ઘરમાં રહેતાં પરિવારના સદસ્યો જેવાં જ આ પાલતુ પ્રાણીઓ વિશે આટલું તો તમે પણ નહીં જાણતાં હોવ…

જેમને બીલાડી, કૂતરા, કાચબા, સસલાં કે ગાય – બકરી જેવાં પાલતુ જાનવર ઘરમાં પાળવાની ટેવ હોય એમના વિશે જાણશો તો ઘણી નવાઈ લાગશે. ઘણાં લોકો તો આ પ્રાણીઓને પોતાના ઘરના સદસ્યની જેમ જ રાખતાં થઈ જાય છે અને એ પ્રાણીઓ પણ તેમના માલિક પ્રત્યે અપાર લાગણી અને વફાદારી બતાવતાં થઈ જાય છે. ક્યારેક તમે અનુભવ્યું હશે કે શેરીના ફરતાં પ્રાણીઓમાં ગાય કે કૂતરાઓ પણ જો એકાદ વખત તમારા ઘરનાં ઝાંપે આવે અને તમે તેમને રોટલી, બ્રેડ કે બિસ્કિટ જેવું ખવાનું આપશો તો એ દરરોજ તમારા ઘરે આવવાનું ચાલુ કરી દેશે. અને રખેને ક્યારેક ન આવે તો તમને પણ ચિંતા થશે કે હજુ આ આવ્યાં કેમ નહીં? એમને કંઈ થઈ તો નહીં ગયું હોય ને?

આ પ્રાણીઓ પ્રત્યે આપણને અનોખી લાગણી બંધાઈ જાય છે. અને તેમના માટે આપણને થાય તેટલું કરી છૂટવાની ઇચ્છા થઈ જશે. કેટલાક રસપ્રદ એવા ફાયદાઓ અમે તમને આજે જણાવીશું કે જે જાણીને તમને પણ ઘરે એક ક્યુટ બીલ્લી કે ફરવાળું ડોગી ઘરે લાવવાની ઇચ્છા થઈ જશે.

વાત્સલ્ય ઉત્પન્ન થાય છેઃ

જ્યારે તમે પાલતુ પ્રાણીને ઘરમાં અપનાવશો, ત્યારે એક રસપ્રદ બાબત થશે. તમે તેના માલિ નહીં બની શકો, થશે એવું કે તમે પાલતુ પ્રાણીના માતાપિતા બની રહો છો. તે હકીકત છે કે માતૃતુલ્ય વાત્સલ્ય જેવી બીજી કોઈ લાગણી નથી. ક્યારેક કોઈ યુગલને બાળક ન થતું હોય કે એકલી વ્યક્તિ આ રીતે ઘરમાં પેટ્સ લાવે છે અને તેને માતાપિતા જેવો પ્રેમ આપવા લાગે છે.

મિત્રની ગરજ સારે છેઃ

તમારા ઘરમાં હરતું – ફરતું સુંવાળું રુંછડાંવાળું પ્રાણી તમારી એકલતામાં એક સારા મિત્રની ગરજ સારે છે. જ્યારે તમે બહારથી ઘરે આવો ત્યારે તે તમે જાણે તેના રાજા હોવ તેમ આવકારે છે.

ડોક્ટરથી દૂર રહો છોઃ

જ્યારે તમે પાલતુ પ્રાણીને હાથમાં લઈને રમાડો છો, તેને ખવરાવો છો કે તેની સાથે વોક કરો છો અથવા તો વાતો કરો છો ત્યારે ભલે એ તમારી સાથે એજ રીતે વાતો ન કરી શકે કે તમે કહો એવું એ બધું વર્તન ન પણ કરે પરંતુ તેની બધી હરકતો તમને વહાલી લાગતી હોય છે અને તમે આનંદિત રહો છો. જેથી બ્લડ પ્રેશર કે વા જેવી બીમારીઓમાં સુધારો જોવા મળે છે. એટલું જ નહીં હાર્ટ એટેક જેવી મુસીબતો પણ પાલતુ પ્રાણી હોવાથી ટળી શકે છે.

વ્યસનથી દૂર રાખે છેઃ

જેમ ઘરમાં નાનું બાળક હોય અને તેના સ્વાસ્થ્ય અને તંદુરસ્તીની તમને જવાબદારી હોય એમ તેમ આપણે પાલતુ પ્રાણીનું પણ ધ્યાન રાખતાં હોઈએ છીએ. એવે સમયે સિગરેટ કે દારુ જેવા વ્યસન કરવાથી તેને પણ નુક્સાન થશે એવા વિચારે છોડી દેવાનું મન થઈ જાય છે. અને સંપૂર્ણ ધ્યાન પાલતુ પ્રાણી સાથે સમય વિતાવવામાં પસાર થઈ જાય છે. જેથી વ્યસનની તલપ યાદ પણ નથી આવતી.

સંબંધોમાં વધારો કરે છેઃ

તમારા ઘરમાં જો પાલતુ પ્રાણી હશે તો આસપાસના રહેવાસીઓ માટે પણ તમે ખાસ બની રહેશો. પડોસીઓ અને તેમના બાળકો પણ તેની સાથે સમય વિતાવવા તમારા ઘરે આવશે. તમારા મિત્રો અને પરિવારના સૌ સભ્યો પણ તેની કાળજી રાખવા તમારી મદદ કરવા આવી શકે છે.

ડિપ્રેશનથી બચાવે છેઃ

લાગણીના સંબંધોમાં જ્યારે ખોટ ઊભી થાય ત્યારે ડિપ્રેશન થાય છે. આવા સમયે તમારા પાસે કોઈ પાલતુ પ્રાણી હોય તો તમને લાગશે દુનિયામાં તમે એકલા નથી. તમને હળવાશ અનુભવાશે અને તમારો આત્મવિશ્વાસ પણ વધશે.