આ ઉત્સવ દરમિયાન સાધકોને દુર્લભ તંત્ર સિદ્ધિઓની પ્રાપ્તિ થતી હોવાની છે માન્યતા…

કોરોનાના કારણે આ વર્ષે દેશમાં અનેક ઘટનાઓ બની છે જે છેલ્લા અનેક વર્ષોમાં બની નથી. તેવામાં હવે સુપ્રસિદ્ધ કામાખ્યા મંદિરમાં પણ ઐતિહાસિક મેળો રદ્દ થયો છે. આવું છેલ્લા 500 વર્ષમાં પહેલીવાર થયું છે. આસામના પ્રખ્યાત શક્તિપીઠ કામાખ્યા મંદિરમાં દર વર્ષે યોજાતો અંબુવાચી મેળો આ વર્ષે નથી યોજાવાનો. આ સિવાય જે દર વર્ષે યોજાતી ધાર્મિક વિધિમાં પણ બહારના કોઈ સાધક જોડાઈ શકશે નહીં.

image source

જણાવી દઈએ કે આ મેળામાં દર વર્ષે દુનિયાભરમાંથી તંત્ર સાધકો, નાગા સાધુ, અઘોરીઓ અને અન્ય સાધકો એકત્ર થતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાની હાજરીના કારણે મંદિર પરિસરમાં મર્યાદિત લોકોની હાજરીમાં જ પૂજા વિધિ કરવામાં આવશે. આ સાથે જ ગુવાહાટી વહીવટી તંત્રે પણ મંદિરની આસપાસની હોટલ, ધર્મશાળા અને ગેસ્ટ હાઉસને પણ જણાવી દીધું કે હાલ તેઓ કોઈ બુકિંગ લે નહીં.

image source

અંબુવાચી મેળો કામાખ્યા મંદિરમાં યોજાતો સૌથી મોટો ઉત્સવ પણ માનવામાં આવે છે. મહત્વપૂર્ણ છે કે આ મંદિરમાં દેવીના યોનિ સ્વરૂપની પૂજા થાય છે. એવું માનવામાં આવે છે કે, અંબુવાચી ઉત્સવ દરમિયાન માતા રજસ્વલા થાય છે. આ ઉત્સવ દરમિયાન દર વર્ષે 22 થી 25 જૂન મંદિર બંધ રાખવામાં આવે છે અને 26 જૂને મંદિરને શુદ્ધિકરણ બાદ દર્શન માટે ખોલવામાં આવે છે. જ્યારે 26 જૂને આ મંદિર ખુલે છે ત્યારે પ્રસાદ સ્વરૂપે સિંદૂરમાં પલાળેલું ભીનું કપડું આપવામાં આવે છે. જે દેવીના રજસ્વલા થતી વખતે ઉપયોગમાં લેવામાં આવ્યું હોય. કપડામાં રહેલું સિંદૂર ખૂબ જ સિદ્ધ અને ચમત્કારી માનવામાં આવે છે.

આ સૌથી મોટા ઉત્સવ અને મેળા દરમિયાન દર વર્ષે અહીં 10 લાખથી વધારે લોકો આવે છે. દર્શન માટે મંદિર બંધ રહે છે પરંતુ મંદિરની બહાર તંત્ર અને અઘોર ક્રિયા કરનાર સાધકો એકત્ર થાય છે અને સાધનાઓ કરે છે. કેટલાક સાધકો સ્મશાન સાધના પણ આ દિવસો દરમિયાન કરે છે. આ સમય તેમના માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે તેવી માન્યતા છે.

image source

આ વર્ષે મેળો રદ્દ કરવા અંગે મંદિરના મુખ્ય પૂજારી મોહિત સરમાનાએ જણાવ્યું હતું કે દર વર્ષે જે પરંપરા નિભાવવામાં આવે છે તે તો થશે પરંતુ મેળો નહીં થાય. આ પરંપરામાં પણ બહારના લોકોનો પ્રવેશ નિશેધ છે. અત્રે ઉલ્લેખનીય છે કે અંબુવાચી શબ્દ સંસ્કૃત શબ્દ અમ્બુવાક્ષી પરથી આવ્યો છે. જેનો અર્થ ચોમાસાની શરુઆતથી પૃથ્વી પર પાણીને સાચવો તેવો થાય છે.

image source

દેશના 51 શક્તિપીઠમાંથી એક એવા કામાખ્યા મંદિરમાં માતા સતીનો યોનિનો ભાગ પડ્યો હતો તેના કારણે અહીં કામાખ્યા પીઠની સ્થાપના થઈ. અહીં મંદિરનું નિર્માણ 15મી સદીમાં કરવામાં આવ્યું હોવાનું અનુમાન છે. અંબુવાચી ઉત્સવ દુનિયાભરના તંત્ર અને અઘોરપંથના સાધકો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ દિવસો દરમિયાન પરાશક્તિઓ જાગૃત રહે છે અને દુર્લભ તંત્ર સિદ્ધિઓની પ્રાપ્તિ કરવી સરળ હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ