આજની પોઝિટિવ સ્ટોરી: એક ગુરુને કારણે નાનકડા ગામનો ગરીબ ઘરનો છોકરો આઈએએસ બન્યો, વાત ગુરુ રતિલાલ બોરીસાગર અને શિષ્ય જે. બી. વોરાની

એક ગુરુને કારણે નાનકડા ગામનો, ગરીબ ઘરનો છોકરો આઈએએસ બન્યોઃ વાત ગુરુ રતિલાલ બોરીસાગર અને શિષ્ય જે. બી. વોરાની.

ગુજરાતના એક નાનકડા ગામના ગરીબ પરિવારમાંથી પરિશ્રમ કરી આઈએએસ બનીને સત્તાનો ઉપયોગ લોકોના કલ્યાણ માટે કરનાર જે. બી. વોરાનું જીવન દરેક યુવાનને પ્રેરણા આપે તેવું છે. આજે એક એવી વ્યક્તિની વાત કરવી છે જેણે પરિશ્રમ અને પ્રતિબદ્ધતાથી તળેટીથી શિખર સુધીનું આરોહણ કરીને સફળતા મેળવી છે. એ વ્યક્તિનું નામ છે જે. બી. વોરા. એક શિક્ષક ધારે તો વિદ્યાર્થીને ક્યાં પહોંચાડી શકે તેની પ્રેરક કથા જાણવા જેવી છે. એ શિક્ષક માત્ર શિક્ષક નથી, પરંતુ જાણીતા કેળવણીકાર અને હાસ્યલેખક રતિલાલ બોરીસાગર છે.

image source

ગુજરાતના એક નાનકડા ગામના ગરીબ પરિવારમાંથી પરિશ્રમ કરી આઈએએસ બનીને સત્તાનો ઉપયોગ લોકોના કલ્યાણ માટે કરનાર જે. બી. વોરાનું જીવન દરેક યુવાનને પ્રેરણા આપે તેવું છે.

ગુજરાતીઓ ઉદ્યોગપતિ તો રમતાં-રમતાં થઈ જાય, પણ આઈએએસ થવામાં તેમને ભારે તકલીફ પડે. આંગળીના વેઢે ગણી શકાય તેટલાં નામો આપણી પાસે ગુજરાતી આઈએએસનાં છે. આ નામોમાં એક નામ જે. બી. વોરાનું છે. વોરા સાહેબે આઈએએસ થઈને પોતાની સત્તાનો ઉપયોગ ગરીબ લોકોનાં કલ્યાણ માટે કર્યો. ગુજરાતી ભૂમિનું એ તપ છે કે આવાં માનવરત્નો અહીં સમયાંતરે થતાં રહે છે.

જે. બી. વોરા માટે આઈએએસ થવું સહેલું નહોતું. તેમનું મૂળ ગામ મહુવા શહેરની નજીક આવેલું કાંકીડી. તેમના પિતાનું નામ ભગવાનભાઈ અને માતાનું નામ રાધાબહેન. કૃષ્ણ સાથે અનુસંધાન સાધીને તેમનું નામ જાદવ રાખવામાં આવ્યું હતું. તેમની મૂળ જ્ઞાતિ વાટલિયા પ્રજાપતિ. પ્રજાપતિનો એક દીકરો કલેક્ટર અને કમિશનર બને, અનેક લોકોની દુવાઓ મળે તેવી કામગીરી કરે એ વાત માનવતાને વધારે ઉજળી કરે તેવી છે.

જે. બી. વોરાની આઈએએસ સુધીની સફરમાં એક મહત્વનું નામ છે જાણીતા હાસ્ય લેખક અને કેળવણીકાર રતિલાલ બોરીસાગરનું. જે. બી. વોરા તેમના વિદ્યાર્થી. મેટ્રિક (અગિયારમું ધોરણ) પસાર કરીને જે. બી. વોરા પોતાના એક મિત્ર સાથે એ વખતના શિક્ષક રતિલાલ બોરીસાગર પાસે સલાહ લેવા ગયેલા. આગળ ભણવાનું મન હતું, પણ ગરીબી તેમને રોકતી હતી. સાવરકુંડલાની જ્ઞાતિની બોર્ડિંગમાં રહેવું કે અમદાવાદમાં રહીને ભણવું તે તેઓ નક્કી કરી શકતા નહોતા. રતિલાલ બોરીસાગરના કહેવાથી એ બંને વિદ્યાર્થીઓ સાવરકુંડલાની વી. ડી. કાણકિયા આર્ટ્સ અને એમ. આર. સંઘવી કોલેજમાં દાખલ થયા. જે.બી.વોરા પોતાની તેજસ્વિતા અને ગુણ સમૃદ્ધિને કારણે અધ્યાપકોમાં પ્રિય થઈ પડ્યા.

image source

એક દિવાળી વેકેશનમાં જે. બી. વોરા અને તેમના મિત્ર નારણભાઈ કળસરિયા બોરીસાગર સાહેબને મળવા ગયા અને કહેવા ગયા કે હવે અમે કોલેજમાં પાછા નહીં આવીએ. અમે હવે આગળ નહીં ભણી શકીએ.

જે. બી. વોરાએ બીજા યુવાનોની જેમ હીરા ઘસવાનું નક્કી કરી લીધું હતું. એ વખતે હીરા ઘસવાનો નવો નવો ઉદ્યોગ વિકસ્યો હતો અને હજારો યુવાનો અભ્યાસ છોડીને તેમાં લાગી ગયા હતા. હીરા જેવા ઘણા તેજસ્વી યુવાનોની કારકિર્દી હીરા ઘસવામાં ઝંખવાઈ ગઈ હતી. જો બોરીસાગર સાહેબે દરમિયાનગીરી ના કરી હોત તો જે. બી. વોરાનું પણ એમ જ થાત. બોરીસાગર સાહેબે કહ્યું કે તમારે ભણવાનું છે. હીરાના ઉદ્યોગમાં ગમે એટલાં અને ગમે તેવાં આંબા-આંબલી દેખાતાં હોય તો પણ તેમાં તમારે ફસાવાનું નથી.

image source

એ પછી તો તેમણે જે. બી. વોરા અને તેમના મિત્ર નારણભાઈ કળસરિયાની બોર્ડિંગમાં રહેવાની સગવડ કરી. એક શિક્ષકના નૈતિક બળનો પરચો મળ્યો અને જે. બી. વોરા સાહેબ આઈએએસ થયા. જે. બી. વોરાએ રતિલાલ બોરીસાગરને વચન આપ્યું હતું કે સાહેબ, એક દિવસ તમે મને આઈએએસ થયેલો જોશો. જીપીએસસીની પરીક્ષા પાસ કરી મામલતદાર થઈ, તેમની એક દક્ષ અને નખશિખ પ્રામાણિક અધિકારીની કામગીરીની કદર રૂપે પછીથી તેમનું આઈએએસ કેડરમાં નોમિનેશન થયું. બોરીસાગર સાહેબ કહે છે, એમના બંગલા પર લાગેલા બોર્ડમાં મેં જ્યારે પહેલી વાર ‘જે. બી. વોરા – આઈએએસ’ વાંચ્યું ત્યારે મારી છાતી ગજગજ ફૂલી હતી. એક શિક્ષક ધારે તો પોતાના વિદ્યાર્થીને ક્યાં પહોંચાડી શકે તે આ કથાની એક રળિયામણી બાજુ છે.

ગરીબીને નાથીને આઈએએસ થયેલા જે. બી. વોરાએ પોતાની સત્તાનો ઉપયોગ ગરીબો માટે જ કર્યો. ગુજરાતના મુખ્ય સચિવ ડો. જે. એન. સિંગ કહે છે કે તેમની આંખોમાં મેં હંમેશાં વંચિતો, શોષિતો, શ્રમિકો અને ગરીબો ઉપરાંત પોતાના રાજ્ય-દેશ માટે કશુંક કરી છૂટવાની ભાવના વાંચી છે. તેઓ મિત્તભાષી છે, તેમનો સ્વર ધીમો છે પણ મનોબળ મજબૂત છે. વહીવટ લાગણીથી થતો નથી એ ઉક્તિ તેમણે ખોટી પાડી તેમની કારકિર્દીમાં આરંભથી જ લોકાભિમુખ વલણ રહ્યું છે. સૌ માટે સંવેદના રાખવી, અન્યને સુખી કરવા જાત ઘસીને ઉજળા થવું તથા કર્તવ્ય એ જ આનંદ એ ભાવના સાથે તેમણે કામ કર્યું છે. એ વખતે હીરા ઘસવાનો નવો નવો ઉદ્યોગ વિકસ્યો હતો અને હજારો યુવાનો અભ્યાસ છોડીને તેમાં લાગી ગયા હતા. હીરા જેવા ઘણા તેજસ્વી યુવાનોની કારકિર્દી હીરા ઘસવામાં ઝંખવાઈ ગઈ હતી.

ગુજરાતી ભાષામાં સનદી અધિકારીઓનાં જીવન ચરિત્રો ઘણાં ઓછાં લખાયાં છે. જે. બી. વોરાનું જીવન ચરિત્ર સંપાદક અને પત્રકાર રાજ ભાસ્કરે લખ્યું છે. આ પુસ્તકમાં કાંકીડી ગામની કેડીથી કલેક્ટર, કમિશનર સુધીની સફરનો આલેખ રસપ્રદ રીતે ઝીલાયો છે. આ પુસ્તકના સહ લેખક કનુભાઈ આચાર્ય છે. પુસ્તકનું પ્રકાશન અમદાવાદના ‘બુક શેલ્ફ’ દ્વારા થયું છે. જે. બી. વોરાએ પોતાની આ જીવનકથા માતા-પિતાને અર્પણ કરી છે.

ગરીબી, અભાવો, પડકારો નાથીને પણ ઉચ્ચ સફળતા પ્રાપ્ત કરી શકાય છે તેનું બયાન એટલે જે. બી. વોરા સાહેબનું પ્રેરક જીવન. તેમનું જીવન વહીવટમાં ઉચ્ચ સ્થાને બેઠેલી વ્યક્તિ ધારે તો કેટલું સુંદર કામ કરી શકે તેનું પણ ઉત્તમ ઉદાહરણ છે. ગુજરાતના પ્રત્યેક યુવાને આ પુસ્તક અચૂક વાંચવું જાઈએ. આ પુસ્તક આત્મવિશ્વાસના અભાવથી પીડાતી કોઈ પણ વ્યક્તિની બેટરી ફુલ કરી દે તેવું પાવરફુલ છે.

તો આ કથા છે એક ગુરુની નિષ્ઠાની અને શિષ્યની ગુરુવંદનાની.

આલેખનઃ રમેશ તન્ના

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ