બિહારના આ 87 વર્ષના દાદાની પ્રેમ કહાની વાંચીને તમારી આંખો પણ ભીની થઇ જશે…

મનુષ્ય પાસે પોતાના પ્રેમને અભિવ્યક્ત કરવા માટે અગણિત રીતો છે. પ્રેમી પેતાની પ્રેમિકાને પુષ્પગુચ્છ આપીને પ્રસન્ન કરે છે તો માતા બાળકોને વહાલ કરીને પ્રેમને અભિવ્યક્ત કરે છે તો વળી પિતા પોતાના બાળકને તેમને ગમતું રમકડું લાવીને, તો ભાઈ ભાંડરડા પોતાના નાના ભાઈ-બહેનને ચોકલેટો આપીને પોતાનો પ્રેમ અભિવ્યક્ત કરતા હોય છે. આમ દરેક સંબંધમાં પ્રેમની અભિવ્યક્તિ અલગ અલગ હોય છે અને સંજોગો પ્રમાણે પણ પ્રેમની અભિવ્યક્તિ અલગ અલગ હોય છે.

પતિ-પત્નીનો સંબંધ એવો છે કે જે તમારા જીવનનો સૌથી લાંબો સંબંધ હોય છે. તમારા માતાપિતા સાથે તમે જીવનના 25-30 વર્ષ પસાર કરો છો જ્યારે પતિ-પત્ની જીવનના 40-50-60 વર્ષ એક સાથે પસાર કરી દે છે. તેઓ એકબીજાને જેટલું ઓળખતા હોય છે તેટલું બીજું કોઈ જ નથી ઓળખતું. ઘણીવાર તો પતિ પણ પોતાની જાતને નથી ઓળખતો એટલી પત્ની તેને ઓળખતી હોય છે તો વળી પતિ પણ પત્નીને તેના કરતાં પણ વધારે ઓળખતો હોય છે.

બિહારના આ વૃદ્ધે પત્ની પ્રત્યેનો પ્રેમ સાવ જ અનોખી રીતે વ્યક્ત કર્યો છે. જેને જાણીને આંખના ખૂણા ભીના થઈ જશે. બિહારના પુર્ણિયાના રુપૌલી ગામમાં રહેતા 87 વર્ષિય વૃદ્ધ ભોલાનાથ આલોક છેલ્લા 27 વર્ષથી પોતાની પત્નીના અસ્થિ સાંચવીને બેઠા છે. તેમણે ક્યારેય આ અસ્થિને પોતાનાથી અળગા નથી થવા દીધા.

87 વર્ષના આ વૃદ્ધ, પત્ની વિયોગમાં મૃત્યુની રાહ જોઈને બેઠા છે. તેમને પોતાની પત્ની સાથે એટલો લગાવ છે કે તેઓ મૃત્યુ વખતે પણ આ અસ્થિઓ પોતાની છાતીએ વળગાળીને જ પોતાના જીવનનો અંતિમ શ્વાસ લેવા માગે છે.

ભોલાનાથ પોતાની પત્નીને યાદ કરતાં જણાવે છે, “અમારા લગ્ન ખુબ જ નાની ઉંમરમાં થયા હતા અને અને બસ તે નાની વયે જ અમે એકબીજા સાથે જીવવા-મરવાના વચન લઈ લીધા હતા. અમારો સંસાર ખુબ સરસ રીતે ચાલી રહ્યો હતો અને પદ્માને ભગવાન પર ખુબ શ્રદ્ધા હતી પણ દુર્ભાગ્યપુર્ણ રીતે મારી પદ્મા મને વહેલી મુકીને જતી રહી પણ હું ન મરી શક્યો. જોકે મેં તેની યાદો સાંચવી રાખી છે.”

આમ કહેતાં તેમણે પોતાના ઘરના આંગણામાં એક વૃક્ષની ડાળી પર લટકતી એક પોટલી તરફ આંગળી ચીંધી અને કહ્યું, “તે પોટલીમાં મારી પત્નીના અસ્થિ સાંચવીને રાખ્યા છે. જે છેલ્લા 27 વર્ષથી તે ડાળીએ લટકી રહ્યા છે. મારી પદ્મા ભલે ના રહી હોય, પણ આ ડાળી પર લટકતા અસ્થિ હંમેશા તેની યાદો તાજી કરી દે છે. અને માત્ર મારી યાદો જ તાજી નથી થતી પણ મુશ્કેલ સમયમાં તે મને ધરપત પણ આપે છે. તે હંમેશા મારી આસપાસ હોય તેવું મને લાગે છે.”

તેમણે પોતાના બાળકોને પણ પહેલેથી કહી દીધું છે કે તેમના મૃત્યુ બાદ તેમની અંતિમ યાત્રામાં તેમની પત્નીની અસ્થિની પોટલી પણ સાથે લેવી અને તેમની ચિતામાં તેમની છાતીએ આ પોટલી બાંધીને જ તેમના અગ્નિ સંસ્કાર કરવા.

ભોલાનાથ અને તેમની પત્ની પદ્માએ એકબીજાને સાથે જીવવા-મરવાના વચન તો આપી દીધા હતા. પણ તેમનું જીવવું મરવું કંઈ તેમના હાથમાં તો હતું નહીં. એકને મૃત્યુ પામ્યા આજે સત્તાવીસ વર્ષ થઈ ગયા છે અને એક મૃત્યુની રાહ જોઈ રહ્યો છે કે ક્યારે તેમનું મૃત્યુ થાય અને તેઓ પોતાના પત્નીને મળે.

તેમની પત્નીનું મૃત્યુ એક લાંબી બિમારીથી થયું હતું અને ઘણી બધી દવાઓ કરાવ્યા છતાં જેને જવાનું હતું તેને તો જવાનું જ હતું. તેમની પત્ની પતિને કરેલું વચન તોડી દુનિયામાંથી ચાલી ગઈ.

તેઓ પોતાનું દુઃખ વ્યક્ત કરતાં જણાવે છે, “હું ભર્યા સંસારમાં રહ્યો છતાં મારી પત્નીને ક્યારેય ભુલાવી નહોત શક્યો. પત્ની સાથે મરી તો ન શક્યો પણ તેણી મને જે રીતે છોડીને આ દુનિયામાંથી ચાલી ગઈ તે દુઃખ તો આજે પણ તેટલું જ તાજુ છે. અહીં ભલે તે મને છોડીને ચાલી ગઈ પણ ઉપર જઈને પણ હું પદ્માને મળીશ ત્યારે તેને ગર્વથી કહી શકીશ કે તે તો વચન ન પાળ્યું પણ મેં તો પાક્કુ પાળ્યું.”

તેમના એકલવાયા જીવનમાં તેમની નજર જ્યારે જ્યારે આંબાની ડાળીએ લટકાવેલી પોટલીની અંદરના અસ્થિવાળા કળશ પર પડ છે ત્યારે ત્યારે તેમની આંખોમાં એક સાથે આંસુ અને પ્રેમ બન્ને છલકાઈ આવે છે. આજના જમાનામાં આવો પ્રેમ જોવો ખરેખર દુર્લભ બની ગયો છે. તેમના આ પ્રેમના કારણે આજે ભોલાનાથ સ્થાનીક યુવાનોમાં પણ ખુબ પ્રિય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ