ગોવા – ફરવા જવા માટે દરેક ગુજરાતીઓની પહેલી પસંદ, ગોવાની આ અજાણી જગ્યાઓ ફરવાનું ભૂલતા નહિ…

દીવાળી પર ગોવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો ? તો આ સ્થળોની મુલાકાત લેવાનું ન ચુકશો

image source

ભારતીયો ભલે હવે વિદેશમાં પણ ફરવા લાગ્યા હોય તેમ છતાં પણ તેમને ગોવાનું આકર્ષણ તો હંમેશા રહેવાનું જ. અને માટે જ રજાઓની સિઝન આવે અને ફરવાની વાત થાય એટલે તેમાં ગોવાનો ઉલ્લેખ તો થવાનો જ. જો તમે ગોવા પહેલાં ક્યારેય ન ગયા હોવ અથવા ગયા પણ હોવ તો બની શકે કે તમે કેટલીક જગ્યાઓ જોવાનું ચૂકી ગયા હોવ. તો હવે જ્યારે ગોવાની મુલાકાત લો તો આ જગ્યાઓ જોવાનું ન ચુકશો.

બાગા બીચ

image source

ગોવામાં આમ તો અગણિત બીચ આવેલા છે પણ બાગા બીચ એ ગોવાનો સૌથી જાણીતો બીચ છે. એક વખત એવું પણ કહી શકાય કે જો તમે ગોવા ગયા હોવ અને તમે તેના આ બાગા બીચ પર ન ગયા હોવ તો તમે ગોવા ફર્યા છો તેવું ન કહી શકાય. ગોવામાંનો આ બાગા બીચ તમને બધી જ રીતે મજા કરાવે તેવો છે. આ એક અત્યંત વ્યસ્ત બીચ છે અહીં કંઈને કંઈ તો ચાલતુ જ રહે છે. અહીં તમે જો બીચના કીનારે બેસીને કંટાળી જાઓ તો તમે કેટલીક વોટર સ્પોર્ટ એક્ટીવીટી પણ કરી શકો છો. દીવસ કરતાં આ બીચ રાત્રે ઓર વધારે જીવંત બની જાય છે. અહીં ઘણી બધી પાર્ટીઓ થાય છે.

image source

બાગા બીચ ગોવાની ઉત્તરે આવેલો છે તે પણજીથી 16 કિલોમીટરના અંતરે આવેલો છે અહીં તમે ટેક્સી કે પછી ટુ-વ્હીલર ભાડે કરીને પણ પહોંચી શકો છો.

આરામબોલ બીચ

image source

આરામબોલ બીચ પણ ગોઆની ઉત્તરે પણજીથી 40 કિલોમીટેરના અંતરે આવેલો છે. આ એક શાંત બીચ છે. ઘણા લોકોને ભીડભાડવાળા બીચ નથી ગમતા અને તેવા લોકો અહીં આ બીચ પર શાંત સમય પસાર કરવા માટે આવે છે. આ એક એવો બીચ છે જ્યાં તમે એડવેન્ચર પણ કરી શકો છો અને સાથે સાથે ભીડભાડથી દૂર રહીને રીરલેક્સ પણ થઈ શકો છો.

image source

આ બીચ પર પવનનું જોર ખુબ રહે છે અને માટે જ આ બીચ પેરાગ્લાઇડીંગ અને કાઈટસર્ફીંગ માટે ઘણું આદર્શ છે. અહીં તમને હટમાં રાતવાસો કરવાનો મોકો મળી જાય છે. તેમજ આ બીચની એકદમ નજીક એક નાનકડું જંગલ પણ આવેલું છે તો તમે ફેમિલી સાથે ત્યાં પણ હાઈકીંગ માટે જઈ શકો છો.

વાગાતોર બીચ

image source

વાગાતોર પણ એક શાંત સમુદ્ર કીનારો છે. અહીં તમને પશ્ચિમિ વિદેશી પ્રવાસીઓ ખુબ જોવા મળશે. પણ ધીમે ધીમે તે ભારતીયોમાં પણ ઘણો લોકપ્રિય થવા લાગ્યો છે. આ એક અત્યંત વિશાળ બીચ છે જે લાલ કરાડોથી ઘેરાયેલો છે. અહીંથી તમે સુર્યાસ્તનું સુંદર દ્રશ્ય જોઈ શકો છો. આ બીચ તેના ખુદમાં જ બે ભાગમાં વહેંચાયેલો છે મોટો વાગાતોર બીચ અને નાનો વાગાતોર બીચ. મોટો વાગાતોર બીચની કીનારીએ અસંખ્ય તાડના ઝાડ લાગેલા છે અને તેની રેતી એટલી બધી સોફ્ટ છે કે તમારા પગ તેમાં ખુંતી જાય. અને પ્રવાસીઓને જે સૌથી વધારે ગમે તે છે અહીંની સ્વચ્છતા આ એક અત્યંત સ્વચ્છ બીચ છે. આ બીચ પણજીથી માત્ર 19 કિલો મીટરના અંતરે આવેલો છે જેને તમે ટેક્સી કે પછી ટુ-વ્હીલરથી ફરી શકો છો.

કસીનો ક્રૂઝ

image source

ગોવામાં આ એક અલગ જ પ્રવૃત્તિ છે. સામાન્ય રીતે ભારતીય લોકો ગોવામાં તેના સમુદ્ર કીનારાને માણવા માટે જતા હોય છે. પણ ઘણા બધાના જીવનની એક ઇચ્છા હોય છે કે તેઓ જીવનમાં એકવાર તો ક્રૂઝ પર જાય જ. તેવા લોકો પોતાની આ ઇચ્છાને થોડા-ઘણા અંશે પુરી કરી શકે છે.

image source

આ પ્રકારના ક્રૂઝ પર મુલાકાતીઓ 12 કલાક સુધી રોકાઈ શકે છે અને તેના લાસવેગસ જેવા એમ્બિયન્સને એન્જોય કરી શકે છે. અહીં લાસવેગસની જેમ કસીનો પણ હોય છે જ્યાં તમે તમારું નસીબ અજમાવી શકો છો. જો કે જીતવા-હારવાનું જોખમ તમારા પર રહે છે.

બાંબોલીમ બીચ

image source

પણજીથી માત્ર સાત જ કિલોમીટર દૂર આવેલો છે આ બીચ. પણ હજી સુધી મોટા ભાગના પ્રવાસીઓની નજરે નથી પડ્યો અને માટે જ આટલો નજીક હોવા છતાં ત્યાં ઘણા ઓછા ટુરીસ્ટ જોવા મળે છે. જે કોઈ પણ અજાણતા આ જગ્યાએ પહોંચી જાય છે તે આ જગ્યાના સૌંદર્યને જોતું જ રહી જાય છે. અહીંની સોનેરી રેતી અને લીલું છમજંગલ એક અલગ જ તાજગી બક્ષે છે. અહીં તમને માત્ર કુદરતી સૌંદર્યને જ નિહાળતા રેહવાનું મન થશે. જો કે અહીં પણ તમે ઘણા બધા એડવેન્ચર કરી શકશો. ખાસ કરીને અહીં તમે સ્કુબા-ડાઈવીંગ કરી શકશો. જો કે અહીં રેહવા માટે ઘણી ઓછી હોટેલો આવેલી છે.

ચારપોરા નદી

image source

પણજીથી માત્ર 24 કિલોમીટરના અંતરે આવેલી આ નદી ઉત્તર ગોવાથી નીકળીને અરેબિયન સમુદ્રમાં ભળે છે. ગોવાની આ નદી પર્યટકોમાં ખુબ જ જાણીતી છે. આ નદી પર પ્રવાસીઓને ક્રૂઝ રાઈડ પણ કરાવવામાં આવે છે અને સાથે સાથે સ્વાદિષ્ટ નાશ્તો અને ડ્રીંક્સ પણ આપવામાં આવે છે.

image source

પ્રવાસીઓને આ નદીની સહેલ ખાસ કરીને સુર્યાસ્ત સમયે કરાવવામા આવે છે કારણ કે તે સમયે નદીનું સૌંદર્ય ઓર વધારે ખીલી ઉઠે છે. આ નદી અત્યંત શાંત છે અને અહીં આવનાર પ્રવાસીઓ હંમેશા તેની આ નિર્મળ શાંતિમાં ખોવાઈ જાય છે.

અગૌડાનો કિલ્લો

image source

પોર્ટુગીઝ દ્વારા બનાવવામાં આવેલો આ કીલો 1612થી અડીખમ ઉભો છે. આ કિલ્લાને ડચ તેમજ મરાઠાઓના આક્રમણથી બચાવવાના હેતુથી બનાવવામાં આવ્યો હતો. તેના સમયમાં આ એક ભવ્ય કીલ્લો હતો. આ કીલામાં 79 તોપો તેમજ અન્ય કેટલાક હથિયારો તેનાત રાખવામાં આવતા હતા. આજે આ એક લોકપ્રિય લેન્ડમાર્ક છે જે સિન્ક્વેરિયમ બીચ અને કેન્ડોલીમ બિચને અલગ કરે છે.

image source

આ કીલ્લા પર એક જુનું લાઇટહાઉસ પણ આવેલું છે જેને 1864માં બનાવવામાં આવ્યું હતું. ભારતની આ એક સૌથી જુની દીવાદાંડી છે. જો તમે કેન્ડોલીમ કે પછી સિન્ક્વેરિયમ બીચની મુલાકાત લેવાના હોવ તો તમારે અગૌડા કિલ્લાની મુલાકાત લેવી જ જોઈએ.

મંગેશી મંદીર

image source

ગોવામાં આમ તો તમને મંદીરો કરતાં ચર્ચો વધારે જોવા મળશે કારણ કે અહીં આજે પણ તમને પોર્ટુગીઝ વાસ્તુકલા તેમજ પ્રભાવ જોવા મળશે. અને ગોવાની મોટાભાગની વસ્તી ક્રીશ્ચિયન છે. પણ જો તમે ગોવામાં આવેલા આ મંગેશી મંદીરની મુલાકાત લેશો તો તેમાં તમે હિંદુ વાસ્તુકલા ભારોભાર જોવા મળશે. આ એક શિવ મંદીર છે અને એક વાયકા પ્રમાણે અહીં બ્રહ્માજીએ પોતે જ શિવલિંગની સ્થાપના કરી હતી.

અર્વલેમની ગુફાઓ

image source

ગોવામાં એક ટુરિસ્ટ મોટે ભાગે તેના સમુદ્રકીનારાઓ માટે જ જતો હોય પણ જો આટલે દૂર તમે આવી જ ગયા હોવ અને તમારી પાસે સમય હોય તો તમારે પણજીની નજીક આવેલી અર્વલમની ગુફાઓ ચોક્કસ જોવી જોઈએ. તેને પાંડવોની ગુફા પણ કહેવામાં આવે છે. તે ગોવાની ઉત્તરે આવેલી છે. આ ગુફાઓ છઠ્ઠી સદીમાં કોતરવામાં આવી હતી.

ધી ચર્ચ ઓફ લેડી ઓફ ઇમાકુલેટ કોન્સેપ્શન

image source

પ્રથમવાર આ ચર્ચ 1541માં બનાવવામાં આવ્યું હતું. આ ચર્ચની મુલાકાત ગોવા ફરવા આવતા પ્રવાસીઓ ચોક્કસ લે છે. ત્યાર બાદ આ જ ચર્ચ પર એક વિશાળ બિલ્ડીંગ 1619માં બનાવવામાં આવી હતી. ત્યાર પછી તો તેમાં ઘણાબધા ફેરફાર કરવામા આવ્યા. પણ મૂળ બિલ્ડીંગ તો તેમની તેમજ રહી. આ ચર્ચની મુલાકાત માત્ર ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વમાંથી આવતા ક્રિશ્ચિયન લોકો લે છે.

image source

આજે આ ચર્ચ પણજીનું એક વિશાળ સફેદ લેન્ડમાર્ક છે જો કે તેનું ઇન્ટિરિયર તેના બહારના ભાગ કરતાં ક્યાંય વધારે રંગીન છે. જો તમે પણજીમાં માત્ર એકાદ- બે કલાક પણ રોકાવાના હોવ તો તમારે આ ચર્ચની મુલાકાત ચોક્કસ લેવી જોઈએ.

મહાલક્ષ્મીનું મંદીર

image source

ગોવામાં હીન્દુ વસ્તી ઘણી ઓછી છે પણ જો તમે ગોવામાં ગયા હોવ અને તમને મંદીરે જવાનું મન થાય તો તમારે ગોવાના બંડોરા ગામમાં આવેલા પૌરાણીક લક્ષ્મી મંદીરની મુલાકાત ચોક્કસ લેવી જોઈએ. આ મંદીરનું નિર્માણ 1413માં થયું હતું. આ મંદીરમાં નવરાત્રી ભારે ઉત્સાહથી ઉજવવામાં આવે છે.

અર્વલેમનું સુંદર ઝરણુ

image source

આગળ તમને જણાવ્યું તેમ અર્વલમની ગુફાની મુલાકાતની સાથે સાથે તમારે આ સુંદર ઝરણાની મુલાકાત પણ લેવી જેઈએ. આ ઝરણું લગભગ 24 ફુટ ઉંચુ આવેલું છે. આ એક પીકનીક સ્પોટ છે. ગોવામાં આવેલા રુદ્વેશ્વર મંદીરની સીડીઓથી પણ આ ઝરણાનુ સુંદર દ્રશ્ય નિહાળી શકાય છે. પ્રવાસીઓની સગવડ માટે આ ઝરણા નજીક એક પાર્ક પણ બનાવવામાં આવ્યો છે અને તે પાર્કમાં બેઠા બેઠા લોકો આ સુદંર દ્રશ્યને નિહાળી શકે છે.

ચપોલી ડેમ

image source

ગોવામાં કુદરતી સૌંદર્ય માટે બધા જ જરૂરી કુદરતી તત્ત્વો હાજર છે. ત્યાં વહેતી નદીઓ છે, ઉછાળા લેતો દરિયો છે, લીલી છમ ટેકરીઓ છે, ખળખળ વહેતા ઝરણા છે બધું જ છે. મડગાવથી માત્ર 40 કિલોમીટરના અંતરે આવેલો ચપોલી ડેમ કુદરતના ખોળામાં બનાવવામાં આવેલો ડેમ છે. આ ડેમ બધી જ બાજુએથી લીલીછમ ટેકરીઓથી ઘેરાયેલો છે.

કોલ્વા બીચ

image source

ગોવા ફરવા આવ્યા હોવ તો આ કોલ્વા બીચની મુલાકાત ચોક્કસ લેવી જોઈએ. ગોવામાં આવેલો આ બીચ 25 કિલોમીટર લાંબો છે. અહીંની સુંવાળી રેતી અને ચમકતો દરિયો ગોવામાં આવતા પ્રવાસીઓને ખુબ આકર્ષે છે. જો તમને વધારે પડતો શાંત બીચ ન ગમતો હોય અને વધારે પડતો ઘોંઘાટિયો બીચ ન ગમતો હોય તો તમારા માટે આ બીચ એકદમ આદર્શ છે. અહીં તમને એકલતા પણ નહીં લાગે અને મેળા જેવું પણ નહીં લાગે. અહીં તમે દરિયાને નિહાળતા નિહાળતા જાત-જાતના પિણા તેમજ નાશ્તાની મજા પણ માણી શકો છો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ