આ દેશ જાપાનનો રેકોર્ડ તોડી શકશે સરેરાશ આયુષ્યમાં…જાણો કયો છે એ દેશ !

વર્ષોથી જાપાન, વિશ્વમાં સૌથી વધુ સરેરાશ આયુષ્ય માટે જાણીતું છે. પરંતુ તાજેતરમાં થયેલા અભ્યાસમાં એવું જાણવા મળ્યું કે સ્પેન, ૨૦૪૦ સુધી જાપાનનો આ રેકોર્ડ તોડી નાખશે અને સૌથી વધુ આયુષ્ય ધરાવતો દેશ બની જશે.

હેલ્થ મેટ્રીક્સ એન્ડ એવેલ્યુએશન ઇન્સ્ટીટયુટના રીસર્ચર્સએ ૨૦૧૬ના ગ્લોબલ બર્ડન ઓફ ડીસીસ પ્રોજેક્ટના ડેટાની મદદથી ૧૯૫ દેશોનું ૨૦૧૭ થી ૨૦૪૦ દરમિયાન સરેરાશ અપેક્ષિત આયુષ્યની ગણતરી કરી.

આ ઉપરથી સાબિત થયું કે આ સમયગાળા દરમિયાન, વર્ષ ૨૦૪૦ ના અંતે સ્પેન દેશના રહેવાસીઓનું આયુષ્ય ૮૫.૮ વર્ષ જેટલું થઈ જશે જયારે જાપાનના લોકોનું અપેક્ષિત સરેરાશ આયુષ્ય ૮૫.૭ વર્ષ હશે.

ત્યારબાદ સિંગાપુર અને સ્વીત્ઝરલૅન્ડ ત્રીજા અને ચોથા ક્રમાંકે ૮૫.૪ અને ૮૫.૨ વર્ષ સાથે આવશે.

એક તરફ વિકસિત અને વિકાશશીલ દેશોમાં સરેરાશ આયુષ્ય ધીરે ધીરે ઉપર આવતા દેખાય છે જયારે અમેરિકા જેવો વિકસિત દેશ સરેરાશ આયુષ્યની બાબતે ૪૩માં નંબરથી ૬૪માં નંબર સુધી ફેંકાઈ જશે. એવું માનવામાં આવે છે કે ૨૦૪૦ સુધી, અમેરિકાનું સરેરાશ આયુષ્ય ૭૯.૮ વર્ષ જેટલું થઈ જશે જે વિકસિત દેશોની કેટેગરીમાં સૌથી ઓછું હશે.

૨૦૪૦ સુધી લોકો આજ કરતા લગભગ ૪.૪ વર્ષ વધારે જીવશે એવું માનવામાં આવે છે જેની સરખામણીમાં અમેરિકાના લોકો ફક્ત ૧.૧ વર્ષ જ વધુ જીવશે.

આની પાછળનું મુખ્ય કારણ ડ્રગ્સને લીધે થતું મૃત્યુ છે જે અમેરિકામાં દર વર્ષે વધી રહ્યું છે. ફક્ત આ જ નહિ, અમેરિકામાં વધતી જતી સ્થૂળતા પણ એક પ્રશ્ન છે. એક રીપોર્ટ પ્રમાણે ૧૮ થી ૩૫ વર્ષની ઉમરના ૩૯.૮ ટકા લોકો મેદસ્વિતાનો ભોગ બનેલા છે.

‘ધુમ્રપાન અને ખરાબ ડાયેટ, આ ૨ મુખ્ય કારણો બનશે સરેરાશ ઉમર ઘટવાનું પરંતુ દેશની ગવર્મેન્ટ અને હેલ્થ ડીપાર્ટમેન્ટએ આ બાબતે યોગ્ય નિર્ણય લઈને આ જોખમ ઓછું કરવા પ્રયત્ન કરવું જોઈએ.’

લેખન.સંકલન : યશ મોદી