અમદાવાદમાં ખરીદી કરવા માટેના સસ્તા અને વ્યાજબી બજારો…

અમદાવાદમાં આવેલા આવેલા વ્યાજબી અને સારા બજાર, દીવાળી આવી રહી છે તો ઓનલાઈન શોપિંગ છોડો અને અમદાવાદના સ્થાનિક વ્યાજબી માર્કેટોમાં આંટો મારી આવો

image source

ઓનલાઈન સેલ સિઝન તો મિન્ત્રા, એમેઝોન તેમજ ફ્લિપકાર્ટવાળાએ શરૂ કરી દીધો છે. અને બસ નવરાત્રી પતે એટલે દીવાળીની ખરીદી પણ પુરજોશમાં આવી જશે. જો તમે અમદાવાદમાં ન રહેતા હોવ અને માત્ર નવરાત્રીની ઉજવણી કરવા અહીં આવ્યા હોવ અથવા તો પછી અમદાવાદમાં નવા નવા શિફ્ટ થયા હોવ તો તમારા એરિયાની છુટ્ટક દુકાનો કે પછી મોલમાં ખરીદી કરવાની જગ્યાએ અમદાવાદમા આવેલા આ માર્કેટોની મુલાકાત તમારે એકવાર ચોક્કસ લેવી જ જોઈએ.

image source

અમદાવાદના માર્કેટોમાં તમે ઘરવખરીથી માંડીને પગની જૂતી સુધી તે વિવિધ જાતના પર્સથી માંડીને વેસ્ટર્ન વસ્ત્રો તેમજ ટ્રેડીશનલ વસ્ત્રો આ બધું જ તમને અમદાવાદના સ્ટ્રીટ માર્કેટમાં મળી જશે. અહીં તમને લાકડાનું સુંદર ફર્નિચર પણ મેળવી શકશો તો ઘર સુશોભનની વસ્તુઓ પણ તો વળી કચ્છી કારીગરી વાળા શોપીસ પણ મેળવી શકશો તો રાજકોટના ફેમસ પટોલા પણ મેળવી શકશો.

image source

અમદાવાદમાં ભલે જોવાલાયક સ્થળો બહુ ઓછા હોય પણ જો તમારો ઉદ્દેશ શોપિંગનો હોય તો અમદાવાદના માર્કેટો તમને તેમાં જરા પણ નિરાશ નહીં કરે તો ચાલો જાણીએ અમદાવાદના માર્કેટો અને તેની ખાસિયતો વિષે.

ઢાલગરવાડ માર્કેટ

image source

અમદાવાદનું આ માર્કેટ જુના અમદાવાદ કે જેને અહીંના લોકો સીટી કહે છે ત્યાં આવેલું છે. ઢાલગરવાડ માર્કેટ ત્રણ દરવાજા નજીક આવેલું છે. આ માર્કેટમાં તમને ગમે તેવા દરેક પ્રકારની લેટેસ્ટ કુર્તિઓ, ડ્રેસ મટીરીયલ, સાડીઓ, વિગેરે રીઝનેબલ પ્રાઈઝમાં મેળવી શકશો. આ માર્કેટમાં લગભગ 500થી પણ વધારે દુકાનો આવેલી છે.

રાણીનો હજીરો

image source

ઢાલગરવાડથી માત્ર થોડા જ વોકિંગ ડીસ્ટન્સ પર આ જગ્યા આવેલી છે અહીં તમને નવરાત્રી માટે પહેરવાના ચણિયાચોળી તો મળે જ છે જે માત્ર તમને જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન મળે છે પણ રાણીના હજીરાની કાસિયત એન્ટીક ઓક્સોડાઈઝ્ડના ઓર્નામેન્ટ્સ છે જેને તમે તમારી ટ્રેડીશનલ કુર્તિથી માંડીને મોંઘી સાડીઓ સાથે પણ પહેરી શકો છો. આ ઉપરાંત રાણીના હજીરામાં તમને ક્યાંય પણ નહીં મળે તેવાં કોટનનાં ગામઠી પ્રિન્ટવાળા કાપડ મળી રહેશે. અહીંથી જ અમદાવાદના પશ્ચિમમાં આવેલા બુટીક ઓનર્સ પોતાના વસ્ત્રો માટે કુર્તિ વિગેરેનું મટીરીયલ ખરીદતા હોય છે.

બંધેજ

image source

બંધેજ એ કોઈ માર્કેટ નથી પણ સુંદર મજાની બાંધળીની સાડીઓ, બાંધણીના ડ્રેસ મટીરીયલ્સ, બાંધણીની કૂર્તિઓ વિવિધ ગામઠી એસેસરીઝ, ગામઠી ચાદર, ઓશિકાના કવર વેચતી એક સ્થાનિક બ્રાન્ડ છે જે ધીમે પોતાનો ફેલાવો કરી રહી છે.

image source

બંધેજની અમદાવાદમાં પણ ઘણી બધી બ્રાન્ચ છે. અહીં તમને દરેક પ્રકારની બાંધણી કોટનથી માંડીને સિલ્ક સુધીના મટીરીયલમાં મળી જશે. અહીં ઉત્તમ ક્વોલિટીનું મટીરીયલ વેચવામાં આવે છે જો કે તે થોડું એક્સપેન્સીવ હોય છે. જો કે તમે થોડા રૂપિયા ખર્ચવા તૈયાર હોવ અને ખાસ કરીને તમારે બાંધણીનું જ કોઈ વસ્ત્ર લેવું હોય તો તમારા માટે આ એક ઉત્તમ સ્થળ છે.

લો ગાર્ડન

image source

લો ગાર્ડન માર્કેટ, અમદાવાદના પશ્ચિમ વિસ્તારના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલું છે. અહીંનું માર્કેટ સાંજના ચાર વાગ્યા આસપાસ શરૂ થાય છે અને રાત્રીના બાર વાગ્યા સુધી ચાલુ રહે છે. અહીં તમને વિવિધ પ્રકારના ચણિયાચોળી મળે છે. આ ઉપરાંત તમે ભરતકામ કરેલી ચાદરો, ઓશિકાના કવર તેમજ ગામઠી વોલપીસ પણ ખરીદી શકો છો. આ ઉપરાંત તમે અહીંથી સુંદર ઇમિટેશન જ્વેલરી પણ ખરીદી શકો છો. લોગાર્ડનના માર્કેટથી જો તમે કોઈ વસ્તુ ખરીદી ન શકો તો પણ તમે તમારા આ અનુભુવને ખુબ એન્જોય કરશો. ખરીદી કરવા ઉપરાંત અહીં રાત્રે ખાણીપીણીનું માર્કેટ પણ ભરાય છે તેની પણ મજા લઈ શકો છો.

માણેક ચોક માર્કેટ

image source

માણેક ચોકનું માર્કેટ જુના અમદાવાદમાં આવેલું છે. આ માર્કેટના બે દેખાવ છે એક તો દિવસનું માર્કેટ અને બીજુ રાત્રીનું માર્કેટ

image source

અહીં તમને વ્રતકથાઓથી લઈને કાનાના વાઘા, હાથી દાંતની ચુડીઓ, તેમજ જાત જાતના મસાલા, સુકામેવા મળે છે, આ ઉપરાંત અહીં એક વાસણ માર્કેટ પણ છે જેમાં વાસણની ઘણીબધી દુકાનો આવેલી છે. આ સિવાય અહીં એક મોટું શાકમાર્કેટ પણ આવેલું છે જે દાયકાઓ જુનું છે. આ શાક માર્કેટની એક ખાસિયત છે કે તમને સમગ્ર અમદાવદમાં જે શાક ન મળે તે તમને અહીંના માર્કેટમાં મળી રહે છે. આ ઉપરાંત અહીં સોના-ચાંદીનું બજાર પણ આવેલું છે જો કે તે હવે પહેલાં જેટલું એક્ટિવ નથી તેમ છતાં હજુ પણ ઘણા લોકો અહીંથી ખરીદી કરતા હોય છે. આ સિવાય તમે લગ્ન માટેના બાજોઠ, પુજાપાની વસ્તુઓ, લગ્નવિધિ સાથે જોડાયેલી વસ્તુઓ પણ અહીં વેચાય છે.

માણેકચોકનું ખાણીપીણી માર્કેટ

image source

માણેકચોકનું આ માર્કેટ સાંજ પડતાં જ ખાણીપીણીના માર્કેટમાં બદલાઈ જાય છે. અહીં તમે દરેક પ્રકારની ફૂડ વેરાયટી મેળવી શકશો. આ માર્કેટમાં અમદાવાદના ખૂણે-ખૂણેથી લોકો સાંજનું ભોજન કરવા તેમજ પોતાના ચટાકા પુરા કરવા આવે છે. અહીંના ચોકલેટ સેન્ડવીચ, પીઝા તેમજ ગ્વાલિયર ઢોંસો સમગ્ર અમદાવાદમાં ફેમસ છે. જો રાત્રીના સમયે તમે અહીંથી પસાર થતા હોવ તો તમારે અહીંની કેટલીક ફુડ આઈટમ ચોક્કસ ટેસ્ટ કરવી જોઈએ.

image source

આ ઉપરાંત તમે અહીં 60 પ્રકારની કુલ્ફીનો લાહવો પણ લઈ શકો છો. આ કુલ્ફીમાં તમને બ્રાઉની ફ્લેવરથી માંડીને ચોકલેટ ફ્લેવર, કોકોનટ ફ્લેવર, રબડી ફ્લેવર, સિતાફળ ફ્લેવર ઘણાબધા પ્રાકરની કુલ્ફી મળે છે. માણેકચોકના પાંઉ ભાજી પણ ખુબ પ્રખ્યાત છે માટે ગમે તેટલું પેટ કેમ ન ભરેલું હોય એક પ્લેટ પાંઉભાજીનો ઓર્ડર તો આપી જ દેવો.

ત્રણ દરવાજા-ગાંધીરોડ માર્કેટ

image source

ત્રણ દરવાજા માર્કેટ. પર તમને વસ્ત્રો નહીં પણ તે સિવાયની બધી જ વસ્તુઓ મળી રહેશે. અહીં તમને ઘરની નાની ચમચીથી માંડીને ઘરના હોલમાં પાથરવામાં આવતી જાજમ સુધીની વસ્તુઓ મળી રહેશે. અહીં આવેલી રમકડા ગલીમાંથી તમને તમારા બાળકો માટે સસ્તા દરે રમકડા પણ ખરીદી શકો છો. તો વળી કટલરીનો સામાન પણ આજ ગલીમાં ખુબ જ સસ્તો મળે છે જેમાં માથાના બોરિયા, બક્કલ, નેઈલ પોલિશ, વેરાયટી ક્રીમ, વિગેરેનો સમાવેશ થાય છે.

image source

તો વળી ત્રણ દરવાજા માર્કેટનો જે મુખ્ય માર્ગ છે તેની બીજી બાજુ એક મોટું પર્સ માર્કેટ પણ આવેલું છે અહીં તમને લેટેસ્ટમાં લેટેસ્ટ ડિઝાઈનના પર્સ મળી રહેશે તે પણ તમારા સ્થાનિક માર્કેટ કે પછી દુકાનથી ઘણા ઓછા દરમાં. અહીં તમને ઘર સુશોભન માટેના આર્ટિફિશિયલ ફ્લાવર પણ મળી રહેશે તો વળી બીજી ગલી કે જેને બૂટ ગલી કહેવાય છે ત્યાં તમને વેરાયટી ફુટવેયર પણ મળી રહેશે.

image source

ત્રણ દરવાજાથી સીટીની તરફ જતાં ગાંધીરોડ આવે છે ત્યાં એક મોટું ઇલેક્ટ્રોનિક માર્કેટ પણ આવેલું છે અહીં તમને દરેક પ્રકારની ઇલેક્ટ્રોનિક આઈટમ મળી રહેશે અને ત્યાં જો તમને નાશ્તો કરવાનુ મન થાય તો વર્ષો જુની ચંદ્રવિલાસ હોટેલ પણ આવી છે જ્યાંનો શુદ્ધ નાશ્તો તમારું મન પ્રસન્ન કરી દેશે.

ગરવી ગુર્જરી

image source

ગરવી ગુર્જરી એક વિશાળ દુકાન છે જે આશ્રમરોડ પર આવેલી છે. ગુજરાતની કળાકારીનું આ સ્થળ પ્રતિનિધત્વ કરે છે. અહીં તમને દરેક પ્રકારની હેન્ડીક્રાફ્ટ આઈટમ મળી રહેશે. માત્ર ગુજરાતની જ નહીં પણ દેશના વિવિધ રાજ્યોની હસ્તકલા તમને અહીં જોવા મળશે. અહીંથી વિદેશીઓ ખુબ ખરીદી કરતા હોય છે અને એનઆરઆઈ લોકો પણ પોતાના વિદેશી મિત્રો માટે વિવિધ પ્રકારની ભેટો આ જગ્યાએથી ખરીદતા હોય છે. અહીંની વસ્તુઓના રેટ ઘણા વ્યાજબી હોય છે.

રતનપોળ

image source

રતનપોળ માર્કેટ આજે પણ તેની પ્રસિદ્ધિ અકબંધ રાખીને બેઠું છે. અમદાવાદમાં ગમે તેટલા મોલ બની જાય તેમ છતાં લગ્નસરાની ખરીદી તો માત્ર અહીંથી જ કરવામાં આવે છે. અમદાવાદ જ નહીં પણ ગુજરાતના ખુણે ખુણેથી લોકો અહીં જ ખરીદી કરવા આવે છે. રતનપોળમાં ખાસ કરીને સાડીઓ તેમજ લગ્નમાં પહેરવામાં આવતી ચણિયાચોળી વધારે વેચવામાં આવે છે.

સીંધી માર્કેટ

image source

સીધીં માર્કેટ કાલુપુર રેલ્વેસ્ટેશન નજીક આવેલું છે. આ માર્કેટ પણ ટ્રેડિશન વસ્ત્રો માટે જાણીતુ છે અહીં રેડીમેડ સુટથી માંડીને ડ્રેસ મટીરીયલ પણ મળે છે. સિંધી માર્કેટ ખાસ કરીને સોફાના કાપડ, પડદાના કાપડ તેમજ રજાઈઓ, ચાદરો, ટુવાલ વિગેરે માટે વધારે જાણીતુ છે.

ફર્નાન્ડીઝ બ્રીજ

image source

ફર્નાન્ડીઝ બ્રીજ, આમ તો ગાંધી રોડનો જ એક ભાગ છે જે નાનકડા પુલ નીચે આવેલો નાનકડો વિસ્તાર છે. અહીં પી.એચડીથી માંડીને પાપા પગલી એટલે કે બાળમંદીર સુધીના પુસ્તકો ઉપલબ્ધ હોય છે. અહીં તમે તમારા પુસ્તકો વેચીને તેના બદલામાં રૂપિયા અથવા તો બીજા પુસ્તકો મેળવી શકો છો. આ માર્કેટમાં સેકન્ડહેન્ડ પુસ્તકો પણ પુષ્કળ પ્રકારમાં મળે છે જે તમને અરધાથી પણ ઓછી કીંમતે મળી શકે છે. આ માર્કેટમાં પુસ્તકોની કેટલીક પાઈરેટેડ કોપીઝ પણ મળે છે. પુસ્તક રસિયાઓને અહીં તેમણે વિચારી પણ ન હોય તેવી બુક મળી શકે છે.

સીજી રોડ માર્કેટ

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલો સીજી રોડ અમદાવાદીઓ માટે જરા પણ અજાણી જગ્યા નથી સમગ્ર સીજી રોડ સેંકડો દુકાનોથી ભરેલો છે. અહીં તમને ખાસ કરીને વેસ્ટર્ન વિયર વધારે જોવા મળે છે. તેના માટે કેટલાક શોપિંગ સેંટરમાં નાની-નાની દુકાનો પણ આવેલી છે જ્યાં જઈને જ તમને ખ્યાલ આવશે કે ત્યાં તો તમને મોલ કરતાં પણ વધારે વેરાયટી મળે છે. આ ઉપરાંત સીજી રોડ પર તમે બ્રાન્ડેડ વસ્તુઓ પણ ખરીદી શકો છો. ત્યાં લગભગ બધી જ બ્રાન્ડના શોરૂમ આવેલા છે. સીજી રોડનું ફુડ પણ ખુબ વખણાય છે. રાત્રીના સમયે સીજી રોડની રોનક પણ માણેકચોકની જેમ બદલાઈ જાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ