ભારતની આઝાદી માટે શા માટે 15મી ઓગસ્ટનો દીવસ પસંદ કરવામાં આવ્યો હતો ? શા માટે જ્યોતિષોએ આ તારીખનો વિરોધ કર્યો હતો ? જાણો તે પાછળનું કારણ

આપણી આઝાદીને હવે 72 વર્ષ પૂર્ણ થશે તેમ છતાં આપણે એવી ઘણી બધી બાબતો, એવી ઘણી બધી હકીકતો છે જેને નથી જાણતા. દર વર્ષે આપણે જ્યારે ક્યારેય પણ 15 મી ઓગસ્ટે દેશની સ્વતંત્રતાને ઉજવીએ છીએ ત્યારે આપણને ક્યારેય એવો વિચાર નથી આવતો કે શા માટે આપણે આ ચોક્કસ દિવસે જ સ્વતંત્રતા ઉજવીએ છીએ શા માટે આપણને 15મી ઓગસ્ટે જ સ્વતંત્રતા આપવામાં આવી હતી.

પણ તેની પાછળનું કારણ જાણીને તમને ખરેખર અચરજ થશે. તો ચાલો આ લેખમાં આપણે જાણીએ આ કારણ વિષે વિગતવાર.

જો તમે ફ્રીડમ એટ મીડનાઈટ પુસ્તક વાંચ્યું હોય તો તેમાં જ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ “અડધી રાતે આઝાદી” પણ ઉપલબ્ધ છે. પરેશ રાવલ અભિનિત ફિલ્મ સરદાર જ્યારે થિયેટરમાં રિલિઝ થઈ હતી તે વખતે થિયેટરમાં આ પુસ્તકને પણ ડીસ્કાઉન્ટ પર વેચવામાં આવતું હતું. એક ભારતીય તરીકે તમારે આ પુસ્તક ચોક્કસ વાંચવું જોઈએ.

હા, તો આ પુસ્તકમાં 15મી ઓગસ્ટની તારીખ પસંદ કરવા બાબતે એક કિસ્સો ટાંકવામાં આવ્યો છે. પુસ્તકમાં લખવામાં આવ્યું હતું કે માઉંટ બેટને કહ્યું હતું, “મેં સત્તા સોંપવા માટેની તારીખ નક્કી કરી લીધી છે. આ તારીખ હશે 15મી ઓગસ્ટ 1947.’

આ વાત ભારતની આઝાદીના લગભઘ 70-75 દિવસ પહેલાની છે. તે વખતે લોર્ડ માઉન્ટબેટને મહાત્મા ગાંધીને ભારતના ભાગલા માટે મહાપરાણે મનાવી લીધા હતા. ગાંધીજીની લીલી ઝંડી મળ્યા બાદ હવે બધું તેમના જ પક્ષે હતું.

ગાંધીજી પાસેથી ભાગલા પાડવાની રજા મળ્યા બાદ માઉન્ટુબેટને ઘોષણા કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી જ્યાં તેમણે જાહેરાત કરી કે કેવી રીતે ભાગલા વખતે કરોડો લોકોનું સ્થળાંતર થશે, વિસ્થાપન થશે અને કેવી રીતે ભુગોળના આધારે ભારત અને પાકિસ્તાનને વહેંચવામાં આવશે, તેના ભાગલા પાડવામાં આવશે. આ કોન્ફરન્સમાં ભારત ઉપરાંત વિદેશી પત્રકારોનો પણ મેળાવડો થવાનો હતો. પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ થવાના આરે હતી અને એક પત્રકારે તેમને પ્રશ્ન પુછ્યો કે તમે ખુબ જ જલદી બધી વ્યવસ્થા કરી રહ્યા છો, તો શું તમે ભારતને આઝાદી આપવા માટેની તારીખ નક્કી કરી લીધી છે કે શું ?

ત્યારે માઉન્ટ બેટનના ચહેરા પર એક સ્મિત આવે છે અને તેઓ કહે છે, “હા આઝાદીની તારીખ નક્કી થઈ ગઈ છે.” તરત જ પત્રકારે તેમને વળતો પ્રશ્ન પુછ્યો, “તો અમને જણાવો કે તે કઈ તારીખ છે ?” જેના જવાબમાં માઉન્ટબેટન મૌન રહ્યા બસ એક હળવું સ્મિત કર્યું. વાસ્તવમાં તેમણે હજુ સુધી તારીખ નક્કી નહોતી કરી.

માઉન્ટબેટને એવું તો કહી દીધું કે હા તારીખ નક્કી થઈ ગઈ છે. જો કે વાસ્તવમા તેમણે તેવું કંઈ હજુ નક્કી નહોતું કર્યું અને તે તારીખ જણાવી ન શક્યા. અને તારીખ જાણવાની ઉત્સુકતા દરેક પત્રકારના મનમાં જાગી ઉઠી. તેઓ ભારત ક્યારે આઝાદ થવાનું છે તે જાણવા ઉત્સુક થઈ ગયા.

આ દરમિયાન માઉન્ટ બેટને તારીખ માટે ઘણો વિચાર કર્યો. તેમણે વિચાર્યું ક્યારની તારીખ આપું ! સપ્ટેમ્બરના એન્ડમાં કે પછી મધ્ય ઓગસ્ટમાં ? અને અચાનક તેમના મનમાં એક તારીખ જબકી ઉઠી અને તે હતી 15મી ઓગસ્ટ 1947ની તારીખ.

આમ ક્ષણવારમાં માત્ર થોડી ક જ મિનિટનો વિચાર કરીને તેમણે ભારતને આઝાદી આપવા માટે તારીખ નક્કી કરી લીધી અને પત્રકારો સમક્ષ તેમણે તેની જાહેરાત પણ કરી દીધી. બસ અને નક્કી થઈ ગયો ભારતની આઝાદીનો દીવસ.

માઉન્ટબેટન દ્વારા જાહેર કરવામાં આવેલી તારીખનો વિરોધ થયો

માઉન્ટબેટન દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે તારીખની જાહેરાત કરવામાં આવી કે તરત જ તેની ખબર સમગ્ર દેશમાં ફેલાઈ ગઈ. પણ કેટલાક એવા લોકો હતા જેમને આ તારીખ ભારતની આઝાદી માટે પસંદ નહોતી. ખાસ કરીને જ્યોતિષ સમુદાયને આઝાદી માટે આ તારીખ યોગ્ય નહોતી લાગી અને તેમણે તેનો વિરોધ પણ કર્યો હતો.

જ્યોતિષોનું શું માનવું હતું.

વાસ્તવમાં જ્યોતિષોનું એવું માનવું હતું કે 15 ઓગસ્ટ 1947ના દિવસે શુક્રવાર હતો. અને તેમનું એવું માનવું હતું કે જો આ દિવસે ભારત આઝાદ થશે તો ભયંકર ઉથલપાથલ થઈ જશે અને ભારતને નુકસાન થશે. તેઓ આ દિવસને ખુબ જ અપશુકનિયાળ માનતા હતા.

માઉન્ટબેટનને તારીખ બદલવા માટે અરજ કરવામાં આવી

ભારતની આઝાદીની તારીખ બદલવા માટે કોલકાતાના એક સંત દ્વારા માઉન્ટબેટનને એક અરજી પણ મોકલવામાં આવી હતી. તેમને અરજ કરવામાં આવી હતી કે તેઓ આ તારીખને આગળ કે પાછળ કરી દે. જે બાબતે માઉન્ટબેટન એકના બે ન થયા. જેની પાછળ પણ તેમનું પોતાનું એક કારણ હતું.

એ કારણ એ હતું કે એક વખતે માઉન્ટ બેટન બર્મામાં બ્રિટિશ સૈન્યની આગેવાની કરી રહ્યા હતા. તે વખતે તેઓ બ્રિટિશ કમાન્ડર હતા. તે સમયે તેમનું વિરોધી જાપાન હતું અને તે વખતે જાપાનના સૈન્યએ તેમની સામે કોઈ પણ જાતની શરતો રાખ્યા વગર આત્મસમર્પણ કરી લીધું હતું. અને તે દિવસ હતો 1945ના ઓગસ્ટ મહીનાની 15મી તારીખનો દિવસ.

જાપાનના આ સમર્પણને તેમણે હંમેશા પોતાની જીત માની છે. અને 15મી ઓગસ્ટ 1947ના રોજ આ જીતની બીજી વર્ષગાંઠ હતી. અને માટે જ તેમણે ભારતની આઝાદીની તારીખ ન બદલી. અને 15મી ઓગસ્ટ 1947ના દિવસે ભારત એક સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ