શિયાળાની એક રાત – ખુબ જ સરસ સામાજિક મેસેજ સમજાવતી અદભૂત લઘુકથા…

*”જગત આખું હવે તો એમ લાગે શ્ર્વાસ મારો,*

*કરીશું હુંફનું ધન અમે, પચાવી લેશું શિયાળો હવે”*

image source

“ઓકે… બાય… સમીર હવે હું જાઉં છું…. જો ને યાર ઠંડી કેટલી છે ?? પાર્ટીમાં મજા તો બહુ આવી… કેટલા વખતે બધા મિત્રો મળ્યા. પણ શહેરથી દુર પાર્ટી પ્લોટમાં ઠંડી બહુ લાગી… ઘર પણ લગભગ18-20 કિ.મી. દૂર છે… હવે હું જાઉ છું….” કહેતા અતુલે બાઇકની કીક મારી. જાન્યુઆરીની રાત… ઠંડીથી ધૃજતો અતુલ બાઇક પર જતા વિચારતો હતો.. જો ને કેટલી કાતિલ ઠંડી છે…

image source

તલવાર વિંઝાય તો પણ જાણે બરફના ચોસલા પડે તેવી ઠંડી છે, મિત્રોને મળવાની લાલચ ન હોત તો આટલી ઠંડીમાં આટલે દુર આવત જ નહી. પણ અતુલના મિત્ર સમીરની બર્થ ડે પાર્ટી હતી. તેણે યાદ કરીને સ્કૂલ કોલેજના સમયના બઘા મિત્રોને બોલાવ્યા હતા. આમ તો હજી બઘા 27-28 ની ઉંમરના હતા એટલે પાર્ટીમાં મજા પણ ખૂબ આવી.

image source

ચાર-પાંચ વર્ષે બઘા મળ્યા એટલે વાતો પણ ખૂબ કરી પણ ઘરે જતા વખતે ઠંડીનું જોર ખબર પડ્યું. સ્વેટર – જેકેટ અને કાન પર પટ્ટી, ઉપરથી હેલમેટ હોવા છતાં અતુલ થરથર ધૃજતો હતો વિચારતો હતો કે ઘરે જઇને તરત હિટર ચાલુ કરીને બ્લેન્કેટ ઓઢીને સુઇ જવું પડશે અતુલને થયું કે આજ સુઘી કયારેય આટલી ઠંડી નથી લાગી. આમ પણ જયાં સુઘી જાત અનુભવ ન થાય ત્યાં સુઘી કોઇપણ પરિસ્થિતિની જાણકારી ન મળે. ઠંડીથી ધૃજતો અતુલ સામાન્ય ગતિથી બાઇક ચલાવી રહ્યો હતો. રસ્તામાં તેની નજર ચા ની કેબિન પર પડી. કોઇ જ વિચાર કર્યા વગર તેની બાઇક તે બાજુ વળી ગઇ.

image source

ચાની કેબિન પર છૂટાછવાયા આઠ-દસ લોકો ચાની મજા માણી રહ્યા હતા. અતુલ પણ બાઇક પાર્ક કરીને ખુરશી પર બેઠો અને ચાનો ઓર્ડર આપી થીજી ગયેલા હાથને ગરમ કરવા એકબીજા સાથે ઘસવા લાગ્યો સ્વેટર-જેકેટ ઠીક કરતા અતુલના કાને નાના બાળકોની વાતચીત સંભળાય.. તેની નજર તે દિશામાં ગઇ..ચાની કેબિનથી થોડે દૂર ફૂટપાથ પર દસ-બાર વર્ષની છોકરી અને તેનાથી નાનો એક છોકરો વાત કરતા હતા. જોતા જ સમજાય કે રસ્તા પર રહેતા ભિખારી હતા. નાનો છોકરો કહેતો હતો…”બેન આજે પણ ખાવાનું ન મળ્યું..? તે કહ્યું હતું ને કે રાત્રે કંઇક ખવડાવીશ.”

image source

અતુલ સમજી ગયો આ બન્ને ભાઇ બહેન છે. ભાઇની વાત સાંભળીને બહેન લાચારીથી બોલી.. “હા ભાઇ.. પણ જો ને આટલી ઠંડીમાં કોઇ બહાર નીકળેતો કંઇક મળે ને… આજે સુઇ જા. કાલે સવારે કંઇક ખવડાવીશ…”

image source

બેનની લાચારી પારખીને ભાઇએ પાણી પી લીઘું.. અને બોલ્યો…. “ભલે બેન, સુઇ જઇશ.. પણ બેન.. ઠંડી બહુ લાગે છે.. કંઇક ઓઢાડને…: અતુલે જોયું કે ભાઇના શરીર પર ફાટેલું-તૂટેલું સ્વેટર હતું. તેની બેને ફાટેલી ચાદર ઓઢી હતી. આટલી ઠંડીમાં આ સ્વેટર અને ચાદર સાવ નકામા હતા ભાઇની ઠંડી ઉડાડવા બેને પોતાના શરીર પરથી ચાદર દૂર કરી અને તેને ઓઢાડી દીઘી. ભાઇની ધૃજારી થોડી ઓછી થઇ. પણ બેન તો બીચારી થરથર ધૃજતી હતી. ભાઇને સમજાવીને સુવાડી દીઘો.

અતુલ હજી ત્યાં જોતો હતો. ત્યાં ગરમ ચા ની ખુશ્બુએ તેની નજર પાછી ફરી. અને કેબીનવાળા છોકરાના હાથમાંથી ચા નો કપ લઇને ગરમાગરમ ચા પી ગયો. ઠંડીમાં થોડી રાહત થઇ અને અતુલ ઘરે જતો રહ્યો.

image source

ઘરે પહોંચીને જોયું તો આટલી ઠંડીમાં પણ રાતે સાડા અગિયારે તેની મમ્મી તેની રાહ જોતી હતી. મમ્મીએ અતુલને ગરમ દૂધ પી લેવા આગ્રહ કર્યો, પણ અતુલે ના પાડી અને તરત પોતાના રૂમમાં જઇને બ્લેન્કેટ ઓઢીને સુઇ ગયો.

ઠંડીથી થીજી ગયેલો અતુલ ઊંઘવાનો પ્રયત્ન કરતો હતો. પણ તેની આંખમાં ઊંઘ ન હતી. વારેવારે તેની નજર સામે તે નાના ભાઈ બહેન આવી જતા હતા. તેમની લાચારી, તેમની ભૂખ, ઠંડીથી ધૃજતું તેમનું શરીર, તે બન્નેની વાતચીત એ બઘુ અતુલને ઊંઘવા દેતું ન હતું. તેના મગજમાં તે બન્નેના વિચાર જ આવતા હતા. આમ પણ અતુલનો સ્વભાવ પ્રેમાળ હતો.

image source

થોડીવાર વિચાર કર્યા પછી પોતાની ઠંડી અને થાક એક ઝાટકે દુર કરીને અતુલ ઊભો થયો રૂમની બહાર નીકળીને મમ્મીને ઊઠાડી. પોતાના માટે બનાવેલું દૂઘ ફરીથી ગરમ કરીને થર્મોસમાં ભર્યુ. મમ્મી પાસેથી થોડો નાસ્તો લીઘો અને ઘરમાં પડેલા બે જૂના ધાબળા લઇને ફરીથી બહાર નીકળ્યો.

image source

રાતના બાર વાગવા આવ્યા હતા ઠંડીનું રાજ છવાયેલું હતું. ઠંડીની પરવા કર્યા વગર ઝડપથી બાઇક ચલાવીને આઠ-દસ કિલોમીટર દૂર ચા ની કેબિન પાસે ગયો અને ફૂટપાથ પાસે બાઇક પાર્ક કરીને તે બન્ને તરફ આગળ વધ્યો. ભૂખ અને ઠંડીથી ત્રસ્ત બન્ને ભાઇ બહેન સુવાનો નિરર્થક પ્રયત્ન કરતા હતાં બન્ને કુતુહલથી અતુલ સામે જોવા લાગ્યા. અતુલે પહેલા તો બન્નેને ધાબળા ઓઢાડ્યા અને પછી થર્મોસમાંથી ગરમ દૂધ પીવડાવ્યું, અને સાથે લાવેલો નાસ્તો આપ્યો.

image source

દૂધ-નાસ્તો- ધાબળા જોઇને બન્નેની આંખમાં ચમક આવી ગઇ. એ ચમક જોઇને અતુલને જાણે પોતાનો થાક, ઠંડી ભૂલાઇ ગઇ. બન્નેને સુવાડીને પોતે પાછો ફર્યો. બાઇક સુઘી પહોંચ્યો ત્યાં ફરીથી બન્નેની વાતચીત કાને પડી.. “હે.. બેન.. આ કોણ હતું…?” “ભાઇ… કદાચ ભગવાન જ હતાં” અતુલના ચહેરા પર સંતોષનું સ્મિત આવી ગયું.ફરીથી બન્ને સામે જોઇને બાઇક ચલાવી લીઘી.

અતુલે રસ્તામાં જ નકકી કરી લીઘું કે કાલે બઘા મિત્રોને વાત કરશે. પાર્ટીમાં પૈસા બગાડવાને બદલે બઘા ભેગા થઇને થોડાક ધાબળા ખરીદશું અને રાત્રે ફૂટપાથ પર ઠંડીથી ધૃજતા લોકોના જીવનમાં થોડી રાહત આપવાનો પ્રયત્ન કરીશું…

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ