ગગો હેન્ડલ – વાંચો આ નામ કેમ પડ્યું તેનો રોમાંચક ઈતિહાસ ધરાવતી વાર્તા…

💐💐 *ગગો હેન્ડલ* 💐💐

હાલના શંખેશ્વર તાલુકાના સિપુર ગામના ઓગણીસો સાઈઠના દાયકાના પંચાયતના ચોકિયાત શ્રી ગગજીભાઈ જાતે નાડોદા રાજપૂત. ગામના બધા એમને હેન્ડલ તરીકે ઓળખે. આખા ગામની એમને ફિકર. ગામનો પાણીનો કૂવો, તળાવ, નિશાળ, ચબૂતરો કે ગામના ચોરા જેવી જાહેર મિલકતોની તેઓ સારસંભાળ રાખે. જાણે આખું ગામ તેમની માલકીનું હોય તેવી રીતે ગામની જાહેર મિલ્કતોનું જતન કરે.

image source

વારતહેવારે આ હેન્ડલ કાકા સૌની આગળ હોય. હોલિકા દહન કરવાનું હોય, ઠાકોરજી ઝીલવા જવાના હોય કે નવરાત્રીનો તહેવાર હોય ગામની વેજાને કાબુમાં રાખવાની તેમનામાં ભારે આવડત.

તોતળું બોલે એટલે એમની કાલી કાલી બોલી સૌને સાંભળવી ગમે. ગામમાં કોઈ નાનું છોકરું રડતું હોય તો એની મા કહે કે ” ચૂપ થા નઈ તો હેન્ડલ બાને બોલાવું છું” (બા એ માન આપવા માટે વપરાતો શબ્દ.) એટલે છોકરું તરત છાનું રહી જાય. આવો શોલે પીકચ્ચરના ગબ્બરસિંહ જેવો તમનો સડફો.

image source

પંચાયતના ચોકીયાત(પટાવાળા) એટલે સરકારી કામે ગામમાં આવતા અમલદારોમાં એ જાણીતા થઈ ગયેલા. અમલદારને ગામમાં રાત રોકાવાનું થાય તો ગગજીભાઈ, તેમના માટે ગામમાંથી ખાટલો-ગોદડું લાવી આપે, ને ગામના ચોરામાં રોકવાની વ્યવસ્થા કરી આપે. અમલદારો માટે રાતના વાળુંપાણીની સગવડ કરી આપે. આવી સેવાથી અમલદારોમાં તેઓ બહુ માનીતા થઈ ગયેલા. બહારથી આવનાર સરકારી માણસો પણ તેમને હેન્ડલ કહીને બોલાવે.

image source

તેમનું નામ ” હેન્ડલ” કેમ પડ્યું તેનો પણ એક રોમાંચક ઇતિહાસ છે. ઓગણીસો સાઈઠના દાયકાના શરૂઆતના વર્ષોમાં વઢિયાર વિસ્તારમાં બે બહારવટીયા, જાનુમિયાં ને ભાવસંગની હાક વાગે. એ સમયે વઢિયાર વિસ્તાર વિકાસ વગરનો. મોટા ભાગનાં ગામડાને જોડતા રોડ બનેલા નહીં.

ચોમાસા માં એસટી બંધ રહે. દિવાળી પહેલાં કોઈ ટ્રક કે મોટર ઊંડાણના વિસ્તારમાં જઇ ના શકે. દિવાળી પછી રસ્તા પરનાં કીચડ પાણી સુકાય પછી એસટી બસ ચાલુ થાય. ઉનાળે પણ પોલીસની મોટરો પણ આ વિસ્તારમાં મહામુસીબતે પહોંચે. કારણ ઉબડખાબડ રસ્તા અને ગાંડા બાવળનું સામ્રાજ્ય. રસ્તાનું નામ નિશાન જોવા ન મળે. આ કારણે પોલીસ ખાતાથી બચવા બહારવટીયા રણકાંઠાના વિસ્તારમાં આશરો લે.

image source

પોલીસખાતાને એક વખત બાતમી મળેલી કે બહારવટિયાએ વાછડાના રણની આજુબાજુ આશરો લીધો છે. આથી રણ (કચ્છના નાના રણ નો તે વખતના સમી અને દસાડા તાલુકાનો ભાગ ) વિસ્તારના ગામોમાં તપાસ કરવા સમી તાલુકા મથકેથી એક જીપ ઉપડી, સિપુર આવી તેમાં ગગા હેન્ડલને પણ સાથે લીધા. જીપમાં અંબાલાલ ફોજદારને બીજા ચાર- પાંચ પોલીસવાળા પણ ખરા.

એ વખતે સમી પોલિસ સ્ટેશનના ફોજદાર અંબાલાલ પટેલ. આ અંબાલાલ એટલે જાં બાજ ફોજદાર. લીંબુની ફાડ જેવી આંખો ને પુળા જેવી મૂંછો. સાડા છ ફૂટની ઊંચાઈ અને કરડામણો ચહેરો. આ ચહેરા ઉપર નજર પડતાં જ ખૂંખાર ગુનેગારનાં હાજા ગગડી જાય.

image source

ઉનાળાના દિવસો,ગરમી કહે મારું કામ. બરાબરનો ધોમ ધખેલો. લમણા શેકી નાખતી લુમાં રણ વીંધતી જીપ આગળ વધી રહી હતી. અજાણ્યા પોલીસવાલા , ફોજદાર અને ગાડીના ડ્રાઈવરને પણ દિશાભ્રમ થઈ ગયેલો. પૂર્વ પશ્ચીમનું કોઈને ભાન નહીં પણ હેન્ડલની દોરવણી મુજબ કાફલો આગળ વધી રહયો હતો ત્યાં અચાનક ગાડી બંધ પડી ગઈ.

પરસેવે રેબઝેબ, ફોજદાર અંબાલાલ અને પોલીસવાળા બધા જીપ નીચે ઊતર્યા. ચારે બાજુ નજર નખી તો અફાટ રણ ! નાખી નજર ના પહોંચે. દૂર દૂર ઝાંઝવાનાં જળ પાણીનો મહાસાગર હોય તેવો ભાસ ઊભો કરે. આકાશમાં ગીધ અને સમડી ચકરાવો લઈ રહી છે . થોડે દુર ઊભેલું ઘુડખર (ખચ્ચર ગધેડા)નું ટોળું રણમાં આ નવા આવેલા મહેમાનોને નિહાળી રહ્યું છે.

image source

” ગાડી ગરમ થઇ ગઇ છે, ઠંડી થાય પછી ચાલુ કરીયે ” ડ્રાઇવર બોલ્યો. સાથે પાણીની એક મસક. બધા તરસ્યા થયેલા એટલે બે-બે ઘૂંટડા બધાએ પાણી પીધું ને મસક ખાલી થઈ ગઈ.

એ જમાનાની જીપ એટલે હેન્ડલવાળી. આગળ હેન્ડલ ભરાવી જોરથી ફેરવો ત્યારે ગાડી સ્ટાર્ટ થાય. ગાડી ગરમ , ફોજદાર પણ ગરમ. મામલો ગંભીર બની ગયો હતો. ગાડી થોડી વાર પડી રાખી. અડધાક કલાક પછી, એક પોલીસવાળાએ જીપને હેન્ડલ મારવાનું ચાલુ કર્યું. પણ જીપ ચાલુ થઈ નહીં. એ થાક્યો એટલે બીજો મંડ્યો. હેન્ડલ મારવાના બધાયે વારા લીધા. બે કલાક જેટલું મથ્યા પણ ગાડી ચાલુ થવાનું નામ નથી લેતી. હેન્ડલ મારવાથી બધાની તરસ પણ વધી ગઈ. પીવાનું પાણી ખલાસ થઈ ગયું. બળબળતા આગ ઓકતા વઢીયારી બપોર! પાણી ! પાણી !I પાણી વગર ફોજદાર સાહેબનો તરસે જીવ જઇ રહ્યો છે.

image source

અકાળા થયેલા ફોજદાર તાળુક્યા, ” ચોકીયાત, મારું ગળું સુકાઈ રહ્યું છે, પાણીનું કાંઈક કરો હવે તરસે નથી રહેવાતું.” “પન સાયેબ, આઈ રનમાં પાની ના મલે.” “જો પેલું પાણી દેખાય, ત્યાંથી ભરી લાવ તરસે મારો જીવ જાય છે. ” અંબાલાલ ફોજદારે સત્તાવાહી અવાજમાં હુકમ કર્યો. ” માલા સાયેબ, એ પાની નથી, એ ઝાંઝવાંનાં જલ છે.” ગગજી તેની તોતળી ભાષામાં જવાબ આપે જાતો હતો. ” તો પછી જીપ ચાલુ કરી આપ ” ફોજદાર જીવ પર આવી ગયા હતા.

“પન સાહેબ હું શું કલુ, મને તમાલી મોટલની કાઈ ખબલ પલતી નથી” ચોકીયાતે તેની અશક્તિ જણાવી. હેન્ડલ મારવાની મજૂરીને ઉપરથી તરસ લાગેલી બધા થાક્યા. ” હવે શું કરવું ” ધાણી ફૂટે એવો તાપ, રેતની ડમરીઓ ઉડે ને આંખમાં ભરાય. બધાનાં મોં તો જાણે ભભૂતિ લગાવી હોય એવાં થઈ ગયેલાં. આખો કાફલો ગરમ ગરમ લુ થી સેકાવા લાગયો.

image source

ચોકીયાત બોલ્યા, ” મને તો હેન્ડલ માલતાં આવદે નઈ, તમે હેન્ડલ ભલાવી આપો , પછી હું જોઈ જોવું ” ડ્રાઈવરે જીપમાં હેન્ડલ ભરાવી આપ્યું ને બોલ્યો ” લો ચોકીયાત દેખાડો તમારૂ વઢિયારનું પાણી.” ગગજીએ હેન્ડલ હાથમાં લીધું. એમણે જેવાં એક…. ને ..બે.. હેન્ડલ માર્યાને ગાડી ચાલુ થઈ ગઈ . ફોજદાર બોલ્યા ” વાહ….હેન્ડલ” બસ ત્યારની ઘડીને આજનો દાડો. ત્યારથી ગગજીભાઈનું નામ પડી ગયું ‘હેન્ડલ’

પછીતો ગાડી પાછી વાળીને આવ્યા ગામમાં. ફોજદારે ગામના આગેવાનોને બોલાવ્યા અને તેમનો જીવ કેમ બ્ચ્યો એ બધી વાત કરીને ગગજીભાઈને રૂપિયા પાંચનું ઇનામ આપ્યું. આ ગગજીભાઈને બે પુત્રીઓ હતી, પુત્ર ના હતો એટલે ગામમાં હાલે તેમનો કોઈ વારસદાર નથી.

image source

(સત્ય ઘટના આધારિત)

લેખક : સરદારખાન મલેક

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ