશ થવા અને હીરગ્યાને બાથમાં ભરી લેવા રૂમમાં આવી પહોચ્યો.. “અરે, તું જાગે છે ડાર્લિંગ? મને તો એમ કે તું સુઈ ગઈ હશે..’


ફોનમાં વ્યસ્ત હીરગ્યાને જોઇને તેનાથી બોલી પડાયું.. પચાસેક સેકન્ડ સુધી રાહ જોયા છતાય કંઈ જવાબ ના મળ્યો એટલે હિરજ તેની નજીક ગયો અને વહાલથી ગાલ પર ચુંબન કરી લીધું.. ‘અરે અરે. હીરજ.. તમે ક્યારે આવ્યા? મારું તો ધ્યાન પણ નહોતું.. આ જુઓને આપણા લગ્નના અને હનીમૂનના ફોટોઝ્નું આલ્બમ બનાવીને ફેસબુક પર પોસ્ટ કર્યું છે ને તો એક કલાકમાં તો ૨૦૦ લાઈક્સ આવી ગઈ.. એમાં પણ ૩૦ લવ અને ૨૦ વાઉ છે..”

“અરે હા બાબા. એ જે હોય તે.. તું અહી આવ ને મારી પાસે. ફોન મૂકી દે ને.. મને છે ને આમ વાળમાં આંગળી ફેરવાય ને એ બહુ ગમે. મમી તો રોજ એવું કરે હો.. તું પણ કર ને..” “હા હા એક મિનીટ.. બસ આટલી કમેન્ટ્સના જવાબ આપી દઉં એટલે આવું જ છું હો હીરજ..” ને ફરી હીરગ્યા મોબાઈલમાં ખોવાઈ ગઈ.. પોણી કલાક પછી ફોન મુકીને તે વોશરૂમ જવા ઉઠી તો હીરજ પર તેની નજર પડી, ‘લે, તમે સુઈ પણ ગયા હીરજ.. પાંચ મિનીટમાં તો તમને ઊંઘ પણ આવી ગઈ..”

બબડતી બબડતી હીરજની નજીક ગઈ ને જોયું તો ખરેખર તે ઘસઘસાટ ઊંઘી ગયો હતો.. તેને સહેજ અફસોસ થયો કે હીરજે વાળમાં આંગળી ફેરવવા પાસે બોલાવેલી પણ તે ના ગઈ.. એ જ અફસોસ મોબાઈલ હાથમાં પકડતા ક્યાંય ગાયાબ થઇ ગયો.. ને ત્રણેક વાગ્યા સુધી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ને સ્નેપચેટની પોસ્ટ જોઇને તેને ઊંઘ આવી ત્યારે સાડા ત્રણ થઇ ગયેલા..


સવારમાં લગભગ દસ વાગ્યે હીરગ્યાની ઊંઘ ઉડી.. બાજુમાં હીરજ ના દેખાતા તરત તેને ફોન કર્યો.. “હેલો હીરજ, ક્યાં છે તું?” “હીરગ્યા, મારે સાડા નવે ઓફીસ પહોચી જવાનું હોય.. હું તો નવ વાગ્યે ઘરેથી નીકળી ગયેલો ડાર્લિંગ.. તું જાગી જ નહોતી.. ખાસ્સી ઊંઘમાં હતી એટલે મેં તને ના જગાડી.. મમીએ નાસ્તો તૈયાર જ રાખ્યો હતો એટલે એ ખાઈને હું તો નીકળી ગયો..”

ને હીરગ્યા ચુપ થઇ ગઈ.. ફોન મુકીને અડધી કલાકમાં તૈયાર થઈને મોબાઈલ લઈને તે નીચે ઉતરી ત્યારે પોણા અગિયાર થવા આવ્યા હતા. આમ તો ઘરમાં સાસુ જ હતા.. સસરા એક વર્ષ પહેલા જ મૃત્યુ પામ્યા હતા અને નણંદ પણ પરણેલી હતી.. જવાબદારીઓ તો કોઈ એવી હતી નહિ, છતાય અગિયાર વાગ્યે નીચે ઉતરી ત્યારે એને પહેલા સાસુમા સામે જોતા થોડી શરમ તો આવી જ ગઈ..

પ્રાપ્તિબહેનનું ધ્યાન પડતા જ તે બોલ્યા, “અરે આવી ગયા વહુ. તમારા મમીનો ફોન હતો.. તમારો ફોન સ્વીચ ઓફ આવતો હતો એટલે લેન્ડલાઈનમાં કરેલો.. કહેતા હતા કે લગ્નના એકવીસ દિવસ પછી તમારે ક્યાંક મંદિરમાં જાવાનું હોય છે.. તો આજે સાંજે હીરજ ને તમે જઈ આવજો..” આ સાંભળીને પહેલા તો હીરગ્યા સહેજ ચોંકી ગઈ ને પછી વિલા મોંએ બોલી,

“પણ મમી હું તો હીરજને કહેતા જ ભૂલી ગયેલી.. હવે? એ આવશે?” “અરે રે વહુ.. તો તમે વાત નથી કરી? તમારા મમી તો કહેતા હતા કે તમને આ પ્રથાની ખબર છે અને ગઈકાલે જ ફોનમાં તમારી સાથે વાત થઇ ત્યારે હિરજને કહી દેશો તેવું તમે કહેલું..” હીરગ્યાના ચહેરા પર સહેજ શરમ છવાઈ ગઈ.. ને પછી બોલી, “અરે મમી.. હું ભૂલી ગઈ કહેતા એમને.. હમણાં ફોન કરી દઉં છું.” “સારું દીકરા..”


ને પ્રાપ્તીબહેન માળા પરોવવામાં ફેરવાઈ ગયા..હીરગ્યા પણ તેના ફોનમાં વ્યસ્ત થઇ ગઈ.. રસોઈ તો ખાસ બનવાની ના હોય.. બે સાસુ-વહુ જ હતા એટલે પ્રાપ્તીબહેને સવારે હીરજ માટે બનાવેલા પૌઆ બટેકા જ જમવાના હતા.. હીરગ્યા ફોનમાં એવી ખોવાઈ ગઈ કે બપોરે છેક ત્રણ વાગ્યે સાસુમાએ સાદ કર્યો ત્યારે ઓરડામાંથી બહાર નીકળી.. “બોલો ને મમી..” “અરે બેટા, તમે વાત કરી હીરજ સાથે? અત્યારે એનો લંચ બ્રેક હશે સાડા ત્રણ સુધી..” ફરી હીરગ્યા ભોંઠી પડી ગઈ અને અચકાતા અચકાતા સહેજ ખોટું બોલી,

“હા મમી, થઇ ગઈ વાત..” કહીને તરત ફરી ઓરડામાં ગઈ અને હીરજને ફોન લગાવ્યો.. “યેસ માઈ લવ.. આજે તો તે સામેથી ફોન કર્યો.. તમને ફેસબુકમાંથી સમય મળી ગયો જાનેમન?” “એવું કંઈ નથી હો હીરજ.. અને સાંભળો ને આપણે હમણાં પાંચ વાગ્યે મારા મમીના ઘરે જાવાનું છે.. ત્યાંથી અમારા કુળદેવતાના મંદિરે દર્શન કરવા..!! તો તમે વહેલા આવી જજો.. સાડા ચાર સુધી..” આ સાંભળીને હીરજ તરત બોલ્યો,

‘અરે ડાર્લિંગ.. તારે મને સવારે કહી દેવું જોઈએ ને બેબી.. અત્યારે પણ તું કેટલો લેઇટ ફોન કરે છે.. મારે આજે બોસ સાથે મીટીંગમાં જાવાનું છે.. ત્યાંથી હું વહેલો ફ્રી નહિ થાવ.. કાલે જઈ આવીશું..” “પણ હીરજ આજે જ જવું જરૂરી છે.. એકવીસ દિવસ થયા લગ્નને અને ત્યાં મમીના અને મારા ગુરુદેવ પણ હશે.. એ રાત્રે પાછા જતા રહેવાના છે..” “હીરુ, ઈમ્પોસીબલ છે.. તારે મને વહેલા ઇન્ફોર્મ કરવું જોઈએ ને.. પ્લીઝ ટ્રાઈ ટુ અન્ડરસ્ટેન્ડ..”


ને હીરગ્યાએ ફોન મૂકી દીધો.. એ દિવસે તે લોકો જઈના શક્યા.. હીરગ્યાના મમીને અત્યંત દુખ થયું.. પણ તેમને એ નહોતી ખબર આ બધું થયું તેનું કારણ તેમની દીકરીનું સોશિયલ મીડિયા હતું. આ તો એક વારનું થયું.. પછી તો અવારનવાર આવું થતું રહ્યું.. હીરગ્યાની ફોનમાં અને ખાસ તો સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહેવાની આદતના કારણે કંઈ ને કંઈ પરેશાનીઓ આવતી રહેતી..

કોઈ વાર દૂધ ઉભરાઈ જાય તો કોઈ વાર તે સાસુમાને જમવાનું આપતા જ ભૂલી જાય.. રાતના હીરજ આવે ત્યારે પણ તે ફોનમાં જ વ્યસ્ત રહે.. બંને પતિ-પત્ની સાથે બેસીને વાતો કરે, એકબીજાને વહાલ કરે, વ્યવહારિક ચર્ચાઓ કરે ને મીઠા ઝગડાઓ કરે એવું ક્યારેય હીરજ અને હીરગ્યાના સંબંધમાં થતું જ નહી.. અને એનું કારણ ફક્ત ને ફક્ત હીરગ્યાની સોશિયલ મીડિયાની એક્સેઝ આદત જ હતું.. લગભગ એકાદ વર્ષ પસાર થઇ ગયું.. એક દિવસ રાતના હીરજ ઘરે આવ્યો ત્યારે તેનું મોઢું સાવ પડી ગયેલું હતું.. લાલ આંખોમાં ગુસ્સો દેખાતો હતો.. અને એ જ સોજી ગયેલી આંખો હીરજના થોડી વાર પહેલા રડ્યાની સાબિતી આપતી હતી..

તેની નોકરીમાં તેના પર દસ લાખની ચોરીનો આરોપ મુકવામાં આવેલો. આવા સમયે તેની પત્નીની તેના સાથીદારની તેને જરૂર હતી.. દસેક વાગ્યે આવીને તે સીધો પોતાના ઓરડામાં આવ્યો.. રોજની જેમ જ હીરગ્યા સ્નેપચેટના જુદાં-જુદાં ફિલ્ટર ટ્રાઈ કરી રહી હતી.. સોએક ફ્રેન્ડસ સાથે તેના ૨૦૦ સ્ટ્રીકસ થઇ ગયેલા.. હીરજ આવીને સીધો પલંગ પર પડ્યો.. હીરગ્યાએ સહેજ ત્રાંસી નજરે એને જોયો ને બોલી, “કેમ ડાર્લિંગ, વહેલા આવી ગયા આજે? શું વાત છે ઊંઘ આવે?” આ પ્રશ્ન પૂછતી વખતે તેનું ધ્યાન તો ફોનમાં જ હતું.. હીરજે કંઈ જવાબ નાં આપ્યો એટલે હીરગ્યાએ બીજી વાર પૂછવાની તસ્દી પણ નાં લીધી..


કલાકેક પછી જ્યારે તે ફોનને ચાર્જીંગમાં મુકવા ઉભી થઇ ત્યારે તેની નજર હીરજ પર પડી.. તેના મોમાંથી ફીણ નીકળતા હતા.. હીરગ્યા ગભરાઈ ગઈ.. તરત સાસુમાને બુમ પાડી.. પ્રાપ્તિબહેન તો રોજ નવ વાગ્યે સુઈ જતા.. બાર વાગ્યે તેમની એક ઊંઘ પણ પૂરી થઇ જાય.. વહુની રાડ સાંભળી તેઓ હાંફળા-ફાંફળા ઉપર આવ્યા. “શું થયું વહુ?” “મમી જુઓને હીરજને કંઇક થઇ ગયું છે.. મોમાંથી ફીણ નીકળે છે..” તરત બંનેએ હીરગ્યાના માતા-પિતાને ફોન કરીને બોલાવ્યા.. હીરગ્યાના પપ્પા ડોક્ટરને લઈને જ આવ્યા..

બધી તપાસ કરીને ડોક્ટર બોલ્યાં, “બહેન.. એમણે ઊંઘની ગોળીઓનો ઓવરડોઝ લઇ લીધેલો.. સારું થયું બહુ હાઈ પાવરની ગોળીઓ નહોતી.. બાકી અત્યારે એ આપણી વચ્ચે ના હોત..” હીરગ્યા અને પ્રાપ્તીબહેનની આંખમાંથી આંસુ સરી પડ્યાં.. સુકેતુભાઇ અને સીમાબહેન પોતાની દીકરી અને વેવાણને શાંત્વના આપી રહ્યા.. હીરજને એમ્બ્યુલન્સમાં હોસ્પીટલે લઇ જવાયો..

બે દિવસ પછી એ ભાનમાં આવ્યો.. હીરગ્યા ત્યારે તેની બાજુમાં જ બેઠી હતી.. તેને ભાનમાં આવતો જોઈ તરત રડી પડી.. ને આદતવશ તેનો ફોટો પાડીને મૂકી દીધો સોશિયલ મીડયા પર.. હીરજે આ જોયું.. ધીમે ધીમે શબ્દો ગોઠવીને તે બોલ્યો, “હીરુ, આઈ લવ યુ સો મચ.. કદાચ તારા વગર રહીશ તો મારું ફક્ત શરીર જ જીવશે… મારો આત્મા મરી જશે.. મન કઠણ કરીને આ કહું છું..

મારે છુટ્ટાછેડા જોઈએ છે.. હીરુ તું હમેશા સોશિયલ મીડીયાનું સ્ટેટ્સ જાળવતી રહી.. પણ આ દરેક વખતે સંબંધોનું સ્ટેટ્સ જાળવવાનું ભૂલી ગઈ. પોસ્ટ્સ, લાઈક્સ, કમેન્ટ્સમાં ખોવાઈને તું પ્રેમ, લાગણી અને કેર કરવાનું ને જતાવવાનું જ ભૂલી ગઈ.. જાણે તું ફક્ત સોશિયલ મીડિયા માટે જીવતી રહી.. મારી પત્ની બનીને મહાલવાનું ભૂલી ગઈ..


એક વર્ષ થયું હીરુ આ સંબંધને.. મને હંમેશા થતું તું ક્યારેક તો સુધરશે.. ક્યારેક તો આપણે ફેસબુક નહિ ને ફેમિલીની વાત કરીશું. ઈન્સ્ટાગ્રામના ફોટોઝને નહિ લાઈફની બ્યુટીફૂલ મોમેન્ટસને ઉજવીશું… સ્નેપચેટના ફિલ્ટર વિશે નહિ જીવનના ઉતાર-ચઢાવ વિશે સાથે મળીને ચર્ચા કરીશું.. પણ કશું જ ના થયું..

સોરી હીરુ.. આઈ એમ સો સોરી.. પ્લીઝ જતી રે અહીંથી.. મારી માંને મોકલ.. અને હવે કદી પાછી નાં આવીશ.. કાલે જ ડિવોર્સ પેપર હું ઘરે મોકલાવી દઈશ..” હીરગ્યાને શું બોલવું તે ના સુજ્યું.. તેની આંખમાંથી સતત આંસુ વહી રહ્યા હતા..બીજા જ દિવસે હીરજે તેને ડિવોર્સના પેપર્સ મોકલ્યા.. હીરગ્યાના માતા-પિતાને હીરજ સાચો લાગ્યો પરંતુ અંતે પક્ષ તો દીકરીનો જ લેવાનો હતો એટલે તેમણે જરા દલીલ કરી.. પરંતુ આખરે તે બંનેના ડિવોર્સ થઈને જ રહ્યા… ત્રણેક મહિના પસાર થઇ ગયાં..

એક દિવસ હીરગ્યાના ફેસબુકમાં નોટીફીકેશન આવ્યું.. તેણે અપલોડ કરેલા હનીમૂનના જુના ફોટોઝ, જે ડીલીટ કરવાના રહી ગયેલા તેમાં કોઈએ કમેન્ટ કરેલી, “કેમ રે છુટા પડી ગયા.. ફેસબુકમાં તો બહુ લવની વાતો કરી હતી ને..” ને પછી તો જેણે કદી ફોટો પણ લાઈક ના કર્યો હોય તે દરેકની કમેન્ટ આવવા લાગી.. લોકો તેની ફેસબુક વોલ પર જાતજાતનું બધું પોસ્ટ કરવા લાગ્યા.. તે સોશિયલ મીડિયા પર મજાકનું પાત્ર બનીને રહી ગઈ..

રોજ ને રોજ કોઈના ને કોઈના ફોન આવા લાગ્યા.. સમય પસાર થતો ગયો. પણ આ સોશિયલ મીડિયાની નેગેટીવિટી તેનો પીછો નહોતી છોડતી.. તે ડીપ્રેશનમાં જઈ રહી હતી.. તે દિવસે તેની અને હીરજના લગ્નને બે વર્ષ થયાની તિથી હતી. સવારથી જ હીરગ્યા ફેસબુકની કમેન્ટ્સ અને ઈન્સ્ટાગ્રામના ફોટોઝને લઈને ગુમસુમ હતી.. લોકો તેને ફોન પર ફોન કરી રહ્યા હતા.. બધા જ અકાઉન્ટસ ડીલીટ કરીને ફોન બંધ કરીને તે ઘરની બહાર નીકળી ગઈ..


તે અને હીરજ એક-બે વખત આ બગીચામાં આવેલા.. લગ્નના શરૂઆતના દિવસોમાં.. ત્યારે તેણે ફોન સાવ બંધ રાખ્યો હતો.. આ જ બગીચામાં બંનેએ એકબીજાની પસંદગી નાપસંદગી વિશે જાણ્યું હતું.. એકબીજાને સમજ્યા હતા.. એ બંને એ જે ખુણામાં બેઠા હતા ત્યાં જ જઈને હીરગ્યા બેઠી.. તેની આંખ રડી રડીને સુજી ગઈ હતી.. આંખ બંધ કરીને બેઠેલી હીરગ્યાના ખભા પર હીરજે હાથ મુક્યો ને તે અચાનક જાગી ગઈ..

“હીરુ, બહુ યાદ આવતી હતી તારી.. એટલે આજે અહી આવ્યો.. ઘરે ગયો હતો.. પપ્પાએ કહ્યું તું અહીં આવી છે.. જાન, ડીપ્રેશન આવી ગયું તને.. તે મને એક ફોન પણ ના કર્યો? નારાજગીથી બોલી રહેલા હીરજની આંખમાં હીરગ્યા માટે પ્રેમ હતો.. હીરગ્યા તેને વળગી પડી.. બંને ક્યાય સુધી એમ જ એકબીજાને વળગીને બેઠા રહ્યા.. થોડી વાર થતા હીરગ્યા બોલી,


“હીરજ, જે સોશિયલ મીડીયાના કારણે તમે મને છોડી હતી, આજે એ સોશિયલ મીડીયાના લોકોએ મને તરછોડી દીધી.. મેં છોડી દીધું હીરજ બધું જ.. સોશિયલ મીડયા અને ગાંડપણ.. મને બસ હવે સંબંધોને સાચવવામાં અને સજાવવામાં રસ છે.. સોરી હીરજ..” ને હીરજે ફરી તેને બાથમાં લઇ લીધી.. એક મહિના પછી બંનેએ ફરી ધામધુમથી લગ્ન કર્યા એકબીજા સાથે જ.. આ વખતે હીરગ્યાએ સોશિયલ મીડયા પર સ્ટેટ્સ અપડેટ તો કર્યું પણ ફોન ક્યાંય દુર મુકીને હીરજના વાળમાં આંગળી ફેરવવામાં અને પોતાનો પ્રેમ દર્શાવવામાં પરોવાઈ ગઈ..!!

લેખક : આયુષી સેલાણી

વાત તો સાચી છે જેટલું ધ્યાન સોશીયલ મીડિયાના અપડેટ પર આપીએ છીએ એટલું આપણા વાસ્તવિક જીવન પર આપીએ તો સારી વાત છે.. વાર્તા વિષે અભિપ્રાય કોમેન્ટમાં જણાવો, દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત આપણા પેજ પર.