ચેહર ઘોડી – એને જોઈને જ એ હણહણવા લાગતી શું આટલા સમય પછી પણ, વાર્તાનો અંત તમારી આંખમાં આંસુ લાવી દેશે…

ચાર પગ ધોયેલા (સફેદ રંગના) અને કપાળમાં સફેદ પટ્ટો, કાન જૂઓતો જાણે બરછી-ભાલાની અણીઓ , વીંછીના આંકડાની જેમ ભેગા થઈ જાય અને રંગે કાળી એ ખોડીદાન ગઢવીની ઘોડી ‘ચેહર.’ ચેહરના કેડવાની (ઓલાદની) એક ખૂબી કે ઘોડો ગમેતે રંગનો બંધાવો, પણ ચેહર જ્યારે થાંણ (બચ્ચાનો જન્મ આપે) દે ત્યારે બચ્ચું ભલે નર હોય કે માદા પણ એનો રંગ તો ચમકતો કાળો જ હોય. ઉમરખાન દરબારની ચેહર જ્યારે સભર હતી, ( બચ્ચું જ્યારે માના પેટમાં હતું) ત્યારે ખોડીદાને ચેહરનું આ બચ્ચું વેચાતું રાખેલું. ચાર માસનું બચ્ચું થયું ત્યારે ગઢવી એને ઘરે લઈ આવેલા.

સવાર સાંજ બે ટાઈમ ભૂરી ભેંસના દૂધ ઉપર રાખેલું. ખોડીદાન ઘરે હોય કે ના હોય, ખડીદાનની બૈ (મા) બચ્ચાને દૂધ પીવડાવતાં. ત્રણ વરસ સુધી જુવારની કડબ ઉપરાંત સવારે બાજરી અને સાંજે પલાળેલા ચણા- ગોળનું જોગણ એને આપવામાં આવ્યું, ત્રણ વર્ષમાં તો આ ચેહર-બાળ, ઊંટ જેટલી ઊંચાઈની પુખ્ત ઘોડી થઈ આવી. પછી ચોથે વરસે એને ચડુઉ કરી. સાદી દોડ, રેવાલ અને રલ્લો ગઢવીએ એને હતી એટલી બધીયે ચાલો એમાં ભરી દીધી. ઢોલના ઢબુકે ચેહરને નાચતાં શીખવ્યું . ઘોડી પણ એવી નિવડીને કે એના માથે સામાન નાખી સવારી કરીને તમે પચ્ચીસ ગાઉ જાઓને , તોય પેટનું પાણીએ ના હલે.

ખેતર-પાદર જવામાં કે કોઈક સમયે ગામતરે જવામાં ઘોડી કામમાં આવતી, ગામમાં કોઈ ફુલેકુ કે વરઘોડો કાઢવાનો હોય તો લોકો ચેહરની માંગ કરતાં. જ્યારે વરઘોડામાં ઘોડી નાચતી હોય ત્યારે આખું ગામ ઉજાગરો કરીને ઘોડીને જોવા આવતું, ને ગઢવી એમાંથી ઘોડીના વરસ-દિ ના ચારા-જોગણ જેટલું કમાઇ લેતા. એ જમાનામાં ગામમાં કોઈનું મરણ થયું હોય તો બાજુના મોટા ગામમાંથી કફન-ખાપણ લાવવાનું હોય , કે કોઈને સાજે-માંદે ડોકટર બોલાવવા જાવો હોય તો ગઢવી કોઈનો આનોય લીધા વગર ટાંપું કરી આવતા.

એક વખત વાત જાણે આમ બની — ગામના પટેલના ઘરનાં જુનાં કોટળાં પાડવાનું કામ ચાલતું હતું ને અચાનક એક મોટું રોડું પડવાથી મજૂરીયે આવેલ વાલા મેતરના જુવાન છોકરા કાનીયાને વરમનું વાગેલું. કાનીઓ તરફડીયાં મારતો મારતો બેભાન થઈ ગયેલો.કાનીયાનો બાપ વાલો મેતર બાર ગામ ગયેલો, આખા વણકર મહેલ્લામાં રો કકળ થઈ ગયેલી.

ગઢવીએ સમય પારખીને ઉમરખાન દરબારને તેમની ઘોડી લઈ બાજુના ગામ ડોક્ટરને તેડવા મોકલ્યા ને પોતે મારતી ઘોડીએ વાલા મેતરને તેડવા છ ગાઉ દૂર આવેલા આદરિયાણા ગામ પહોંચી ગયા. વાલા મેતરને લઈ , ગામના પાદરે આવીને ગઢવીએ ઘોડીનું લગામ વાલા મેતરને આપ્યું ને બોલ્યા ” લે વાલા આ ઘોડી પર ચડીજા હું હેંડતો આવું છું , તારો છોકરો ગંભીર હાલતમાં છે, તું આમ હેંડતો છ ગાઉ જઈશ ને તો આપણા ગામ સાંજ પડેય નહીં પહોંચે,”

” ના ગઢવી હું પસાત વરગનો માણહ ! મારો બાપેય કદી ઘોડી ઉપર સડ્યો ન’તો ને હું તમારી ઘોડી પર સડતાં હારો ના લાગુ .” વાલો જોડાં હાથમાં લઈ ચાલવા લાગ્યો. ” અત્યારે આપણી પાહે વાત કરવાનો સમય નથી વાલા ચડી જા ઘોડી પર” ગઢવીએ ખૂબ જોરથી હાકોટો કર્યો ત્યારે વાલો ઘોડી પર ચડયો. ” જો વાલા હું ઘોડીને ઇશારો કરું એટલે ઘોડી આપણા ગામના પાદર સુધી એક ધારી ચાલે ચાલશે. ગામનું પાદર આવે એટલે તું લગામ ખેચીસને એટલે ઘોડી ઉભી રહેશે પછી તું ઉતરીને , ઘોડીને છુટ્ટી મૂકી દેજે.”

વાલો ઘોડી પર ચડી પોતાને ગામ જાવા ચાલતો થયો, ઘોડી એક ધારી રેવાલની ચાલે ચાલી જાતી હતી, રસ્તામાં રૂપેણ નદી આવી નદીમાં પાણી તો ના હતું પણ ભેખડ ચડવા ઘોડિયે છલાંગ લગાવી, એમાં વાલો ઘોડી પરથી પડી ગયો. નસીબજોગે એને વગ્યું નહીં. ઘોડી થોડી આગળ જઈને પાછી આવી. વાલો કપડાં ખંખેરી ઊભો થયો તયાં પાછી ઘોડી તેની બાજુમાં આવીને ઊભી થઈ ગઈ. વાલો ઘોડીને લગામ પકડી ને નદી બહાર લઈ ગયો ને ફરી ઘોડી પર ચડી ગયો.

વાલો ઘરે પહોંચ્યો ત્યારે ડોક્ટરે કાનીયાની પ્રાથમિક સારવાર પુરી કરી હતી. વાલે રડતી આંખે બૂમ પાડી ” કાના બેટા હું આવી ગયો છું !” કાનાએ ઘણી તકલીફથી આંખ ખોલીને વાલા સામે જોયું . વાલાએ દીકરાનું મોઢું તો જોયું પણ એનો જુવાન જોધ કાંધોતર એને છોડીને ચાલી નીકળ્યો.

ગઢવીને ગામતળ બહાર બે વિઘા જેવડો મોટો વાડો, ઘોડી એમાં છૂટી ચરતી હોય. સવારે- સાંજે પાવરો (જોગણ) ખવરાવવાનો સમય થાય એટલે ગઢવી વાડાનો ઢંક ખોલે એટલે ઘોડી જાતે બહાર નીકળી ઘરે આવી જાય ગઢવીની બૈ (મા ) ઘોડીને બાજરી કે ચણાનું જોગણ ખાવા આપે એટલે ખાઈને ઘોડી ગામની આરપાર છુટ્ટી પરત વાડામાં ચાલી જાય.

જ્યારે ગઢવીની માને ઉપરવાળાએ લઈ લીધાં ત્યારે પાંચ-છ દિવસ ઘોડિયે જોગણ ખાવાનું છોડી દીધેલું.પછી ઘોડીને ઘરે લાવવાનું બંધ કર્યું. ઘોડી આખો દિવસ વાડામાં હોય સવારે કડબને, સાંજે એક વખત જોગણ ખવડાવી આવે, પાણી દેખાડી આવે એટલે દિવસ પૂરો. ઘોડી રાત-દિવસ વાડે જ હોય. ખેતર-પાદર જવું હોય તો જ ઘોડી બહાર કાઢે.

એમ કરતાં કરતાં એક દિવસ એવું બન્યું કે ઘોડી ચોરાઈ ગઈ. રાતે કોઈ હરામ-હલાલી આવીને ઘોડીને ચોરી ગયો.

ઘોડી ચોરાઈ તેથી, ગઢવીને થોડું ઓછું તો આવ્યું પણ મન એમનું એમ કહેતુ હતું કે ” જરૂર મારી ચેહર પાછી આવશે” ગઢવીએ ઘોડીના ચોરનું કોઈ પગેરું લીધું નહીં , કોઈ ઠેકાણેથી વાવડ પણ ના મંગાવ્યા. પૂછપરછ પણ ના કરી. બસ એતો સમય થાય એટલે ઘોડીનું જોગણ લઈને વાડે આવી જાય. ઘોડીને ખાવાનું જોગણ વાડામાં વેરીને વળતા થાય ગામના માણસોએ થોડા દિવસ આ બધું જોયા કર્યું.

છ મહિના બાર મહિના વીતી ગયા પણ ગઢવી હજુ ભૂલ્યા નથી રોજ ઘોડીનું અનાજ લઈને વાડે આવે ને વાડામાં અનાજ વેરીને ચાલતા થઈ જાય છે. પછી તો લોકો સમજવા લાગ્યા કે ગઢવીનું ચિત્તભમ થઈ ગયું છે. ગામના ઘણા કહેતા કે ” ગઢવી હવે તો બે વરહ થઈ ગયાં જાનવરની યાદ શક્તિ કેટલી હોય હવે ચેહરને ભૂલી જાઓ ” પણ ગઢવીએ કોઈની વાત માનીજ નહીં, એમને ક્રમ ચાલુજ રાખ્યો.

બન્યું એવું કે, વાલો મેતર અને એનું કુટુંબ મહેનત મજૂરી કરવા જૂનાગઢ બાજુના એક ગામમાં ખેતમજૂરી કરવા સ્થિર થયેલું. આ ગામથી રોજ વાલો મજૂરી કરવા નીકળે તે માર્ગની બાજુમાં એક ખરાબો આવેલો હતો ત્યાં આઠ-દસ ઘોડાં ચરતાં હોય. જ્યારે પણ વાલો નીકળે ત્યારે એને ઘોડાની હણહણાટીનો અવાજ આવે. એને મનમાં પ્રશ્ન થયો કે ‘ આવું કેમ જ્યારે જ્યારે હું નીકળું છું ત્યારે જ આ ઘોડું બોલે છે ?’ એતો એક દિવસ ગયો એ ખરાબામાં જ્યાં ઘોડાં ચરતાં હતાં ત્યાં. નજીક જતાં જ એ ઘોડી ઓળખી ગયો. ” અરે આતો મારા ગઢવીની ચેહર ” વાલાને ત્યારે એનો કાનિયો યાદ આવી ગયો. એની આંખના ખૂણા ભીંજાઈ ગયા. વાલો થોડી વાર ત્યાં ઊભો રહ્યો. પોતાના વ્હાલા દીકરાને યાદ કરી, રડતા ચહેરે મનમાં એક ગાંઠ વાળી લીધી.

” શું કુદરતે જાનવર બનાવ્યું છે ! એક વાર ઘડીક આ ઘોડી પર હું બેઠેલો, એને તો આજ કેટલાંય વરહ થઈ ગયાં, છતાં શું એને મારા પરસેવાની ગંધ આવી ગઈ હશે ! નક્કી આ ઘોડી મને ઓળખી ગઈ છે , આ મુંગુ પ્રાણી અહીંથી છૂટવા માગે છે ” વાલો સ્વગત, બબડયો.

વાલાએ બીજા દિવસે પોતાના કુટુંબને ઘરે રવાના કરી દીધું ને એ રોકાઈ ગયો. એક દિવસ પછી એ લપાતો-છુપાતો એ ખરાબા પાસે આવ્યો, એણે જોયું તો ગૌચરમાં દસથી બાર ઘોડાં ચરતાં હતાં તે બરાબર કાળી ઘોડીના નજીક આવી ને બોલ્યો, ” મા ચેહર ” અને ઘોડી છલાંગ મારતી તેની પાસે આવી ગઈ ,આગલા બે પગ પછાડવા લગી. એ જાણે કહી રહી હતી કે મને અહીંથી લઈ જાવ ! લઈ જાવ !

વાલો, આજુબાજુ જોયા સિવાય લગામ કે ચોકડા વિના છલાંગ મારીને ઘોડી પર ચડી ગયો ને કેશવાળી પકડીને ઘોડીને વહેતી કરી. ઘોડીને દોડતાં દોડતાં સાંજ પડવા આવી ત્યાં સુધીમાં તો ઘોડીએ પંદરેક ગાઉનો પંથ કાપી નાખ્યો. ત્રીજાને પડતું મેલી ચોથા ગામને તળાવે તે ઘોડીને પાણી પાવા લઈ ગયો, પાણી પાઈ જ્યાં વળતો થાવા ગયો, તો બે વછેરીયો તેણે આવતી જોઈ. વછેરીયો ચેહર પાસે આવીને ઊભી રહી ગઈ. વાલાને એ કાળા રંગની બે વછેરીયો ઓળખતાં વાર ના લાગી. એક મોટી ને એક નાની. વછેરીઓને પાણી પીવડાવ્યું થોડી વાર રોકાયો ને વળી પાછી ઘોડી ઉપાડી.

આગળ ચેહરને પાછળ બે વછેરીયો તબળાક…..તબળાક રેવાલ ચાલે સુદ ચૌદસના ચન્દ્રના અજવાળે આગળ વધતી વધતી ઘોડી ભરભાંખરામાં થોડું મોં હુઝણું થાય તેવા ટાણે એક ગામના પાદરે આવીને ઊભી રહી. વાલો છલાંગ મારીને ઘોડી પરથી ઉતરી ગયો ને ઘોડીની પીઠ થબ થબાવતાં બોલ્યો ” રંગ છે ચેહર તને રંગ ઘણા વરસે પણ બે વછેરીયો લઈને તું ગઢવીના ઘરે પાછી આવી ” અને એજ સમયે વાલાની શાબાશીના પડઘા પાડતા હોય તેમ ગઢવીના ગામના વઢિયારી મોરલા ટેહુક… ટેહુક કરતા ગેહકી ઉઠયા ! જાણે એ હરી ના જનનું સ્વાગત કરતા હોય તેમ.

પોતાની માનીતી ચેહર મળી ગઈ એટલુંજ નહીં બે- બે વછેરીયો સાથે એ પાછી આવી એથી ગઢવીનો આનંદ બેવડાઈ ગયો. પોતાના મનની જે ધારણા હતી તેમને પોતાની કુળદેવી મા મોગલ પર જે શ્રધા હતી તે સાચી પડી, તેના હરખમાં બીજા દિવસે ગઢવીએ ગામ ભેગું કર્યું ને ગામ વચ્ચે મોટી વછેરી વાલા મેતરને ઇનામ તરીકે આપવાનું જાહેર કર્યું. તો વાલો બોલ્યો ” એવું ના બને ગઢવી હું પસાત વરગનો માણહ મારાથી આ દેવી જેવી ચેહરની ઓલાદ પર સવારી ના કરી શકાય. ને અમે પસાત વરગ વાળા ઘોડી પર બેસીએ તો ગામની આમન્યા ના સચવાય.”

ગામનો એ ગરીબ પછાત વર્ગનો માણસ, વાલો મેતર રોજી રોટી કમાવા ગામ છોડી બહાર ગામ ગયો હતો . પણ પશુનો પ્રેમ જોઈ , ગઢવી સાથેનો પોતાનો નાતો સમજી. તે પોતાની રોજીરોટીને ભોગે ઘોડી લઈને પોતાના ગામ પરત આવી ગયો હતો. આ કારણે ગઢવીને કાંઈક દેવું છે પણ વાલા મેતરને કાંઈ લેવું નથી.દેનારને આપવું છે પણ લેનારને લેવું નથી. થોડી વાર મીઠી રકઝક થાય છે. એક પછાત જાતિના દરિયા દિલના વાલાની માણસાઈ ને લાગણી જોઈ ગામનાં માણસો પણ છક થઈ જાય છે. કેટલાકે કહ્યું પણ ખરું, ” વાલા,દુનિયા આગળ નીકળી ગઈ આપણે આભળશેઠ હવે ભૂલી જઈએ.”

ગામ વાળાએ વાલાને ઘણો સમજાવ્યો પણ વાલો એકનો બે ના થયો. આથી ગામના સરપંચે રસ્તો કાઢ્યો કે ” વછેરી વાલો સ્વીકારી લે, અને જો વાલાને એ વછેરી ના રાખવી હોય તો એ હું વેચાણ રાખી લઉં. કિંમત ગામ જે નક્કી કરે તે, તેટલી રકમ હું વાલાના હાથમાં મૂકું, કારણ આમેય વાલો ગામ છોડીને પરગામ મજૂરી કરવા વખાનો માર્યો ગયો હતોને. ” ને ગામલોકોએ સરપંચના નિર્ણય ને વધાવી લીધો.

ગામ લોકોના દબાણથી વાલાએ ઘોડીની કિંમત જેટલી રકમ સ્વીકારીને તે સરપંચને તરત પરત કરતાં જાહેર કર્યું કે, “આ પચાસ હજાર રૂપિયા મારા દીકરાની યાદમાં ગામની નિશાળને આપું છું.” ” વાહ ! મેતર વાહ ! દિલની ઉદારતાને કોઈ કોમ, નાત, જાત કે ધર્મના સીમાડા નડતા નથી ! તે આનું નામ ” ગઢવી ગદગદિત સ્વરે વાલાને ભેટી પડયા. આમ વાલાની ઉદારતા, ગઢવીની ચેહર પરની શ્રદ્ધા, સરપંચની વહીવટી કુશળતા અને એક અબોલ પ્રાણીની અસલિયતથી ગામ આખામાં આનંદનું મોજું છવાઈ ગયું.

લેખક : સરદારખાન મલેક

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ